સંબંધોના ચોપડામાં ઉધાર ખાતે શૂન્ય અને જમા ખાતે કેવળ સ્નેહ, સંપ અને સમર્પણનો સરવાળો હોય
ઇલસ્ટ્રેશન
શ્રી ગજાનન જય ગજાનન...
લતા મંગેશકરના કંઠે મઢી ગણેશસ્તુતિથી વાતાવરણ મંગલમય થઈ ગયું. વેડછાના ઘરે સવાર આમ જ ઊગતી, વરસોથી.
ADVERTISEMENT
વરંડાની ઝૂલણખુરસી પર ગોઠવાઈ વહેલી સવારનો કુમળો તડકો માણતા અમૂલખભાઈએ ઊંડો શ્વાસ લીધો : પ્રભુસ્મરણથી ભવસાગર તરી જવાય એવું મા કહેતી. આજે પાંસઠના ઉંબરે અમે પણ એના જ સહારે બેઠા છીએને! એટલી જ અબળખા છે કે અમારી આંખ મીંચાય એ પહેલાં...
‘ધીરજ ધરો.’
પતિનું મૌન પણ પરખાતું હોય એમ પૂજાપાઠમાંથી પરવારી અમૂલખભાઈને પ્રસાદ ધરી તેમની બાજુમાં ગોઠવાતાં ઉષાબહેને સાંત્વના પાઠવી, ‘મારો ઈશ્વર આપણાં દીકરી-જમાઈ-દોહિત્રને કંઈ જ નહીં થવા દે. એમાંય તમારી લાડલી તો બિલકુલ તમારી મા પર ગઈ છે - વાઘ જેવી.’
આમાં પતિને હસાવવાનો આશય હતો. અમૂલખભાઈ મરકી પડ્યા. મારી દમયંતીમા સ્વભાવની કડક. અકાળે વૈધવ્યમાં એકના એક દીકરાને ઉછેરવાની જવાબદારીએ તેને ખબરદાર બનાવી દીધેલી. ઉષાને રસોઈમાં, ઘરકામમાં તેણે જ ઘડી. એ માટે આકરા થવું પડે ત્યાં થઈ પણ ખરી. બાકી સાસુ-વહુની ગાંઠ એક હતી. આળીભોળી ઉષામાં મા જેટલી ખબરદારી ન આવી એનો મા ક્યારેક અફસોસ જતાવતી તો ઉષા હસી પડતી : મારે શી ચિંતા, તમે છોને મારા માથે વાઘ જેવા! ને તમારી પોતરીને ગળથૂથી તમે જ પીવડાવી છે એટલે તેય મારા માટે વાઘ જેવી જ છે...
મા અમારો સુખી સંસાર જોઈને ગઈ. પોતરા-પોતરીને રમાડીને, ઘડીને ગઈ... અમારી બગિયાનાં બે ફૂલ : મોટી મૌનવી ને તેનાથી ત્રણ વરસ નાનો ઉત્સવ!
અમૂલખભાઈના વદન પર પ્રસરતી સુરખીએ ઉષાબહેનને ઠંડક પહોંચાડી.
છોકરાઓ બાર-પંદરના હશે ત્યારે માએ પિછોડી તાણી. ત્યાં સુધીમાં જોકે ઉત્સવ-મૌનવીના ઉછેરનું બંધારણ ઘડાઈ ગયેલું. મૂલ્યોથી શોભતું, સંસ્કારોથી ઓપતું. બન્નેએ પાછાં લવમૅરેજ જ કર્યાં!
ઉષાબહેન વાગોળી રહ્યાં.
બરોડાની એમ.એસ. યુનિવર્સિટીમાં કૉલેજ કરતી મૌનવી તેના સિનિયર અનુરાગના પ્રેમમાં પડી... કેવો ડાહ્યો છોકરો. નાનપણમાં માબાપ ગુમાવી બેઠેલો તે મામાના આશરે ભલે ઊછર્યો, કૉલેજમાં આવતા સુધીમાં આપકમાઈથી પગભર થઈ ચૂકેલો. અનુરાગમાં સ્વમાનનું તેજ હતું. સોહામણો પણ એવો કે મૌનવી જોડે શોભી ઊઠે. હાસ્તો, મૌનવીની પસંદમાં કહેવાપણું થોડું હોય!
ભાઈ-બહેનમાં મૌનવી મોટી ને એટલી જ ખબરદાર. તે મારા રસોડાના કામમાં પણ માથું મારે ને તેના પિતા પાસે ખેતીની સમજ પણ કેળવે. ઉત્સવ પર તો તેની સત્તા જ ચાલે. બિચારા મારા છોકરાને એવો તો ધાકમાં રાખે! પણ બીજા શું, હું કે અમૂલખ પણ ઉત્સવને કોઈ વાતે ટોકવાના થઈએ તો તે તાડૂકી ઊઠે : મારા ભઈલુને તમારે કંઈ કહેવાનું નહીં!
‘આમ વાઘ જેવી થઈ જાય છે તે તારાં દાદી પર જ ગઈ છે. જોને, તને તો તારો વર જ સીધી કરશે.’
મારા છણકા સામે તે હસી પડે : અરે જા જા, તેને તો હું આંગળી પર નચાવીશ!
કેવી માથાભારે છોકરી, પણ લાગણીથી છલોછલ. અમારા બધા માટે એટલી જ પ્રોટેક્ટિવ. અને અનુરાગને કેટલું ચાહતી!
કૉલેજના છેલ્લા વરસના દિવાળી વેકેશનમાં તે અનુરાગને લઈને આવી હતી : આ મારો મિત્ર છે, આ વખતે દિવાળી સેલિબ્રેશનમાં આપણી જોડે રહેશે.
સાંભળીને હું-અમૂલખ ડઘાયેલાં. ઉત્સવ મરક-મરક થયો હતો અને અનુરાગ બાપડો સંકોચાતો હતો. આમ અચાનક જુવાન દીકરી સાવ અજાણ્યા જુવાનને ઘરે રહેવા ખેંચી લાવે એ કેવું લાગે! ને છોકરોય કેવો કે જોડે ખેંચાઈ આવ્યો!
‘અનુરાગનું મને ઇનકાર કરવાનું ગજું.’
અમારો પ્રતિભાવ વિના કહ્યે સમજી ગઈ હોય એમ મૌનવીએ ગરદન ટટ્ટાર કરીને સંભળાવેલું, ‘અમે એકમેકને પસંદ કરીએ છીએ. હવે તમે અનુરાગને પસંદ કરી લો એ માટે તેને અહીં લાવી છું... ઇટ્સ ધૅટ સિમ્પલ!’
ના, આમાં નફ્ફટાઈ નહોતી. પોતાના માપદંડનું, પસંદનું ગૌરવ હતું. ઘરનાની સમજશક્તિમાં વિશ્વાસ હતો.
અને અનુરાગમાં કહેવાપણું ક્યાં હતું? અઠવાડિયાના રોકાણમાં છોકરાએ અમને જીતી લીધાં. ઉત્સવ સાથે તેમની ત્રિપુટી જામી ગઈ.
‘મને તો દીદીના પ્રેમપ્રકરણની પહેલેથી ખબર હતી...’ ઉત્સવ ગળું ફુલાવતો.
કૉલેજ પત્યાના બીજા વરસે મૌનવીને રંગેચંગે અનુરાગ સાથે પરણાવી ત્યાં સુધીમાં અનુરાગે નોકરી અને ભાડાના ઘરનો બંદોબસ્ત કરી દીધેલો. અમૂલખે દીકરીને કહેલું : તને હું બરોડામાં રૉહાઉસ અપાવી દઉં. અમારા વારસા પર તારો પણ ઉત્સવ જેટલો જ હક.
જવાબમાં પિતાના ખભે માથું ઢાળીને મૌનવીએ કહેલું : મને તો તમારા વહાલમાં હક જોઈએ પપ્પા ને આ ઉત્સવ કરતાં થોડો વધારે જ હં! બાકી તો હું અનુરાગ રાખે એમાં ખુશ રહું એ અર્ધાંગિનીનો ધર્મ છે, એમાં મારા પતિનું સ્વમાન છે...
દીકરીઓ કેટલી સમજદાર હોય છે!
લગ્નના ચોથા વરસે અનુરાગે વડોદરામાં પોતાનું મકાન કર્યું એના ત્રીજા મહિને મૌનવીને અઘરણી રહી. એ હિસાબે પતિ-પત્ની પ્લાનિંગમાં કેટલાં પાકાં ગણાય!
પૂરા મહિને મૌનવીએ દીકરાને જન્મ આપ્યો. તેનું નામ ઉત્સવે પાડ્યું : અનુજ!
‘મમ્મી-પપ્પા, તમે તો સાવ ભોળાં રહ્યાં! ઉત્સવને વળી બચ્ચાંઓનાં નામમાં ગતાગમ પડતી હશે!’
દોહિત્રનું નામકરણનું ફંક્શન અહીં જ રાખ્યું હતું. આંગણામાં શામિયાણો કર્યો હતો. પાછળ વાડામાં રસોડું ધમધમતું હતું. થોડી વારમાં સગાં-સ્નેહીઓ આવવા માંડશે. ત્યાં અમને રૂમમાં લાવીને મૌનવી કરી શું રહી છે?
‘એ સમજાવવાની કોશિશ કરી રહી છું કે છોકરાનું નામ ઉત્સવે નહીં, તેની પ્રેમિકાએ પાડ્યું છે. તેનું નામ શાલિની છે. નવસારીની જે બૅન્કમાં તમારું ખાતું છે એમાં તે કૉન્ટ્રૅક્ટ-બેઝ પર કામ કરે છે. યુ નો, થોડા વખતથી તમે ખેતી-બૅન્કનાં કામો ઉત્સવને સોંપ્યાં છે એમાં ભાઈસાહેબ બૅન્કવાળી પર લટ્ટુ થઈ ગયા. શાલિની સુરતની છે. અમે તેને મળ્યા છીએ. અનુરાગે બધી તપાસ કરાવી છે. છોકરી-ઘર સારાં છે... મેં આજે તેને અહીં તેડાવી છે. તમારે શું કરવાનું છે એ મારે કહેવું પડશે?’
‘ના, એની જરૂર નથી. અમે તો અહીં આશીર્વાદ દેવા જ બેઠા છીએ. તમે ભાઈ-બહેન પોતાનું જ ધાર્યું કરો છો.’
હું બબડતી રહેલી, પણ ખરું પૂછો તો મહેમાન તરીકે પધારેલી શાલિની જોતાં જ ગમી ગઈ હતી : નમણી, રૂપાળી. આવતાં જ પગે લાગી એવી વિવેકી. સંસ્કાર છૂપા ન રહે!
છ મહિનામાં દીકરાને પરણાવ્યો. બીજા વરસે તેને ત્યાં પણ દીકરો જન્મ્યો : અમારો પોતરો અંશ!
તેના પગલે નવો વળાંક સર્જાયો...
અનુરાગને અમેરિકા જવાની તક મળી! જોડે મૌનવી-અનુજ પણ જવાનાં હતાં એટલે બધાના હૈયે હરખ જ હતો.
ખરેખર તો એ છેતરપિંડી હતી એની ત્યારે ક્યાં ખબર હતી? એને કારણે આજે છ-છ વરસથી અમે દીકરી-જમાઈ-દોહિત્રનો વિરહ વેઠીએ છીએ એ દુ:ખનો જાણે ક્યારે અંત આવશે!
આ વિચારે અત્યારે પણ ઉષાબહેનથી ધગધગતો નિસાસો નખાઈ ગયો.
મૌનવીને સાંભરીને અમૂલખભાઈ પણ સહેજ ઉદાસ બન્યા, ‘એટલું જ માગું છું ઈશ્વર પાસેથી ઉષા કે આયખાનો અંત આવે એ પહેલાં દીકરી-જમાઈ-દોહિત્રનો મોંમેળાપ કરાવી દે!’
શું થવાનું હતું એની કોને ખબર હતી?
lll
છ વરસ!
હળવો નિસાસો નાખતી મૌનવીએ હજી થોડી વાર પહેલાં પલંગ પર પોઢી ગયેલા અનુરાગ પર નજર ટેકવી. તેના પડખે અનુજ કેટલી નિશ્ચિંતતાથી સૂતો છે!
અને કેમ નહીં! તમે તો મારા, અનુજના સર્વસ્વ અનુરાગ! તમારા સાથની પ્રત્યેક પળ મારા માટે કીમતી જણસ જેવી છે. આપણો પ્રણય, આપણાં લગ્ન, ભાડાના ઘરમાં ચસોચસ પ્યાર અને આપણા ઘરમાં અનુજના આગમનનાં વધામણાં....ગર્ભાવસ્થા દરમ્યાન ઉત્સવનું પ્રેમપ્રકરણ ખૂલ્યું.
મૌનવીએ વાગોળ્યું.
ઉત્સવને અનુરાગજીજુ સાથે ગોઠી ગયેલું. વાડીના કામમાં તે ઘડાતો હતો. પપ્પાએ તેને ધીરે-ધીરે રૂપિયા-પૈસાનો વહેવાર પણ સોંપવા માંડેલો. ભઈલો જવાબદાર બનતો જાય છે એનો આનંદ હોય જ. જોકે અનુરાગે જ્યારે કહ્યું કે તેને બૅન્કમાં કામ કરતી છોકરી જોડે પ્યાર થઈ ગયો છે ને બેઉ તારું અપ્રૂવલ ઝંખે છે ત્યારે પહેલો પ્રતિભાવ તો એ જ હતો કે આવડા આ ઉત્સવડાને પાત્રની શી પરખ હોય! જરૂર પેલી છોકરીએ જ જાળ નાખી. બૅન્કમાં કામ કરનારી અકાઉન્ટની જમાપૂંજી જોઈને લટ્ટુ થઈ હોય એવી સામાન્ય સમજ પણ ઉત્સવને નથી?
‘નૉટ ફેર હની. કોઈને જાણ્યા-મૂક્યા વિના તેના ચારિત્ર્ય વિશે તું ગ્રંથિ બાંધી જ કેમ શકે?’
ત્યારે પરાણે સ્વસ્થતા કેળવીને શાલિનીને મળવા હું તૈયાર થઈ હતી.
અમે ચાર નવસારીની રેસ્ટોરાંમાં પહેલી વાર મળ્યાં ત્યારે ઉત્સવ જેટલી જ તે પણ નર્વસ લાગી.
છોકરી છે તો સુંદર. પરિવારમાં પિતા નથી, વિધવા સાવિત્રીમા અને નાનો ભાઈ વિરાજ છે, આબરૂદાર ખોરડું છે એવી તપાસ તો અનુરાગે કરાવી જ રાખી હતી.
‘ઉત્સવે મને કહ્યું છે કે તેના માટે તમે, પેરન્ટ્સ સર્વસ્વ છો. મારે પરિવારમાં દૂધમાં સાકરની જેમ ભળવાનું છે... મને કંઈ વાંધો જ નથી.’ તે ઉતાવળે બોલી ગઈ. પાણીનો પ્યાલો ગટગટાવી ગઈ. બિચારી!
મારાથી હસી જવાયું. તેની નર્વસનેસ દૂર કરી પછી તો ઘણી વાતો કરી.
‘તું ઉત્સવની પસંદ છે એ મારા માટે પૂરતું છે. મોટી બહેન તરીકે એટલું જ કહીશ કે સંબંધોના ચોપડામાં ઉધાર ખાતે શૂન્ય અને જમા ખાતે કેવળ સ્નેહ, સંપ અને સમર્પણનો સરવાળો હોય એ મારાં માતા-પિતાની જીવનશીખ છે. તું એનું માન રાખીશ એવું માની લઉં.’
શાલિનીએ હકાર ભણ્યો. એકંદરે બધું ઠીક લાગ્યું. જોકે મમ્મી-પપ્પાને અનુજના નામકરણ વખતે જ ફોડ પાડ્યો.
પછી ઉત્સવનાં લગ્ન, વરસમાં અંશનું આગમન ને એના છ મહિનામાં અમારું અમેરિકાગમન. એ હિસાબે શાલિની સાથે ઝાઝું રહેવાનું નથી બન્યું. અમારે અમેરિકા આવવાનું બન્યું ન હોત તો અનુજ-અંશનું બૉન્ડિંગ બરાબર જામી ગયું હોત... અમેરિકા મૂવ થવાના એક નિર્ણયે જિંદગી કેવી પલટી નાખી!
વિધાતાના લેખ મતિ ભુલાવે એ આનું નામ.
અમેરિકા જવાનો ફણગો અનુરાગની કંપનીમાં ફૂટ્યો. અનુરાગને જેની સાથે ખાસ્સું બનતું તે નયનભાઈને અચાનક અમેરિકાનો જૅકપૉટ લાગ્યો : નોકરીમાં રાજીનામું મૂક્યું છે, પણ અમેરિકા જવાનો છું એ કોઈને કહ્યું નથી. મુંબઈનો એક એજન્ટ છે. વીઝાથી માંડીને ત્યાંની નોકરી સુધીનું બધું તે જ ગોઠવી આપે. વરસમાં તો તમારી સિટિઝનશિપ પાકી. હા, રૂપિયા લેશે, પણ કામ ખાતરીનું અને લીગલ.... તમે પણ આવી જાઓ, અનુજનું ફ્યુચર બની જશે!
વાત લલચામણી હતી, પણ અનુરાગ એમ ઢળી પડે એવા નહોતા. કઈકેટલા ગ્રીન કાર્ડવાળા વરસોથી સિટિઝનશિપની ક્યુમાં ઊભા હોય ત્યાં નોકરી માટે જનારને વરસમાં નાગરિકતા મળી જાય એ કેમ મનાય?
પણ અમેરિકા પહોંચેલા નયનભાઈએ બે-ત્રણ વાર ફોન, વિડિયોકૉલ કર્યા એટલે વિશ્વાસ બેઠો. ખરેખર અહીંના એજન્ટે તોડ કાઢ્યો હોય ને અમેરિકા જવા મળતું હોય તો વાય નૉટ! આ લાલચ કે લાલસા નહોતી, આંધળૂકિયું નહોતું. બધું જોખી-તોલીને, ભવિષ્યનું વિચારીને લેવાયેલો પરિપક્વ નિર્ણય હતો.
અને અહીં ગેરકાયદે, રઝળપાટ કરી અમેરિકાની સીમામાં ઘૂસવાની વાત જ નહોતી. અનુરાગને જૉબ મળતી હતી અને કંપની તેને ફૅમિલી સહિત સ્પૉન્સર કરે છે એ મતલબના લખાણ પર વીઝા ઇશ્યુ થવાના હતા. પાકું પેપરવર્ક હતું. એજન્ટની ફી, અમેરિકાની ટિકિટનો ખર્ચો બધું મૅનેજ કરવા ઘર વેચી નાખ્યું, બચત વાપરી નાખી....
અને અહીં આવ્યા પછી જાણ થઈ કે અમારા આગમનમાં લીગલ કશું હતું જ નહીં!
પરિણામે છ-છ વરસથી ઇલીગલ ઇમિગ્રન્ટ્સના વણલાગ્યા સિક્કા સાથે અહીં વસ્યા છીએ. એમાં પાછા અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ ગુડવિલની સૂચનાથી અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા વિદેશીઓ પર તપાસની તવાઈ છે.
જાણે હવે આગળ શું થશે?
(ક્રમશ:)

