Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મન મોહી ગયું (પ્રકરણ 4)

મન મોહી ગયું (પ્રકરણ 4)

28 July, 2022 03:38 PM IST | Mumbai
Samit (Purvesh) Shroff

‘મારામાં સમજદારી હોત તો અવનિશ જેવાના મોહમાં થોડી ફસાત?’ સોનલ કડવું હસી, ‘મારે તને ચેતવવો હતો, ચેતવી દીધો. આરોહીને એ રાક્ષસના પંજામાંથી ઉગારજે. બસ, એટલું જ કહેવું હતું.’

મન મોહી ગયું

વાર્તા-સપ્તાહ

મન મોહી ગયું


‘મમ્મી, આવતા મહિને મારી વર્ષગાંઠ...’ 
આકાર-આરોહીનો વિડિયો વાઇરલ થયાની ત્રીજી સવારે અવનિશે પાસો નાખ્યો. આરોહીના વિડિયો પછી સ્વાભાવિકપણે મા-પિતા તેની સાથે લગ્નની વાત વધારવાના મૂડમાં ન હોય, આવા સંજોગોમા પિતાને છંછેડવાને બદલે માને પલોટવાથી કામ બનતું હોય તો ખોટું શું! 
‘બર્થ-ડે ગિફ્ટમાં હું માગું એ મળશે?’
નયનામા સમજી ગયાં, ‘અવનિશ, તારું મન હજીય એ છોકરીમાં મોહ્યું છે? હજી આરોહી માટે વાત આગળ વધારીશું તો લોકો માનશે તારામાં જ કોઈક ખોટ છે.’
‘મા, ઘણી વાર જે દેખાય છે એ સત્ય નથી હોતું... શક્ય છે ટૅક્સીવાળાનો નાચ જોઈને આરોહી મ્યુઝિકના ફ્લોમાં નાચવા માંડી હોય! ગમતું ગીત વાગે ત્યારે આપણે તેને ગણગણવા નથી માંડતાં? એમ જ.’ 
નયનાબહેન વિચારમાં પડ્યાં. 
અવનિશે બાકીનું બોલવામાં દેર ન કરી, ‘આરોહી પેલા ટૅક્સીવાળાને ખરેખર ચાહતી હોય તો પણ મને ફેર પડતો નથી. જો તે તૈયાર હોય તો આ સંજોગોમાં પણ હું તેને મારી પત્ની બનાવવા તૈયાર છું.’
કહેતાં અવનિશે સાદ ગળગળો કર્યો, ‘મને ગિફ્ટમાં આરોહી આણી દો, હું બીજું કંઈ ન માગું!’ 
પત્યું! દીકરાના વાદે મા પિતાને મનાવવા સંમત થઈ ત્યારે અવનિશ જુદો ઇરાદો ઘૂંટતો હતો - ‘બર્થ-ડેની ગિફ્ટ પાકી કરે ત્યાં સુધી સોનલ-આકારનો કાંટો ખેરવી નાખવો પડશે!’
lll
‘હું તૈયાર છું!’
દીકરીના રણકાએ ધીરજભાઈ-વનલતાબહેન ચમક્યાં. આજે ત્રણ-ત્રણ દિવસથી ઘરમાં બેસી જીવ સંતાપીયે છીએ. ફોન બંધ કરી દીધા છે. નથી કોઈ સરખું જમતું, નથી કોઈ ઊંઘતું. અત્યારે જોયું તો દીકરી ઑફિસ જવા તૈયાર દેખાઈ.
‘તમે પણ રેડી થઈ જાઓ પપ્પા, આજથી ઑફિસ શરૂ.’
જવાબમાં ધીરજભાઈની ગરદન ઝૂકી ગઈ – ‘ના હોં, ઑફિસના પટાવાળાની નજરનો સામનો કરવાની પણ મારામાં શક્તિ નથી.’
આરોહી દોડીને પિતાના ઘૂંટણિયે બેઠી, હળવેકથી તેમનો ચહેરો ઊંચો કર્યો, ‘તમને આમ ઝૂકેલા જોવા દુષ્કર છે પપ્પા. એમાં હું નિમિત્ત બની એ દુ:ખ તો અસહ્ય છે, પણ વિશ્વાસ કરો, તમારા સંસ્કારને બટ્ટો લાગે એવું મેં કાંઈ નથી કર્યું. થયું એટલું જ કે ‘મારું મન મોહી ગયું’ પપ્પા, આકાર પર! પ્રણયના સ્વીકારની પહેલ મેં કરી, આકારે નહીં. ગલત તો હું અમારા ડાન્સને પણ નથી માનતી,  ગલત કેવળ એટલું કે અમારા સંબંધને તમારી પૂર્વમંજૂરી મળ્યા વિના એ થયું. ખેર, જે બન્યું એ પછી તમે આકાર વિનાની જિંદગીનું ફરમાન આપ્યું છે પપ્પા, તો ભલે, તમારી આજ્ઞા શિરોમાન્ય.’
 આરોહીની આંખો વરસી રહી, ‘જીવનભર આકારનું મોઢું નહીં જોઉં, તમે કહેશો ત્યાં પરણીને ખુશી-ખુશી સંસાર સંભાળીશ બસ, તમે બન્ને પહેલાં જેવાં થઈ જાઓ.’ 
દીકરીની વિનવણી પ્રેરતી હોય એમ ધીરજભાઈએ તેની પાંપણ લૂછી, ‘ચલ, હું તૈયાર થઈને હમણાં આવ્યો, લેટ્સ ગો ટુ ઑફિસ!’
lll
‘કેવી હોય છે લોકોની નજર!’
ઑફિસ પહોંચેલી આરોહીને તેનો જાતઅનુભવ થતો હતો. પપ્પા આગળ તો કોઈની ચૂં કે ચા કરવાની હિંમત ન થાય, પણ મને જોઈ કેવી કાનાફૂસી કરી લે છે સૌ! એકાદે ડાન્સની તારીફ કરતાં આરોહીનું ધૈર્ય તૂટ્યું,
‘મિસ્ટર દેશમુખ, હું તમને અહીં ડાન્સનાં સ્ટેપ શીખવવા નથી આવી, લેટ્સ ટૉક ઓન્લી ઑફિશ્યલ ઇન ધિસ ઑફિસ.’
તેનો ટંકાર કામ કરી ગયો. સ્ટાફ નીચી મૂંડીએ કામમાં જોતરાયો. સંતોષનો શ્વાસ લેતી આરોહી પળ પૂરતી આંખો મીંચી ગઈ : ‘પપ્પા-મમ્મીમાં ધબકાર પ્રેરવા તમારા વિનાના જીવનમાં આગળ વધુ છું આકુ, તમને ગમશે જ એમ માનીને!’
lll
‘શું વાત કરે છે, વનલતા!’
બપોરે લંચ-બ્રેકમાં બાપ-દીકરી ટિફિન ખોલીને બેઠાં ત્યાં ઘરેથી વનલતાબહેનનો ફોન આવ્યો.
‘નિરંજન-નયનાબહેન હજીય તેમના દીકરા માટે આરોહીને ઝંખે છે?’
આરોહી સ્વસ્થ જ રહી.
‘નયનાબહેન અગાઉ જેવા ઉત્સાહમાં નહોતાં, પણ લાગે છે અવનિશનું મન મોહ્યું છે આરોહી પર. દીકરાની ખુશી ખાતર મા-બાપે મન મોટું રાખ્યું હશે.’
વનલતાબહેન તેમની ધૂનમાં બોલ્યાં, પણ અહીં આ વાક્યથી બાપ-દીકરીની નજર એક થઈ. આરોહીએ જોકે તરત નજર વાળી લીધી, પણ ધીરજભાઈ પત્નીના વાક્યની અસરમાંથી મુક્ત થઈ શક્યા નહીં. 
‘તેઓ પાછાં મને પૂછતાં’તાં... કે આરોહી સાચે જ ટૅક્સીવાળા જોડે લવલફરામાં ફસાઈ છે? મેંય મોઘમ કહી દીધું કે વયસહજ નાદાનીમાં થોડુંઘણું કંઈ થાય એ લવલફરાં ન કહેવાય... બરાબરને?’
‘હાલ તો બરાબર. અને પહેલાં આપણે છોકરાને મળીએ તો ખરા, આરોહી માટે પાત્ર યોગ્ય જણાય તો જ હકાર ભણવાનો છેને.’
‘મારો વિચાર તો આ રવિવારે જ તેમને તેડવાનો હતો - પણ શનિ-રવિ અવનિશ મુંબઈ નથી, ઑફિસના કામે પુણે જવાનો છે... આવે પછી વાત.’
lll
‘શનિ-રવિનું વીક-એન્ડ યાદગાર રહ્યું...’
રવિની બપોરે, અવનિશના સંગની મદહોશી ઘૂંટતી સોનલને થયું, ‘અદિતિ પાસે પુણે આવી પોતે સમજદારીનું કામ કર્યું છે. મારી પ્રેગ્નન્સીની તો તેને પણ જાણ નથી, પણ મારો બૉયફ્રેન્ડ મુંબઈથી આવી રહ્યાનું જાણી તેણે પોતાના બૉયફ્રેન્ડ સાથે ખંડાલાનો પ્રોગ્રામ બનાવી કાઢ્યો એટલે તેના ફ્લૅટમાં જોઈતી પ્રાઇવસી મળી રહી...’
- અને માંડ-માંડ ઊઘડતી આંખો આંચકાભેર ખૂલી ગઈ. અવનિશ મોબાઇલ કૅમેરામાં મારા ફોટો પાડી રહ્યો છે એ પરખાતાં તેણે ઉઘાડા બદન પર ચાદર ઢાંકી દીધી, ‘આ શું હરકત છે?’
‘હરકત નથી, હની...’ અવનિશે મુખવટો ફગાવી દીધો, ‘તારાથી પીછો છોડાવવાનો આ માસ્ટર પ્લાન છે!’
‘હેં!’
lll
અવનિશની નિયતના ઉઘાડે સોનલને તમ્મર આવ્યાં. ‘આ પુરુષે મને ચાહી જ નથી, તે કદી મને પરણવાનો જ નહોતો! મારા ન્યુડ ફોટો પાડી, તેને ફરતા ન થવા દેવા હોય તો તેની ત્રણ શરતો પાળવી રહી - એક અબૉર્શન, બીજું ઑફિસમાં રિઝાઇન મૂકી તેની સાથે હંમેશ માટે છેડો ફાડવો અને ત્રણ...
lll
‘બોલો સોનલ, અવનિશે ત્રીજી શરત કઈ મૂકી?’
પુણેથી ભગ્નહૃદયે સોમની સવારે મુંબઈ આવેલી સોનલે આકારને પિક-અપ માટે સ્ટેશને તેડાવ્યો, ત્યાંથી સીધી પાલવાની પાળે લઈ આવી : ‘મારે તને કંઈક કહેવું છે...’
સોનલ બહુ ડિસ્ટર્બ હતી એ તો પોતે રિયર વ્યુ મિરરમાંથી નોટિસ કર્યું. ‘સોનલ પ્રેગ્નન્ટ છે ને તેના આશિક અવનિશે સગાઈનું વચન આપ્યું છે એટલી મને જાણ છે. એમાં  કંઈ અડચણ આવી હશે? એમાં મને કહેવા જેવું શું હશે?’
આકારના સધિયારાએ ધીરે-ધીરે સોનલ ખૂલી, અવનિશ સાથેની ‘પ્રણય’ગાથાને શરતોના વળાંકે આણતા સુધીમાં હાંફી જવાયું. 
‘બે શરત તને કહી, ત્રીજી શરત તારી સાથે લાગેવળગે છે’ સોનલે કહેતાં તે ટટ્ટાર થયો : ‘મારી સાથે અવનિશને શું લેવાદેવા?’
‘તારી સાથે નહીં, આરોહી સાથે.’
‘હેં.’ સોનલને છેહ દેનારો આરોહીને પરણવા માગે છે એ જાણી ખળભળી જવાયું. 
‘ત્રીજી શરતમાં તે એક કાંકરે બે પક્ષી મારવા માગે છે... તેને આપણી અંગત પળોનો વિડિયો જોઈએ છે... જેથી હું બદનામ ઠરી જાઉં, ને તમે આરોહીની નજરમાંથી ઊતરી જાઓ.’
‘હેં!’ 
‘ખરેખર તો મારે તને આ બધું કહેવાનું પણ નહોતું... અવનિશની સૂચના તો એવી કે તને ઘેનનું પીણું પીવડાવી એકાદ હોટેલમાં લઈ જઈ વિડિયો ઉતારી લેવો... પણ મારાથી એ નહીં બને. જે ભાઈ મને દી કહેતો હોય તેની સાથે કોઈ કાળે હું આવું કરી ન શકું.’ તે રડી પડી.
‘અધરવાઇઝ પણ આવું કરવું ન જોઈએ દી, એક વિડિયોના સાટામાં ફરી એવો જ વિડિયો ઉતારીને દેવામાં સમજદારી ક્યાં છે?’
‘મારામાં સમજદારી હોત તો અવનિશ જેવાના મોહમાં થોડી ફસાત?’ સોનલ કડવું હસી, ‘મારે તને ચેતવવો હતો, ચેતવી દીધો. આરોહીને એ રાક્ષસના પંજામાંથી ઉગારજે. બસ, એટલું જ કહેવું હતું.’
કહીને આકારને અણસાર આવે એ પહેલાં તેણે દરિયામાં ઝંપલાવી દીધું!
પાછળ કૂદીને આકારે તેને ઉગારી લીધી, અને સોનલ હોંશમાં આવી ત્યાં સુધી તેણે પ્લાન ઘડી નાખ્યો.
lll
અને હોટેલની રૂમના દરવાજે ટકોરા પડ્યા. સોનલે દરવાજો ખોલ્યો. અવનિશ અંદર પ્રવેશ્યો. સામે જ પલંગ પર આકાર પોઢ્યો હતો. છાતી સુધી ચાદર ઓઢી હતી, ખભા ઉઘાડા હતા ને તેનું દરેક વસ્ત્ર ફર્શ પર પડેલું જોઈને અવનિશ ભદ્દું હસ્યો, ‘તેં તો મુંબઈ આવતાં જ સપાટો બોલાવી દીધો, ડાર્લિંગ!’
‘તું જોઈ શકે છે કે મેં તારું કામ પતાવ્યું છે. તને હોટેલ પર તેડાવવાનું કારણ પણ એ જ કે વિડિયો તારી અપેક્ષા મુજબના ન લાગે તો તું જ શૂટ કરી શકે... કેમ કે ફરી વાર આકાર મારી જાળમાં ફસાય એ જરૂરી નથી. મારે કોઈ રિસ્ક નથી લેવું. આકાર ભાનમાં આવે એ પહેલાં મારા ફોટો ડિલીટ કરી વિડિયો લઈ લે એટલે હું છૂટી.’
‘છૂટી ક્યાંથી!’ અવનિશે ખંધાઈ દાખવી, ‘તારી ફિલ્મ તો મારી પાસે રહેવાની જને. તારી એટલી બુદ્ધિ ન ચાલી કે તારો આકાર સાથેનો ન્યુડ વિડિયો ફરી તારા બ્લૅકમેઇલિંગનું કારણ બની શકે? આ વખતે બીજી-ત્રીજી કોઈ શરત નહીં. બસ, હું બોલાવું ત્યારે-ત્યાં આવતી રહેજે!’
‘અવનિશ, અવનિશ, તને જરાય દયા નહીં આવી? પ્રણયના નામે તેં મને ભોળવી, તારો અંશ મારા ગર્ભમાં છે...’
‘હાં, મેં તને ભોળવી, મારો અંશ તારા ગર્ભમાં છે, તો શું?’
‘તો એ જ કપાતર કે તારે પરણવું પણ સોનલને પડશે...’
સાઇડ પરના વૉર્ડરોબમાં અગાઉથી છુપાઈ રહેલા નિરંજનભાઈએ દેખા દેતાં અવનિશ થોથવાયો. ઓહ, જોડે આરોહીના પિતાશ્રી પણ છે! ત્યાં આકારને ઊભો થતો ભાળી તમ્મર આવ્યાં : ‘આકાર બેહોશ હતો જ નહીં, સોનલ સાથે ‘કશું’ થયું જ નથી. આ તો મને ફસાવવાનો ટ્રૅપ હતો!’
‘વિકૃત દિમાગ!’ નિરંજનભાઈએ છૂટા હાથે દીકરાને ફધિબેડવા માંડડ્યું, ‘આવા તારા સંસ્કાર? સારું થયું, આકારના પ્લાનને અનુસરીને આ છોકરીએ અમને ફોન કરીને અગાઉથી તેડાવી લીધેલાં...’ 
શર્ટ પહેરતા આકાર સમક્ષ અવનિશ કતરાયો એ જોઈ નિરંજનભાઈએ બીજી બે અડબોથ વીંઝી, ‘હજીય ઝેર ઊતર્યું નથી કાં! પણ હું તારો બાપ છું, ઘરે ચાલ, સીધોદોર કરું છું તને.’
અવનિશને સિદ્ધાંતવાદી પિતાનો ડર તો હતો જ, રંગેહાથ ઝડપાયા પછી શરણાગતિ સિવાય વિકલ્પ પણ ક્યાં રહ્યો? 
‘વહુ બેટા, તમને અલગથી આમંત્રણ દેવું પડશે?’
શ્વશૂરજીના સાદે હસતી-રડતી આકુનો આભાર માનતી સોનલ દોડી, ‘હું આવી જ, પપ્પાજી!’
ત્રણેય નીકળ્યા પછી ધીરજભાઈ-આકાર વચ્ચે મૌન છવાઈ રહ્યું. છેવટે ફર્શ પર પડેલા પોતાનાં વધારાનાં વસ્ત્રો સમેટીને આકારે રજા માગી, ‘હું નીકળું, વડીલ.’
‘હું તને મૂરખ લાગું છું, આકાર!’
‘જી?’ આકાર મૂંઝાયો.
‘જે જુવાન આરોહીને ગલત પાત્ર સાથે જવા ન દેવા કટિબદ્ધ હોય, પોતે જેને દીદી કહેતો હોય એ સ્ત્રીના હિતના રખોપા ખાતર વસ્ત્ર ઉતારવા તૈયાર હોય એવા હીરલાને દીકરીના હાથમાંથી સરકવા દઉં તો હું બાપ શાનો?’
અને તેમણે પગે પડવા જતા આકારને ગળે વળગાડી દીધો.
lll
ઘરે જઈ નિરંજનભાઈએ અવનિશને બરાબરનો ઠમઠોર્યો, ‘યાદ રાખ, તારી જીવનડોર સોનલ સાથે બંધાઈ ચૂકી, તેને દુખી કરી છે તો તને મિલકતમાંથી બહાર કરતાં હું નહીં ખચકાઉં...’ 
દીકરાનાં કરતૂત જાણીને નયનાબહેન ડઘાયાં. પિતાના પ્રકોપે અવનિશની ચરબી ઓગળી ગઈ. આરોહીનું ભૂત ઊતરી ચૂકેલું. સોનલના સાથમાં જ સુખ છે એ સમજાઈ ગયું. 
‘રાહ ભટક્યા સંતાનને પિતા જ રાહ દેખાડી શકે...’ આકારની આ ગણતરીએ અવનિશ-આરોહીના પિતાને સાબદાં કરવાની યોજના ફળી. જોકે હોટેલરૂમ પર આકારને ભાળી બન્ને વડીલ ચમકેલા, પણ તેણે કહેલી અવનિશની શરત પછીથી સાચી ઠરતાં એ જ બન્યું જે બનવું ઘટે. 
બીજી બાજુ આકાર સાથે પહેલાં તેના ઘરે જઈ તેનાં મા-બાપને લઈ ધીરજભાઈ બંગલે પહોંચ્યા. આરોહી-વનલતાબહેન સ્તબ્ધ.
‘જુએ છે શું આરોહી, ખરે જ તારા આકુને લઈને આવ્યો છું.’
અને આરોહી દોડીને પહેલાં પપ્પાને વળગી, વલ્લભભાઈ-સાવિત્રીબહેનના આશિષ લીધા, પછી આકુના પડખે ઊભી રહી ગઈ. ધીરજભાઈ ‘શું બન્યું’નો હેવાલ દઈ રહ્યા ત્યાં વરસાદ તૂટી પડ્યો.
‘આજે કોઈએ અહીં ઊભાં નથી રહેવાનું, ચાલો સૌ ટેરેસ પર, આકુ તારું પેલું ગીત વગાડ...’
અને ટેરેસ પર વરસતા વરસાદમાં આકાર-આરોહી સાથે તેમના પેરન્ટ્સ પણ ‘ભીગી ભીગી રાતોં મેં...’ ગીત પર ઝૂમી રહ્યાં છે એ વાઇરલ થયેલો વિડિયો તમે જોયો કે નહીં? જોયો હોય તો લાઇક જરૂર કરજો.
અને કમેન્ટ બૉક્સમાં આકુ-આરોહીનો સંસાર સદા મઘમઘતો રહે એવી વિશ કરવાનું ચુકાય નહીં, હોં!
 
સમાપ્ત


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2022 03:38 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK