Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > લવ યુ, હંમેશાં (પ્રકરણ - ૧)

લવ યુ, હંમેશાં (પ્રકરણ - ૧)

03 October, 2022 10:56 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘શું ફોન મૂકોની લપ કરો છો... પૈસા મારા પડી ગયા ને ચચરાટ તમને થાય છે.’ રૉન્ગ નંબરે તમને પરખાવી દીધું, ‘જો બહુ ઉતાવળ હોય તો તમે ફોન મૂકી દો. મેં ક્યાં તમને માના સમ આપ્યા છે’

લવ યુ, હંમેશાં (પ્રકરણ - ૧) વાર્તા-સપ્તાહ

લવ યુ, હંમેશાં (પ્રકરણ - ૧)


તમે આવીને ફ્લૅટનો દરવાજો ખોલ્યો. ફ્લૅટ અસ્તવ્યસ્ત હતો. 
સવારે મૂકીને ગયા હતા એવો જ અસ્તવ્યસ્ત. ટિપાઈ પર ચાનો કપ પડ્યો હતો અને બાજુમાં નાસ્તાની પ્લેટ પડી હતી. રોજની જેમ વધેલો નાસ્તો ડબ્બામાં ભરવાનું ભૂલી ગયા હતા. ભીનો ટુવાલ પણ ખુરશી પર પડ્યો હતો. 
તમે ફ્લૅટનો દરવાજો બંધ કર્યો. 
ઑફિસથી પાછા આવ્યા પછી હજુ પણ તમારે ઘણાં કામો કરવાનાં હતાં. કપડાં ધોવાનાં હતાં, દૂધ ગરમ કરવાનું હતું. રાતનાં વાસણો ધોવાનાં હતાં. રસોઈ કરવાની હતી અને રાતે બહાર પણ જવાનું હતું, ક્યાં જવાનું હતું? 
ક્યાંક જવાનું હતું, પણ ક્યાં? તમને યાદ નથી આવતું અને તમે યાદ કરવાની કોશિશ પણ નથી કરતા. સમયે જાતે જ યાદ આવી જશે એવા ભાવથી.
શૂઝ ઉતાર્યા વિના તમે સોફા પર લંબાવ્યું. પાંચેક મિનિટ આરામ કરવાના ઇરાદે.
lll
‘હવે તો તને મુંબઈમાં ચાર વરસ થઈ ’ગ્યાં, તું ટકી ગ્યો ન્યાં...’ તમને દાદીમાની સલાહ યાદ આવી ગઈ, ‘લગન કરી લે તો નિરાંત થાય.’ 
‘બા, આઠ ને બારની ફાસ્ટ લોકલ સાથે લગ્ન કર્યા પછી બીજી સચવાશે નહીં.’ 
હસતાં-હસતાં તમે જવાબ આપ્યો, પણ દાદી કશું સમજી નહોતી. તમને હસતા જોઈને એ પણ હસવા માંડી અને કહ્યું, 
‘આ તમારી મુંબઈની બોલી મને સમજાય નઈ... ખાલી એટલું સમજાણું તું જે કહે છે એ છોકરીનું નામ નથી.’ 
lll
અત્યારે પણ તમને હસવું આવી ગયું. ભાડલાની વાત યાદ કરી, છેક બોરીવલીમાં.
વતનથી દૂર રહેવું હવે તમને ફાવી ગયું હતું. ઘડિયાળના સેકન્ડ કાંટા જેવી જિંદગી હતી. આઠ ને બારની ફાસ્ટ, લંચનો ડબ્બો, છને વીસની ફાસ્ટ અને પછી સવાર સુધી એકલતા. શરૂઆતમાં આ એકલતા તમને નાસૂર બની ભોંકાતી, પણ પછી તમને આદત પડી ગઈ. ઓશોના એક વિધાનને તમે જીવનમંત્ર બનાવી લીધું હતું. 
કશું વસમું હોતું નથી, માત્ર આદત પડવાની રાહ હોય છે. 
ટિપાઈ પરથી રિમોટ લેવા તમે હાથ લંબાવ્યો, પણ રિમોટ દૂર હતું. ઊભા થવાને બદલે તમે પગથી પાયો ખેંચી ટિપાઈ નજીક ખેંચી. 
આ આળસ હતી કે કામને સરળ કરવાની રીત, એ તમને પણ સમજાતું નહોતું.
તમે રિમોટ હાથમાં લીધું, રિમોટનું કવર ફાટી ગયું હતું અને તમે દરરોજ નવું કવર લાવવાનું ભૂલી જાવ છો. રિમોટ કવર શું કામ, તમને રૂમાલ અને અન્ડરવેઅર લાવવાનું પણ ક્યાં યાદ રહે છે? શૉવર લીધા પછી અન્ડરવેઅર યાદ આવે અને તમે મન મનાવો કે ફાલતુ કામ ભુલાવાનો અફસોસ કરવાનો નહીં. મન મનાવતી વખતે તમને બાપુજીના શબ્દો પણ યાદ આવતા. 
‘જે કામ કરવાની દાનત હોય એ કામ ક્યારેય ભુલાતા નથી હોતા.’ 
મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરવા રિમોટની સ્વિચ દબાવી, પણ વ્યર્થ.
સેલ લેવાનું પણ તમે ભૂલી ગયા છો. હવે તમે ગુસ્સો રિમોટ પર ઉતાર્યો. પગ પર પછાડીને. સિસ્ટમ ચાલુ થઈ ગઈ. એકદમ લાઉડ વૉલ્યુમ સાથે.
આરતી મુનશીનો અવાજ ઘરમાં પથરાઈ ગયો.
આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસૂડો લાલ, 
રંગને સુંગધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ
બે દિવસ પહેલાં જ દશેરાની રજા ગઈ. ધાર્યું હોત તો તમે ભાડલા જઈ શક્યા હોત, પણ તમે જવાનું ટાળ્યું. ગામના પાદરનો ઘેઘૂર વડલો અને વડલાને હાઉકલી કહીને વહેતી નદી હજુય તમારા માનસ પર અકબંધ હતી. વીસેક ફુટ પહોળી નદી ને નદીના સામા કાંઠે મહાદેવનું મંદિર. રજાના દિવસે નદી થાકે નહીં ત્યાં સુધી પાણીમાં ધુબાકા મારવાના અને પછી બોર વીણવાંનાં. સાંજે બધાં બોર એકઠાં કરી સાથે ભાગ પાડવાનો. આ ટીન્યાનો ભાગ ને આ બચુનો ભાગ ને આ રાકલાનો ભાગ ને આ ભગવાનનો ભાગ. ભગવાનનો ભાગ એમ જ નદીકિનારે મૂકી તમે ભાઈબંધો પોતપોતાના ઘરે ચાલ્યા જાય. બધા એવું માનતા કે રાતે ભગવાન મંદિરમાંથી બહાર આવી પોતાના ભાગનાં બોર લઈ જાય. 
રાતે ઘરે પાછા આવીને ચડ્ડીનાં ખિસ્સાં ખાલી કરો, બોર સાથે ભાગમાં આવેલા બે-ચાર કાતરા બાના હાથમાં મૂકવાના. બા મલકે અને તમે પોરસાઈ જાઓ. કાતરાની ચટણી બાપુજીને અનહદ વહાલી એ તમને ખબર હતી અને એટલે જ વધુ કાતરા માટે તમે... 
ટ્રીન... 
ટેલિફોનની ઘંટડીએ તમારા શૈશવની સ્મરણયાત્રામાં ખલેલ પાડી. 
ટ્રીન... ટ્રીન.... 
‘હલ્લો...’ સામેથી કોઈ યુવતીનો અવાજ આવ્યો.
‘હા, બોલો.’ 
તમારા અવાજમાં અણગમો હતો, ખાતરી હતી કે એ રૉન્ગ નંબર છે. જોકે તમારો અવાજ સામેના છેડા સુધી પહોંચ્યો નહોતો. મ્યુઝિકનું વૉલ્યુમ આ અને સામેના છેડે નડતર બનતું હતું. તમે રિમોટને સાથળ સાથે ઠપકાર્યું, પણ આ વખતે રિમોટે આપ્યો નહીં.
‘હલ્લો...’ 
તમે તમારા અવાજનું વૉલ્યુમ વધારી દીધું. 
‘તમે દામિની તો નથી જ’ 
‘વૉટ?’ વાહિયાત વાત સાંભળી તમારા ચહેરાનો નકશો બદલાયો, ‘કોનું કામ છે?’ 
‘દામિનીનું, પણ મને લાગે છે કે આ રૉન્ગ નંબર છે.’ 
‘તો ફોન મૂકી દો...’
‘કેમ, રૉન્ગ નંબરમાં ઇનકમિંગનો ચાર્જ પણ લાગે?’ 
રૉન્ગ નંબરનો ફોન મૂકવાની કોઈ ઉતાવળ નહોતી. 
‘અરે, તમે માણસ છો કે નહીં... તમારે જેનું કામ છે એ નથી તો ફોન મૂકોને...’ 
‘શું ફોન મૂકોની લપ કરો છો... પૈસા મારા પડી ગયા ને ચચરાટ તમને થાય છે.’ રૉન્ગ નંબરે તમને પરખાવી દીધું, ‘જો બહુ ઉતાવળ હોય તો તમે ફોન મૂકી દો. મેં ક્યાં તમને માના સમ આપ્યા છે.’ 
અરે, હા! એણે કયાં માના સમ આપ્યા છે કે તમે ફોન પકડીને બેઠા છો.
તમારા દિમાગની ટ્યુબલાઇટનું સ્ટાર્ટર જરા મોડેથી ઝબક્યું.
રિસીવર તમે ક્રૅડલ પર મૂકી દીધું. 
- છોકરી હતી જ એવી, મગજની નસ ખેંચાઈ જાય. ગળે પડતી હતી...
રૉન્ગ નંબરના વિચારોમાંથી બહાર આવવા તમે ઘડિયાળ સામે જોયું. સાત વાગવામાં પાંચ મિનિટની વાર હતી. સાત વાગ્યે કામે વળગવાનું નક્કી કરી તમે આંખો બંધ કરી. 
ટ્રીન... ટ્રીન... 
હજુ તો એકાદ ક્ષણ થઈ હશે ત્યાં ફરી ફોનની રિંગ વાગી. 
‘હેલો...’ 
‘ફરી મને જ ફોન લાગ્યો છે...’ 
રૉન્ગ નંબરનો અવાજ તમે ઓળખી ગયા. વાત આગળ વધે એ પહેલાં તમે ચોખવટ કરી લીધી.
‘હા, ખબર છે. તમારું કામ છે.’ 
‘બોલો.’ 
‘તમે અત્યારે શું સાંભળો છો...’  
‘શું...?’ 
તમારો અવાજ ફાટી ગયો હતો. 
‘હમણાં ફોન કર્યોને...’ રૉન્ગ નંબરે સવાલમાં વજન ઉમેર્યું, ‘ત્યારે તમે શું સાંભળતા હતા, કઈ સીડી હતી?’ 
‘અંબેમાનાં ભજનની.’ 
‘હંમ...’ સામેથી લાંબો હોંકારો સંભળાયો, ‘અંબેમા સાંવરિયાને હોળી રમવા બોલાવે એ આજે ખબર પડી.’ 
‘ભાઈ...’ 
‘બેન...’ સામેથી સ્પષ્ટતા થઈ. 
‘હા ભાઈ, બેન.’ તમે ભૂલ તરત સ્વીકારી લીધી, ‘હવે તમે ફોન મૂકશો?’ 
‘કેમ, લૅન્ડલાઇનમાં ઇનકમિંગ ચાર્જ લાગે છે...’
‘ના...’
‘તો રોમિંગ...’ 
‘ના...’ 
‘તો પછી વાત કરોને નિરાંતે. મફત છે.’ 
તમારી કમાન છટકી ગઈ.
હોઠ સુધી આવેલી ગાળ તમે માંડ દબાવી. તમે રિસીવરનો ઘા કર્યો. 
- ખરી છોકરી છે, ન જાણ, ન પિછાણ ઔર મેં તેરી મહેમાન. ગળપડુ, સાલ્લી 
તમારું દિમાગ ઘૂમી ગયું હતું 
- મારા ઘરમાં હું શું સાંભળું એ પૂછવા ફોન કરે છે. અરે, હું માતાજીનાં ભજન સાંભળ્યું કે મરશિયા વગાડું, તેના પિતાશ્રીનું શું જાય છે? 
મનમાં આવતી ગાળો હજુ તો તમે આપો એ પહેલાં જ ફોનની ઘંટડી ફરી રણકી. 
ટ્રીન... ટ્રીન... 
ના, ફોન નથી ઉપાડવો. તેને પણ ખબર પડે. 
ફોનની રિંગ વાગતી રહી. 
ટ્રીન... ટ્રીન... 
ફોનની રિંગ તમને અકળાવે છે પણ નક્કી છે, ફોન નથી જ ઉપાડવો. 
ટ્રીન...ટ્રીન... 
રૉન્ગ નંબરને બદલે હવે તમે મહાનગર ટેલિફોન નિગમને ભાંડવા માંડ્યા. કેટલા ફ્રેન્ડ્સે કહ્યું કે મોબાઇલ નહીં વાપરતો, ઍટ લીસ્ટ કૉલર આઇડીની ફૅસિલિટી તો લઈ લે, પણ તમે ઓલ્ડ જનરેશનમાં જ રહેવા માગતા હતા.
ટ્રીન... 
ફોનની ઘરેરાટી બંધ થઈ અને તમને હાશકારો થયો.
ઊભા થઈને તમે મ્યુઝિકનું વૉલ્યુમ વધારી દીધું.
દરિયાનાં મોજાં કંઈ, રેતીને પૂછે 
તને ભીંજાવું ગમશે કે કેમ..
એમ પૂછીને થાય નહીં પ્રેમ.
lll
ટ્રીન ટ્રીન... 
ઊંઘમાં પણ તમને ફોનની રિંગ સંભળાતી હતી. કારણ વિના એક પણ શબ્દની વાતચીત નહીં કરનારા આજે તમે ફાલતુમાં એકાક્ષરી ચર્ચાઓમાં પણ પડ્યા હતા એ તો સાચું જ છે. 
ટ્રીન... ટ્રીન... 
તમારી ઊંઘ તૂટી. આજે આખી રાત તમને ટેલિફોનની રિંગના ભાગકારા વાગ્યા હતા. ત્રણેક વાર આંખ ખૂલી હતી અને હવે ચોથી વાર બન્યું હતું. 
તમે બારીમાં જોયું. ઓગળતા અંધકારને જામી જવાની પ્રક્રિયા કેસરી આકાશે શરૂ કરી દીધી હતી. લોકમાન્ય તિલક માર્ગ ફરી જાગવાની તૈયારીમાં હતો. 
ટ્રીન... ટ્રીન... 
- અરે આ તો સાચે જ ફોનની રિંગ છે. દાદીમાની તબિયત... 
‘હેલો...’ 
અમંગળ વિચાર મનમાં ઝબકી ગયો.
‘અરે, ધીમે.’ સામેથી અવાજ આવ્યો, ‘હું છું, સાંજે ભૂલમાં ફોન કર્યો હતો.’
તમારી છાતીના ધબકારા વધી ગયા.
‘હું જ છું. મને આખી રાત ઊંઘ આવી નહીં... તમને વાત કહેવાની રહી ગઈ એટલે.’ 
- અરે, હું તેને અને તે મને મને ઓળખતી નથી તો પણ કહે છે કે વાત કહેવાની રહી ગઈ એટલે ઊંઘ ન આવી... 
તમને ગુસ્સો આવતો હતો, હસવું આવતું હતું. રડવું પણ આવતું હતું. 
‘જુઓ, તમે મને ફોન કરતાં નહીં. મારા ભાઈને ગમશે નહીં અને ઘરમાં...’ 
‘મારી પાસે તમારા નંબર જ નથી.’ 
તમે જવાબ આપ્યો, પણ સાવ અવળો. તમારે કહેવાનું હતું કે ફોન કરું જ શું કામ એને બદલે તમારાથી કહેવાઈ ગયું કે મારી પાસે તમારા નંબર નથી. 
‘તમારે ત્યાં કૉલર આઇડી નથી?’ સામેથી આવતા અવાજમાં નિરાંત ભળી, ‘હું આખી રાત ખોટી ચિંતા કરતી રહી.’ 
તમે કંઈ કહો એ પહેલાં તેણે કહ્યું.
‘વાંધો નહીં. અત્યારે સૂઈ જાવ. આઠ વાગ્યે ફોન કરું ત્યારે શાંતિથી વાત કરીશું...’
બસ, તમે તેને સાંભળી રહ્યા. 
કોઈ કારણ વિના. કોઈ જાતના સંબંધ વિના. 
તેણે તમને મનની વાત કહી દીધી હતી. એ આખી રાત ચિંતા કરતી રહી અને તમારી સંભાળ લેવાના ભાવથી તમને સૂઈ જવાનું કહ્યું હતું. એણે તમને આદેશ પણ આપી દીધો હતો, હું આઠ વાગ્યે ફોન કરું છું અને, અને તમે ચૂપચાપ બેસી રહ્યા, ફોનનું રિસીવર હાથમાં પકડીને, મોઢામાંથી એટલું પણ કહી ન શકયા કે મારી મા, આ ફોન તું કયા માનમાં કરે છે. બંધ કર તારા પૈસા વેડફવાનું અને મારા મગજની નસ પર ઝૂલા ખાવાનું. 

વધુ આવતી કાલે


Whatsapp-channel Whatsapp-channel

03 October, 2022 10:56 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK