Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ત્રિકોણના ત્રણ ખૂણા - દિલ કી બાતેં દિલ હી જાને (પ્રકરણ ૪)

ત્રિકોણના ત્રણ ખૂણા - દિલ કી બાતેં દિલ હી જાને (પ્રકરણ ૪)

Published : 01 August, 2024 07:40 AM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

એક ત્રિકોણના ત્રણ ખૂણા એક જ તારીખ પર પોતપોતાનો દાવ લગાવવા માગતા હતા

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


આઇ કાન્ટ અફૉર્ડ ધીસ વુમન ઍની મોર! 


મોહિની માટે અજાતશત્રુનો રોષ ઘૂંટાય છે. 



મોહિનીનો બુદ્ધિઆંક ભલે અવનિ જેટલો ઊંચો ન હોય, પણ તે મેધાવી ન હોત તો અવનિને ડિવૉર્સ દેવાની શરત સાથે મને પરવશ કરવાનું તેને સૂઝ્યું ન હોત! 


પણ પછી મારા પ્રેમમાં પાગલ બનેલી બાઈ અવનિનું કાટલું કાઢવા સુધી જવાની હોય તો આવો પ્યાર ભારે પડે! આજે અવનિની હત્યા કરાવનારી કાલે મારી આઝાદી ખૂંચવી લે એ સાવ સંભવ છે. એ કેમ પરવડે?

અરે, મને તો અવનિની હત્યા પણ ન પરવડે... તેની ગેરહયાતીમાં બેનિફિશિયર તરીકે પોલીસના શકના દાયરામાં પહેલો હું આવું એટલી સામાન્ય બુદ્ધિ પણ ન ચાલી મોહિનીની? 


પળોજણ તો અવનિની પણ છે... તેના માટે ઓઢેલા મહોરાથી કંટાળીને હું મોહિની તરફ વળ્યો. હવે ન કરે નારાયણ ને અવનિ મારું લફરું હોવાનું જાણે તો મને બક્ષશે નહીં અને મોહિનીને જો અવનિની હત્યાનો ઇરાદો માંડવાળ કરવા સમજાવા જાઉં તો એ જોખમ સ્વીકારશે પણ નહીં : પોલીસના શકનું તો બહાનું, એમ કહેને તને અવનિના શરીરની માયા નથી છૂટતી... ભુખાળવો! 

અજાતને કપાળ કૂટવાની ઇચ્છા થતી હતી : ઓહ, બે સ્ત્રીઓ વચ્ચે કેવો અટવાયો હું! 

તો બેઉ પાસેથી સરકી જાને! 

ભીતરના પડઘાએ અજાત ટટ્ટાર થયો. 

યા, આખરે આટઆટલું કર્યા પછી હું જિંદગીની મઝા માણી શકતો ન હોઉં, મારા ભવિષ્ય પર પ્રશ્નાર્થ લાગ્યો હોય તો મને હક નથી મારો માર્ગ નક્કી કરવાનો? 

મોહિની તેનું ધાર્યું કરવામાંથી વળવાની નથી. એ હિસાબે અવનિની એક્ઝિટ નિશ્ચિત છે. મારે તેની હત્યાના ચક્કરમાં અટવાવું નથી. બપોરની વેળા ધૅટ કૉન્ટ્રૅક્ટ કિલર ઘરે ત્રાટકવાનો હોય ત્યારે મારે મુંબઈમાં શું, ભારતમાં હાજર જ નથી રહેવું. 

- જોકે કેવળ દેશ છોડવાથી મામલો નહીં પતે. અવનિની હત્યાનો પ્રથમ શકમંદ હું જ ગણાઉં. પોલીસ તપાસમાં ઊંડી ઊતરે તો મોહિની સાથેના અફેર સુધી પહોંચતાં વાર નહીં લાગે. પછી પોલીસ મને વિદેશથી તાણી લાવે એના કરતાં વિદેશ ભાગીને અજાતશત્રુની ઓળખ જ કેમ બદલી ન નાખવી! 

શેખચલ્લીના તુક્કા જેવો વિચાર મમળાવતો ગયો એમ જચતો ગયો. 

અવનિની હત્યા સાથે અજાતશત્રુ પણ ગાયબ હોય તો પોલીસ ગોથું ખાવાની : પત્નીના ખૂનથી થનારો લાભ વટાવવા પતિ હાજર જ ન હોય ત્યારે તેને કાતિલ ધારવાને બદલે તેની સાથે કશું ખોટું નથી થયુંને એની જ ચર્ચા સમાજમાં ચાલવાની... આ બાજુ સિંગાપોરની બૅન્કમાં કરોડો ડૉલર પડ્યા છે. એના આધારે દુનિયાના કોઈ પણ ખૂણે મને સેટ થતાં વાંધો નહીં આવે... નવા નામઠામે નવી જિંદગીમાં એશ જ કરવાની રહેશે! 

બટ વેઇટ.

પોલીસ-સમાજ તો ચાલો તર્ક-વિતર્કમાં અટવાઈ રહે, પણ મોહિની? ઑબ્સેશનથી પીડિત બાઈને સાથે લઈ જવાનો તો સવાલ જ નથી એમ છોડીને જવામાં પણ જોખમ છે. મને ગાયબ ભાળીને તે ચોક્કસ પોલીસમાં જવાની. એથી અમારો આડો સંબંધ ગાજે એ તો ઠીક, તેનાથી મારાં સિંગાપોરનાં ટ્રાન્ઝૅક્શન્સ છૂપાં નથી. મોહિની એની દિશા ચીંધી દે તો પોલીસ પગેરું દબાવતી નવા નામ-ઠેકાણે આવી પણ પહોંચે એ શક્યતા રાખવી જ શું કામ?

આનો એક જ ઉકેલ છે : જતાં પહેલાં તેને પણ ચૂપ કેમ ન કરી દેવી?

ના, કોઈની હત્યા કરવાના પહેલવહેલી વાર આવેલા વિચારે અજાતે ધ્રુજારી ન અનુભવી. આખરે તે સ્વકેન્દ્રી હતો : બધો વાંક મોહિનીનો છે. તેણે મને પૂછ્યા-કર્યા વિના અવનિને હટાવવાનું પગલું લઈને મને ફસાવા જેવું કર્યું તો મને મારા બચાવ માટે કરવું ઘટે એ કરવાનો હક કેમ નહીં!

અજાતનું દિમાગ આ દિશામાં

દોડવા લાગ્યું. 

અને અઠવાડિયા પછી પોતાના ડેસ્ક કૅલેન્ડરની તારીખ પર અજાતશત્રુએ ચકરડું કર્યું : એકવીસ ઑગસ્ટ. 

આ દિવસે ઘણું-ઘણું બનવાનું... બે મોત અને એક એક્ઝિટ! 

lll

‘અવનિ ડાર્લિંગ; જાણું છું તને નહીં ગમે, તું રિસાશે પણ ખરી, મને માફ પણ નહીં કરે...’

સવારે ઑફિસ માટે નીકળવાના સમયે ગંભીરભાવે બોલતા અજાતને જોઈને અવનિનું હૈયું ધડકી ગયું : અજાત ક્યાંક તેમના લફરાની કબૂલાત તો કરવા નથી માગતાને? પણ એમ ગુનાની કબૂલાતથી તમને સજામાં માફી નહીં મળે!

વાત જોકે જુદી નીકળી.

‘લંડનમાં અગત્યની બિઝનેસ કૉન્ફરન્સ છે... ત્રણ દિવસની સમિટ માટે મારે અહીંથી એકવીસમીએ નીકળવું પડે એમ છે...’

એકવીસમી. અમારી લગ્નતિથિ! અવનિનો શ્વાસ ઘૂંટાયો :

ઍનિવર્સરીના દિવસે પત્નીને મૂકી વિદેશ જનારાએ પોતાના લગ્નજીવનને લખી વાળ્યું જ હોય. મારે પણ એનો બોજ વધુ નથી વેંઢારવો.

‘સાંજે ચાર વાગ્યાની ફ્લાઇટ છે એટલે એક વાગ્યે ચેક-ઇન માટે ઍરપોર્ટ પહોંચી જવું પડશે...’

ઍરપોર્ટ. ચેક-ઇન.

અને કેટલાય દિવસથી ન સૂઝતો ઉપાય અચાનક જડી ગયો હોય એમ અવનિની કીકીમાં ચમક ઊભરાઈને અદૃશ્ય થઈ : તમારા પ્રવાસના ખબરમાં મને મારા વેરનો માર્ગ મળી ગયો... હવે જુઓ, લંડનની યાત્રા તમને ક્યાંથી ક્યાં પહોંચાડે છે!

‘શું થયું?’ અવનિ તરફથી કોઈ જ રીઍક્શન ન આવતાં અજાત અકળાયો.

‘નહીં રે. આ તો ઘણા દિવસથી તમને ઍનિવર્સરીની ગિફ્ટ શું કરવી એ વિશે વિચારતી હતી, તમારી ઇન્ટરનૅશનલ ટૂરે સુઝાડી દીધું.’

સ્મિત વેરતી અવનિના મનોભાવની અજાતશત્રુને જાણ હોત તો?

lll

‘લંડન!’

ઑફિસ પહોંચીને અજાતશત્રુએ મોહિનીને એકવીસમીની ટિકિટ કરાવવાનું કહેતાં તે ચમકી : એકવીસમી તો તમારી મૅરેજ ઍનિવર્સરી! એ દિવસે અજાત અવનિને છોડીને ફૉરેન જવાનું પસંદ કરે એનો તો હરખ જ હોય, પણ અવનિ તેને જવા દેવા તૈયાર થઈ ગઈ?

આજ તો ફેર છે મારી અને તેની લાગણીમાં... અવનિને ઊતરતી માનવાનો સંતોષ પોષતી મોહિનીને બીજા સંજોગોમાં અજાત પોતાને મૂકીને વિદેશ જાય એ ખટક્યું હોત, પણ આજે રાહત વર્તાઈ : અવનિ મરવાની છે એ દિવસે અજાત શહેરમાં ન હોય એ પણ સારું જ છે. ચોખ્ખી અને પ્રામાણિક ઍલિબી પછી તેના પર શકનું કારણ નહીં રહે... અને મારે તો અહીં રહેવું છે, અવનિની એ​ક્ઝિટ મેં ગોઠવી હોય ને એ જ દિવસે હું દૂર કેમ રહી શકું?

મોહિનીએ પણ રાજીખુશી ટૂરના સમાચાર સ્વીકારી લીધા એનું જોકે અજાતને આશ્ચર્ય થયું નહીં. તેની ગણતરી સમજાય એવી હતી. બસ, બિચારી નથી જાણતી તો એટલું જ કે એકવીસમી તારીખે અવનિ પહેલાં તે મરવાની!

lll

 ઑલ સેટ.

મોહિનીના નીકળ્યા બાદ ઑફિસની ચેરમાં ઝૂલતા અજાતશત્રુએ પોતાનો પ્લાન ચકાસી લીધો:

- એકવીસ તારીખે વિદેશ જવાનું ગોઠવાઈ ગયું. દેશ-વિદેશમાં વેપારને લગતી કૉન્ફર​ન્સિસ થતી રહેતી હોય છે. લંડનમાં આવી જ એક સ​મિટ છે એ તપાસીને પોતે અવનિ સમક્ષ વાત મૂકી, મોહિની પાસે ટિકિટ બુક કરાવી. સમાંતરે મેં ખાનગીમાં એ જ દિવસની સિંગાપોરની ટિકિટ કઢાવી છે એની કોને જાણ છે!

- લંડન જવાના બહાને ઘરેથી નીકળનારો હું મોહિનીનું કામ પતાવીને સિંગાપોરની ફ્લાઇટ પકડવાનો છું... પત્નીની હત્યા, સેક્રેટરીના મૃત્યુના ખબર આપવા સગાં-પોલીસ મને ખોળશે, હું લંડનની ફ્લાઇટમાં બેઠો જ નથી એ જાણીને ચગડોળે ચડશે. ત્યાં સુધીમાં તો હું સિંગાપોર છોડીને નવા નામે અજાણ્યા મલકમાં વસી ચૂક્યો હોઈશ. આની પાકી તૈયારી થઈ ચૂકી છે... બાદમાં અહીંની પોલીસને હું સિંગાપોર ગયો હોવાની જાણ થાય, તેઓ મારી હિલચાલને શંકાસ્પદ માનીને મને બે હત્યાનો ગુનેગાર ધારી પણ લે તો હુ કૅર્સ!

- આખી યોજનામાં જોખમી પાસું મોહિનીની હત્યા છે. એનું પ્લાનિંગ કરતાં ભેજાનું દહીં થઈ ગયેલું. મર્ડર કરવાનું મારું કામ નહીં એમ વિચારીને ભાડૂતી આદમીને હાયર કરવા જાતને સમજાવી ત્યાં ટીવી પર બૉલીવુડની સદ્ગત અભિનેત્રીને જોતાં પ્લાન સૂઝી આવ્યો : ચાર-છ વરસ અગાઉ દુબઈની હોટેલમાં બાથટબમાં ડૂબીને શંકાસ્પદ હાલતમાં મૃત્યુ પામેલી નટીનું ખરેખર મર્ડર થયું કે નહીં એ તો ભગવાન

જાણે, પણ તેના પ્રોડ્યુસર પતિને તો ક્લીન-​ચિટ મળી જ ગઈને... આના પરથી મારા કામની તારવણી એટલી જ કે મર્ડર આ રીતે થાય તો એને ખૂન પુરવાર કરવાના ચા​ન્સિસ નહીંવત્ છે! આંખ સામે મોહિનીના ઘરના માસ્ટર બેડરૂમનું બાથટબ તરવર્યું અને યોજના પર મહોર મરાઈ ગઈ.

- એકવીસમી વર્કિંગ ડે છે. હું મોહિનીને કહી રાખીશ કે લંડન જતાં પહેલાં તારી સાથે એકાંત માણીને જવું છે એટલે તે પણ ઑફિસ નહીં જાય. વરસાદની સીઝન છે એટલે ટ્રાફિકના બહાને વહેલો નીકળીને હું મોહિનીના ખારના ઘરે પહોંચીશ. તેના બિલ્ડિંગમાં એન્ટ્રસમાં એક જ CCTV કૅમેરા છે અને એમાં નજરે ન ચડવાની મને ફાવટ છે! તેના નેબર ફૉરેન વસ્યા છે એટલે મારા આવ્યાનું કોઈ સાક્ષી પણ નહીં રહે... ઍનિવર્સરીના દિવસે અવનિને ભુલાવામાં નાખીને તું મારી પાસે આવ્યો!- મોહિની આના કેફમાં ચકચૂર હશે. બે-ત્રણ પેગ પીવડાવીને તેને બાથટબ સુધી દોરતાં વાર નહીં લાગે. પછી જોર આપીને તેને ડુબાડવાની જ રહેશે! તે છટપટાશે, મારા ભયાનક ઇરાદાની ભનક આવતાં હવાતિયાં મારશે; પણ હું તેને ચીસ પાડવા નહીં દઉં, ચસવા નહીં દઉં... 

- બસ, એ ચાર-છ મિનિટ હેમખેમ વીતે, તેના ખોળિયામાંથી પ્રાણ છૂટે કે મારાં નિશાન મિટાવીને હું સિફતથી સરકી સિંગાપોરની ફ્લાઇટ પકડી લઈશ... મોહિનીની મેઇડ બીજી સવારે આવશે ત્યાં સુધીમાં કોઈ તેની ભાળ કાઢવાનું નથી. આ બાજુ કૉન્ટ્રૅક્ટ કિલરે અવનિને પતાવી દીધી હશે અને હું અજાણવાટે નીકળી ચૂક્યો હોઈશ! 

ટચ વુડ.

lll

અને એકવીસમીની સવાર ઊગી.

બે દિવસથી સતત વરસતા વરસાદનું જોર પરોઢથી વધ્યું હતું. 

‘આ ધરતી અવનિ જેવી હશે તો જ અંબર અજાતશત્રુ જેવું વરસે છેને!’

પેન્ટ હાઉસના ટેરેસ ગાર્ડનમાંથી ચૂંટેલાં ફૂલો પોતાના પર વરસાવતા પતિને અવનિ ઘેનભરી આંખે નિહાળી રહી. અગાઉ તેની આવી હરકતો મને ઘેલી કરી જતી, હવે તેના આવા દેખાડાથી મને ઊબકા આવે છે એવું તેને દેખાડી શકતી હોત તો? 

‘ડાર્લિંગ, લંડનની ફ્લાઇટ કૅન્સલ કરી નાખું? તને છોડીને જવાનું મન નથી થતું...’ અજાતને એમ કે આમેય અવનિનો આજે છેલ્લો દિવસ છે, પછી પ્યાર વરસાવવામાં કસર શું કામ છોડવી! 

તે અવનિને વળગવા ગયો, પણ અવનિ સરકી ગઈ : તમે આમેય બહુ બદમાશ બની ગયા છો અજાત... આજે તો એની સજા તમને આપવાની છું... 

અવનિએ ડિંગો બતાવ્યો. તેનું મોઘમ અજાતને સમજાય એમ ક્યાં હતું?

ઍનિવર્સરી નિમિત્તે પોતે અજાતને આપવા લાવેલી ગિફ્ટ તરફ નજર નાખતી અવનિએ દમ ભીડ્યો : ઇટ્સ ઑલ સેટ. 

lll

‘બોલા ના, કામ હો જાએગા...’ 

સામેથી ખાતરીના રણકાભેર કહેવાયું : મેં રેકી કરી લીધી છે... બપોરે બે વાગ્યે પ્લમ્બરના વેશમાં ટાર્ગેટના ઘરે પહોંચી જઈશ... ધારદાર છુરાના એક ઘાથી તેની ગરદન વાઢી નાખીશ, બે મિનિટમાં તો ખેલ ખતમ!’

ડોરબેલના જવાબમાં ઘરમાં એકલી મોહિની દરવાજો ખોલે છે, પ્લમ્બરને ઊભો જોઈને નવાઈ પામે છે : મેં તો કોઈ પ્લમ્બરને તેડાવ્યો નથી... 

‘સૉરી... લાગે છે કે હું જ ઍડ્રેસ ભૂલ્યો... બેન, જરા પાણી પાશો?’

અવનિથી ઇનકાર નહીં થાય. તે ઊલટી ફરતાં જ ચિત્તા જેવી ચપળતાથી અંદર સરકી, દરવાજો ઠેલી રાજ તેને પાછળથી જકડી, મોં પર હાથ ભીંસી બીજા હાથે ગરદનની ધોરી નસ પર ચાકુ ફેરવી દે છે!

ઢળી પડતી અવનિનું કાલ્પનિક દૃશ્ય મોહિનીને રોમાંચિત કરી ગયું. 

એક ત્રિકોણના ત્રણ ખૂણા એક જ તારીખ પર પોતપોતાનો દાવ લગાવવા માગતા હતા, પણ કુદરતે શું ધાર્યું છે એની કોને ખબર હતી?

 

 (ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

01 August, 2024 07:40 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK