Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ત્રિકોણના ત્રણ ખૂણા - દિલ કી બાતેં દિલ હી જાને (પ્રકરણ ૩)

ત્રિકોણના ત્રણ ખૂણા - દિલ કી બાતેં દિલ હી જાને (પ્રકરણ ૩)

Published : 31 July, 2024 07:23 AM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

હું અવનિને નથી ચાહતો એ છતાં અવનિ સાથેના લવમેકિંગનાં નિશાન દેખાય તો ખલાસ!

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


‘ગેટ રેડી મોહિની, દિલ્હીની યાત્રા આજે પૂરી થઈ. અડધા કલાકમાં આપણે ઍરપોર્ટ જવા નીકળવાનું છે!’


શાવર લઈને બહાર આવેલા અજાતશત્રુને મોહિની ફ્ટાફટ તૈયાર થતો નિહાળી રહી. જીવ ચચર્યો ઃ મુંબઈ પહોંચવાની આટલી અધીરાઈ! સાચું પૂછો તો કાલ સવારથી મુંબઈમાં એટલી અગત્યની મીટિંગ્સ છે કે પહોંચવું જરૂરી જ છે. બટ સ્ટીલ... મુંબઈમાં અવનિ છે! અને અજાતશત્રુ અવનિને બદલે એક દિવસ મારી પાસે રહે એનાથી વધુ જરૂરી કંઈ હોઈ જ ન શકે! મોહિનીના હોઠ વંકાયા.



‘તૈયાર થતાં કેટલી વાર!’ ચપટી વગાડતી તે ઊભી થઈ, ‘હું હમણાં શાવર લઈને આવી.’


તેના ગયાની બીજી મિનિટે બાથરૂમમાં કંઈક પડવાનો અવાજ આવ્યો, સાથે મોહિનીની તીણી

ચીસ ઃ ‘ઉઈ મા...’


ધ્રાસકાભેર અજાતશત્રુ બાથરૂમનું બારણું ખોલીને અંદર ધસી ગયો. પછી તો ઝટ નીકળાય એવું રહ્યું જ ક્યાં?

lll

શી ઇઝ ગેટિંગ ડેન્જરસ.

બીજી સવારે શાવર લેતા અજાતશત્રુના ચિત્તમાંથી મોહિની હટતી નથી. ‘ગઈ સાંજે બાથરૂમમાં પડવાનું નાટક કરીને તેણે મને પરવશ કર્યો એમાં ફ્લાઇટ મિસ થઈ. વૉટ ઇઝ અલાર્મિંગ ઇઝ, હર ઑબ્સેશન ફૉર મી. મને રોકીને મોહિની એક જ વાતે ખુશ હતી - હાશ, વધુ એક રાત પૂરતા તમે અવનિથી દૂર તો રહેવાના!’

‘અવનિ.’

માથામાં શૅમ્પૂ ઘસતો અજાતશત્રુનો હાથ પળ પૂરતો થંભી ગયો.

જિંદગીમાં બે પાંદડે થવાની ખ્વાહિશ બાળપણથી જ હતી. સામાન્ય સ્થિતિનાં મા-બાપ જ્યાં રહેતાં એ મધ્યમવર્ગીય સોસાયટીની આજુબાજુની ઊંચી ઇમારતોનો વૈભવ આંખોમાં સમાયા પછી અજાતને કદી મિત્રોમાં, સગાંઓમાં રસ ન પડ્યો. રાધર તેનો રસ કેવળ પોતાના ફાયદામાં રહેતો. એ માટે ન ગમતી વ્યક્તિ સાથે પણ તે મધથી મીઠો બની શકતો. રૂપાળો તો તે હતો જ, બુદ્ધિની ધાર પણ એટલી સતેજ હતી.

અને ખરેખર IIT પાસઆઉટ થઈ એકાદબે વર્ષનો અન્યત્ર અનુભવ લઈ ‘મહેતા ગ્રુપ ઍન્ડ કંપની’માં લાગ્યા પછી ચડતી જ ચડતી જોઈ છે પોતે.

એ જોવા મા-બાપ ન રહ્યાં એનો જોકે ખાસ અફસોસ નહોતો. ઇમોશન્સ સ્પર્શી શકે એવું તેનું બંધારણ જ નહોતું રહ્યું. ખેર, કંપનીમાં શેઠની નજરે ચડે એવાં બેત્રણ કામ કર્યા પછી માણસપારખુ દામોદરભાઈએ તેને પડખે લઈ લીધો. પછી કોઈ બીજાને શેઠની નજીક પહોંચવા દે એ બીજા! અજાતશત્રુમાં એની પણ કુનેહ હતી. પોતાની દરેક મૂડીથી એ સભાન હતો.

શેઠે તેમની વિદેશ ભણીને આવેલી એકની એક દીકરીને વેપારમાં ઘડવાની જવાબદારી સોંપી એ  અજાતશત્રુ માટે જૅકપૉટથી કમ નહોતું. શેઠને એક જ દીકરી છે એટલે તેને પરણનારો જ જતેદહાડે આપણો સાહેબ બનશે એટલી ધારણાએ ઝબકારો થયો ઃ ‘આવતી કાલનો સર્વસત્તાધીશ હું હોઈ શકું, જો શેઠનો જમાઈ બનું તો!’

અવનિ જેટલી રૂપાળી એટલી જ બુદ્ધિમંત હતી. તોય જોકે તેને માટે આકર્ષણ જાગ્યું હોય એવું નહોતું.

-‘પણ  અવનિને મારું આકર્ષણ થાય, તે મને ચાહતી થાય એવું કરવું જોઈએ!’ અજાતશત્રુ માટે એ ચૅલેન્જિંગ ટાસ્કથી વિશેષ નહોતું. બિઝનેસમાં દરેક ટાસ્ક અચીવ કરવા ટેવાયેલા અજાતશત્રુએ પોતાની તમામ કુશળતા વાપરીને અવનિને હૈયું હારવા મજબૂર કરી એ પણ એ રીતે કે અવનિને તો એમ જ લાગે કે અજાત પણ મને પારાવાર ચાહે છે! હા, શેઠશ્રી કદાચ આ રિશ્તો મંજૂર નહીં રાખે એવી ધાસ્તી હતી, પણ એ બન્યું નહીં. રંગેચંગે લગ્ન થયાં. સુખભર્યો સંસાર હતો. બિઝનેસમાં પોતે નિઃસ્પૃહભાવ દાખવતો રહ્યો તો તે એની મેળે ગૃહસ્થી સંભાળવા

ખસી ગઈને!

‘શ્વશુરજી જોકે એટલા અબુધ નહોતા. મારી રગ પારખી ગયા હોય એમ અવનિની મરજી વિના વેપારમાં પત્તુંય ન હાલે એવી વ્યવસ્થા કરતા ગયેલા. જોકે અવનિએ બાગડોર મને જ સોંપી હતી. આમ જુઓ તો એ ઘડીએ મારી મહત્ત્વાકાંક્ષાઓએ શિખર સર કરી લીધું હતું. જીવનના તમામ મોરચે હું સફળ રહ્યો ગણાઉં એનો સંતોષ હોવો જોઈએ. પરિતૃપ્તિ હોવી જોઈએ, પણ એવું નહોતું.’

‘શું કામ?’

અજાતશત્રુ ખુદને ખોતરતો, એમાં મૂળ પકડાયું ઃ ‘હું વેપારમાં સર્વસત્તાધીશ બન્યો ખરો, પણ એ તો અવનિની ઉદારતાથી અને એ

ઉદારતા ટકેલી રહે એ માટે મારે અવનિ સમક્ષ આજેય એવા બની રહેવું પડે છે જેનો આભાસ સર્જીને મેં તેને પ્રેમમાં પાડેલી!’

‘જેમ કે રીંગણનું ભડથું. અવનિની એ ફેવરિટ સબ્ઝી છે એવું જાણ્યા પછી પોતેય એવો દેખાડો કરેલો જાણે આના સિવાયનું કોઈ શાક મને ભાવતું જ નથી! હકીકતમાં ભડથું મને કદી ભાવ્યું જ નથી. મૉન્સૂનમાં કોઈ પરણતું હશે! પણ મારાં રસ-રુચિથી ભિન્ન પસંદ અવનિ સાથે મેળ પાડવાના આશયે મેં દાખવેલી ને એ તમામ ભ્રમ ટકાવી રાખવા આજે પણ મારે એ મહોરું પહેરી રાખવું પડે છે એ દેખાડો હવે થકવી નાખતો. પ્રકૃતિથી ભિન્ન માનવી કેટલું જીવી શકે? પરિણામે અવનિ પ્રત્યે અભાવ જાગતો ઃ તેને શું બધું મને ગમતું કરવાનો ધખારો! અરે, મને ગમતું મને ગમતું જ નથી એ કોઈ આ બાઈને સમજાવે!’

જોકે અવનિ જે દહાડે આ સમજી એ દહાડે મને દરવાજો દેખાડી દેશે એ ખ્યાલે સમસમીને ધૂંધવાટ ભીતર જ દબાવી દેવો પડતો. અજાતને આના વેન્ટિલેશનની ખોજ હતી અને એ તબક્કે મોહિનીની એન્ટ્રી થતાં ઉકેલ મળી ગયો ઃ ‘અવનિથી છાનું એવું એક ઠેકાણું હોય જ્યાં હું રહીને એશ માણી શકું!’

‘મોહિની અવનિથી કોઈ વાતે ચડિયાતી હોય એવું નહોતું તોય તેનામાં આકર્ષણનો તણખો ભારોભાર હતો. હળવા ફ્લર્ટિંગથી મેં તેને પલોટવા માંડી, તેના પૉઝિટિવ રિસ્પૉન્સે એવું માની લીધું કે બૉસને ઑબ્લાઇજ કરી પ્રમોશન ખાટવાની તેની દાનત હોવી જોઈએ. આનો વાંધો ક્યાં હતો!’

‘પણ મોહિની વધુ ઊંડી નીકળી. તેણે તો બાકાયદા મારી પત્ની

બનવું છે!’

અજાતશત્રુથી હળવો નિ:સાસો સરી ગયો.

‘અંગત ક્ષણોની ઉત્તેજના શોષાઈ જાય એવો તેનો પ્રસ્તાવ હતો. અવનિને છૂટાછેડા આપવાનો મતલબ સમજે પણ છે આ સ્ત્રી?’

પોતે પીઠ ફેરવે એ પહેલાં મોહિનીએ પોતાને પરવશ બનાવી દીધો. અલબત્ત, પોતે અવનિને ડિવૉર્સ આપવાનો જ નહોતો, એમ કામક્રીડામાં અનોખાં કરતબ દાખવતી મોહિની માટે લાલસાય કમ નહોતી. એટલે યેનકેન બહાને પોતે ડિવૉર્સની વાત ટાળતો રહેતો. ‘આમ તો મોહિનીની ધીરજ ખૂટી ગઈ હોત, પણ મિસિસ અજાતશત્રુ બનવાની ગણતરી રાખનારી મને વશમાં કરવાની

લાયમાં ખુદ મારાથી એવી વશીભૂત થઈ છે કે તેનું ઑબ્સેશન ચિંતાજનક બનતું જાય છે.’

‘કામસુખનો મારો વીક પૉઇન્ટ તે જાણી ગઈ છે. ઑફિસમાં અમુકતમુક એવી હરકત કરે કે મારે તેને હોટેલમાં લઈ જવી પડે. ક્યારેક તેના ઘરે જઈએ. આમાં તેણે એટલું જ સાબિત કરવું હોય કે આવું સુખ અવનિ નથી દઈ શકતી તો તેને છોડતા કેમ નથી! હું અવનિને નથી ચાહતો એ કહેવા છતાં અવનિ સાથેના લવમેકિંગનાં નિશાન દેખાય તો ખલાસ!’  

કાલે પણ તેણે મને રોકી પાડ્યો. આ ઉંમરેય સ્ત્રી મને આટલું ઝંખે એ ગમે, પણ પછી એ બાંધી રાખવા માગે એથી ઊબકાઈ જવાય. મારા માટેની ઘેલછા ને અવનિ પ્રત્યેનો દ્વેષ જાણે શું રંગ દેખાડશે?

અને શાવર બંધ કરી કમરે ટૉવેલ વીંટીને અજાતશત્રુ બાથરૂમના દરવાજાનો નોબ ફેરવે છે કે...

‘લુક રાજા, મેં તને અડધી રકમ ચૂકવી દીધી છે,

ફોટો-લોકેશન પણ મોકલી આપ્યાં છે.’ મોહિની ધીમા અવાજે ફોનમાં બોલતી હતી, ‘એકવીસમી ઑગસ્ટ અવનિનો આખરી દિન બની રહેવો જોઈએ.’

‘હેં!’ અજાતશત્રુ પૂતળા જેવો થઈ ગયો.

lll

‘એકવીસમી ઑગસ્ટ...’

કૅલેન્ડરનાં વાર-તારીખ નિહાળતી અવનિએ દમ ભીડ્યો.

અજાતશત્રુના દિલ્હીથી પરત થયાના આ ૧૫ દિવસ વધુ ને વધુ અભાવ જ પ્રેરતા રહ્યા છે.

‘જો, તારા માટે દિલ્હીથી હીરાનો આ હાર લાવ્યો!’ દિલ્હીથી આવેલા અજાતે ભેટ આપી હતી.

‘અગાઉ અજાત ટૂર પરથી પરત થઈ મોંઘેરી ગિફ્ટ ધરે એથી હું પોરસાતી કે વેપારના કામે ગયા હોવા છતાં અજાતશત્રુ પતિ તરીકેની ફરજ ચૂકતા નથી, હાઉ રોમૅન્ટિક! પણ મોહિની સાથેનો તેમનો આડો સંબંધ ખૂલ્યા પછી આમાં બનાવટ જ ગંધાય છે. તમારું પરસ્ત્રીગમન મારી લાયકાત પર, મારા સ્વમાન પર ઘા છે અને તમે આપેલો આઘાત હવે મારો પ્રત્યાઘાત ઝંખે છે.’

‘નહીં, મારાથી વધુ વખત આ આદમી જોડે નહીં રહેવાય, તેની બનાવટ વધુ સહન નહીં થાય.’

‘પંદર દિવસ પછી અમારી ઍનિવર્સરી છે એ પહેલાં અજાતશત્રુની બેવફાઈની કિંમત નક્કી કરી એકવીસમી તારીખે વસૂલી લેવી છે, બસ!’

lll

 એકવીસમી ઑગસ્ટ.

ઑફિસના ડેસ્ક કૅલેન્ડરમાં તારીખ પર કરેલા લાલ ચકરડાને મોહિની ધ્યાનથી નિહાળી રહી ઃ

‘બસ, હવે પખવાડિયું છે. એકવીસમીની બપોરે ધૅટ કિલર અવનિને પતાવી દેશે, પછી મારો અજાત છુટ્ટો!’

મોહિનીને પોતાની પીઠ થાબડવાનું મન થતું હતું ઃ ‘અવનિ જ મારા-અજાતના ઑફિશ્યલ એક થવામાં કાંટારૂપ છે. એનાથી છૂટવા માગતા અજાતને દર વખતે કોઈ ને કોઈ અડચણ નડતી. હવે અવનિ જ નહીં રહે એટલે મારો મિસિસ અજાતશત્રુ બનવાનો માર્ગ સાફ.’

‘ના રે... આમાં જીવહત્યાનું પાપ જેવા ભારેખમ વિચારો મને નથી કનડતા. મને ચૂભતો કાંટો હું દૂર કરવા માગું એમાં ગિલ્ટ શાની!’

‘અવનિને કોઈ અન્ય રીતે  અજાતને ડિવૉર્સ આપવા મજબૂર પણ કરી શકાત, પણ પછી તે અજાતને મારાથી ખૂંચવવા કોઈ રમત માંડી બેસે એ જોખમ રાખવું જ કેમ!’

અવનિને હટાવવાના નિર્ણયની દ્વિધા નહોતી, એ કામ કોઈ ભાડૂતી આદમી જોડે જ કરાવવાનું હોય.  અલબત્ત, કૉન્ટ્રૅક્ટ કિલરને શોધવો સરળ નહોતો. પબ-પીઠામાં અવરજવર કરી વાયા વાયા પોતે ધારાવીમાં રહેતા રાજ સુધી પહોંચી હતી.

‘મને અજાતને મારો કરવાની ઉતાવળ હતી એટલે કે પછી અવનિનું આયુષ્ય પૂરું થવાનું હશે એટલે... ગમે તેમ પણ ચોપાટીના જાહેર સ્થળે થયેલી અમારી પહેલી જ મુલાકાતમાં મને રાજ પર ભરોસો બેઠો. ૩૫ વર્ષના આદમીની આંખોમાં ઠંડક હતી, રૂપિયા સાથે તેને નિસબત હતી.’ 

‘આજ સુધી મેં મર્ડરની અડધો ડઝન સોપારી લીધી હશે, બધી કતલ પાર પાડી. દર વખતે ઑપરૅન્ડી બદલી છે એટલે પોલીસના ચોપડે નામ નથી નોંધાયું.’ 

‘આમાં તેની બડાશ હોય તો પણ આત્મવિશ્વાસ તો લાગ્યો. ડીલ પાકી કરી મેં તેને અવનિની ડીટેલ આપી ઃ બપોરે બેથી સાંજે પાંચ વાગ્યા સુધી તે વરલીના પેન્ટહાઉસમાં એકલી જ હોય છે.’

‘આમ તો મારે કૉન્ટ્રૅક્ટ કિલરને મોટિવ આપવાની જરૂર ન જ હોય, પણ રાજથી ક્યાંય ગરબડ થઈ ને પોલીસ પિક્ચરમાં આવી તો પણ અજાત સેફ રહે એ માટે માલિકણ તરીકે અવનિના મિસબિહેવની વાર્તા ઉપજાવી રાજને સંભળાવી હતી.’

‘ડોન્ટ વરી, કામ થઈ જશે...

મને રેકી કરવાનો સમય પણ છે.’

‘રાજની ખાતરી છતાં હું તેને ફોન પર યાદ અપાવતી રહું. છેલ્લે દિલ્હીથી ફોન કરેલો એ જોકે તેને ગમતું નથી ઃ તમારે ધીરજ અને વિશ્વાસ રાખવા પડશે મૅડમ, આમ કૉલ કરવા આપણા બેઉ માટે હિતાવહ નથી.’

‘આમાં તેનો અનુભવ તો

પડઘાય જ છે! અવનિને મારવા રાજ કઈ રમત રમશે એ તો તે જ જાણે, પણ અવનિ એકવીસની સંધ્યા જોવા નહીં પામે એ નક્કી!’

મોહિનીના ચહેરા પર ચમક ફેલાઈ અને ઑફિસમાંથી એ જોતાં અજાતશત્રુએ દમ ભીડ્યો ઃ ‘આઇ કાન્ટ અફૉર્ડ ધિસ વુમન ઍની મોર!’

પણ એનું શું થઈ શકે? અજાતશત્રુની વિચારગાડી દોડવા માંડી.

 

(વધુ આવતી કાલે)

Whatsapp-channel Whatsapp-channel

31 July, 2024 07:23 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK