° °

આજનું ઇ-પેપર
Monday, 26 September, 2022


માઇન્ડ-પાવર

23 September, 2022 12:44 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘તો મનમાં એ જ રાખવાનું કે તું સ્ટ્રૉન્ગ છે...’ પપ્પાએ ઢબ્બુને ખોળામાં લીધો, ‘તને કોઈ હરાવી નહીં શકે, ક્યારેય હરાવી નહીં શકે.’

માઇન્ડ-પાવર મૉરલ સ્ટોરી

માઇન્ડ-પાવર

જેવું ત્રીજી વાર પડખું ઘસ્યો ત્યાં તેણે જોયું કે સામેથી બે બ્યુટિફુલ છોકરીઓ હાથમાં પાણીનો જગ અને ગ્લાસ લઈને આવતી હતી. પેલો માણસ બેઠો થઈ ગયો. પાણી માગ્યું અને પાણી હાજર થયું! પેલી બન્ને બ્યુટિફુલ છોકરીઓ તેની નજીક આવી. એકે પાણીનો ગ્લાસ ભર્યો અને બીજીએ પેલાને પાણી પીવડાવ્યું.

‘પણ હું પડી જઈશ તો...’
દિવસમાં ચોથી વાર ઢબ્બુએ આ પ્રકારની નકારાત્મક વાત કરી હતી અને પપ્પાએ એ નોટિસ પણ કર્યું હતું. 
મને લાગી જશે, હું પડી જઈશ, મને નહીં આવડે... એ પ્રકારનાં વાક્યો બોલવાની ઢબ્બુને છેલ્લા થોડા સમયથી આદત પડી હતી. આવી આદત તેનામાં પહેલાં નહોતી એટલે પપ્પાએ મમ્મીને પૂછી પણ લીધું હતું,
‘આજકાલ આ કોની સાથે રહે 
છે, દરેક વાતમાં આવી નેગેટિવ વાતો કરે છે...’
‘ખબર નહીં... કોઈ નવો ફ્રેન્ડ...’ પછી અચાનક જ મમ્મીને યાદ આવ્યું, ‘હા, ફર્સ્ટ ફ્લોર પર નવી ફૅમિલી આવી છે એનો દીકરો હમણાં તેની સાથે રમવા બહુ આવે છે.’
‘એ બોલતો હોય છે આ રીતે?’
‘મેં ઑબ્ઝર્વ તો નથી કર્યું પણ હવે ધ્યાન આપીશ...’
lll
એક વીક પછી મમ્મીએ સામેથી જ પપ્પાને કહ્યું.
‘આ આદત એની જ છે... એ જ આખો દિવસ આ પ્રકારની નેગેટિવ વાતો કરતો હોય છે.’
‘હંમ...’ પપ્પાએ બુકમાંથી નજર ઊંચી કરી, ‘શું નામ છે એનું?’
‘નામ તો...’ મમ્મીએ સાચું નામ જાણવાની કોશિશ કરી પણ તેને યાદ આવ્યું નહીં, ‘રિયલ નામ તો નથી ખબર પણ બધા એને બન્ટી કહે છે.’
‘હંમ...’
પપ્પાએ ટૉપિક પૂરો કરી નાખ્યો.
એ જ ટૉપિક ફરી ખૂલ્યો એક વીક પછી. ઢબ્બુ ઇમૅજિકા પાર્કની સતત ડિમાન્ડ કરતો હતો એટલે ઇમૅજિકા જવાનું નક્કી કર્યું અને ત્યાં જઈને તેના મોઢે વારંવાર એ જ વાત આવવાનું શરૂ થઈ ગયું.
‘ના, મને નહીં ફાવે, મને નહીં આવડે, હું પડી જઈશ, મને લાગશે...’
ઇમૅજિકામાં સતત ઢબ્બુના આ જ ડાયલૉગ્સ પપ્પાએ સાંભળ્યા. એ પછી ઇમૅજિકા ફરવાનું ચાલુ રહ્યું પણ એમ છતાં પપ્પાના મનમાં ઢબ્બુના એ શબ્દો એકધારા ઘૂમરાતા રહ્યા અને તેમણે નક્કી કર્યું કે વહેલી તકે હવે આ વાતનું સોલ્યુશન લાવવું.
પપ્પાએ અમલ એ જ રાતે કર્યો.
‘આ બન્ટી ક્યાં રહે છે?’
‘ફર્સ્ટ ફ્લોર...’ થાકેલા ઢબ્બુમાં એનર્જી આવી ગઈ, ‘કેમ, શું થયું એને?’
‘આપણે એને સ્ટોરી સાંભળવા બોલાવવો હોય તો...’
‘હમણાં બોલાવી લાવું...’ 
કાઉચ પરથી ઊતરીને ઢબ્બુ ભાગવા જતો હતો પણ પપ્પાએ રોક્યો. 
‘ઇન્ટકૉમ છેને, ફોન કરીને 
બોલાવી લે...’
‘એ હા... એ તો ભૂલી ગ્યો.’ 
ઢબ્બુએ જીભ બહાર કાઢી અને તરત જ ઇન્ટરકૉમ કર્યો.
‘આન્ટી, બન્ટી છે?’
સામેથી જવાબ સાંભળીને તેનો મૂડ સહેજ મરી ગયો એ મમ્મી અને પપ્પા બન્નેએ જોયું અને એના પરથી અનુમાન પણ બાંધી લીધું.
‘એ તો તેના મામાને ત્યાં ગયો છે... મોડેકથી આવશે.’
‘વાંધો નહીં...’ પપ્પાએ ઢબ્બુને તેડી લીધો, ‘એને તું સ્ટોરી કાલે કહી દેજે. આજે તું સાંભળી લે અને પછી ભૂલ્યા વિના એને કહેજે...’
‘ઓકે...’ ઢબ્બુ કાઉચ પર ગોઠવાઈ ગયો, ‘સ્ટાર્ટ કરો...’
પપ્પા સ્ટોરી શરૂ કરે એ પહેલાં ઢબ્બુએ પૂછી લીધું.
‘શેના ઉપર છે આ સ્ટોરી?’
‘માઇન્ડ ઉપર...’
‘એવી સ્ટોરીની તો બહુ જરૂર છે...’ ઢબ્બુએ ગ્રીન લાઇટ આપી, ‘સ્ટાર્ટ...’
‘એક મોટું જંગલ હતું, એ જંગલમાં એક કલ્પવૃક્ષ હતું.’
‘કલ્પવૃક્ષ એટલે?’ 
ઢબ્બુની અંદરનો ગૂગલકુમાર જાગ્યો.
‘કલ્પવૃક્ષ એટલે એવું ઝાડ જે તમારી બધી ઇચ્છા પૂરી કરે અને તમને જે જોઈએ એ આપે.’ પપ્પાએ સમજાવ્યું, ‘તમે એ ઝાડ નીચે બેસીને કંઈ પણ વિચારો કે બોલો એવું જ થાય અને તમારી સામે એ હાજર થઈ જાય.’
‘હું કહું કે મને પ્લે સ્ટેશન-ફાઇવ જોઈએ છે તો?’
‘તો કલ્પવૃક્ષ તને એ આપી દે...’
‘ને હું કહું કે મને હાયાબુસા બાઇક જોઈએ છે તો...’
‘કલ્પવૃક્ષ એ આપી દે પણ...’ પપ્પાએ ઢબ્બુના માથે હાથ ફેરવ્યો, ‘હાયાબુસા માટે લાઇસન્સ જોઈએ. કલ્પવૃક્ષ લાઇસન્સ આપે પણ બાઇક ચલાવવાની પરમિશન પપ્પા ન આપે હં... સમજાયું?’
‘હા.’ સહેજ મોઢું બગાડીને ઢબ્બુ ફરી સ્ટોરી પર આવ્યો, ‘પછી?’
‘એક માણસ હતો. બહુ લાંબેથી બિચારો ચાલતો આવતો હતો. અતિશય થાકી ગયો હતો. પાસે ખાવાપીવા માટે કશું નહોતું એટલે એ બિચારો મહામહેનતે ચાલી શકતો હતો. હવે તેનામાં કોઈ ત્રેવડ નહોતી રહી. મહામુશ્કેલીએ તે પેલા ઝાડ પાસે પહોંચ્યો અને ધડામ કરતો ઝાડ પાસે પડી ગયો. તેના મોઢામાંથી એક જ વાત નીકળતી હતી...’
lll
‘પાણી... પાણી...’ 
તેણે આજુબાજુમાં નજર કરી પણ ક્યાંય પાણી દેખાતું નહોતું અને પાણી વિના તેનું ગળું સુકાતું હતું.
‘જો થોડું પાણી મળી જાય તો...’
એ જે ઝાડ નીચે બેઠો હતો એ ઝાડ નીચે જ તેણે લંબાવવાની કોશિશ કરી પણ ભૂખ્યા-તરસ્યા એમ થોડી ઊંઘ આવે? એ બિચારો પડખાં ઘસતો રહ્યો.
એક, બે અને ત્રણ...
જેવું ત્રીજી વાર પડખું ઘસ્યો ત્યાં તેણે જોયું કે સામેથી બે બ્યુટિફુલ છોકરીઓ હાથમાં પાણીનો જગ અને ગ્લાસ લઈને આવતી હતી. 
પેલો માણસ બેઠો થઈ ગયો.
પાણી માગ્યું અને પાણી હાજર થયું!
પેલી બન્ને બ્યુટિફુલ છોકરીઓ તેની નજીક આવી. એકે પાણીનો ગ્લાસ ભર્યો અને બીજીએ પેલાને પાણી પીવડાવ્યું. 
અડધી સેકન્ડમાં તો પેલા માણસે આખો ગ્લાસ ખાલી કરી નાખ્યો.
‘વધારે આપું?’
પેલાએ હા પાડી એટલે ફરી 
ગ્લાસ ભરાયો અને પેલો એ પાણી પણ પી ગયો. 
બીજા પછી ત્રીજો ગ્લાસ અને ત્રીજા પછી ચોથો ગ્લાસ.
તેની પાણીની તરસ પૂરી થઈ એટલે પેલી બન્ને કન્યા ત્યાંથી રવાના થઈ ગઈ. ફરી પેલો એકલો પડ્યો એટલે તેણે હવે સૂવાની કોશિશ કરી. રાત પડવા આવી હતી પણ પેટમાં ભૂખના ભડકા ચાલુ હતા. તેને મનમાં થયું કે કાશ જો જમવાનું મળી જાય તો જલસા પડી જાય, પણ આવા ગાઢ જંગલમાં કોણ જમવાનું લઈને આવવાનું?
તેણે બિચારાએ સૂવાનો પ્રયત્ન કર્યો પણ ભૂખ સૂવા જ ન દે.
એ માણસે ઝાડની સામે જોયું. ઝાડ પર માત્ર પાંદડાં જ હતાં.
‘આના પર પણ કોઈ ફળ નથી.’ નજર ફેરવીને તેણે રસ્તા પર જોયું, ‘જો પેલી પાણીવાળી આવી હતી એમ અત્યારે મસ્ત જમવાનું લઈને આવે તો ખરેખર...’
છમ... છમ... છમ...
કલ્પવૃક્ષે પોતાની કમાલ દેખાડી દીધી હતી. પેલા માણસે જેવી ઇચ્છા દર્શાવી કે તરત જ કલ્પવૃક્ષે તેની ઇચ્છા પૂરી કરી અને બે બ્યુટિફુલ કન્યાને ફૂડ સાથે રવાના કરી.
lll
‘પપ્પા, બ્યુટિફુલ એટલે...’ 
જવાબ પણ ઢબ્બુએ જ આપી દીધો, ‘મમ્મી જેવીને?’
‘હા, એમ જ રાખ...’ ઢબ્બુના જવાબ પર મમ્મી ખડખડાટ હસી પડી, ‘હવે પપ્પા ના પણ નહીં પાડી શકે...’
ઢબ્બુને જોક પૂરો સમજાયો નહીં એટલે તેણે સ્ટોરી આગળ વધારવાનું કહ્યું અને પપ્પા માટે પણ એ જ ઑપ્શન બેસ્ટ હતો.
lll
છમ... છમ... છમ...
ઝાંઝરનો અવાજ આવ્યો એટલે પેલા માણસનું ધ્યાન અવાજની દિશામાં ગયું.
એ જ દિશા અને બીજી બે કન્યા. બન્નેના હાથમાં મોટા થાળ અને થાળમાંથી આવતી મઘમઘતી સુગંધ.
અરે, આ તો ખાવાની સુગંધ.
‘જમવાનું જ છે...’
પેલીએ કહ્યું કે તરત જ બીજી 
પણ બોલી. ‘અને તમારા જ માટે છે...’ 
બન્ને એ થાળ મૂક્યા. પેલા માણસે થાળમાં નજર કરી. બન્ને થાળ આખેઆખા ભરાયેલા હતા અને એમાં જાતજાતની ને ભાતભાતની વરાઇટીઓ પડી હતી. મીઠાઈઓ, ફરસાણ, તરહ-તરહનાં શાક અને અલગ-અલગ દાળ તથા કઠોળ.
પેલા માણસના મોઢામાંથી પાણી નીતરવા માંડ્યું. એ તો બિચારો ગરીબ માણસ હતો. અગાઉ તેણે આવું કશું જોયું પણ નહોતું. આજે પહેલી વાર તેની સામે આ પ્રકારની વરાઇટીઓ આવી હતી. એ બિચારો ગળગળો થઈ ગયો. તેણે પેલી બન્ને કન્યાને હાથ જોડ્યા અને કહ્યું,
‘હું જૈન છું, આ ફૂડ...’
‘આ જૈન જ છે.’ એક કન્યાએ પૂરી હાથમાં લીધી, ‘ખાસ તમારા માટે જ બનાવ્યું છે... જમો તમે.’
પેલો માણસ કશું બોલે એ પહેલાં તો પેલીએ તેના મોઢામાં કોળિયો 
મૂકી દીધો.
શું સ્વાદિષ્ટ ભોજન! શું એનો સ્વાદ! શું એની સોડમ!
પેલો તો બસ, ખાતો જ રહ્યો, 
ખાતો જ રહ્યો.
બન્ને થાળ બિલકુલ સફાચટ કરી ગયો. બે દિવસથી તે ભૂખ્યો હતો. ક્યાંય તેને ખાવાનું કશું મળ્યું નહોતું. આગલા દિવસે તો પાણી પણ મળ્યું હતું, આજે તો પાણી પણ ક્યાંય મળ્યું નહોતું અને અત્યારે, આ રીતે જંગલમાં તેને અચાનક જ જૈન ફૂડ મળી ગયું એટલે એ તો રાજી-રાજી થઈ ગયો હતો.
બન્ને થાળ ખતમ કરી તેણે મસ્ત મજાનો ઓડકાર લીધો.
પેલી બન્ને કન્યાનું પણ કામ પૂરું થયું હતું એટલે એ તો ખાલી થાળ લઈને રવાના થઈ ગઈ.
જતી વખતે પેલી કન્યાઓએ પેલા માણસને બાય પણ કર્યું. બન્ને રવાના થઈ કે તરત જ પેલા માણસને યાદ આવ્યું કે તેની પાસે સૂવાનો તો કોઈ સામાન છે નહીં. જંગલમાં બેડ તો મળે નહીં પણ જો તકિયો અને રજાઈ જેવું કંઈ મળી જાય તો...
‘હા રે, મારે તકિયા અને રજાઈ માટે કહી દેવાની જરૂર હતી.’
જેવું એ મોઢામાંથી બોલ્યો કે તરત...
lll
‘છમ... છમ... છમ...’
ઢબ્બુએ અવાજ કર્યો અને પપ્પાને હસવું આવી ગયું.
‘એક્ઝૅક્ટ્લી આવો જ અવાજ આવ્યો અને પેલા માણસનું ધ્યાન તરત જ અવાજની દિશામાં ગયું...’
lll
એ માણસે એ દિશામાં જોયું. એક કન્યાના હાથમાં રજાઈ હતી અને બીજીના હાથમાં તકિયો હતો.
‘તમારા માટે તકિયો અને રજાઈ લાવ્યા છીએ.’
‘ઓહ થૅન્ક યુ...’
lll
હવે કલ્પવૃક્ષ નીચે પેલાએ તકિયો ગોઠવી દીધો અને મસ્ત રીતે રજાઈ ઓઢીને એ તો સૂતો. સરસ રીતે તેણે પાણી પી લીધું હતું, મસ્ત રીતે જમી લીધું હતું અને હવે તેને સરસ મજાનાં તકિયો અને રજાઈ પણ મળી ગયાં હતાં.
સરસ મજાની નીંદર આવી જશે. 
આવું વિચારતાં-વિચારતાં તેણે આંખો બંધ કરી પણ જેવી આંખો બંધ થઈ કે બીજી જ ક્ષણે તેના મનમાં વિચાર ઝબકી ગયો.
આવી એ બન્ને હતી કોણ?
‘અરે બાપરે, ડાકણ?!’ તેના મોઢામાંથી અનાયાસે સરી ગયું, ‘ડાકણ હશે એ બેઉં... હા... એ જ હશે...’
એ જેવું બોલ્યો અને ત્યાં જ 
અવાજ આવ્યો.
છમ... છમ... છમ...
આ વખતે પેલી બ્યુટિફુલ છોકરીઓ નહીં પણ ડાકણ હતી, કારણ કે તેણે કલ્પવૃક્ષની નીચે એ ઇચ્છા દર્શાવી હતી અને કલ્પવૃક્ષ જેનું નામ, એ તો તમારા મનની વાત સાંભળીને એ પૂરી કરે.
બે ડાકણ આવી, બન્ને બહુ ભૂખી હતી. એ બેઉ પેલા માણસને ખાઈ ગઈ.
lll
‘મૉરલ ઑફ ધ સ્ટોરી...’
‘ક્યારેય ખરાબ અને ખોટું વિચારવું નહીં.’ જવાબ ઢબ્બુએ આપ્યો, ‘બધું સારું જ વિચારવાનું.’
‘ખબર છે તો પછી તું શું કામ ખરાબ વિચારે છે?’ પપ્પાએ ધીમેકથી ઢબ્બુને કહ્યું, ‘આ મારાથી નહીં થાય, આમાં હું પડી જઈશ, મને લાગી જશે... જો તું એવું ધારીશ તો એવું થશે; કારણ કે આપણું મન કલ્પવૃક્ષ છે, મન એ જ કરશે જે તમે ઇચ્છશો. તારી ઇચ્છા શું છે?’
‘સ્ટ્રૉન્ગ થવાની...’
‘તો મનમાં એ જ રાખવાનું કે તું સ્ટ્રૉન્ગ છે...’ પપ્પાએ ઢબ્બુને ખોળામાં લીધો, ‘તને કોઈ હરાવી નહીં શકે, ક્યારેય હરાવી નહીં શકે.’
ઢબ્બુએ મમ્મી સામે જોયું કે તરત જ મમ્મીએ મોઢું મચકોડ્યું.
‘સમજી ગઈ ચાંપલા... તને આમ સમજાવવાનો.’

સંપૂર્ણ

23 September, 2022 12:44 PM IST | Mumbai | Rashmin Shah

અન્ય લેખો

ઍબ્સ જિમમાં નહીં, હંમેશાં કિચનમાં બને છે

સેઝાન કહે છે, ‘જો ફિટનેસની બાબતમાં લેથાર્જિક હોત તો ચોવીસ કલાક હાર્નેસ પર ટીંગાઈને રહેવાનો આ રોલ હું ક્યારેય કરી શક્યો ન હોત’

26 September, 2022 04:46 IST | Mumbai | Rashmin Shah

ગરબા ચીલાચાલુ ડાન્સ નથી, એ તો છે દિવ્ય નૃત્ય

નવરાત્રિ પહેલાં કેટલાક વેધક સવાલો સાથે ‘મિડ-ડે’નાં રુચિતા શાહે અતુલ પુરોહિત સાથે કરેલી રસપ્રદ ચર્ચા પ્રસ્તુત છે 

25 September, 2022 12:48 IST | Mumbai | Ruchita Shah

1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ ૮)

ભારતીય સેના પર થતા અત્યાચારોની વાતો સાંભળીને અને વાંચીને હવે ઇન્દિરા ગાંધી પણ ઊકળવા માંડ્યાં હતાં. પાકિસ્તાની સેનાની નાપાક હરકત વિશે તેમણે ઇન્ક્વાયરી શરૂ કરી અને એ પછી જે વાતો સાંભળવા મળી એનાથી રીતસર તેમના શરીરમાં આગ લાગતી...

25 September, 2022 09:06 IST | Mumbai | Rashmin Shah

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK