Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > અર્ધાંગિની ભાવવિશ્વના ભાવ-અભાવ (પ્રકરણ-૩)

અર્ધાંગિની ભાવવિશ્વના ભાવ-અભાવ (પ્રકરણ-૩)

Published : 05 February, 2025 02:42 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

ક્લાયન્ટનું પૂરતું બ્રીફિંગ થઈ ચૂક્યું છે અને ભરોસો બેઠો છે એ કળાતાં મધુરિમાએ મૂળ મુદ્દો પકડી લીધો

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


લવ ઍકૅડેમી.


બુધની બપોરે વિલે પાર્લેના સરનામે પહોંચીને અનન્યા પહેલા માળના બોર્ડને તાકી રહી.



પરમ દિવસે છાપામાં પહેલી વાર જોયેલી નોખી-અનોખી સર્વિસની જાહેરાત ગઈ કાલે ફરી જોતાં અનન્યાથી રહેવાયું નહોતું. જાહેરખબરમાં લખેલા નંબર પર ફોન જોડી દીધો હતો. જાણું તો ખરી કે આખરે આ નોખી સર્વિસ છે શું?


‘ગુડ આફ્ટરનૂન. ધિસ ઇઝ નિયતિ ફ્રૉમ લવ ઍકૅડેમી. હાઉ કૅન આઇ હેલ્પ યુ?’

મીઠા અવાજમાં પૂછતી છોકરી ફર્મની રિસેપ્શનિસ્ટ લાગી.


‘મેં ન્યુઝપેપરમાં તમારી જાહેરાત જોઈ, આઇ વૉઝ જસ્ટ ક્યુરિયસ કે તમે કઈ રીતની સર્વિસ પ્રોવાઇડ કરો છો?’

પૂછ્યા પછી અનન્યાએ ખુદ ભોંઠપ અનુભવેલી. આમ ઍડ જોઈને કોઈને કુતૂહલવશ ફોન થોડો થાય!

પણ બિઝનેસવાળા તમામ પ્રકારની ઇન્ક્વાયરીથી ટેવાયેલા હોય છે.

‘અફકોર્સ મૅડમ. વી આર ગ્લેડ કે તમને અમારી સર્વિસમાં રસ પડ્યો. આપનું નામ-સરનામું જાણી શકું?’

છોકરી સ્માર્ટ હતી અને પોતે બાઘાની જેમ ખરું નામ અને પત્તો દઈ પણ દીધો!

‘અનન્યાજી આપને જાહેરાતમાં રસ પડવાનું કારણ?’ પ્રશ્ન પૂછીને નિયતિએ જ આગળ ચલાવ્યું. ‘અમે ઍડમાં ત્રણ-ચાર સિચુએશન્સ મૂકી છે, જેમ કે તમને લાગણીનો અભાવ પજવતો હોય કે પછી કોઈના વિરહની તડપ હોય - તમને આમાંનું કશુંક મૅચ થતું લાગ્યું એટલે જાહેરાતમાં રસ પડ્યો હશે રાઇટ?’

‘રાઇટ...’ અનન્યાથી ઇનકાર નહોતો થયો.

‘ફાઇન. સો મે આઇ નો અનન્યાજી કે તમને કઈ સિચુએશન વધુ અપીલ કરી ગઈ? એ હિસાબે હું તમને અમારી સર્વિસ વિશે સરખું સમજાવી શકીશ...’

‘અરે, આ તો તું મારી જ પૂછપૂછ વધુ કરે છે...’ અનન્યા અકળાતાં તે મીઠું હસી,

‘નો વરી. ચાલો હું તમને ઉદાહરણથી સમજાઉં.’

અનન્યા એકાગ્ર થઈ.

‘આપણે તેમને નીલિમાબહેનના નામે ઓળખીશુ. પંચાવનની ઉંમરે ઊભેલાં નીલિમાબહેન વેલ ટુ ડુ છે. દીકરો પરણીને યુએસમાં સેટ થયો છે. ફિઝિકલ ફિટનેસ પણ સારી. ગયા વર્ષે પતિના અવસાન બાદ તેમણે ખુદને વિવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખ્યાં છે છતાં અમુક ખાસ દિવસોએ જીવનસાથીની ખોટ વર્તાવ્યા વિના નથી રહેતી. આવો એક દિવસ, એટલે નીલિમાબહેનનો ખુદનો જન્મદિવસ!’

ક્લાયન્ટને કથાનકમાં જકડવાની કુનેહ ધરાવતી નિયતિએ ઉમેર્યું, ‘અગાઉ તો તેમના બર્થ-ડે પર પતિ જિતેન્દ્રભાઈ સરપ્રાઇઝ પાર્ટી રાખતા, મિત્રોને તેડાવતા તો ક્યારેક પતિ-પત્ની રોમૅન્ટિક ડિનર ડેટ પર ઊપડી જતાં. વર્ષગાંઠે નીલિમાબહેન આ બધું બહુ મિસ કરે. હવે જો તેમના જન્મદિન પૂરતી તેમને જિતુભાઈની કંપની મળી જાય તો?’

‘તો... તો આના જેવી કોઈ બર્થ-ડે ગિફ્ટ નહીં!’ અનન્યા રોમાંચિત થઈ ઊઠી, પછી હળવો નિઃસાસો સરી ગયો, ‘પણ એ કઈ રીતે શક્ય બને? ગયેલું કોઈ પાછું થોડું આવે?’

‘આવે મૅડમ, એ જ તો અમારું કામ છે!’

‘હેં... એટલે તમે સ્વર્ગમાંથી આત્માને બોલાવવાનું કામ કરો છો?’ અનન્યા સહેજ નિરાશ થઈ. આ તો કોઈ પૅરાનૉર્મલ ઍક્ટિવિટી કરતી એજન્સી લાગે છે!

‘નૉટ ઍટ ઑલ.’ નિયતિએ ઉતાવળે ફોડ પાડ્યો, ‘અમે જિતુભાઈને તો સ્વર્ગમાંથી પાછા ન લાવી શકીએ, પણ અમારા આર્ટિસ્ટને જિતુભાઈના ગેટઅપમાં મોકલીને નીલિમાબહેનની સાંજ તો સુધારી જ શકીએને.’

ઓહ અનન્યાને હવે ગડ બેઠી.

શરીરના સુખ માટે એસ્કોર્ટને તેડાવાય એમ મનની સાંત્વના માટે, લાગણીની પૂર્તિ માટે કમ્પેન્યન હાયર કરવાનો ધંધો કદાચ નવો હોય, પણ મુદ્દો નવો નથી. આંધળી માનો આધાર બનવા હીરો તેનો દીકરો બનીને રહે કે  પ્રેમિકાના મૃત ભાઈનો દોસ્ત બનીને આવે એવું કથાનક તો દાયકાઓ જૂની ફિલ્મોથી ચાલ્યું આવે છે. અરે, હમણાંની એકાદ અર્બન ગુજરાતી ફિલ્મમાં જ હીરો કોઈનો ભાઈ, કોઈનો પિતા એવા મલ્ટિપલ રોલ જીવનમાં નિભાવતો જોવા મળ્યો હતો. આ બધું એના જેવું જ! ફરક હોય તો એટલો કે આ લોકો આધુનિક મેકઅપથી જે-તે વ્યક્તિનો ગેટઅપ ગોઠવી આપે છે.

‘નૉટ ઓન્લી ધિસ...’

અનન્યાની નિરાશા પારખી ગઈ હોય એમ નિયતિએ રણકો ઉપસાવ્યો, ‘કેવળ જે-તે વ્યક્તિ જ નહીં, તમને જોઈતો માહોલ અમે ઊભો કરી આપીએ છીએ અને એ જ અમારી માસ્ટરી છે. અમારી પાસે વિવિધ એજ-ગ્રુપના નીવડેલા આર્ટિસ્ટ્સની ફોજ છે. અમારાં મૅડમ ખુદ કેળવાયેલાં મેકઅપ-આર્ટિસ્ટ છે. તમે એક વાર આવો તો ખરાં...’

-એ વિનવણી આજે પોતાને અહીં સુધી દોરી લાવી છે... હવે જોઈએ આગળ શું થાય છે!

lll

‘હવે બોલો અનન્યા, ‘લવ ઍકૅડેમી’ તમારા માટે શું કરી શકે?’

મધુરિમાએ ખુરસીને અંઢેલતાં પૂછ્યું.

એક ફ્લૅટ જેવડી ઑફિસ. હૉલમાં ચહેરાના વિવિધ મોલ્ડ, મૅનિકિન, વિગનો સામાન કદાચ કસ્ટમરને ઇમ્પ્રેસ કરવા જ ગોઠવ્યો હશે. ચાર જણનો સ્ટાફ અને પાર્ટિશનથી અલાયદી કરાયેલી અજિતરાય-મધુરિમાની કૅબિન. અનન્યાએ ઊંડો શ્વાસ લીધો.

પતિ-પત્ની પાંત્રીસીમાં પ્રવેશેલું ખુશનુમા કપલ છે. અજિતરાય આઇટી પ્રોફેશનલ તરીકે ચાર વર્ષ સજોડે યુએસ રહી ચૂક્યા છે.

‘અમે શિકાગોમાં રેન્ટ પર રહેતા. અમારાં લૅન્ડલેડી મધુરિમાની કંપનીથી ખુશ હતાં. દૂર વસેલી તેમની દીકરી મધુરિમા દેખાતી. અમેરિકાની વીઝા પૉલિસીને કારણે ઇન્ડિયા પાછું ફરવું પડ્યું ત્યારે લેડીએ મધુરિમાને કંપની બદલ ૧૦,૦૦૦ યુએસ ડૉલરનું વળતર આપ્યું એટલે થયું દેશમાં નોકરી ખોજવાને બદલે આવો ધંધો શરૂ કેમ ન કરીએ?’

અનન્યાને આવકારી અજિતરાયે સંસ્થા પાછળની પૂર્વભૂમિકા બાંધેલી. બે વર્ષથી તેમની આ ઑફિસ ચાલે છે અને તેમનું માનીએ તો અમુક ગ્રાહક તો કાયમના થઈ ગયા છે.

‘ઇમોશન્સ મનુષ્યના અસ્તિત્વનો મૂળભૂત પાયો છે. આજની ફાસ્ટ લાઇફમાં માનવી પાસે બધું જ છે, બસ લાગણીની સંપૂર્ણતા નથી - ક્યાંક સમયના અભાવે, ક્યાંક સંજોગને લીધે. અંતરની અધૂરપનો ઇલાજ કોઈ સંન્યાસમાં શોધશે, કોઈ વળી મનોચિકિત્સકની મદદ લેશે. અમારી સર્વિસનો લાભ લીધા પછી તમને બેમાંથી કોઈની જરૂર નહીં પડે.’ ખાતરીના રણકાભેર કહી અજિતરાયે દાખલો આપેલો ઃ મલબાર હિલનું વર્કિંગ કપલ છે. બન્ને વર્ષે કરોડોના પૅકેજ રળતાં હશે. હવે બર્થ-ડે જેવી ખાસ ડેટ આવે અને વર્કિંગ કમિટમેન્ટ્સ હોય તો એને પ્રાધાન્ય આપી હસબન્ડ-વાઇફ ગિફ્ટમાં અમારા થ્રૂ કમ્પેન્યન મોકલી આપે છે જેથી બીજાને અગત્યના દિવસે પોતાનો લાઇફ-પાર્ટનર સાથે હોવાનો અહેસાસ તો મળે!

આ ઉકેલ વખાણવા જેવો તો ન જ ગણાય, પણ આજકાલ આવું બધું ઇનથિંગ ગણાય છે.

‘ધિસ ઇઝ રિસ્કી એઝવેલ.’ અનન્યાથી દલીલ થઈ ગયેલી, ‘રોમૅન્ટિક ઈવમાં શારીરિક છૂટછાટ લેવાઈ ગઈ તો...’

‘નૉટ એક્સેપ્ટેબલ.’ મધુરિમાએ મક્કમતા જતાવેલી, ‘અમારી સાથે કામ કરનારા મોટા ભાગના સ્ટ્રગલિંગ આર્ટિસ્ટ્સ છે. પાત્રના ગેટઅપમાં ઢળવા માટે તેઓ પૂરી મહેનત કરતા હોય છે. બટ ધે આર નૉટ એસ્કોર્ટ્સ. આઇ મીન, ક્લાયન્ટ મર્યાદા ઓળંગતો લાગે તો તમાચો ઠોકી તેને વાસ્તવિકતાનું ભાન કરાવી ત્યાંથી નીકળી આવવાની તેમને છૂટ છે અને આવું બેચાર વાર બન્યું પણ છે. આવા ક્લાયન્ટ્સને અમે બ્લૅકલિસ્ટ કરી દઈએ છીએ.’

ક્લાયન્ટનું પૂરતું બ્રીફિંગ થઈ ચૂક્યું છે અને એના ભરોસો બેઠો છે એ કળાતાં મધુરિમાએ મૂળ મુદ્દો પકડી લીધો - હવે બોલો અનન્યા, અમારી પાસેથી તમે શું ઇચ્છો છો?

અનન્યાએ હોઠ કરડ્યો, ‘ઍકૅડેમી વિશે જાણવાજોગ જાણી લીધું, પણ હું શું ઇચ્છું છું એ કઈ રીતે જણાવું? ખરેખર તો હું શું ઇચ્છું છું એની મને પણ ક્યાં ખબર છે?’

‘આઇ ડોન્ટ નો’ તેના હોઠ ફફડ્યા.

પતિ-પત્નીની નજરો મળી, છૂટી થઈ.

‘વી અન્ડરસ્ટૅન્ડ.’ મધુરિમાએ સહાનુભૂતિ દાખવી, ‘પોતાને ઇમોશનલ સપોર્ટની જરૂર છે એવું અજાણ્યાને કહેવામાં સંકોચ થાય એ બહુ સ્વાભાવિક છે. યુ નો, હું સાયકોલૉજી ભણી છું એટલે માનસમનને સમજી શકું છું.’

‘થૅન્ક્સ’ અનન્યાએ વિનાકારણ ખોળામાંની પર્સ ઉઘાડબંધ કરી. અહીં આવી જાણવાજોગ જાણી લીધું. હવે આગળ શું કરવું એ માટે તો નિરાંતે વિચારવું પડશે.

‘તમે પરિણીત છો, તમે કહ્યું એમ તમારે ૮-૯ વર્ષનાં દીકરા-દીકરી છે.’ મધુરિમાએ અજિતને જોતાં વાતને હડસેલો માર્યો, ‘અનન્યાને જોઈ તને સ્નેહાની યાદ નથી આવતી, અજિત?’

‘યા! અફકોર્સ.’ અજિતે ટાપસી પૂરતાં અનન્યા તરફ ફરી મધુરિમાએ સ્મિત વેર્યું.

‘યુ નો અનન્યા, તમારા જેવી જ એક પરણેતર અમારી પાસે આવી હતી. મૅરેજ પહેલાં તેને નન અધર ધૅન સલમાન ખાન પર ક્રશ હતો. પછી સંસારની જવાબદારી આવી, એમાં એક તબક્કે પતિની વ્યસ્તતાને કારણે ‍તેને એકલતા સાલવા લાગી અને એમાંથી જુદી જ ફૅન્ટસી ઊભરી, ‘પતિને બદલે સલમાન સાથે એક રોમૅન્ટિક ડેટ માણવા મળે તો!’

કિસ્સાનો અંજામ જાણતી હોય એમ અનન્યાએ ડોક ધુણાવી, સામેથી મધુરિમાએ એવું જ કંઈ કહ્યું,

‘તે અમને મળી અને અમે સલમાન સાથેની ડેટનો મેળ પાડી દીધો.’ મધુરિમાએ હસીને ફોડ પાડ્યો, ‘નૉટ રિયલ સલમાન અફકોર્સ, પણ સ્ટ્રગલિંગ આર્ટિસ્ટમાં ઘણા લુક અલાઇક જેવા હોય છે. તમને રણબીર કપૂર ગમતો હોય કે પછી - હુ ઇઝ ધ હૉટ વન ધિસ ડેઝ?’

અનન્યાએ તેને અધવચ્ચે જ બ્રેક મારી.

‘મારી એવી કોઈ ફૅન્ટસી નથી.’

‘ફાઇન... તો પછી તમારે તેની સાથે ટાઇમ સ્પેન્ડ કરવો છે?’ મધુરિમાએ સીધું જ પૂછ્યું,

‘કોની સાથે?’

પળ પૂરતી ભીતર ફંફોસતી હોય એમ અનન્યા આંખો મીંચી ગઈ.

એ જ આત્મસાત થયેલો ચહેરો તરવર્યો. મીઠું હસતાં કહી રહ્યો હતો ઃ એક સાંજ શું, એક જિંદગી શું, સાતેય ભવ તારે મારી સાથે વિતાવવાના છે અનન્યા. એક ઘડી માટેય તું કોઈની થઈ ન શકે; હું જાણુંને!

હૈયું એવું તો ઊમડઘૂમડ થયું. ત્યાં મધુરિમાના ખોંખારાએ અનન્યાની સમાધિ તૂટી.

‘અ...નિ...રુદ્ધ!’ તે બોલી પડી. ઓહ, હું આજેય તમને એટલી જ ઉત્કટતાથી, બેસુમાર, બેપનાહ ચાહું છું, અને તમે?

ફરી એ જ શૂળ જેવી ભોંકાઈ.

‘અનિરુદ્ધ - તમારા પતિ?’ ચાલાક મધુરિમાએ પકડી પાડ્યું, ‘તમારે એક સાંજ તેમની જોડે માણવી છે કે વેકેશન પર જવું છે? ડોન્ટ વરી, બિલકુલ તેમના જ ગેટઅપમાં અમારો આર્ટિસ્ટ તમને અનિરુદ્ધજીની જ ફીલિંગ આપશે. બોલો, તમારે તમારી ફર્સ્ટ ડેટને રિવાઇવ કરવી છે?’

અમારી પહેલી ડેટ! વેવિશાળ પછી અનિરુદ્ધ મને ચોપાટી લઈ ગયેલા. ત્યાં અણધાર્યો વરસાદ વરસતાં અમારે હોટેલમાં રૂમ રાખવી પડેલી - અનન્યાના વદને નવોઢાની લજ્જા ફરી વળી.

‘સો ડન. આપણે તમારી ફર્સ્ટ ડેટને પુન: જીવિત કરીએ. આવી ટ્રિક સંબંધને ઑક્સિજન આપતી હોય છે. તમે તમારી ડેટની ઝીણી-ઝીણી વિગત બહાર નિયતિને લખાવી દો.’

‘જોઈશ.’ અનન્યા એકદમ ઊભી થઈ. ‘હું એક-બે દિવસમાં ફાઇનલ જવાબ આપું તો વાંધો નથીને? થૅન્ક્સ.’

આણે એકાએક ચાલતી કેમ પકડી? મધુરિમા-અજિતરાયને સમજાયું નહીં.

‘કેવી-કેવી આઇટમ આવે છે!’ મધુરિમાએ મોં મચકોડ્યું.

‘જે હોય એ, આઇટમ બહુ માલદાર હતી.’ અજિતરાયના ચહેરા પર ખંધાઈ ઝબકી, ‘આવો શિકાર જતો ન કરાય.’

‘શિકાર...’ મધુરિમા મીંઢું મલકી. અમારા આ આખા સેટઅપ પાછળનો અસલી ધંધો તો જુદો જ છે એની કેટલાને ખબર છે?

lll

‘અરે, અનન્યા મૅડમ તમે!’

બિલ્ડિંગમાંથી નીકળતી અનન્યાને કોઈકે સાદ પાડીને રોકી. આછું મલકતા જુવાનની ઓળખનો પછી ઝબકારો થયો: અરે, આ તો નંદુનો દીકરો માનસ!

જાણે પોતાનું કોઈ ઓળખીતું પોતાને ખોટા ઠેકાણેથી નીકળતાં ભાળી ગયું હોય એમ અનન્યા સંકોચાઈ. માનસ પંચાત આદરે એ પહેલાં તેણે જ પૂછી લીધું - તું અહીં શું કરે છે?

‘કામ... ‘લવ ઍકૅડેમી’ના પેરોલ પર છું.’

માર્યાં ઠાર. અનન્યાને ત્યાંથી ભાગી છૂટવાની ઇચ્છા થઈ.

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

05 February, 2025 02:42 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK