આઇ લવ યુ અજાત... હું તને એટલું ચાહું છું કે હવે તને અવનિ સાથે વધુ વહેંચી શકું એમ નથી
ઇલસ્ટ્રેશન
ઉઘાડ-બંધ થતી આંખે પડખે પોઢેલા પુરુષને નિહાળતી મોહિનીના મુખ પર ઘેલછાભર્યું સ્મિત આવ્યું,
‘આઇ ડીઝર્વ ધ બેસ્ટ.’
ADVERTISEMENT
દૂરના ભૂતકાળમાંથી પોતાનો જ સ્વર પડઘાતાં મન એક છલાંગે ઉત્તરાખંડના પહાડી ગામની શેરીમાં પહોંચી ગયું. ગરીબ વસ્તીમાં નજીકના શહેરમાં જઈ કૉલેજનું ભણતર લેનારા ઓછા, પણ પોતે તો પહેલેથી જ મુમ્બૈયા ભાષામાં કહીએ તો ‘કુછ હટકે’ હતી!
પલંગમાં બેઠી થઈને મોહિની વાગોળી રહી...
ત્રણ બહેનોમાં મોહિની સૌથી નાની અને બાળપણથી ધાર્યું કરવા ટેવાયેલી. અંગે યૌવન મહોર્યું. સમજણને પાંખો ફૂટી ત્યારથી તેને ગામડું બંધિયાર લાગવા માંડ્યું. બે બહેનો તો માબાપની દોરી કૉલેજના અધૂરા ભણતરે પરણીને સાસરે થાળે પડી ગઈ, પણ મોહિની ન ગાંઠી ઃ ‘હું તો અભ્યાસ પૂરો કરીને દિલ્હી-મુંબઈ જેવા શહેરમાં નોકરી પણ કરવાની!’
મોહિની પોતાની લાયકાતથી સભાન હતી. ભણવામાં તે હોશિયાર હતી. પહાડી કન્યાઓને રૂપના આશીર્વાદ તો હોય જ. રોજ સવારે તૈયાર થઈને આયનામાં ખુદને નિહાળતાં તે જાતને કહેતી - ‘કોઈ ગમે તે કહે, આઇ ડીઝર્વ ધ બેસ્ટ!’
ગ્રૅજ્યુએટ થઈને તેણે માસ્ટર્સ
માટે દિલ્હી પર કળશ ઢોળ્યો. દીકરી
ન જ માની એ પછી માવતરે પણ મન
વાળી લીધું.
ઊંડો શ્વાસ લઈને મોહિનીએ
કડી સાંધી ઃ
માસ્ટર્સની સાથે મેં નોકરીનો અનુભવ લીધો. એકાદ વર્ષ દિલ્હી જૉબ કરીને મુંબઈની વાટ પકડી અને મુંબઈ મને ફળ્યું પણ ખરું. પાંચ વર્ષની નોકરીમાં મારું પોતાનું ઘર કર્યું.
‘ઘર પતિ અને બાળકોથી થાય હવે એનું કંઈ વિચાર!’
કુંભઘડો મૂકતી વેળા મુંબઈ આવેલી માએ કહ્યું હતું, ‘ત્રીસની થવાની... ક્યાં સુધી કુંવારી રહીશ?’
‘ના, માનો પ્રશ્ન ચૂભ્યો નહોતો. યૌવનની કુંવારી મૂડીને મેં જતનથી સાચવી છે. લગ્નના ઓરતા મનેય છે. બટ સીન્સ આઇ ડિઝર્વ ધ બેસ્ટ, એવું કોઈ પાત્ર ગમવું પણ જોઈએને! જેને ઐશ્વર્યની કમી ન હોય, જેનો બુદ્ધિઆંક ઉચ્ચ હોય અને જે શરીરથી પણ સર્વાંગ સુંદર હોય!’
‘દીકરીની અપેક્ષા જાણીને માએ ફરી ક્યારેય લગ્નની વાત ઉખેળી નથી. મુંબઈ તેડાઉં તો પપ્પા-મમ્મી બન્ને ઇનકાર કરી દે ઃ ત્યાંની દોડભાગમાં અમને નહીં જામે! વર્ષે બે-ચાર દિવસ માટે ગામ જાઉં, બહેનો પણ આવી હોય ત્યારે મા-પિતા તેમનાં સંતાનોને રમાડવામાં વધુ વ્યસ્ત હોય. બહેનોને તેમનો સંસાર. કદાચ હું તેમનાથી બહુ દૂર નીકળી આવી હતી.’
‘હશે... આખરે પોતાનાં સમણાં પૂરાં કરવાની ઉડાન ભરવાનું સાહસ દરેકમાં નથી હોતું! ખુમાર છવાતો. લગ્નનુ વિચારતી ને એક આભાસી આકૃતિ ઊપસતી. ભારોભાર ઐશ્વર્યથી છલકાતો બુદ્ધિમત્તાના આત્મવિશ્વાસથી ઓપતો અને રૂપકડા દેહના ઉઘાડથી મને ચિત્ત કરી દેતો નખશિખ રૂપાળો પુરુષ... ક્યાં હશે તે? મને ક્યારે મળશે!’
ષોડશીની જેમ સવાલ કરતા મનને જવાબ અણધારી રીતે મળ્યો,
‘મે આઇ કમ ઇન સર?’
‘બેએક વર્ષ અગાઉની વાત. નરીમાન પૉઇન્ટ ખાતેની ‘મહેતા ઍન્ડ કંપની’ની કૉર્પોરેટ ઑફિસમાં પર્સનલ સેક્રેટરીની પોસ્ટ માટે ઇન્ટરવ્યુ માટે પોતે CEO સરની કૅબિનમાં ટકોરો મારી દરવાજો સહેજ ખોલી પરમિશન માટે ડોકિયું કરતાં પાંપણ જાણે પલકારો મારવાનું વીસરી ગઈ.’
વૈભવી કૅબિનની વચ્ચોવચ ગોઠવાયેલા આલીશાન ઑફિસ-ટેબલની સામી ચૅર પર બિરાજમાન પુરુષ કેટલો સોહામણો લાગ્યો! ઇન્ટરવ્યુની તૈયારીરૂપે એટલું વાંચવામાં આવેલું કે અહીંના સર્વેસર્વા અજાતશત્રુ દીવાન ડાયનૅમિક છે, પણ તે આટલો યંગ ઍન્ડ ચાર્મિંગ હશે એવી ધારણા નહોતી!’
‘યસ મિસ મોહિની, યુ આર
મોસ્ટ વેલકમ.’ તેનો સ્વર પણ કેવો ઘૂંટાયેલો લાગ્યો.
‘થેન્ક્સ.’ અંદર પ્રવેશી અજાતની સામે બેઠક લેતી મોહિનીએ અચરજ જતાવ્યું : ‘ઇન્ટરવ્યુ માટે કુલ ૭ ઉમેદવાર શૉર્ટલિસ્ટ થયા હતા એમાં છોકરીઓ પણ હતી. બહારથી સરને ‘સૅન્ડિંગ અધર કૅન્ડિડેટ’ એટલું જ કહ્યાનું મેં કાનોકાન સાંભળ્યું છે, તો પછી સરે મારું નામ ક્યાંથી જાણ્યું!’
જવાબમાં ખુરસીને અઢેલતાં અજાતશત્રુએ ફરકાવેલું સ્મિત મોહિનીના ઉન્નત ઉરજોમાં કંપન પ્રસરાવી ગયું.
‘સિમ્પલ. કૅન્ડિડેટ્સમાં મોહિની નામ એકનું જ હોય તો એ સ્વર્ગની અપ્સરાથીય સુંદર એવી યુવતીનું જ હોયને!’
‘પાંત્રીસના પડાવે પહોંચેલો પુરુષ કૉલેજિયનની જેમ ફ્લર્ટિંગ કરે ને પોતે ૧૬ વર્ષની મુગ્ધની જેમ શરમાઈ - એ ક્ષણ જ કદાચ નવા સંબંધના અંકુર રોપી ગઈ.’
ઊંડો શ્વાસ લઈને મોહિનીએ યાદસફરની કડી સાંધી ઃ
‘અલબત્ત, અજાતશત્રુની PA તરીકેની પોસ્ટ મને મારી લાયકાત પર મળી. બૉસ તરીકે અજાતશત્રુ ખરેખર ઇમ્પ્રેસિવ હતા, પણ એમ તો સેક્રેટરી તરીકે હુંય ક્યાં ઊણી ઊતરું એમ હતી? અજાતશત્રુની વર્કિંગ-સ્ટાઇલ સમજીને હું તેને જોઈતું તેના માગ્યા પહેલાં ડેસ્ક પર મૂકી દેતી ને તે બોલી ઊઠતો - ‘યુ આર અ જ્વેલ હની!’
‘પછી કાનની બૂટ પકડે ઃ ઉપ્સ સૉરી, હું ક્યારેક બેધ્યાનીમાં હની-સ્વીટી એવું બોલી નાખું છું એનો તને વાંધો તો નથીને?’
‘હું પણ મોકો ઝડપી લઉં - તમારા જેવા હૅન્ડસમ પુરુષની હની બનવાનું તો સૌભાગ્ય ગણાય!’
બન્ને બાજુથી આવા ઇશારા
વધતા હતા.
‘બેશક, હું શરૂઆતથી જાણતી હતી કે અજાતશત્રુ પરણેલા છે. સરે શ્વશુરનો બિઝનેસ સંભાળ્યો છે એય છૂપું નહોતું. પહેલી વાર ઑફિસમાં મળેલી અવનિ રૂપ-રૂપના અંબાર જેવી તો હતી જ. તેનામાં બુદ્ધિમત્તાનો તણખો હતો. જોકે બેઉનાં લવ-મૅરેજ હોવા છતાં અજાતશત્રુની વાતોમાં ભાગ્યે જ અવનિનો ઉલ્લેખ થતો.’
‘આનું એક જ અનુમાન જડ્યું. એક તો પત્નીનો જ પૈસો, એમાં પાછું તેનું બુદ્ધિબળ - આના કૉમ્પ્લેક્સે અજાતને અવનિથી દૂર કરી દીધો હોવો જોઈએ! અજાતને અવનિ માટે લાગણી રહી હોત તો તે મને આવા ઇશારા શું કામ આપે?’
- ‘મતલબ, અજાત બીજી સ્ત્રીમાં આધાર શોધતો હોય તો અમારું ઇક્વેશન વધુ જામે એમ છે જ! બિઝનેસ-ટૂરમાં તે જરૂર ન હોવા છતાં મને સાથે રાખે છે. મારી કેટલી કાળજી લે, ક્યારેક મોંઘી ગિફ્ટ્સ પણ આપે. તે મારા માટે સિરિયસ હશે તો જને! માની લેવું ગમતું. મારા ડ્રીમમૅનને હવે આકાર-ઓળખ મળી ગયાં. તેને પોતાનો કરવાની તક બૅન્ગલોરની ટૂરમા સાંપડી.
મોહિનીએ સાંભર્યું ઃ
બૅન્ગલોરની સેવનસ્ટાર હોટેલના ચૌદમા માળે અલગ-અલગ સ્વીટમાં તેમનો ઉતારો હતો. ડિનર પતાવીને લિફ્ટમાંથી નીકળીને મોહિની તેના સ્વીટ તરફ વળી કે અજાતે પૂછ્યું - ‘રૂમ પર જઈને શું કરવાની?’
સહજપણે પુછાયેલા સવાલનો સાવ સ્વાભાવિક જવાબ મોહિનીએ વાળ્યો ઃ ‘પહેલાં તો આ કપડાં બદલવાની...’
‘તો તો હું પણ આવવાનો.’ અજાત ધરાર તેની પાછળ સરકી આવ્યો, ‘મારે તને બર્થસૂટમાં જોવી છે.’
‘હેં...’ મોહિની રાતીચોળ. અજાત તેની સાવ લગોલગ આવી ગયો, ‘લેટ્સ સ્લીપ ટુગેધર ટુનાઇટ.’
‘ધિસ ઇઝ ધ મોમેન્ટ...’ મોહિનીએ જાતને કહ્યું. તેની ચુપકીને હકાર માનીને અજાતે પહેલ આદરી. ઘડીકમાં વસ્ત્રો સરક્યાં અને સંવનનની નાજુક ક્ષણે અચાનક જ અજાતથી દૂર સરકીને મોહિનીએ ઉઘાડા અંગ પર દૂર પડેલી સાડી નાખીને અજાતને રોક્યો ઃ
‘વેઇટ અજાત!’
‘વૉટ ધ...’ ઉત્તેજના-ઉશ્કેરાટથી ફાટફાટ થતા પુરુષને રુકાવટ ડંખે જ.
‘તમે મને ઝંખો છો અજાત... હું પણ એટલા જ આવેગથી તમને મારામાં સમાવવા આતુર છું... બટ આઇ ડોન્ડ બિલીવ ઇન વન નાઇટ સ્ટૅન્ડ. મારે શરીરની ભૂખ જ ભોગવવી હોત તો સોહામણા પુરુષોની કમી નહોતી.’
‘વૉટ ડુ યુ વૉન્ટ?’ અજાતે સીધું જ પૂછ્યું.
‘આપણો સંબંધ કેવળ ટાઇમપાસનો નહીં હોય અજાત. ફિઝિકલ પ્લેઝર્સ જ એનું અંતિમ લક્ષ્ય નહીં હોય... અવનિને ડિવૉર્સ દઈને તમારે મને પત્નીનો દરજ્જો આપવો પડશે.’
‘નૅચરલી, ‘આઇ ડિઝર્વ ધ બેસ્ટ’માં માનનારી કોઈની ઉપપત્ની બની રહેવાનું પસંદ ન જ કરે. અજાતશત્રુ મારા સ્વપ્નપુરુષનું સાકાર રૂપ હોય તો તે સંપૂર્ણપણે મારો થવો જોઈએ. તનથી, મનથી અને કાયદાના હકથી પણ! એટલે તો કુંવારું યૌવન ધરતાં પહેલાં પુરુષને વચનથી બાંધી લેવાનો હતો!’
‘અવનિને ડિવૉર્સ!’ અજાતનો ઉશ્કેરાટ થોડો ઠંડો પડ્યો. અંગત પળોની આડમાં કોઈ સ્ત્રી પોતાનું ધાર્યું કરાવી જાય એ ખટક્યું હોય તો પણ દેખાવા ન દીધું.
મોહિની માટે એ ‘નાઉ ઑર નેવર’ જેવી ઘડી હતી. અજાતનો ઇરાદો ટાઇમપાસનો જ હોય તો એ થવા નહોતું દેવું. એમ મિસિસ અજાતશત્રુ બનવાનો રસ્તો અજાતને પથારીમાં રીઝવવાથી મળે એમ હોય તો એનોય છોછ ક્યાં હતો? પોતે અજાતને પરવશ બનાવીને રહેશે એ ખાતરીની અજમાયશ આદરતી મોહિનીએ શ્વાસ ઘૂંટતા અજાતશત્રુની નજર તેના ઉરજોની હલનચલન પર અટકી, ને મોહિનીએ આખરી પાસો ફેંકી દીધો, ‘છોડો અજાત. તમે અવનિથી છૂટા થવા ન જ માગતા હો તો...’ કહેતાં ખભા ઉલાળવાની ક્રિયામાં છાતીએ દાબેલી સાડી અજાણતાં જ સરકતી હોય એમ સરકાવી દીધી, અને અજાત ભાન ભૂલ્યો - ‘આપ્યા, અવનિને ડિવૉર્સ આપ્યા!’
પછી તો આ દોઢ વર્ષમાં અમે કેટલીય આવી ઉત્કૃષ્ટ પળો માણી છે.
અત્યારે પણ અપાર સુખ ફરમાવી પલંગમાં પોઢેલા અજાતશત્રુને નિહાળતી મોહિનીની કીકીમાં કેફ ઘૂંટાયો ઃ
‘આ પુરુષ... મારો પુરુષ! અજાતશત્રુમાં શૈયાસાથીને પરમસુખનો અહેસાસ આપવાનું બેનમૂન કૌવત હતું. પોતે તેના આવેગને નવી જ ઊંચાઈએ લઈ જતી ઃ આ પુરુષ મારો બંધાણી બની જવો જોઈએ. પછી અવનિ સંસાર બચાવવા ગમે એટલાં હવાતિયાં મારે તો પણ ફાવશે નહીં!’
‘પણ ખરેખર તો અજાતશત્રુને બંધાણી બનાવવાના પ્રયાસોમાં મનેય તેની લત લાગી છે. નેડો લાગ્યો છે. આ પુરુષ તેના રક્તના કણકણથી કેવળ મારો જ હોવો જોઈએ એવી જીદ, એવું ઝનૂન વ્યાપ્યું છે!’
‘આને જ પ્યાર કહેતા હશે?’
‘પોતાની જાત સિવાય પોતે કોઈને ચાહી શકે એવું મોહિની પોતે માનતી નહોતી, પણ એ અશક્ય મારા અજાતે શક્ય કરી દેખાડ્યું!’
‘આઇ લવ યુ અજાત... હું તને એટલું ચાહું છું કે હવે તને અવનિ સાથે વધુ વહેંચી શકું એમ નથી...’ મોહિનીનાં જડબાં તંગ થયાં.
અવનિને છૂટાછેડા આપવાનું કબૂલ કર્યા પછી બેચાર મહિના સુધી એ બાબતની પહેલ ન વર્તાતાં મોહિનીએ ઉઘરાણી કરવાની હોય, તેનો સંસાર ભાંગવા તેના ઘરે જઈ તમાશો માંડવાનો હોય - આવું વિચારીયે રાખેલું, પણ ત્યાં સુધીમાં ખુદ અજાતથી પરવશ બની ચૂકેલી એટલે ડિવૉર્સ માટે પૂછતી ખરી. અજાતશત્રુ દર વખતે નવાં બહાનાં ધરી રીતસર વાત ટાળી દે છે એવું સમજાય છતાં એનો બચાવ ખોળી કાઢતી - ‘અજાત ડિવૉર્સ માટે નામક્કર નથી જતા એટલું ઓછું છે!’
મોહિની મન મનાવી લેતી. ઑફિસ-અવર્સમાં અજાતશત્રુ ક્યારેક હોટેલમાં તાણી જાય એય કેટલું ગમતીલું લાગતું. ઑફિસથી છૂટાં પડવાનું એટલું જ દુષ્કર. વરલીના ઘરે અજાતશત્રુ અવનિ સાથે શયનખંડ શૅર કરતા હશે એ કલ્પના અસહ્ય લાગતી. અજાતના બદન પર પ્રણયક્રીડાનાં નિશાન દેખાય તો રિસાઈ જતી - ‘તમને તો અવનિ જ વહાલી! તમને કયું સુખ ઓછું પડે છે કે અવનિની સોડમાં ભરાઓ છો?’
‘મને અવનિ પર કંઈ પ્રેમ-બેમ નથી. આ તો તેને વહેમ ન જાય એ માટે ક્યારેક...’
‘ઓહો, અમારી પ્રીત છુપાવવા અજાત બિચારાએ કેટલું મથવું પડે છે!’ મોહિની ઓળઘોળ થતી.
‘હવે વધુ નહીં, મારા અજાત! આપણા પ્રણયમાર્ગના એકમાત્ર કાંટા જેવી અવનિને ખેરવવાનો માર્ગ મેં વિચારી લીધો છે!’
‘ઇટ્સ ટાઇમ ટુ કિલ હર...’
મોહિનીએ દમ ભીડ્યો ઃ ‘આનાં તારીખ-વાર પણ નક્કી છે. મારા અજાતને પોતાનાં રૂપ-દોલતની જાળમાં ફ્સાવનારીથી આઝાદી પણ બંધનની ઍનિવર્સરી પર જ મળે એ કેટલું તર્કસંગત લાગે!’
ટ્વેન્ટી ફર્સ્ટ ઑગસ્ટ ઇઝ યૉર ડેથ ડેટ અવનિ, એમાં મીનમેખ નહીં થાય!
(વધુ આવતી કાલે)

