માના બદલાયેલા રૂપને પારખી લેતાં ચકીએ પણ વાત બદલી, ‘હા મા! ટીકુડો તો એવો જ શ્યે. પોતે નિશાળે જાય, પણ મને તો સિલેટમાં લખતાંય શીખવતો નથી. મા! બાપુને કે’ને મને નિશાળે મોકલે.’
ઇલસ્ટ્રેશન
ડેલાબંધ ઘર. બહાર હિંડોળો અને બાજુમાં લાંબી ઓસરી. ત્યાંથી અંદર બીજા બધા ઓરડા. ઓસરીને લગોલગ રસોડું. અહીં રસોડામાં પુષ્પા રાંધે અને ત્યાં બહાર ઝૂલા ખાતી આઠ વરસની ચકી દાળિયા ચણતી જાય. ચકીને રસોઈ કરતી માને જોયા કરવી બહુ ગમે. એકલી રમીને ચકી જ્યારે થાકી ત્યારે દોડીને રસોડામાં આવે. ‘મા... એ મા! બાપુ બીજે ગામે ગ્યા સે તો મારા હાટું બોરિયાં લાવવાનું કીધું’તું તેં?’
‘હા, કીધું’તું હોં.’ ચકીને જવાબ દઈ લોટને મુક્કા મારી-મારીને પુષ્પા પોતાના મનની દાઝ લોટ પર ઠાલવતી હતી. ‘તારો બાપ મુઓ આવ્યો જ નથ ગઈ કાલનો. ગુડાયો હશે વાશ્યમાં દારૂ ઢીંચવા! ખબર નઈ કિયા નપાવટથી ભાઈબંધી કરી બેઠો’સ કે દાડેદિવસે બગડતો જાય’શ.’ મનમાં બબડતી પુષ્પાની મુઠ્ઠીઓ ખાઈને લોટ હવે નરમ પડ્યો હતો.
ADVERTISEMENT
‘મા, એ મા! આમ જોને!’ ચકીને જ્યારે માને કોઈ વાત માટે મનાવવી હોય તો એ પુષ્પાની હડપચી પર પોતાના બે હાથ મૂકી વહાલથી પોતાની રજૂઆત કરતી. એ જાણતી હતી કે પુષ્પાને એની આવી હરકત પર એટલું હેત ઊભરાઈ જતું કે તે તેના પ્રસ્તાવને ના જ ન પાડી શકતી. ‘હું એમ કે’તીતી કે તું મને રોટલી શીખવાડને!’ ઘડીભર શાંત પડેલી પુષ્પા સામે આવેલા ચકીના પ્રસ્તાવે જાણે બળતામાં ઘી હોમ્યું હોય એમ પુષ્પા ગુસ્સાથી હાંફવા લાગી.
‘તારી પાંહે કાંઈ બીજું કામ નથી? જા ટીકુડાની જૂની સિલેટથી રમ્ય. લીટોડા કર્ય. રોટલીવાળી બહુ, જા હેરાન નો કર. ટીકુડો આવે ઈ પેલા રમીને મૂકી દેજે. નહીં તો બાપને ચાડિયું ફૂંકવા બેઠશે પાછો.’ પુષ્પા ચકીને રસોડાથી ભગાડતાં બોલી.
માના બદલાયેલા રૂપને પારખી લેતાં ચકીએ પણ વાત બદલી, ‘હા મા! ટીકુડો તો એવો જ શ્યે. પોતે નિશાળે જાય, પણ મને તો સિલેટમાં લખતાંય શીખવતો નથી. મા! બાપુને કે’ને મને નિશાળે મોકલે.’
આ બાજુ પુષ્પાની તવી ચૂલે ચડી હતી.
પહેલી રોટી વણી ત્યાં જ ચકી ફરી બોલી, ‘મા, કુસુમમાસી કેવી ભણીને શિક્ષક બની એમ મારેય બનવું સે હો.’
ફુલ્કાને ઘી લગાડતાં પુષ્પા પાછી ગરમ થઈ.
‘હા, નસીબવાળી’સ તારી માસી તો, મામાના ઉપરાણે ભણી અને માસ્તરણી બની ત્યારે આજે સાસરુંયે હારું મળ્યું. આંયા તો હું મોટી હતીને એટલે મારા બાપને ઝટ પયણાવવી’તી. લ્યો, ટીપો હવે મણ-મણ રોટલા!’ પુષ્પા બે વેલણ આમ અને બે વેલણ તેમ કરીને રોટલી વણતાં-વણતાં જે આવે એને અડફેટે લેતી હતી. એક બાજુ રસોડાની ગરમી શરીર આખાને પરસેવાથી ભીનું કરી રહી હતી તો બીજી બાજુ ગરમી પુષ્પાને માથે ચડી મગજની વરાળ કાઢી રહી હતી.
‘તું કેટલું ભણી છો મા?’ ચકીના સવાલો ખતમ જ ન થતા. પુષ્પા પાસે જવાબો રહેતા જ, પણ આ સવાલનો જવાબ આપતાં પુષ્પાને થોડું વિચારવું પડ્યું.
‘હું? હું કેટલું ભણી?’ થોડી વાર થોભી પુષ્પા બોલી, ‘હું તો રોટલી ભણી.’
‘હેં? રોટલી?’ આંખો ફાડતાં ચકી જોર-જોરથી હસી પડી, એને જોઈ
પુષ્પાનો પણ ગુસ્સો હળવો થયો અને
બન્ને હસવા લાગી.
પુષ્પા રોટલી વણતાં-વણતાં ફરી બોલી, ‘હાચું કઉ’સ! નાનપણથી બાપુના ઘરે હતી તો રસોઈ કરતાં અને ઘરનાં જોતરાં કરતાં શીખાડ્યું. તે અહીં વરી તોંયે જોતરાં કરું’સ. પરોઢે વેલાં ઉઠીને વાશીદા કરું, ઘરકામ કરું ને આપણા ઘરનાં હંધાયની રસોયું કરું. તારી દાદીને રોટલીમાં ડાઘોય નો ગમે ને તારા બાપને મોટી-મોટી ગરમાગરમ રોટલિયું જોવે, રાત-બરાત ઈ જ્યારે આવે ત્યારે ઊઠીનેય ચૂલેથી ઉતારેલી રોટલીયું જ ખાય. ને તારો ભાય તો એથીય મોટો લાટસાઈબ! ફુલ્કા શિવાય તો ઈ ખાય જ નય! એક આપણે બેય જ એવાં કે હંધુંય હલાવી લઈએ. બોલ, કે’ જોઈ, ભણીને હું રોટલી?’ કહેતાં પુષ્પા પોતાના પર જ જાણે હસી પડી. ‘જા, થોડી વાર સિલેટ વાપરી લ્યે, ટીકુડાનો આવવાનો ટે’મ છે.’ અવાજ ધીમો કરતાં પુષ્પા બોલી.
આજે પુષ્પાને દીકરાની વધારે જ વાટ હતી. એ આવશે તો ફટાફટ ખાઈને એના બાપની ભાળ મેળવવા જશે. શંકરની ચિંતામાં પોતે આખી રાત સૂઈ નહોતી. પુષ્પા મનમાં બબડતી હતી કે હવે તો જેઠજી આવે તો સારું! કેટલાય દિવસથી ડોકાયા જ નથી. એ આવશે તો ચકીના બાપને સીધો કરશે. ‘હારે હારે આ વખત ચકીના ભણવા હાટુય મનાવવું છે. મારે તો એયને કુસુમડી જેમ ભણાવવી છે. ને પછી ભલે મારી ચકી ટેબલે ચડી તૈયાર રોટલીયું ખાય. આમ મારી જેમ ચૂલામાં જીવતર તો ન બાળે!’ પુષ્પા રોટલી ઉતારતી આવું બબડતી હતી ત્યાં જ ડેલો ખૂલવાનો અવાજ આવ્યો. પુષ્પા ઝડપભેર દોડતી બહાર જોવા ગઈ પણ સામે જેઠજીને ભાળતાં જ વળ ચડેલા પાલવને સંભાળતી ખૂણે જઈ ઘૂંઘટો તાણતાં દૂરથી જ બોલી, ‘એ.. જેશી ક્રષ્ણ મોટાભાઈ.’ મોટાભાઈ દૂરથી જ જેશી કૃષ્ણ બોલી હિંડોળે બેઠા. પુષ્પા પાછી રસોડે ગઈ ને કામે લાગી. તે તેના જેઠથી ખપ પૂરતી જ વાત કરતી, સામે પણ ઊભી ન રહેતી. પુષ્પાના જેઠને ગાડાં વેચવાનો ધંધો હતો એટલે પૈસેટકે ઘણું સારું હતું. શંકર તેની દારૂની આદતને લીધે એ ધંધામાં ભળી ન શક્યો એનો અફસોસ પુષ્પાને કાયમ રહેતો.
ફરી મનમાં વિચારોનો લોટ ગુંદાવા લાગ્યો. ‘આજે તો એયને મસ્ત ફુલ્કા બનાવું ને જમવા ટાણે ચકીના ભણવા માટે તો મનાવી જ લઉં. અમથાયે મોટાભાઈને મારા હાથની રસોઈ બહુ ભાવે.’ પુષ્પાએ ગરમ રોટલીમાં થોડું વધુ ઘી ઉમેર્યું.
‘લે ચકી, મોટાબાપાને પાણી દઈ આવ.’ ચકી દોડતી આવીને ખુશીથી પાણીનો લોટો લઈ બહાર ગઈ. મોટાભાઈ ચકીને વળગી ગયા અને ખિસ્સામાંથી બે રૂપિયા કાઢી ચકીને કહ્યું, ‘લે ચકી. જા, બકાની દુકાને જઈને ભાગ ખા.‘ ચકી ડેલો ખુલ્લો મૂકીને જ જાણે ઊડી.
મોટાભાઈ ખોંખારો ખાતા ઓસરીએ આવ્યાં. પુષ્પાએ ત્રાંસી નજરે જોઈ રોટલી કરતાં-કરતાં જ ઘૂંઘટ સંભાળ્યો.
‘શંકર ક્યાં છે?’ મોટાભાઈએ પૂછ્યું.
પુષ્પાને મનગમતો સવાલ મળ્યો, ‘ઈ તો કાલ રાતના ઘરે જ નથી આવ્યા મોટાભાઈ. ઈ ને હમજાવોને હમણાં બોવ હળિયા છે દોસ્તારો હારે પીવામાં.‘
‘હમમ... શંકરને કહેવું પડશે મારે. તમે ચિંતા ન કરો. હું હમણાં જ ફોન કરું છું. નહીંતર ટીકુડા હારે જઈ એની ભાળ મેળવું છું. મારે એક બીજી વાતેય કહેવી’તી. શંકર તો છે નહીં, એટલે પે’લા તમને જ કહી દઉં.’
‘જી.’ ધ્યાનથી સાંભળતાં-સાંભળતાં પુષ્પાએ તવીમાં હળવે હાથે રોટલી નાંખી હોંકારો આપ્યો.
‘કાનાને ઓળખોને?’
‘હા. કંચનભાભીના ભાઈને?’
‘હા. એના દીકરાનું આપણી ચકી હારે માગું આવેલું. મેં હા પાડી દીધી છે.’
‘હેં?’ પુષ્પાને મનમાં ધ્રાસકો પડ્યો. હાથની ધ્રુજારીમાં ધબાક કરીને તવી પરનું ફુલ્કું ફૂટીને તેના હાથને દઝાડતું ગયું. ગભરાટના મારી તે બીજા હાથમાં વેલણ સમેત જ મોટાભાઈને કાંઈ કહેવા ઉંબરા તરફ દોડી ગઈ, પણ સરકતા પાલવને સંભાળવામાં વેલણ હાથમાંથી છટકી રસોડાના ઉંબરે જ પડી ગયું. પુષ્પા ત્યાં જ જડાઈ રહી. તવીમાં રોટલી એમ જ બળતી રહી.
મોટાભાઈ પુષ્પાને છોકરા વિશે કશુંક કહી રહ્યા હતા, પણ પુષ્પાને કાને જાણે સુન્ન પડ્યું હતું. જ્યારે ભાગ લઈને આવેલી ચકી માનો હાથ હલાવતી હતી ત્યારે જ પુષ્પા હોશમાં આવી શકી. પુષ્પાએ ધીરા અવાજે ચકીને કહ્યું, ‘ચાલ ચકી, વેલણ લઈ લે.’ ચકીએ વેલણ ઉઠાવ્યું. આ સાંભળી પુષ્પાના જેઠ બોલ્યા, ‘જાવ ચકીબેન રોટલી કરો. બરાબર રોટલી શીખવજો હોં મારી ચકીને. સાસરિયેથી કોઈ ફરિયાદ ન આવે.‘
રસોડામાં જતાં પહેલાં ચકીએ લાડથી મોટાબાપાને કહ્યું, ‘આજે તો હું રોટલી બનાવવાની. તમે મારા જ હાથની રોટલી ખાજો હોં.’
મોટાભાઈ બોલ્યા, ‘લાવો ત્યારે કરો થાળી તૈયાર. આજે તો મારી ચકીના હાથનું જ જમણ ખાઈશ ભઈ.’
પુષ્પાએ તૈયાર કરેલા લોટના પેંડાને વણવા ચકી તૈયાર થઈ. બે વેલણ આમ ને બે વેલણ તેમ કરીને એ રોટલી વણતી જતી હતી. આ જોઈ પુષ્પાને ઘડીભર લાગ્યું કે પોતે ફરી પોતાના ભૂતકાળને વર્તમાનમાં જીવી રહી છે. ચકીએ આડીઅવળી વણેલી રોટલી તવીમાં નાખી. ગરમ તવી ચકીના નાનકડા હાથ સામે એટલી મોટી હતી કે એના કાંડાને થોડીક દાઝ લાગી. ચકીથી રાડ નંખાઈ ગઈ. ‘ઓય મા! દાઝી ગઈ.’ પુષ્પાને કાને જાણે અવાજ પડ્યો. ‘પુશલી આમ આટલી દાઝમાં રાડું નાખીશ તો હાહરિએ નાક બોળાવીશ. અસ્ત્રીનો અવતાર તો દરદ ને તકલીફ ઝેલવા જ સે હમઝી.’ પુષ્પાએ ચકીનો હાથ પકડી લીધો. ઘી લઈને તરત જ તેના હાથ પર લગાડી દીધું. આટલી વારમાં તો તવીમાંની નિરાકાર રોટલી બળીને કડક થઈ ગઈ. ચકી કદાચ બીજી રોટલી ન જ કરત જો બહારથી એના મોટાબાપાનો અવાજ ન આવ્યો હોત, ‘ચકીબેન જલદી આપો ભઈ રોટલી.’ ‘લાવું’સ મોટાબાપા.’ પુષ્પાની સામું જોયા વગર જ ચકીએ બાજુમાં પડેલા લોટમાંથી જાતેથી એક પેંડો બનાવ્યો અને એક જાડીપાતળી રોટલી વણી આપી. રોટલીનો આકાર જોતી પુષ્પાને જોરથી એક વેલણ હાથ પર વાગ્યું. ‘નવરીના પેટની! કેટલી વાર શીખાડવું ! ગામ આખું કે’શે કે આની માએ કાંઈ શીખાડ્યું નથી.’ પુષ્પાની આંખોમાં પાણીની ધાર ખેંચાઈ આવી. ચકી હાથ બાળે એ પહેલાં જ તેણે તવી પર રોટલી શેકી આપી અને ઘી લગાડી મોટાબાપાને આપવા મોકલી.
મોટાબાપા રોટલી જોઈ જ બોલ્યા, ‘ચકીબેન આવી આફ્રિકાના નકશા જેવી રોટલીયું હોય કાંય? બીજી લઈ આવો જાવ. આ વખતે ગોળ જ વણજે હોં?’
હરખથી આવેલી ચકી થોડી નિરાશ થઈને પાછી ગઈ. જેઠની વાત પુષ્પા બરાબર સાંભળી શકતી હતી. આટલી વારમાં પુષ્પાએ એક ફુલ્કું બનાવી રાખ્યું હતું એને લઈ ચકી ગઈ તો મોટાબાપા ઓળખી ગયા કે એ પુષ્પાએ બનાવ્યું છે. એ રોટલી પાછી મોકલાવતાં બોલ્યા, ‘ના, આ તો તારી માના હાથની રોટલી છે. આજે સારો અવસર છે. એટલે મારે તો તારા હાથની જ રોટલી ખાવી છે ચકી!’
ચકી પાછી આવી ત્યારે જાણે મનમાં નક્કી કરીને આવી હતી કે હવે તો ફરિયાદ નહીં જ આવે. તેણે લોટનો પેંડો બનાવી ગોળ-ગોળ રોટલી બનાવવાનું શરૂ કર્યું. આકાર થોડો બગડ્યો એટલે ફરી પેંડો બનાવી વણવા લાગી. પુષ્પા સામે લોટમાં ગુંદાતું બાળપણ તરવરવા લાગ્યું. રમતગમતનું મનમાં ઘેલું ચડ્યું હોય, કૂંડાળાં રમવાં હોય, ઝાડ નીચે ઝૂલવું હોય, નિશાળે જઈ નવી શીખ લેવી હોય, બાપુની જેમ હુકમ ચલાવવો હોય, બહેનપણીઓ સાથે દુનિયા જોવી હોય એ બધી ઇચ્છાઓ કેવી એક જ સાથે લોટના પીંડામાં ગુંદાઈ જતી હતી? મનમાં ઊઠતી નિશાળે જવાની ઇચ્છાઓ રોટલી બનાવવાની તવી પર કેવી-કેવી રીતે બળતી રહી હતી એ વિચારોએ પુષ્પાના મનમાં ઊંડો શેરડો પાડ્યો. કેટલું કર્યું પણ ચકીથી રોટલી ગોળ ન થઈ તે ન જ થઈ. પુષ્પાએ બાજુમાં પડેલો ધારવાળો વાટકો આપ્યો, જેને લોટ પર મૂકી કાપીને ચકીએ ગોળ આકાર બનાવ્યો. ચકીને આ રમત કાંઈક ગમી ગઈ એટલે તેણે ઉત્સાહમાં રોટલી બનાવી, શેકી અને મોટાબાપાને પીરસવા બહાર દોડી ગઈ. ઉત્સાહમાં બોલી, ‘મોટાબાપા જો ગોળ થઈ રોટલી.‘
‘હા, ગોળ તો થઈ. એકદમ ગોળ! પણ ઘી ક્યાં ગ્યું? ભૂલી ગઈ?’
ચકી દાંત વચ્ચે જીભ દબાવતી રોટલી લઈ પાછી ઘી નાખવા આવી ત્યારે પુષ્પાની નજર સામે જ તેની સાસુની ગરદન પર એક ધારવાળી છૂટી થાળી ફેંકાઈ. તેના સસરા તેની સાસુને બોલતા હતા, ‘ઘી ઓછું કેમ પડ્યું ઘેલઠોકીની! તારો બાપ પી ગ્યો કે તારી માને સડાવ્યુંસ.’ પુષ્પાને શરીરમાં ધ્રુજારી વળી ગઈ. ચકી ઘી લગાડી એ રોટી દઈ આવી પછી બીજી વણવા લાગી. પેલી રોટલી થોડી કાચી હતી એવું સાંભળીને આવેલી ચકીએ જ્યારે બીજી વખત પણ કાચી રોટલી આપી ત્યારે મોટાભાઈએ કરડાકીથી પુષ્પાને મોટા અવાજમાં કહ્યું. ‘પુષ્પાવહુ, જરા સરખું શીખવાડો છોકરીને કામકાજ! આવડી મોટી છોકરી હજી રોટલી શીખી નથી. હવેની રોટલીમાં કોઈ જ ફરિયાદ ન જોઈએ.’
આટલી વારમાં ચૂલા પરની તવી એટલી બધી ગરમ થઈ ચૂકી હતી કે એને ઘડીક ચૂલા પરથી ઉતારવી પુષ્પાને જરૂરી લાગી.
જેઠના શબ્દોએ પુષ્પાને એટલી અકળાવી કે પુષ્પા સીધી જ બહાર ધસી આવી ને ચકીનો હાથ ઝાલી તેને તાણીને લઈ જતાં બોલી, ‘આ એમ નહીં માને. થાય કેમ નઈ? આજે તો શીખાડીને જ પાર કરું.’
ચકી માના આવા વર્તનથી રડવા લાગી અને મોટાભાઈ ‘એ ધીરેથી..’ એવું બોલ્યા તો ખરા પણ રસોડે ઢસડાતી ચકીને બચાવવા ઊભા ન જ થયા. ચકીને રસોડે લઈ જઈને પુષ્પાએ રસોડાનો દરવાજો બંધ કર્યો.
અંદરથી ચકીના જોરથી રડવાના, ધબાધબીના અને ‘નઈ મા, નઈ મા’ એવા અવાજો આવતા રહ્યા. મોટાભાઈ એની જગ્યાએથી બધું સાંભળી રહ્યા હતા. એ જ વખતે ઘરનો ઝાંપો ઊઘડ્યો અને શંકર ને ટીકુડો બન્ને સાથે જ આવ્યા. લઘરવઘર હાલતમાં શંકર હજી પણ થોડોક નશામાં જ હોય એવું લાગતું હતું. અંદર ચકીની ધોલાઈ થઈ રહી છે એ જાણી શંકરને થોડી ચિંતા થઈ. તેણે પુષ્પાને આવા રૂપમાં કલ્પી પણ નહોતી. ટીકુડો જરાક રાજી થયો હતો. રસોડાની એક બાજુ પુષ્પાનો અવાજ એટલો મોટો થઈ રહ્યો હતો કે રસોડાની બહારના લોકોને એ સપના જેવું જ લાગતું હતું. કાને અવાજ પડતો હતો, ‘રોટલી કેમ ન આવડે તને! આજે તો તને રોટલી તો શીખવાડીને જ રહું. રોટલી નહીં આવડે તો ભૂખી રહીશ હમજી.. કોણ હંઘરશે તને?’
‘નઈ મા એમ નહીં..’
‘તું કાંઈ ધણી થવાનીશ કોઈની? નશેરી-જુગારી હોય તોય એને રોટલીયું નો શીખવવી પડે, ઈ કમાય નઈ ને તોય કામઢું બૈરું જ લાવે ને ગરમ રોટલીયું માગે. બાઈની જાત થઈ રોટલી નો આવડે? રોટલી શીખ રોટલી હમજી...’
‘મા રે’વા દે..’
‘તારી હગાઈ પાક્કી થઈસ..
આઠ વરહની ડોહી થઈસ તોય રોટલી નો આવડે તને?’
બહાર આ સાંભળતો શંકર મોટાભાઈ સામે જોવા લાગ્યો તો મોટાભાઈ કહે, ‘હું સમજાવું છું હમણાં.’ હવે મોટાભાઈ ભાણા પર વધુ વાર બેસી ન શકયા. ઊભા થઈ રસોડા તરફ ધસી ગયા. રસોડાના દરવાજા નજીક જાય ત્યાં તો પુષ્પાનો અવાજ વધુ મોટો થયો. ‘તારો દાદો દારૂ ને જુગારમાં ખેતર આખું ખોઈ બેઠેલો તોય તારી દાદી માર ખાતી એક આ રોટલીયું ખાતર. આમ જો આમ..’
‘ઓય મા..’ વેલણ વાગવાનો અવાજ બહારના લોકો સમજી શકે એમ આવતો હતો. મોટાભાઈને આ શબ્દો થોડા વધુ લાગી આવ્યા.
‘મા રેવા દે.. મા..’ ચકીનો રડવાનો અવાજ શંકરને અકળાવી રહ્યો હતો. પુષ્પાના જેઠ થોડી હિંમત કરી દરવાજા પાસે હાથ ઠોકતાં બોલ્યા, ‘છોકરું છે, શીખી જશે. રે’વા દો પુષ્પા વહુ.’
‘છોકરું શેનું? આજે હગાઈ નક્કી થઈ’સ તારી.. તું છોકરું શેનું?’ શંકર મોટાભાઈને હળવેકથી પૂછવા લાગ્યો, ‘હગાઈ નક્કી કરી?’ મોટાભાઈએ આંખોથી હામી ભરી ત્યાં તો અંદરથી વાસણ પછાડવાના અવાજો આવવા માંડ્યા. પુષ્પાનો ખિજાવાનો અને ચક્કીનો રડવાનો અવાજ એકસાથે જ મોટો થયો. ‘લે લેતી જા. આજ ટીકુડાની સિલેટ તોડું. એને મુઆને ભણવું નથ ને તારે ભણવુંશે ને કુસુમડી જેમ? કોણ ભણાવશે તને? લે, લેતી જા.’ ’ ટીકુડો પણ હવે ઢીલો પડતો હતો. ‘જે આવે એને ભાંગી નાખું આજ ..’ મોટાભાઈને શંકર પૂછી રહ્યો હતો, પણ મોટાભાઈ કહે, ‘અરે ભાઈ તું ચૂપ રે’ને.’ મોટાભાઈ વધુ એક ટકોરો મારત પણ પુષ્પા સતત બોલતી હતી. ‘આજે રોટલી શીખવીને જ રહું. રોટલી આવડે તો જ જિવાય. હાથ બાળજે, જીવતર બાળજે; પણ ખબરદાર જો રોટલી બાળી તો! કાચી વયે પયણી જાજે પણ રોટલી કાચી રાખી તો તું જોઈ લેજે. રોજ આમ જ ચામડી ઉધેડશે બધા.’
મોટાભાઈ ચંપલ પહેરી સીધો ઝાંપો જ વટી ગયા. ઝાંપો બંધ થવાનો અવાજ રસોડા સુધી આવ્યો. શંકરનો નશો પૂરી રીતે ઊતરી ગયો હતો અને ટીકુડાએ રડવાનું શરૂ કર્યું હતું, અંદર ચકી જોરથી રડતી હતી, ‘નઈ મા રેવા દે.’ પુષ્પા દીકરીને હળવેકથી તાલી આપતાં જોરથી વાસણ ફેંકી બોલી, ‘પૂરી કરું આજે તને. રોટલી કેમ ન આવડે?’

