Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


હોમ > કૉલમ > > > હૅન્ગિંગ બ્રિજ (પ્રકરણ ૩)

હૅન્ગિંગ બ્રિજ (પ્રકરણ ૩)

23 November, 2022 12:22 PM IST | Mumbai
Samit (Purvesh) Shroff

‘આવો વહુરાણી.’ ઘરમાં કજરીને આવકારતાં નંદિનીબહેને કહ્યું એમાં દ્વિધા નહોતી

હૅન્ગિંગ બ્રિજ (પ્રકરણ ૩) વાર્તા-સપ્તાહ

હૅન્ગિંગ બ્રિજ (પ્રકરણ ૩)


‘કજરી... અરે ઓ કજરી!’ 
મોડી સાંજે વલસાડના માર્કેટમાં ખરીદીએ નીકળેલાં અખિલ-કજરી કોઈના સાદે ચોંક્યાં. બાઇક અટકાવી જોયું તો - 
‘અરે, આ તો મુંબઈનાં શેઠ-શેઠાણી!’ 
કજરી સામી બાજુ ઊભેલી કાર તરફ દોડી ગઈ. અખિલ બાઇક પાર્ક કરીને આવ્યો, ‘નમસ્તે, અક્ષતસર.’
ધરમપુરના પ્રોજેક્ટ્સ શરૂ થયાને પખવાડિયું થઈ ચૂક્યું હતું. હૉસ્પિટલ, શાળા અને હૅન્ગિંગ બ્રિજનું કામકાજ પૂરઝડપે ચાલુ હતું. અખિલને એન્જિનિયર દાંડેકરે પોતાની સાથે બ્રિજના કામે રાખ્યો હતો. અહીં સ્ત્રી મજદૂરની જરૂર નહોતી એટલે કજરી શાળાના કામે જતી. 
અહીંના રોકાણ દરમ્યાન અક્ષત ત્રણે સાઇટ પર હાજરી પુરાવતો. કજરી સામે મીઠું મલકતો, અખિલ પુલના કામકાજમાં છે જાણી ત્યાંની સાઇટ પર ખાસ તેને મળવા તેડાવેલો. અક્ષતની સાલસતા, નિપુણતાથી અખિલ પ્રભાવિત થયો તો અખિલની સૂક્ષ્મ સૂઝ અક્ષતને આકર્ષતી. ખરેખર તો દાંડેકરથી વધુ પૉટેન્શિલ અખિલમાં લાગતું. અખિલનાં માવતર તેમનાં લગ્ન માટે માની ગયાના ખુશખબર અનન્યાને ફોન પર કહ્યા વિના નહોતું રહેવાયું... 

અનન્યા માલિક ત્રિભુવનદાદાની પૌત્રી છે ને અક્ષત તેમની કંપનીમાં કામ કરે છે, બન્ને પરણ્યાં નથી એટલું તો હવે કજરી પણ જાણતી, જોકે ક્યારેક વાત નીકળે તો અખિલને કહેતી પણ ખરી - બન્નેનાં નયનમાં મેં પ્રીત દીઠી છે... આજે નહીં તો કાલે, બન્ને પરણશે તો એકમેકને જ!
એટલે પણ આજે તેમને શેઠ-શેઠાણી તરીકે જ સંબોધી દોડી આવી.
‘અમે આજે જ વલસાડ આવ્યાં.અહીં અક્ષતનું ઘર છે, ત્યાં રોકાયાં છીએ. જોડે અક્ષતનાં મમ્મી પણ છે.’
‘અને મારે આવતા અઠવાડિયે અખિલના ઘરે મોરબી જવાનું છે.’ કજરી નવોઢાની જેમ શરમાઈ.
ખરેખર તો થનારી વહુને મળવા નંદિનીબહેન અધીરાં થયાં હતાં. મા-પિતાની બીમારીને કારણે તો ઉતાવળ નહીં કરતી હોયને! આ તર્ક અખિલનું કાળજું ચીરતો, પણ ન માવતરને ફોડ પાડી પૂછી શકાતું, ન કજરીને કહી શકાતું. એને બદલે કજરી મોરબી જાય તો વાતનો તાગ મળી રહે, નીકળતી વખતે તેને ઇશારો આપી રાખીશ... અખિલ ઝબક્યો. અનન્યા કહેતી હતી : 
‘ઈશ્વર તમારી જોડી સલામત રાખે.’ કહી અનન્યાએ પરાણે પાંચ હજાર પકડાવ્યા : તમારા સગપણના શુકનના છે, એ તો લેવા જ પડે! 
અખિલ-કજરી અભિભૂત બન્યાં. 


તેમના નીકળ્યા બાદ અનન્યા બોલી ઊઠી, ‘આ ખુશી આપણને ક્યારે નસીબ થશે?’
તેના સૂરમાં થોડી નિરાશા હતી. અક્ષત અહીં બિઝી થયા બાદ મલ્હારને જાણે ફાવતું મળ્યું હતું. તે નવા-નવા પ્રોગ્રામ બનાવતો ને અનન્યાને એટલો જ અળખામણો લાગતો. સદ્નસીબે આ વીકએન્ડ ફૅમિલી ફંક્શનને કારણે એ બિઝી થતાં અનન્યાએ વલસાડની વાટ પકડી લીધી. અક્ષત સાથે એનાં મધર પણ આવવાનાં હોઈ જોડે રહેવાનો ગોલ્ડન ચાન્સ મળી ગયો એ જાણી મલ્હાર મોં ફુલાવે તો ભલે!   
‘નસીબની દેવી આપણા પર પણ રીઝશે, અનન્યા...’ અક્ષતે આશાવાદ ઉચ્ચાર્યો, ‘એ જ આપણી પ્રીતનાં સારાં વાનાં કરશે.’
હૉપ સો! 
lll


‘હું મા-બાપુનું મન જીતી શકીશને, અખિલ?’
ટ્રેનમાં બારીની રિઝર્વ સીટ પર બેઠેલી કજરી નર્વસ હતી. વીત્યા આ અઠવાડિયામાં તેને અખિલની રૂમ પર ગૅસનો વપરાશ ફાવી ગયો, ટીવી-ફ્રિજની ફાવટ આવતી ગઈ, પણ મોરબીમાં મારી ભૂલને વણદેખી કરી મને પ્રેમથી સમજાવનાર અખિલ નહીં હોયને!
‘ત્યાં મારાં માવતર છે, કજરી, મારાથી વધુ પ્યાર જ આપશે... અને હા-’ અખિલે જાળવીને કહ્યું, ‘મમ્મી-પપ્પાએ મને જતાવ્યું નથી, પણ પપ્પાને નીકળેલી ગાંઠના રિપોર્ટની તું ભાળ કાઢજે...’
પિતાજીને ગાંઠ! કજરી આંચકો પચાવી ગઈ. 
‘ભલે. તમે ચિંતા ન કરશો. તમારી તબિયત જાળવજો...’
ટ્રેન ઊપડી. બારીમાંથી હાથ હલાવતી કજરી દેખાઈ ત્યાં સુધી અખિલ ખોડાઈ રહ્યો. કજરી ઓઝલ થતાં જ ખાલીપો ઘેરી વળ્યો.
lll

‘આવ, આવ, દીકરા!’
રાજકોટ સ્ટેશને અખિલનાં માતા-પિતાને ભાળી કજરી તેમના પગે પડી, સાડીનો છેડો માથે ઓઢી લીધો.
દયાનંદભાઈ-નંદિનીબહેનની નજરો મળી, છૂટી પડી.
બેશક, દીકરાએ ન્યાતજાત વિનાની કન્યાને પસંદ કર્યાનું જાણી ધ્રાસકો પડેલો. સૃષ્ટિના કેસમાં બોલાયેલા સમજાવટના શબ્દો બૂમરેંગ બનીને વાગ્યા હોય એવુંય લાગ્યું, પણ એ ક્ષણિક પ્રત્યાઘાત હતો. દુનિયાદારીનું વિચારવાને બદલે દીકરાની પસંદમાં શ્રદ્ધા કેમ ન રાખીએ?
રાજકોટથી મોરબી સુધીની યાત્રામાં છોકરીનું પોત પરખાતું ગયું. દીકરાએ થાપ નથી ખાધી એનો સંતોષ પ્રસરતો ગયો.
‘આવો વહુરાણી.’ ઘરમાં કજરીને આવકારતાં નંદિનીબહેને કહ્યું એમાં દ્વિધા નહોતી. 
આ અમારું ઘર! કજરીની પાંપણે હરખની ભીનાશ છવાઈ. ઊલટભેર તે માને વળગી પડી.
lll


આ શું!
અખિલ ચમક્યો. હૅન્ગિંગ બ્રિજ માટેના મટીરિયલની ક્વૉલિટીમાં મને કેમ ફરક વર્તાય છે!
બ્રિજનું કામ પુરજોશમાં ચાલું હતું. પાછલા અઠવાડિયાથી કજરી મોરબીમાં હોઈ અખિલ પણ દિવસભર એમાં જ ખૂંપેલો રહેતો.
ધાર્યા મુજબ કજરીએ મમ્મી-પપ્પાનાં હૈયાં જીતી લીધાં હતાં. વિડિયોકૉલમાં ઘરનું સુખ સ્પષ્ટ ઝિલાતું. કજરીને તે પપ્પાના રિપોર્ટની આડકતરી પૃચ્છા કરતો, પણ કજરી લાચારી દર્શાવતી - પપ્પા-મમ્મી આ વિષય ચર્ચતાં જ નથી. પણ ચિંતા ન કરો, હું તાગ પામીને રહીશ! 
આમાં હવે ધ્યાનમાં આવે છે કે ગયા અઠવાડિયે અક્ષતસરે જે ક્વૉલિટી અપ્રૂવ કરી હતી એનાથી ઊતરતી કક્ષાનું મટીરિયલ સાઇટ પર અનલૉડ થયું છે!
‘દાંડેકર.’ તે પ્રોજેક્ટ ઇજનેરની સાઇટ કૅબિન તરફ દોડ્યો.
તેના નિરીક્ષણે દાંડેકરને સચેત કરી મૂક્યો. મટીરિયલની ક્વૉલિટી આમ નરી આંખે અનુભવી જ પારખી શકે, અખિલ જેવા નીવડેલા આદમીને અહીં રાખી મેં ભૂલ કરી! આ વાત ઉપર ન જવી જોઈએ...

‘આમ તો પુલ નબળો બનશે, બે-ચાર દહાડામાં તૂટી જશે-’ અખિલે ડોક ધુણાવી, ‘નહીં, આની જાણ હમણાં જ અક્ષતસરને કરવી ઘટે.. ’
ડૅમ ઇટ! આ માણસ ખેલ બગાડે એ પહેલાં તેની નીયત વળોટી જો, દાંડેકર, કદાચ બાજી સચવાઈ જાય...  ભીતરના અવાજે દમ ઘૂંટી દાંડેકરે મોબાઇલ કાઢી અક્ષતને મુંબઈ કૉલ જોડવા માગતા અખિલનો હાથ પકડ્યો - પાંચ લાખ.
હેં! અખિલ અવિશ્વાસભર્યાં નેત્રે દાંડેકરને તાકી રહ્યો - શું કહ્યું તમે?
‘ચૂપ રહેવાના પાંચ લાખ આપીશ - કબૂલ?’
અખિલના દિમાગમાં કડાકો બોલ્યો, મને પાંચ લાખ ઑફર કરનારને આમાંથી કેટલી મલાઈ મળવાની હશે! અંહ, મૂળ ક્વૉલિટી કરતાં ઊતરતી કક્ષાનો માલ મોકલવાના કમિશનમાં તો આટલો જોગ ન જ થાય, તો પછી...
‘તું રોટલાથી મતલબ રાખને.’

તોય અખિલની કીકીમાંથી અવિશ્વાસ ઓસર્યો નહીં એટલે પત્તું ખોલવું પડ્યું - છે કોઈ જેને પુલ તૂટે એમાં વધુ રસ છે...
ના, એ અક્ષતસર તો ન જ હોય, પોતાની દેખરેખમાં તૈયાર થનારો બ્રિજ તૂટવાની નાલેશી ઉઠાવવી કોઈ પસંદ ન કરે, નૅચરલી.
- તો પછી કોઈ એવું હોવું જોઈએ જેને અક્ષતસરની બદનામીમાં રસ હોય, ત્રિભુવનદાદાનું નામ ખરડાય એવો વિઘ્નસંતોષી કોઈ હોવો જોઈએ!
અખિલે હોઠ કરડ્યો. શેઠ-શેઠાણીનો મારા-કજરી પર કેવો ભાવ. અક્ષતશેઠે નીચાજોણું થાય એવું થવા જ કેમ દેવાય!
‘શેઠ તો પ્રોજેક્ટ પતતાં જતો રહેશે, કામ તો તને પૈસો જ આવવાનો છે!’
દાંડેકરનું વાક્ય ચિત્તમાં જડાઈ ગયું, પિતાની સંભવિત બીમારી ઝબકી અને આત્માનો અવાજ દબાવી અખિલે હાથ લંબાવ્યો - સોદા પક્કા!
‘બે દિવસ પછી ફરી અક્ષતશેઠ આવે ત્યાં સુધીમાં રંગરોગાન થઈ જવું ઘટે, જેથી નબળી ગુણવત્તા તેમની નજરે જ ન ચડે...’
‘પણ દાંડેકર-’ અખિલને સૂઝ્યું, ‘બન્યા પછી પુલનો સેફ્ટી ટેસ્ટ થશે ત્યારે-’
‘એનું સર્ટિફિકેટ અત્યારથી મારા ગજવામાં છે, બોલ, બીજું કંઈ પૂછવું છે?’
અખિલ સહેજ ડઘાયો. અંહ, આ બધું એકલા દાંડેકરના વશની વાત નથી. જરૂર તેને હાયર કરનારો આદમી કાબો હોવો જોઈએ!
પણ કોણ?

આનો જવાબ પણ ગણતરીની મિનિટમાં મળી ગયો.
અખિલ સાઇટ ઑફિસમાંથી નીકળ્યો કે દાંડેકરે ફોન જોડ્યો.
‘કોન, મલ્હારશેઠ!’ 
મ...લ્હારશેઠ. દરવાજે કાન માંડી તેને સાંભળતા અખિલના ચિત્તમાં ક્યારેક અક્ષત સાથે આવતો બીજો શેઠ ઝબક્યો.
‘નવી મુસીબત. માલની ક્વૉલિટી જોઈ મુકાદમ વહેમાયો, તેને સાત લાખ આપવા પડશે-’
અખિલ સમજી ગયો કે વધારાના બે લાખ દાંડેકર પોતે રાખી લેવાનો.
‘યાર, એવા માણસને સાઇટ પર રખાય જ નહીંને... પૈસા મોકલી આપું છું, પણ તેનું મોં ક્યારેય ખૂલવું ન જોઈએ, સમજ્યો?’
‘જી, સર.’ દાંડેકરે અદબભેર કહ્યું.
અને પોતે કાવતરાનું મૂળ જાણી ગયાની દાંડેકરને ગંધ આવે એ પહેલાં અખિલ ત્યાંથી સરકી ગયો.
lll

ફૅન્ટૅસ્ટિક!
હૉસ્પિટલ, શાળા અને હૅન્ગિંગ બ્રિજને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે. બે દિવસ પછી, રવિની બપોરે ઉદ્ઘાટન સમારંભ યોજાયો છે. શેઠજી-અનન્યા ઝવેરી-કુટુંબ સાથે હેલિકૉપ્ટરમાં આવશે. દાદાજી સમક્ષ અમે પ્રીતનો ફોડ પાડ્યો નથી ને તેમણે મલ્હાર સાથે અનન્યાને વરાવાનું મન બનાવી લીધું હોય એમ ઝવેરી-ફૅમિલીને આમંત્રણ પાઠ‍વી દીધું છે. પનોતા પુત્રને વધાવવા ધરમપુરની જનતા ઊમડશે. હૉસ્પિટલ બાદ શાળા ખાતે થયેલા નવીનીકરણની ઓપનિંગ સેરેમની પછી કાફલો સાડાબાર સુધીમાં હૅન્ગિંગ બ્રિજ પહોંચશે. મુખ્ય ફંક્શન અહીં જ છે. હજાર માણસો માટે શામિયાણો બંધાયો છે. પાછળ જ રસોડું ઊભું કર્યું છે. ધરમપુરના મહારાજા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાના છે. બાર ઓગણચાલીસના વિજય મુહૂર્તમાં હૅન્ગિંગ બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે.
ઇવેન્ટને સફળ બનાવવા પસીનો પાડતા અક્ષતની દોડધામ જોઈ અખિલનો જીવ કોચવાય છે : શેઠને ક્યાં ખબર છે કે પ્રોજેક્ટ ઇજનેરે મલ્હારશેઠના કહેવાથી પુલમાં કેવી ઘાલમેલ કરી છે અને મેં એમાં સાથ આપ્યો છે! પાલિકાના ઇજનેરે આપેલું સેફ્ટી સર્ટિફિકેટ પણ બોગસ છે... વહેલોમોડો પુલ તૂટતાં જ ગોબાચારી જાહેર થવાની અને બદનામીનું ઠીકરું અક્ષતસરના માથે જ ફૂટવાનું! બીજા તો ઠીક, કજરી જાણશે કે મેં અક્ષતશેઠને છેતર્યા છે તો મને માફ કરી શકશે ખરી! રામ જાણે, અક્ષતસરને બદનામ કરવામાં મલ્હારશેઠને શું સ્વાર્થ હશે? 
શું કરું? નનામો ફોન કરી અક્ષતસરને ચેતવી દઉં?

એક વાર તો વલસાડના પીસીઓથી નંબર પણ ઘુમાવ્યો, પણ કટ કરી દેવો પડ્યો - દાંડેકરે મને પાંચ લાખ ચૂકવી દીધા છે, ખોટું કર્યાની કિંમત વસૂલ્યા પછી મને સત્ય કહેવાનો હક જ ક્યાં રહે છે! ઊલટું હવે પિતાની બાયોપ્સી કરાવી ઇલાજમાં મને છૂટ રહેશે એ જ સ્વાર્થ મારે જોવાનો હોય!
અને અખિલે વધુ એક વાર આત્માના અવાજને કચડી નાખ્યો.
lll

‘ત્રિભુવનભાઈનું ધરમપુરનું નિમંત્રણ મળ્યું એથી મને આશા બંધાઈ છે, મલ્હાર-અનન્યાનાં લગ્નમાં તેમના આશીર્વાદરૂપ જ સમજું છું આ આમંત્રણને.’
મલ્હારના ઘરે ચર્ચા ચાલતી હતી. અનન્યા માટે દાણો ચાંપ્યો ને ખાસ્સા મહિના થયા. મલ્હારને અનન્યાનું ઘેલું લાગી ચૂક્યું, પણ ત્યાંથી ઇશારો સાંપડતો નહોતો એટલે નલિનભાઈ-માયાબહેન મૂંઝાતાં હતાં, પણ દાદાજીના ઇન્વિટેશન પછી વાત આગળ વધતી લાગી ખરી.
‘ફંક્શન પછી બધું આપણું ગમતું જ થવાનું...’ મલ્હારે મોઘમ કહ્યું. ધરમપુરના ત્રણ પ્રોજેક્ટમાં હાહાકાર મચાવી શકાય એવા બ્રિજના કામને લક્ષમાં રાખ્યું છે, એનું પરિણામ હાથવેંત જ સમજો!  
હરખાતાં મા-બાપને દીકરાના કાળા કામનો અંદાજ પણ કેમ હોય? 
lll

‘ગાંઠનો રિપોર્ટ!’
નંદિનીબહેન-દયાનંદભાઈ સહેજ ડઘાયાં.
આટલા દિવસોમાં કજરી સાથે મન મળી ગયેલું. ચાર-છ દિવસ માટે રોકાવાની ધારણા બાંધી આવેલી કજરીનું રોકાણ માના આગ્રહે લંબાતું ગયું, તેનો જીવ પણ માવતર સાથે ભળી ગયેલો. અખિલની વારંવારની સૂચના છતાં પિતાજીની બીમારી અંગે ભાળ ન મળી એટલે શનિની આજની સવારે તેણે સીધું જ પૂછી લીધું - પિતાજીની ગાંઠનો રિપોર્ટ શું આવ્યો?
ત્યારે મા-બાપને જાણ થઈ કે જેનાથી છુપાવ્યું એ દીકરો વાત જાણે છે ને રિપોર્ટની જ ચિંતામાં છે!
‘અરેરે. તેં પહેલાં પૂછ્યું હોત તો ક્યારનું કહી દીધું હોત વહુ કે તેમની ગાંઠ કૅન્સર શું, ટીબીનીયે નહોતી. ફાઇબરની ગાંઠ દવાથી ઓગળી પણ ગઈ.’

હા...શ. કજરી અખિલને ફોન જોડવા માગતી હતી, પણ માએ વારી: તેને માટે થોડું સરપ્રાઇઝ રાખ! કાલે ઉદ્ઘાટન સમયે આપણે ત્રણે ધરમપુર પહોંચી ચૂક્યાં હોઈશુ, એ જોઈ મારો દીકરો કેવો દંગ થઈ જશે! અહીંથી જતાં પહેલાં તારે અહીંનો ઝૂલતો પુલ જોવો છેને? ત્યાં જઈએ. એ પણ મરમ્મત પછી દિવાળી પર જ ખુલ્લો મુકાયો... 
મચ્છુ નદી પરના એ ઝૂલતા પુલના નસીબમાં કેવી કરુણાંતિકા લખાઈ છે એની ત્યારે કોને ખબર હતી? 
 
વધુ આવતી કાલે

23 November, 2022 12:22 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK