Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > અર્ધાંગિની ભાવવિશ્વના ભાવ-અભાવ (પ્રકરણ-૨)

અર્ધાંગિની ભાવવિશ્વના ભાવ-અભાવ (પ્રકરણ-૨)

Published : 04 February, 2025 12:24 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

અનિની અર્ધાંગિની રહીને પણ તેને મારા મન-રુદિયે ન રાખું, તનથી આઘેરા રાખું એ પણ રિવેન્જ જ થયો

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


‘ગુડ મૉર્નિંગ!’


અનિરુદ્ધના રણકાએ તથ્ય-નવ્યા ખીલી ઊઠ્યાં, ‘ડૅડી આજે વહેલા જાગી ગયા!’



વહેલા જાગ્યા એમ નહીં, જાગીને બિઝનેસ કૉલમાં નથી ખૂંપ્યા એમ કહો! હોઠે આવેલું વાક્ય અનન્યા ગળી ગઈ. પતિ વિરુદ્ધ ભીતર ઘૂંટાતી ફરિયાદો પર અત્યાર સુધી પોતે લગામ તાણી રાખી છે એટલે ખુદ અનિને જેનો અંદેશો નહીં હોય એની બાળકોને તો ગંધ પણ કેમ આવે? આજ સુધી તેમની નજરમાં અનિની છબી ખરડાય એવું મેં થવા દીધું નથી, પણ હું ક્યાં સુધી આવી રહી શકીશ એ નથી જાણતી.


પરણેલો પુરુષ લફરું કરી શકતો હોય તો પરણેલી સ્ત્રી કેમ નહીં?

બે દિવસ અગાઉ અણધાર્યો ફૂટી નીકળેલો વિચાર મનમાંથી હટતો નથી. બલકે એની તરફેણમાં દલીલો ઘૂંટી મક્કમ બનતો જાય છે : પતિ પરસ્ત્રીગમન કરી શકે તો તેની અર્ધાંગિની શા માટે સતી સાવિત્રીનો ઘૂમટો તાણી સોસવાતી રહે? એ જમાના ગયા! એક્સ્ટ્રા-મૅરિટલ અફેરનો ઇજારો પુરુષનો જ થોડો છે? પતિની બેવફાઈનો જવાબ પત્ની એવી જ બેવફાઈથી આપે એ વ્યભિચાર નહીં, ન્યાયસંગત ગણાય.


મતલબ, હું કોઈ પરપુરુષ સાથે સૂવા તૈયાર છું?

બસ, આ સવાલે અનન્યાને કમકમાં આવી જતાં. અનિરુદ્ધ સિવાય મારા તનને કોઈ સ્પર્શે એ કલ્પના પણ મારા માટે અસહ્ય છે. મારો હક પરસ્ત્રીને દેતી વેળા અનિને આમાંનું કંઈ જ નહીં થયું હોય?

આ વધુ ચચરતું.

ના રે. અનિરુદ્ધને મારા હકની તમા ન હોય તો મારે પણ તેની પરવાહ રાખવી ન જોઈએ. અને બેવફાઈ એટલે શરીર જ અભડાવવું એવું ઓછું? અનન્યાએ ઉકેલ શોધી કાઢ્યો હતો: અનિનું સ્થાન હું બીજા કોઈને દઈ ન શકું, પણ અનિને તો તેના સ્થાનેથી હટાવી શકુંને! અનિની અર્ધાંગિની રહીને પણ તેને મારા મન-રુદિયે ન રાખું, તનથી આઘેરા રાખું એ પણ રિવેન્જ જ થયો! ‘વો’ ગમે એટલી ચાવી આપતી રહે, મારાં સંતાનો ખાતર પણ હું અનિરુદ્ધથી કાયદેસરથી છૂટી નહીં જ થાઉં.

‘અનન્યા...’

અત્યારે અનિરુદ્ધના ઊંચા અવાજે અનન્યાને વિચારવમળમાંથી ઝબકાવી દીધી.

‘જો તો ખરી, ટોસ્ટરમાં ટોસ્ટ બળી ગયા.’

અહીં મારું જીવતર બળી રહ્યું છે એ કોઈને દેખાતું નથી! મનમાં જ બોલી અનન્યા કામે લાગી.

બાળકોના દૂધ-બ્રેકફાસ્ટ પત્યા સુધી અનિરુદ્ધ તેમની જોડે જ બેઠો. બીજા સંજોગોમાં તેમની ગોઠડી પર હું ઓવારી ગઈ હોત, પણ હવે થાય છે આડા સંબંધનું ગિલ્ટ અનિને પણ અંદરખાને હોવું જોઈએ, એ વિના તે તક મળતાં જ બાળકો સાથે આટલો મીઠો શું કામ બને?

‘આજે મમ્મીની છુટ્ટી, તમને સ્કૂલબસમાં ડ્રૉપ કરવા ડૅડી આવશે!’

આવું ક્યારેક જ બનતું. બન્ને બાળકો ખુશખુશાલ!

‘ડૅડી આપણને મૂકવા આવશે ને એ બહાને સ્મિતાઆન્ટી જોડે ગપાટી લેશે!’

નવ વર્ષનો તથ્ય હસતો ત્યારે અનિરુદ્ધ જેવો જ લાગતો.

‘ડૅડી?’ દાદીમા જેવી નવ્યાએ જીભ કાઢી, ‘ઇટ્સ બૅડ મૅનર્સ.’

‘ચૂપ!’ અનિરુદ્ધે બેઉને ટપલી મારી, ‘ડૅડીની ફીરકી લો છો! બટ હેય, ઑન સેકન્ડ થૉટ, તમારી સ્મિતાઆન્ટી છે સેક્સી...’

એવા જ તથ્યએ નવ્યાના કાને હાથ દાબ્યા, ‘શીશ. આ બૉય્ઝ ટૉક છે. તારે નહીં સાંભળવાની!’

આમ હસતાં-હસાવતાં ત્રણે નીકળ્યાં.

તેમની પાછળ દરવાજો બંધ કરતી અનન્યાને રડવાનું મન થતું હતું.

lll

‘તબિયત ઠીક નહીં ક્યા બાઈસાહેબ?’

ઝાપટઝૂપટ કરતી નંદાએ અનન્યાને લમણાં દબાવતી જોઈ ચિંતા જતાવી.

પાછલાં ચારેક વર્ષથી અહીં કચરાપોતું-ઠામવાસણ કરવા આવતી પ્રૌઢ વયની નંદા વિશ્વાસુ હતી.

‘માથું દુખતું હોય તો તેલમાલિશ કરી દઉં?’

સાસુ હતાં ત્યાં સુધી અનન્યાએ ઘરકાજમાં પડવાનું રહેતું નહીં.

ખરેખર તો પોતે સાસરે આવી છે એવું કદી લાગ્યું જ નહીં. પિયર જેટલાં જ લાડપ્યાર, સ્વતંત્રતા અહીં હતાં. અનિ અમસ્તા જ મારી ટીખળ કરે કે પજવે તો મા તેમના જ કાન ખેંચે. નવા વર્ષની પૂજા નિમિત્તે ઘરના સ્ત્રીવર્ગે ફૅક્ટરી જવાનું બને, એ સિવાય ઘરે બિઝનેસની ખાસ વાતોય નહીં થાય. બલકે મા પિતાજીને કહેતા હોય - તમને ભલે મોડું થાય, અનિને તમારે ઑફિસમાં રોકવો નહીં. તેમના આ મોજમજાના દિવસો છે!

કેટલી મોકળાશ, કેટલું સુખ! રસોઈ પણ તેની મરજી, મૂડ હોય ત્યારે કરે ત્યાં સુધીની છૂટ. સાસુમાના ગયા પછી પણ ખર્ચનો વહેવાર શ્વશુરજી જ સંભાળતા, અનન્યાએ તો કેવળ જોઈતું ઑર્ડર કરી બિલ તેમને થમાવી દેવાનું. તેમની વિદાય બાદ ખરા અર્થમાં અનન્યાના માથે જવાબદારી આવી.

’આ શું? કેવળ પચાસ હજાર?’ અનિરુદ્ધે માસિક ખર્ચ પેટે પહેલી વાર રકમ ધરતાં અનન્યા ચમકેલી.

‘ઘરનું રૅશન, સોસાયટીનું મેઇન્ટેનન્સ, નોકરોના પગાર, મારી કારનું પેટ્રોલ, બાળકોની સ્કૂલ ફી- આટલામાં શું થવાનું?’

અનિરુદ્ધે ખભા ઉલાળેલા, ‘એ તું જાણે. મમ્મી તો આટલામાંથીય બે પૈસા બચાવતી. તહેવારમાં તેણે ક્યારેય અલગથી પૈસા નથી માગ્યા.’

બાપ રે. મતલબ ફેસ્ટિવલનું શૉપિંગ પણ આમાંથી જ કરવાનું? મમ્મી કરતાં હશે, મારાથી નહીં થાય... આવું કહેવાને બદલે કે પછી મમ્મી વખતે બાળકો સ્કૂલે નહોતાં જતાં એવી દલીલ કરવાને બદલે અનન્યાએ પડકાર ઝીલી લીધો : પિતાની વિદાયે ધીરગંભીર બની અનિરુદ્ધે વેપારની ધુરા સંભાળી છે એમ મારે પણ ઘડાવાનું તો ખરું જ ને. અને મારી મા કહેતી હોય છે એમ, કરકસર તો ગૃહિણીનો ધર્મ થયો.  

પિયરમાં અલબત્ત, પપ્પાની પગારની બાંધી આવકમાંય માએ કદી કોઈ વાતની ઊણપ વર્તાવા નહોતી દીધી. મહિયરની સરખામણીએ સાસરામાં પાર વિનાની રાજાસાહેબી હતી. સાસુજી ટૂંકા ઘરખર્ચમાં બધું મૅનેજ કેમ કરતાં હશે કોને ખબર, પણ અનન્યાએ પોતાની સૂઝ મુજબનાં પગલાં લેવા માંડ્યાં. ચાર નોકરોને બદલે નંદા પાસે જરૂરી કામ બંધાવ્યાં. ટેરેસ ગાર્ડનની માવજત જેવાં કામ તે ખુદ કરી લેતી. ધોબીને કેવળ અનિનાં કપડાં આપતી, બાકીનાં વસ્ત્રો ઘરે જ આયર્ન કરતી. દિવસે લાઇટ-પંખા-AC ચલાવવાનાં જ નહીં. અનિરુદ્ધ પાસે હવે હોટેલમાં જવાનો સમય જ નહોતો, પણ ખાવાનું બહારથીયે ઑર્ડર કરવાનું નહીં. બાળકોની ફરમાઈશ મુજબનું તે ઘરે જ બનાવતી અને એટલું સરસ બનાવતી કે તથ્ય-નવ્યા હોટેલને સંભારતાં પણ નહીં.

ત્રીજા મહિને પચાસ હજારમાંથી પાંચ હજાર બચ્યા ત્યારે અનન્યાની આંખો હરખથી વરસી પડેલી.

એ ઘડી ને આજનો દિવસ. પોતે વધારાનો એક રૂપિયો અનિ પાસે માગ્યો નથી ને ઘર કેમ ચાલે છે એ અનિએ કદી પૂછ્યું પણ નથી.

બાળકોની સ્કૂલ પિકનિક હોય કે વેકેશનમાં થોડું હરવાફરવાનું બને, અનિ તો એમાંય ગેરહાજર. મારાં મમ્મી-પપ્પા જોડાય એથી તથ્ય-નવ્યાનેય મઝા આવે ને મોટા ભાગે ખર્ચો પપ્પા જ કરે એટલે મારું બજેટ પણ ખોરવાય નહીં. એટલું તો મૅનેજ થઈ જ જાય, પણ ત્રણ વર્ષ અગાઉ નવસારીના વતનથી ગામનું મોવડીમંડળ અનિરુદ્ધને મળવા ઘરે આવેલું. ખરેખર તો તેઓ ગામની વાડીની મરમ્મત માટે ફાળો ઉઘરાવતા હતા અને દિવેટિયા કુટુંબના વારસ પાસેથી લાખ રૂપિયાથી ઓછું તો અપેક્ષિત પણ કેમ હોય? 

અનિ ત્યારે ઑફિસમાં. ફોન કર્યો તો ખિજવાઈ ગયા : નાની-નાની વાતમાં મને શું ડિસ્ટર્બ કરે છે? તારી પાસે
હોય તો આપી દે, નહીં તો રવાના કર!

ત્યાં સુધીમાં પોતે જોકે અનિરુદ્ધની વ્યસ્તતાથી ટેવાઈ ચૂકેલી, તેમની આવી ખીજની પણ આદત થતી જતી હતી. ધંધામાં પુરુષને હજાર લફરાં હોય એવા સમયે ડિસ્ટર્બ કરો તો માણસ ઊકળી જ ઊઠેને! એમ આંગણે આવેલાને ખાલી હાથે મોકલું તો દિવેટિયા કુટુંબની આબરૂને ઘસરકો પહોંચે, એવું ઓછું થવા દેવાય?

જોકે પછીથી મંડળ તરફથી દોઢ લાખના ફાળાની રસીદ મળતાં અનિરુદ્ધ અચંબિત થયેલા: દો...ઢ લાખ! આટલી રકમ તારી પાસે આવી ક્યાંથી? તારા પપ્પા પાસેથી તો નથી માગ્યાને?

જાણે સ્વમાન પર ઘા થવાની ધાસ્તી હોય એવો ભાવ તેમના પ્રશ્નમાં હતો.

‘જાઓ હવે. એમ હું માગતી હોઈશ? આ તો મહિનામાં ઘરખર્ચની બચતમાંથી મેં SIP શરૂ કર્યો છે, ઇન્ટ્રા ડેમાં કમાતી હોઉં છું એના પ્રૉફિટમાંથી મમ્મી-પપ્પાના નામે ફાળો આપ્યો...’

સાંભળીને અનિરુદ્ધ કેવા ઝગમગી ઊઠેલા. મને બાહુપાશમાં ભીંસી દીધેલી.

પછીનાં આ બે વર્ષોમાં સ્વયંભૂ એવી પ્રણયક્ષણ આવી ખરી અનિરુદ્ધ?

અત્યારે, આ વિચારે ફરી ધગધગતો નિસાસો સરી ગયો અનન્યાથી.

તમને તો બસ, તમે ને તમારો વેપાર! બાળકોને તો હજીયે તમારો ક્વૉલિટી ટાઇમ મળી રહે છે, પણ હું?

પણ મારી તો તમને પરવાહ જ ક્યાં છે? અને પતિ પત્ની પ્રત્યે બેપરવાહ ક્યારે બને?

તેનું કોઈ લફરું હોય ત્યારે!

અનિરુદ્ધની સતતની વ્યસ્તતા, કવચિતની તેની ખીજ, છણકા - પોતાને બધું જ સહ્ય, પણ સામે પ્યારભરી એક ક્ષણ ન સાંપડે ત્યારે મનના ઘોડા બેલગામ બની તર્કવિતર્કના રવાડે ચડે એમ અનન્યા પાછલા થોડા મહિનાઓથી આના મૂળમાં જવા ઝંખે છે ને સરવાળે એક જ તારણ મળે છે : બેવફાઈ!

એમાંય તે પોતાનો બર્થ-ડે પણ તે ભૂલ્યો પછી તો પોતાનું તારણ સ્વીકૃત બની ગયું છે જે જુદો જ ઝંઝાવાત પ્રેરે છે.

પરણેલો પુરુષ જો ઘરસંસાર ભૂલી લવલફરાં કરી શકે તો પરણેલી સ્ત્રી કેમ નહીં? બેશક અનિરુદ્ધ જેવી થઈ હું શરીર નહીં અભડાવી શકું, પણ તેને હૈયેથી ખદેડી મૂકું, તેને મારો સ્પર્શ નહીં માણવા દઉં. એના એ જ વિચારો.

‘સો ગઈ ક્યા?’

અત્યારે નંદાના અવાજે વળી વિચારમેળો સમેટી અનન્યાએ વર્તમાનમાં આવી જવું પડ્યું. જોયું તો ઠામવાસણમાંથી પરવારી નંદા સાંજની શાકભાજી સુધારવા બેઠી છે. તેને અહીં ગોઠી ગયું છે એટલે પગાર ઉપરાંતનાંય નાનાં-મોટાં કામ વિના કહ્યે કરી દે છે. પાછી વાતોડિયણ ભારે. ઈસ્ટની ચાલીમાં રહે છે. તેનો વર ફ્રૂટની લારી ફેરવે છે. વર-બૈરી કસરથી રહે છે ને પરસેવાની કમાણીમાંથી એકના એક દીકરાને સારું શિક્ષણ મળે એ માટે પ્રતિષ્ઠિત શાળા-કૉલેજમાં ભણાવ્યો છે.

‘તારા છોકરાના શું ખબર?’ પોતાનું મન બીજે વાળવા અનન્યાએ અમસ્તી પૂછપરછ માંડી.

‘માનસની વાત જ ન કરશો!’ નંદાના છણકામાં મેંશના ટપકા જેવું વહાલ પણ હતું. ‘તેને મીઠીબાઈ કૉલેજમાં ભણાવ્યો, ફર્સ્ટ ક્લાસ પાસ થયો એ ખરું પણ કૉલેજની ઇતર પ્રવૃત્તિમાં નાટકના રવાડે એવો ચઢ્યો છે કે અભિનય સિવાય કંઈ સૂઝતું જ નથી.’

માની ફરિયાદ સાવ નવી નહોતી અનન્યા માટે. ક્યારેક માને લેવા-મૂકવા આવતા માનસને જોયો છે. માંડ એકવીસ-બાવીસ વરસનો જુવાન, આકર્ષક હાઇટ-બૉડીને કારણે અભિનેતા તરીકે જામે પણ ખરો.

‘નાટકોમાં એટલી ટ્રોફી જીત્યો છે તે અમારો શોકેસ ભરાઈ ગયો છે...’ પોરસ જતાવી નંદાએ હળવો નિશ્વાસ નાખ્યો. ‘તેને હવે ટીવી-સિનેમામાં કામ કરવું છે, બોલો! પણ એમ કંઈ તક રેઢી પડી છે? જોકે હમણાં તો ક્યાંક કામે જાય છે ખરો. એમાંય અભિનયનું જ કામ છે એમ કહેતો’તો.’

‘તેના નસીબમાં સારું જ લખ્યું હશે નંદા, તું ફિકર ન કર.’

આશ્વાસન પાઠવી અનન્યાએ તેને વિદાય કરી વામકુક્ષિ માણવા છાપાં લઈ પલંગ પર લંબાવ્યું. વાંચતાં-વાંચતાં ઊંઘી ગઈ હોત ત્યાં ત્રીજા પાને જાહેરખબરે ધ્યાન ખેંચ્યું: તમે લાગણીના અભાવમાં પીડાઓ છો? તમારા પ્રિયપાત્રનો વિરહ સાલે છે? આપ્તજનોની ઉપેક્ષા પજવે છે? તો અમારો સંપર્ક કરો. એક નવીન નોખી-અનોખી સર્વિસ પહેલી વાર ભારતમાં!

ટચૂકડી જાહેરાતમાં છેલ્લે બે મોબાઇલ નંબર અને વિલે પાર્લેની ઑફિસનું ઍડ્રેસ હતું.

અનિરુદ્ધની ઉપેક્ષા મનેય પજવે છે! તો શું આ નોખી-અનોખી સર્વિસ મને ઉપયોગી થઈ શકે ખરી?

જાણવું તો જોઈએ. કોને ખબર, આમાંય અનિની બેવફાઈનો જવાબ છુપાયો હોય!

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

04 February, 2025 12:24 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK