Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > લવ-સ્ટોરી (પ્રકરણ ૩)

લવ-સ્ટોરી (પ્રકરણ ૩)

21 September, 2022 10:40 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘તો, કૈસી બાત હૈ... વો ચૅનલવાલે ચૅટર-બૉક્સ કે સાથ રહના હૈ?’ મારા પગ નીચેથી ધરતી સરકવા માંડી, ‘મોના, યે બેટીયાં તો મેરી હૈ ના?’

લવ-સ્ટોરી (પ્રકરણ ૩) વાર્તા-સપ્તાહ

લવ-સ્ટોરી (પ્રકરણ ૩)


શરીફની ટ્રાન્સફરના બે જ મહિના પછી મારી પણ ટ્રાન્સફર થઈ અને બે પોસ્ટિંગ પછી ફરી હું અને શરીફ એક શહેરમાં એકઠાં થયાં. વચ્ચેના સમયગાળામાં ફોન પર વાત થતી, પણ એક શહેરમાં ફરી પોસ્ટિંગ પર આવવાને કારણે રૂબરૂ મળતાં થયાં.
ત્રણ મહિના પછી મારા બર્થ-ડેની સવારે શરીફે ફોન પર મૅરેજ માટે પ્રપોઝલ મૂકી.
આઇએએસ થયા પછી હું મર્યાદિત ગ્રુપ વચ્ચે આવી ગઈ હતી. લગ્ન કરવાં હતાં પણ કોઈ એવા સાથી સાથે, જે ખરેખર મર્દ હોય. શરીફના મર્દાના સ્વભાવ સામે તેના બીજા અવગુણોની અવગણના કરી શકાય એવું ધારીને મેં હા પાડી દીધી. વિધર્મી હોવા છતાં મને આ મૅરેજ સામે વાંધો નહોતો અને ફૅમિલીનો વાંધો પણ લાંબો ટક્યો નહીં. જોકે મૅરેજના એક જ વર્ષમાં મને સમજાયું કે પુરુષ મર્દ જ હોવો જોઈએ, પણ વાત-વાતમાં મર્દ બનીને ઊભા રહેનારાને મર્દ નહીં, માથાભારે કહેવાય. આ વાત મને સમજાઈ ત્યારે સાક્ષીનો જન્મ થઈ ગયો હતો.
અમે બન્ને જે સ્થાને હતાં, સમાજ અમને જે દૃષ્ટિથી જોતો હતો એ જોતાં ડિવૉર્સ શક્ય નહોતા. બસ જિંદગી નનિભાવવાની હતી અને અપેક્ષા રાખવાની હતી કે કોઈ મુખ્ય પ્રધાન અમને બન્નેને ઉત્તર-દક્ષિણનાં પોસ્ટિંગ આપી દૂર કરે.
આ જ પિરિયડમાં કલેક્ટરને બબલી કહેનારા કરણને મળવાનું થયું. 
શરૂઆતમાં તો હું કરણ સાથે મર્યાદાથી વર્તતી, પણ કરણ હતો એવો કે તમે તેની સાથે ચોક્કસ મર્યાદા સાથે રહી ન શકો. પરાણે વાતો કરાવે, પરાણે વહાલો લાગે. એજમાં કરણ મારાથી અઢી વર્ષ નાનો. 
lll
‘તૂમ મુઝે બબલી કહતે હો?’
‘ક્યા?’ 
મેં એકાએક પૂછ્યું એટલે કરણ હેબતાયો. 
‘નહીં રે, કિસને કહા?!’ 
‘જૂઠ મત બોલો.’ 
કરણનો મોબાઇલ હાથમાં લઈને મેં મારા ફોનથી તેને કૉલ કર્યો. કરણ મોબાઇલ ખેંચી લેવા ઊભો થયો, પણ તે હિંમત કરી શક્યો નહીં. હું ઍડિશનલ કલેક્ટર એટલે અને કાં તો હું ક્રૂર પોલીસ ઑફિસરની વાઇફ હતી એટલે અને કાં તો અમારા વચ્ચે સ્પર્શની આપ-લે ન થાય એની તકેદારી રાખવાની દૃષ્ટિએ.
‘રહ ભી શકોગે તુમ કૈસે, હો કે મુઝ સે જુદા, 
ફટ જાએગી દિવારેં, સુન કે મેરી સદા 
આના હોગા તુમ્હેં મેરે લિયે, 
સાથી મેરી, સુની રાહ કે
તુમ બિન જાઉં કહાં, કિ દુનિયા મેં આ કે 
કુછ ન ફિર ચાહા સનમ, તુમ કો ચાહ કે...’
મને એટલી ખબર હતી કે તેણે મારું નામ બબલી તરીકે સેવ કર્યું છે, પણ નહોતી ખબર કે એ નામ સાથે તેણે આ ગીતની કૉલર-ટ્યુન સેટ કરી છે.
 ‘બન્ટી કૌન હૈ?’ કરણ ચૂપ રહ્યો એટલે મેં જ પૂછી લીધું, ‘શરીફ હૈ બન્ટી?’
કરણના ફેસ પર શરારતી સ્માઇલ આવ્યું. બન્ને મોબાઇલ હવે તેના હાથમાં હતા.
‘યા તો તુમ મુઝે બબલી કહના બંધ કરો, યા ઉસે બન્ટી કહના બંધ કરો...’
કરણ ચાલ્યો ગયો. થોડી વાર પછી ફોનની રિંગ સંભળાઈ. ફોન ડ્રૉઅરમાં હતો અને હું મીટિંગમાં. મીટિંગ પછી મેં મિસ્ડ-કૉલ જોયો. સ્ક્રીન પર બન્ટી લખ્યું હતું.
મને નવાઈ લાગી અને ગુસ્સો પણ આવ્યો કે કરણે શું કામ શરીફનું નામ એડિટ કરીને બન્ટી લખ્યું અને એ પણ મારા ફોનમાં. જોકે એ સમયે ગુસ્સો દબાવીને મેં બન્ટીને, સૉરી, શરીફને ફોન લગાવ્યો. 
‘હેલો...’ 
સામેથી કરણનો અવાજ સંભળાયો અને મને હસવું આવી ગયું.
‘ફોન મૂક, હરામખોર...’
lll
કરણને કારણે મને ફરીથી જિંદગી જીવવા જેવી લાગવા માંડી. લાઇફમાં હળવાશ આવી. આ રિલેશનનો તેને કોઈ લાભ લેવો નહોતો. એક વાર ચૅનલમાંથી તેને શો-કૉઝ નોટિસ આપવામાં આવી. મેં કહ્યું કે હું ચૅનલના મૅનેજિંગ ડિરેક્ટરને વાત કરું, પણ તેણે ચોખ્ખી ના પાડી દીધી. કરણના બર્થ-ડે પર મેં તેને આઇફોન મોકલ્યો, જે ખરીદવા તે સેવિંગ્સ કરતો હતો, પણ એ જ સાંજે આવીને કરણ ફોન પાછો આપી ગયો. કહેતો ગયો, ‘ગલતી સે ભી ઐસી ગલતી દુબારા મત કરના...’ 
મેં બહુ સમજાવ્યો, પણ કરણ માન્યો નહીં.
‘આપ જહાં હો વહાં પે ફાઇલ પાસ કરને કે કરોડો મિલતે હૈં ઔર મૈં જહાં હૂં વહાં ઐસી સ્ટોરી કરને પે કરોડોં કી નામના... મૈં નહીં ચાહતા કિ મેરે કારણ આપ કો કોઈ તકલીફ હો ઔર આપ ભી ઐસા હી ચાહતી હોગી.’
lll
જેમ-જેમ મારા અને કરણના સંબંધોમાં ઘનિષ્ઠતા આવતી ગઈ એમ-એમ મારા મનમાં ઉચાટ વધતો ગયો. મને શરીફનો ડર લાગતો હતો. શરીફને આ રિલેશનનો કોઈ અણસાર નહોતો અને તો પણ મને શરીફની બીક લાગતી હતી. મેં કે કરણે કાંઈ ખોટું નહોતું કર્યું. અમારી વચ્ચે હેલ્ધી રિલેશનશિપ હતી. એકબીજાને પામવાનો કોઈ પ્રયાસ નહોતો. બન્ને પોતપોતાની મર્યાદા સમજી શકે એટલાં સક્ષમ હતાં અને છતાં મને શરીફની બીક હતી. એ જડ બુદ્ધિનો માણસ ક્યારેય અમારાં રિલેશન સ્વીકારી નહીં શકે.
મને પહેલી વાર વિચાર આવ્યો કે હવે મારે અહીંથી બીજે ટ્રાન્સફર લેવી જોઈએ. કરણ સાથેના રિલેશનમાં બ્રેક મારવા ટ્રાન્સફર સિવાય બીજો કોઈ ઉપાય જ નથી.
શરીફ કે કરણને જાણ કર્યા વિના મેં સચિવાલયમાં વાત કરી, પણ સચિવાલયમાં શરીફના પાલતુ 
વધારે હતા.
lll
‘ક્યોં, તુમ્હેં સાથ નહીં રહના?’ 
બે દિવસમાં શરીફને ખબર પડી ગઈ. 
‘નહીં, ઐસી બાત નહીં હૈ...’
‘તો, કૈસી બાત હૈ... વો ચૅનલવાલે ચૅટર-બૉક્સ કે સાથ રહના હૈ?’ મારા પગ નીચેથી ધરતી સરકવા માંડી, ‘મોના, યે બેટીયાં તો મેરી હૈ ના?’ 
એ રાતે મને સમજાયું કે મારી અને કરણની આ રિલેશનશિપનો અંત કેવો આવશે. જોકે અંત મારી કલ્પના કરતાં વધુ ખતરનાક હશે એની મને ખબર નહોતી. 
lll
મોનાને એ વાત સમજાઈ હોત, જો તેણે શરીફના મનની વાત જાણવાની કોશિશ કરી હોત. શરીફ બરાબરનો અકળાયો હતો અને તેણે મોનાની રજેરજ માહિતી મેળવી રાખી હતી. શરીફે ક્યારેય ન લખી હોય એવી ડાયરીનાં પાનાંઓ કંઈક આવાં હતાં...
lll
બન્ને પર, ના મોના પર મને વધારે ગુસ્સો હતો. કરણ મારો કોઈ સગો નહોતો એટલે મને તેના પર ગુસ્સો કરવાનો કોઈ અધિકાર પણ નહોતો.
મૅરેજ પછી હું મોનાને પ્રેમથી ‘મોના ડાર્લિંગ’ કહેતો. વિલન અજિતની સ્ટાઇલથી, પણ એ ખરેખર હરામી નીકળશે અને મને અજિતની જેમ વિલન બનાવશે એવું મારા મનમાં પણ નહોતું. જો મોનાના સેક્રેટરી મનોજ બચકાનીવાલાએ મને કહ્યું ન હોત તો હું હજીય અંધારામાં જ હોત.
હમણાં દિલ્હી જવાનું વધુ રહેતું. પહેલાં તો બેચાર દિવસ બહાર જવાની વાત આવે તો પણ મોનાનું મોઢું ચડી જતું, પણ આઠેક મહિનાથી તેને કોઈ ફરક નહોતો પડતો. મોનાના આ વર્તાવ પર મારું ધ્યાન ન ગયું હોત, પણ એક વાર મેં રાતે મોનાને બંગલાના નંબર પર ફોન કર્યો, જે ફોન વૉચમૅને ઉપાડ્યો. વૉચમૅને જવાબ આપ્યો કે મૅડમ ગાર્ડનમાં સાક્ષી બેબી અને ઈશા બેબી સાથે રમે છે. 
હું કંઈ વધુ પૂછું એ પહેલાં તો તેણે કહ્યુંઃ ‘ચૅનલવાળા કરણ સર પણ આવ્યા છે.’
મારા ફોનનો મેસેજ ન આપવા માટે મેં તેને સમજાવી લીધો. મોઢું બંધ રાખવાની આ સમજણ નાના માણસો ઇન્કમની નજરે જોતા હોય છે.
મેં મન મનાવ્યું કે કરણ સ્ટોરી માટે બાઇટ લેવા આવ્યો હશે, પણ ન્યુઝપેપરમાં એવી કોઈ ઘટના દેખાઈ નહીં જેને કારણે કરણે રાતે ૧૨ વાગ્યે બંગલા પર આવવું પડે.
પાછો આવીને મોનાનું વર્તન ઑબ્ઝર્વ કરવાનું શરૂ કર્યું. જે મને ફાવે નહીં. સ્વભાવ મારો વન-ટૂ-થ્રી કરવાનો, પણ ખુદા કસમ હું નહોતો ઇચ્છતો કે મોનાને નુકસાન થાય, એટલે બીજા દિવસે મનોજ બચકાનીવાલાને ઑફિસ બોલાવ્યો. 
મનોજ સીધો તો કામ કરે એમ નહોતો એટલે ફોન પર જરા ધમકાવ્યો. ધમકીની બરાબર અસર થઈ અને મનોજ સીધો ઑફિસ આવી ગયો.
‘આજકલ વો ચૅનલવાલા ઑફિસ પે બહોત આતા હૈ.’ મનોજના ચહેરા પરથી લાગ્યું કે તે ગલ્લાંતલ્લાં કરશે, ‘ઝૂઠ કા એક હી નતીજા હૈ... દસ સાલ જેલ મેં.’ 
‘સર, છોટે મૂંહ સે બડી બાત હો જાએગી.’
‘નહીં બતાયા તો બડે હાથોં સે છોટી મૌત હો જાએગી.’ મેં ચોખવટ કરી દીધી, ‘ભૂલ જાઓ વો તુમ્હારી મૅડમ હૈ ઔર યે ભી ભૂલ જાઓ કિ વો મેરી બીવી હૈ.’
‘સર, સબ કો પતા કિ કરણ ઔર...’ 
મનોજ અટકી ગયો એટલે કરણ સાથે મોનાનું નામ જોડવાનું કામ મેં આસાન કર્યું.
‘દોનોં કે બીચ લફડા હૈ, આગે ક્યા...’
‘એક ચૅનલવાલા તો દોનોં પે અનોખી લવ-સ્ટોરી નામ સે સ્ટોરી ભી કરનેવાલા હૈ.’
મારી કમાન છટકી.
આઇપીએસ ઑફિસર શરીફ પઠાણની વાઇફ પર સ્ટોરી થાય, ન્યુઝપેપરમાં તેનું નામ આવે એ મને ગમે, પણ એક પ્રેમકથામાં તેનું નામ આવે, એક્સ્ટ્રામૅરિટલ રિલેશનશિપ સાથે તેનું નામ જોડાય એ હું કેમ સહન કરું?
ત્રીજા કોણ તરીકે મને મારી જાત જોવી મંજૂર નહોતી. 
પહેલાં તો મને થયું કે આ વાત સાથે હું મોના પાસે બેસું. બેચાર લાફા દઉં તેને. અગાઉ મેં મોના પર હાથ ઉપાડ્યો છે અને એ પણ અનેક વાર. કલેક્ટર હોય તો શું થયું, કલેક્ટર લોકો માટે. મારે માટે તો તે મારી વાઇફ જ છે. હું ધારું એમ તેની પાસે રહું, પણ ના, આ વખતે વાત એવી નહોતી કે ફડાકા-તમાચા-લાફાની સજાથી વાત પૂરી થઈ જાય. આ વખતે મારી મોના ડાર્લિંગ વધુપડતી ઊડવા માંડી હતી. મને કરણનો નિકાલ કરવાનો પણ વિચાર આવ્યો, પણ પછી થયું કે જ્યારે મારી જ વ્યક્તિ ખોટી છે ત્યારે શું કામ મારે બીજાને ગાળો ભાંડવી. જો મોનાને સંબંધ બાંધવાની ચળ ન હોત તો કરણ તો ઠીક, તેનો બાપ પણ મોનાની આસપાસ ફુદરડી ન ફરી શકે. બીજું એ કે કરણે કંઈ પણ કરતાં પહેલાં મારે તેના પ્રોફેશનનો વિચાર પણ કરવાનો હતો. કરણ જર્નલિસ્ટ હતો. દેશની નંબર વન ચૅનલનો જર્નલિસ્ટ. જો હું કંઈ ભૂલ કરી બેસું અને મોના ખરેખર તેના પ્રેમમાં પાગલ હોય તો મારી કરીઅર ખલાસ થઈ જાય. મારે જેકાંઈ કરવું જોઈએ એ મોના સાથે જ કરવું જોઈએ, તેને જ સજા આપવાનો મને હક છે.
મેં પ્લાન બનાવ્યો.
પ્લાન મુજબ, હું અને મોના રાતે સાથે બહાર ગયાં. બાળકો બન્ને ઘરે હતાં.
અડધેથી મેં ડ્રાઇવરને કહ્યું કે હવે તારે અહીંથી નીકળી જવું હોય તો તું જા. ડ્રાઇવર બિચારો તો ચિઠ્ઠીનો ચાકર. અંધેરી ઊતરી ગયો. થોડી વાર મેં કાર ચલાવી, પણ પછી મેં હેડેકનું બહાનું કાઢીને મોનાને કહ્યું કે તું કાર ડ્રાઇવ કર.
‘જસ્ટ, અ મિનિટ, શરીફ.’ 
મોના ડાર્લિંગ ત્યારે કોઈને મોબાઇલ પર જવાબ આપતી હતી. અલબત્ત, થોડી મિનિટ પછી મને ખબર પડી કે મોના કોઈને નહીં, કરણને જ ગુડનાઇટ કહેતી હતી.
મોનાએ કારની ડ્રાઇવિંગ સીટ સંભાળી કે તરત મારે જેમને મેસેજ આપવાનો હતો તેમને મેં મેસેજ આપી દીધો. અમે ફ્લાયઓવર પહોંચ્યાં કે તરત જ એ લોકો આવીને કારની આગળ બાઇક પાર્ક કરી ઊભા રહી ગયા.
‘મોના, ડાઉન...’ 
મારે આવી કોઈ રાડ પાડવાની નહોતી, છતાં મેં દેખાવ ખાતર રાડ પાડી. મોના કંઈ સમજે એ પહેલાં બાઇક પર આવનારાઓએ ફાયરિંગ શરૂ કરી દીધું.
કરણની મોનાને કુલ પાંચ બુલેટ લાગી.
સ્થળ પર જ મોના ડાર્લિંગનું રામનામ સત્ય થઈ ગયું. 
બીજા દિવસે બધા ન્યુઝપેપરની હેડલાઇનમાં હું હતો.
ટેરરિસ્ટનો ઍડિશનલ પોલીસ કમિશનર પર હુમલો, મુંબઈનાં કલેક્ટર અને કમિશનરનાં વાઇફનો દેહાંત. 
હા... હા... હા...
 
વધુ આવતી કાલે


Whatsapp-channel Whatsapp-channel

21 September, 2022 10:40 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK