° °

આજનું ઇ-પેપર
Thursday, 06 October, 2022


લવ-સ્ટોરી (પ્રકરણ ૧)

19 September, 2022 12:20 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘તને શાંતિ જોઈતી હોય તો મને વાંધો નથી. તું અત્યારે પણ બીજે જવાની વ્યવસ્થા કરી શકે છે, દોસ્ત, તને નિરાંત મળતી હોય તો તારા વિના હું ચલાવી લઈશ...’

લવ-સ્ટોરી (પ્રકરણ ૧) વાર્તા-સપ્તાહ

લવ-સ્ટોરી (પ્રકરણ ૧)

‘હેલો...’ સોહમના અવાજમાં કંટાળો હતો. એક કલાકમાં સાતમી વખત બ્લૅન્ક કૉલ આવ્યો હતો. સોહમનો અવાજ મોટો થયો. જોકે તો પણ ફોનમાં સામા છેડે હજી સન્નાટો હતો.
ફોન કોણ કરે છે એ સોહમને ખબર નહોતી, પણ તેને એ વાતનો અંદેશો હતો કે ફોન કરવાનું કારણ શું હોઈ શકે છે.
‘હેલો...’ સોહમે રીતસર રાડ પાડી, ‘અરે, જો કહના હૈ વો કહો... ક્યોં ખાલીપીલી ટાઇમ બરબાદ કરતે હો...’
સામેથી ઘોઘરા અવાજમાં ફિલોસૉફી આવી, 
‘કરના ભી ક્યા હૈ તુમ્હે ટાઇમ બચા કર...’ સામેથી પહેલાં ફિલોસૉફી આવી અને એ પછી તોછડાઈ શરૂ થઈ, ‘દૂસરી બાત, કોઈ કભી અપને બાપ કા નામ પૂછતા હૈ?’ 
સોહમ ચૂપ રહ્યો. તેની પાસે જવાબ નહોતો. 
‘ક્યોં ચૂપ હો, કલ કી તૈયારીયાં કર રહે હો ક્યા?’ 
સોહમના હોઠ જોરથી ભિડાયા.
‘પિછલે કિતને દિનોં સે બતા રહે હૈં કિ તુમ યે કામ છોડો. ફિર ભી સમઝ મેં નહીં આ રહા...’ સોહમે જવાબ ન આપ્યો એટલે કાનમાં કીડા પડે એવી ગાળ સામેથી આવી, ‘દેખ, અભી ભી તુઝે કહ રહા હૂં, તુ કલ કુછ ભી નહીં કરેગા. મૈં તેરા ફૅન હૂં ઔર ઇસી લિયે તુમ્હેં કહતા હૂં, તુમ્હે મારને મેં મુઝે તકલીફ હોગી. કલ કા ફંક્શન કૅન્સલ કર હૉલિડે ચલા જા, ખર્ચા...’
‘ના કરું તો?’ 
‘તો તુ ગયા કામ સે.’ સામેથી આવતા અવાજમાં ઠંડી ક્રૂરતા હતી, ‘તુ મરના ચાહે તો મૈં ક્યા કરું...’
સોહમે ઊંડો શ્વાસ લીધો.
‘.........’
‘તો જો ઉખાડના હૈ વો ઉખાડ લે...’
સોહમે રિસીવર ક્રેડર પર મૂકી પહેલું કામ ફોનનું કનેક્શન છૂટું કરવાનું કર્યું.
આવતી કાલ.
સોહમે તકિયા પરથી મોબાઇલ ઉઠાવ્યો. 
‘હેલો...’ સામેથી જેવો અવાજ આવ્યો કે તરત સોહમે કહ્યું, ‘આઇ થિન્ક, તારે કાલે બધું સંભાળવું પડશે. ફરીથી પેલા ફોન કૉલ્સ શરૂ થઈ ગયા છે...’
સોહમની નજર બાલ્કનીની બહાર દેખાતા રસ્તા પર હતી. રસ્તાની બરાબર સામે રિક્ષા ઊભી હતી. રિક્ષા-ડ્રાઇવરની નજર બિલ્ડિંગ તરફ હતી.
સોહમ તરત પગ પાછા કરી રૂમમાં આવી ગયો.
‘હું આવી જાઉં?’
‘અરે ના, એવી વાત નથી.’ 
તરત જ સામેથી સજેશન આવ્યું.
‘ડૂ વનથિંગ. તું કોઈ હોટેલમાં જતો રહે. બીક હોય તો પણ અને ન હોય તો પણ.’
‘ના, ડર જેવું નથી.’ ખોટું બોલવામાં સોહમને તકલીફ પડી, પણ વાત સંભાળી લીધી, ‘અને તારી વાત ખોટી પણ નથી. રિસ્ક લેવા કરતાં બહેતર કે સેફ રહીએ...’
 ‘યસ... અને તારે આ સલામતી માત્ર તારા માટે નથી રાખવાની...’ સામેથી ઊભરાતી લાગણી સોહમને ભીંજવતી હતી, ‘કરણ-મોનાની હકીકત લોકો સુધી પહોંચે એ માટે પણ સેફ્ટી રાખવાની છે.
મોબાઇલ સોહમના કાને હતો, પણ તેની આંખો ભૂતકાળમાં દાખલ થતી હતી.
lll
‘કરણ, વેર આર યુ?’
‘ઇન હેલ...’ કરણ મહેતાએ સોહમને ઇન્વાઇટ પણ કર્યો, ‘વોન્ના જૉઇન મી?’
‘ના રે, તારા કર્મનાં તું ફળ ભોગવ...’ 
કંઈ કહ્યા વિના સોહમે ફોન કટ કર્યો અને કરણની જીભ પર ગાળ આવી ગઈ.
કરણ મહેતા આઇએમપી ન્યુઝ ચૅનલનો સ્પેશ્યલ કોરસપોન્ડન્ટ હતો. ગુજરાત છોડી મુંબઈમાં સેટલ થયેલા કરણની ખાસિયત હતી. એ કોઈ વાતને સિરિયસલી લે નહીં. તેની આ ખાસિયત હવે તેનો સ્વભાવ બની ગયો હતો.
lll
‘ફોન કેમ કટ કર્યો...’ સોહમે ફોન રિસીવ કર્યો કે તરત કરણે દેકારો કર્યો, ‘ભાન છે તને કે મને માંડ ઘરે શાવર લેવા જવા મળે અને ત્યાં તું...’
ટૉપિક અચાનક જ ચેન્જ થયો હોય એમ કરણના મોઢે સંભળાયું,
‘વાઉવ... યાર.’ 
‘શું થયું?’ 
પૂછી તો લીધું, પણ જવાબ શું આવશે એની સોહમને ખબર હતી અને એ જ જવાબ આવ્યો.
‘અરે, મસ્ત છોકરી જોઈએ. ડિટ્ટો તારી ભાભી બનાવવા જેવી.’
‘મૅરેજ કરી લે એટલે મારે શાંતિ...’
સોહમ અને કરણ ફ્લૅટ-પાર્ટનર હતા.
‘તને શાંતિ જોઈતી હોય તો મને વાંધો નથી. તું અત્યારે પણ બીજે જવાની વ્યવસ્થા કરી શકે છે, દોસ્ત, તને નિરાંત મળતી હોય તો તારા વિના હું ચલાવી લઈશ...’
‘હે ભગવાન...’ સોહમે રીતસર પોતાના વાળ ખેંચ્યા, ‘ક્યારેક તો સિરિયસ થઈને વાત કર તું...’ 
‘એક મિનિટ... હોલ્ડ કરજે...’
સોહમ કોઈ જવાબ આપે એ પહેલાં જ કરણ મોબાઇલની સેકન્ડ લાઇન પર ગયો. હવે એ ફોન ક્યારે પૂરો થશે એની કોઈ ખાતરી નહોતી એટલે સોહમે ફોન કટ કર્યો.
સોહમ રાઇટર હતો. સિરિયલ અને નાટકો પુષ્કળ લખ્યાં અને હવે તેની પાસે બે ફિલ્મો હતી, મોટા બૅનરની. સોહમના પેરન્ટ્સ હવે ગુજરાત રહેતા હતા. એકલા જ રહેવાનું હતું એટલે સોહમે ફ્લૅટ વેચીને રેન્ટ પર રહેવાનું પસંદ કર્યું. દિવસે તો એકલતાનો કોઈ અનુભવ થાય નહીં, પણ રાતે ઘરે આવ્યા પછી એકલતા ખટકે, જેને તોડવાના હેતુથી જ તેણે ફ્લૅટ-પાર્ટનર શોધવાનું નક્કી કર્યું. કૉમન ફ્રેન્ડ થકી કરણ સાથે ઓળખાણ થઈ અને પછી ખબર પડી કે તેણે દર વર્ષે મુંબઈ નવું ઘર શોધવા નીકળવું પડે છે. ફ્લૅટ તો મળી જાય, પણ કૉન્ટ્રૅક્ટ પૂરો થયા પછી એક જ વાતનો વિરોધ હોય. તમારી લાઇફ-સ્ટાઇલને કારણે આજુબાજુના લોકોને તકલીફ પડે છે તો આપણે કૉન્ટ્રૅક્ટ રિન્યુ ન કરીએ.
‘લોકોને તકલીફ ન પડે એ માટે હું મારી જોબ થોડી ચેન્જ કરું?!’
કરણ વાચાળ હતો, રમતિયાળ પણ એટલો જ. પોતાના વર્તનથી અને વ્યવહારથી સામેનાને શું તકલીફ થશે એનો વિચાર કરણ ત્યારે જ કરતો જ્યારે સામેની વ્યક્તિને તકલીફ પહોંચે, પણ હા, કરણ દિલનો ચોખ્ખો હતો. કોઈને પોતાનાથી ખરાબ લાગે તો તે હાથ જોડીને માફી માગવામાં પણ શરમાતો નહીં. તે હંમેશાં કહેતો, વ્યક્તિને એકબીજાનું ખરાબ ત્યારે જ લાગે જ્યારે પરસ્પર કોઈ સંબંધ હોય. જો સંબંધ જોડવાની શરૂઆત તે ખોટું લગાડીને કરવા માગતી હોય તો એ આપણે સંબંધો સાચવીને નિભાવવા જોઈએ. 
lll
ટ્રિન... ટ્રિન...
ફોન કરણનો હતો, પણ સોહમ ઊંચકે એ પહેલાં મોબાઇલ કટ થઈ ગયો એટલે સોહમે કરણને ફોન લગાડ્યો.
‘બોલ...’
‘શું બોલ, ફોન તમે કર્યો છે... તમે બોલો.’
- આ માણસ ક્યારે સિરિયસ થશે. 
સોહમને ખરેખર ગંભીરતાથી વિચાર આવી ગયો.
‘અરે સૉરી, યાર.’ સામેથી જવાબ આવ્યો નહીં એટલે કરણે વાત શરૂ કરી, ‘બબલીનો ફોન આવી ગયો એટલે તને હોલ્ડ કરવો પડ્યો...’
‘કોણ બબલી?’
‘અરે હા, તને બબલી એટલે કોણ એ મેં નથી કીધું...’ કરણે હવે ચોખવટ કરી, ‘મોના ગુર્જર. આપણી ઍડિશનલ કલેક્ટર.’
‘હેંએએએ...’ સોહમની આંખો ફાટી ગઈ, ‘કરણ, તું મુંબઈની કલેક્ટરને બબલી...’
‘હા, અને મુંબઈના જૉઇન્ટ પોલીસ કમિશનર શરીફ પઠાણને બન્ટી...’
‘કેમ, આવાં નામ?’
‘બન્ને હસબન્ડ-વાઇફ છે એટલે, શરીફ અને મોના, બન્ટી ઔર બબલી.’ કરણ  ફરી મૂળ વાત પર આવ્યો, ‘અચ્છા, સાંભળ. રાતે ઘરે આવતાં મોડું થશે. મારે બબલીના ઘરે જવાનું છે.’
‘કેમ, બન્ટીના હાથનો માર ખાવા.’
‘ના, બબલીના હાથની ચા પીવા...’ કરણે સાચું કારણ કહ્યું, ‘લેડી બ્યુરોક્રેટ્સ પર ચૅનલ એક સ્પેશ્યલ શો કરે છે એટલે એની પ્રોફાઇલ કરવાની છે.’
આ વાતો ચાલતી હતી એ સમયે કરણ કે સોહમને ખબર નહોતી કે આ સ્ટોરી કરણની લાઇફમાં કેવું તોફાન લઈને આવે છે? ઍડિશનલ કલેક્ટર મોના ગુર્જરને પણ ક્યાં ખબર હતી કે ન્યુઝ-ચૅનલ માટે પ્રોફાઇલ કરવાની હા પાડી તેણે પોતાની લાઇફને કઈ નવી દિશા આપી દીધી છે?
અલબત્ત, એ પછીની વાતો કરણે ડાયરીમાં લખી, એ તેના શબ્દોમાં વાંચવા જેવી છે.
lll
બબલી.
એ દિવસે સોહમ સાથે વાત કરીને હું બબલીની, સૉરી, મોના ગુર્જરના બંગલે જવા નીકળી ગયો. ઍડિશનલ કલેક્ટરને પણ ગવર્નમેન્ટ બંગલો આપે છે, પણ મોના હસબન્ડ શરીફ સાથે જૉઇન્ટ પોલીસ કમિશનરના બંગલે જ રહેતી.
મોનાએ અમને ઘરે બોલાવ્યા એવું કહેવાને બદલે મારે કહેવું જોઈએ કે મેં જ તેમને ઘરે મળવાનો આગ્રહ કર્યો હતો. આ ન્યુઝ-ચૅનલની પ્રોફાઇલ હતી. નૅચરલી એમાં ઘરનાં વિઝ્‍યુઅલ્સ, તેની ફૅમિલીના શૉટ્સ એવા જ બીજા શૉટ્સની જરૂર પડે. અમારે કુલ ચાર ઇન્ટરવ્યુ કરવાના હતા, જેમાં એક ઇન્ટરવ્યુ શરીફ પઠાણનો હતો. 
વાઇફ બ્યુરોક્રેટ છે, હસબન્ડ બ્યુરોક્રેટ એવા સમયે તમે લાઇફનો તાલમેલ કેવી રીતે સેટ કરો. ઑફિસના ઇશ્યુની ઘરમાં ચર્ચા થાય કે નહીં. એકબીજાને ઍડ્વાઇઝ આપવાની બને કે નહીં, દેશ માટે કામ કરતી લેડી બ્યુરોક્રેટ ક્યારેક અજાણતાં ફૅમિલીને અન્યાય કરી બેસે? આ અને આ પ્રકારના સવાલ સાથે શરીફ પઠાણનો ઇન્ટરવ્યુ અને ત્રણ ઇન્ટરવ્યુ મોનાના કરવાના. દરેક બ્યુરોક્રેટ્સના બંગલામાં એક રૂમ ઑફિસમાં કન્વર્ટ કરી હોય છે. મારા મનમાં હતું કે મોનાનો એક ઇન્ટરવ્યુ એ ઑફિસમાં, એક ડ્રૉઇંગરૂમમાં ફૅમિલીના બૅકગ્રાઉન્ડ સાથે અને એક ઇન્ટરવ્યુ બંગલાની બહાર સિક્યૉરિટી ઑફિસરો વચ્ચે.
અમે સમયસર પહોંચી ગયા, પણ મોના ગુર્જર હજી ઘરે નહોતી આવી. ઘરે કોઈ સૂચના પણ આપવામાં નહોતી આવી. જોકે પાંચ મિનિટમાં મોનાનો મેસેજ મને આવી ગયો કે તમે ઘરે બેસો, હું ઑન ધ વે છું.
હંમેશાં મેં જેને ગુસ્સો કરતી અને લાલ આંખો સાથે હળવી ગાળો બોલતી જોઈ હતી એ મુંબઈની ઍડિશનલ કલેક્ટરને હું આજે નવા જ રૂપમાં જોવાનો હતો. જોકે એ સમયે મને ડર હતો કે જો મોના પોતાના મનમાંથી ઑફિસર નહીં કાઢે તો મારી સ્ટોરી ફિક્કી અને વાહિયાત બની જશે, પણ એવું થયું નહીં.
lll
‘આપ ક્યા લોગે, ચાય-કૉફી?’ 
મોનાએ મળ્યા પછી પહેલો સવાલ જ કર્યો. 
‘નહીં કુછ નહીં, બસ થોડા આપ કા ખૂન પીએંગે.’
મારાથી સ્વભાવ મુજબ મજાક થઈ ગઈ હતી. જોકે બોલી લીધા પછી મારું ધ્યાન કૅમેરામૅન અને અટેન્ડન્ટ પર ગયું. બન્નેની આંખોમાં ગુસ્સો હતો. જાણે કહી રહ્યા હોય કે દરેક વખતે મજાક ન હોય. આપણી સામે કલેક્ટર છે.
એટલું જ નહીં, મોના ગુર્જર મુંબઈના તેજતર્રાર અને ઊકળતા લાવારસ જેવા જૉઇન્ટ પોલીસ કમિશનર શરીફ પઠાણનાં વાઇફ પણ હતાં. પઠાણની કમાન છટકે પછી એ કોઈના બાપની સાડીબાર રાખતો નહીં. આ કોઈએ કહેલી વાત નહોતી, કમાન છટકેલા પઠાણને મેં પોતે મારી સગી આંખે અનેક વાર જોયો હતો. નવી મુંબઈમાં રાયોટ્સ થયા ત્યારે પઠાણે એક ન્યુઝ-ચૅનલના પત્રકારોને જાહેરમાં માર્યા હતા. એ સમયે બીજી ચૅનલના  કૅમેરામૅન ત્યાં પહોંચ્યો એટલે પઠાણે તેને જે કહ્યું એ કલાક પછીની હેડલાઇન બની ગઈ.
‘સબ શૂટ ક૨ના ઔ૨ ચૅનલ પે દિખાના ભી.’ પઠાણનો હાથ તો ચાલુ જ હતો, ‘મૈં ચાહતા હૂં કિ મુઝે શો-કૉઝ નોટિસ મિલે ઔ૨ મૈં અપને જવાબ દૂં કિ યે હી વો ચૅનલવાલે હૈં જો ગલત ન્યુઝ દિખા કે પૂરે બમ્બઈ કો બદનામ કરતે હૈં...’

વધુ આવતી કાલે

19 September, 2022 12:20 PM IST | Mumbai | Rashmin Shah

અન્ય લેખો

લવ યુ, હંમેશાં (પ્રકરણ - ૪)

મુંબઈના સંવેદનહીન ચહેરાઓ વચ્ચે એક વ્યક્તિ તમને એવી મળી જેણે તમારી સંવેદનશીલતાને પારખી હતી. ચહેરો જોયા વિના, માત્ર અવાજના આરોહ-અવરોહ થકી.

06 October, 2022 12:13 IST | Mumbai | Rashmin Shah

રામ પથને તમે કેટલો નજીકથી જોયો છે?

અમીષ ત્રિપાઠીએ ‘સાયન ઑફ ઇક્ષ્વાકુ’ શરૂ કરતાં પહેલાં ઑલમોસ્ટ ચાર વર્ષ રિસર્ચ કર્યું અને આ રિસર્ચમાં તેણે એ આખા પથ પર ટ્રાવેલ પણ કર્યું જે રાહ પર ભગવાન રામ વનવાસ દરમ્યાન આગળ વધ્યા હતા

05 October, 2022 01:46 IST | Mumbai | Rashmin Shah

યોગથી સત્ત્વ જગાડો અને આંતરશત્રુઓને હરાવો

વિજયાદશમીના દિવસે આટલું જો સમજાઈ જાય તો યોગ તમને તન, મન અને ધનથી દરેક ક્ષેત્રમાં વિજય અપાવવા માટે સક્ષમ છે જ

05 October, 2022 12:01 IST | Mumbai | Ruchita Shah

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK