Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મન મોહી ગયું (પ્રકરણ 3)

મન મોહી ગયું (પ્રકરણ 3)

27 July, 2022 01:02 PM IST | Mumbai
Samit (Purvesh) Shroff

‘આકાર ટૅક્સી-ડ્રાઇવર ખરો, પણ તેણે એમબીએ કર્યું છે, તેના સંસ્કારમાં ક્યાંય કહેવાપણું નથી... તમે તો જાણો છો તેને. હજી ગઈ કાલે જ અમારી વચ્ચે પ્રીતનો એકરાર થયો.

મન મોહી ગયું

વાર્તા-સપ્તાહ

મન મોહી ગયું


‘બોલો આકાર, હા કે ના?’
આરોહીના પ્રશ્ને આકાર સ્તબ્ધ. 
‘આજે આ કેવો દિવસ ઊગ્યો! એક તો મોસમના પહેલા વરસાદે મુંબઈને ધમરોળી નાખ્યું. ઠેર-ઠેર ખાડા, ઠેર-ઠેર પાણી.’ 
- ‘પણ આ વખતની બારિશ ગમે છે. ઝૂમવાનું મન થાય છે. ધરતી પર થતાં છાંટણાં હૈયે જુદો જ નાદ જન્માવે છે!’ આકાર જેની મદહોશીમાં ખોવાયો હતો એ આરોહીએ ઍરપોર્ટ જવાના બહાને તેડાવ્યો એથી ખુમાર વધતો ગયો. ‘અને હવે, પિતાને લેવા આવતી આરોહી પ્રણયનો અણધાર્યો એકરાર કરી સાચે જ મારી મરજી પૂછી રહી છે! અત્યારે બીજા કોઈ પિષ્ટપેષણની આવશ્યકતા નથી. કેવળ હા કે ના.  આરોહીને ઇનકાર તો હોય જ કેમ?’ 
‘હા!’ આકારનો એકાક્ષરી જવાબ આરોહીને વિધાતાના વરદાન જેવો લાગ્યો.  
‘તો હવે માબાપને મનાવવા ઝડપ કરવી પડશે. જાણો છો, એક મુરતિયો ૬ મહિનાથી લાઇનમાં ઊભો છે, મારા પેરન્ટ્સ તેને માટે એકદમ રેડી છે.’
‘અચ્છા, કોણ છે મારો રકીબ?’
‘તેનું નામ જાણી તમારે શું કામ છે? મેં હજી તેને જોયો નથી, પણ મારા પેરન્ટ્સ તેની ફૅમિલીને ઓળખે છે, વેપારી કુટુંબ છે.’
‘અને હું ટૅક્સીવાળો!’ આકાર ફિક્કું મલક્યો, ‘યે ઇશ્ક નહીં આસાન, આરોહી!’
‘રાહબર તૂ હૈ તો હર રાહ આસાન હૈ...’ આરોહીના શબ્દોએ જાદુનું કામ કર્યું. 
ચાર નેત્રો એક થયાં ને પાર ઊતરવાનો સંકલ્પ ઘૂંટાયો. 
lll
‘ગુડ નાઇટ.’
છેવટે બંગલાના પૉર્ચમાં ટૅક્સી ઊભી રહી. આકાર તરફ હાથ હલાવી શેઠજી ઘરમાં ગયા. પાછળ ઊતરી દરવાજો બંધ કરતી આરોહીની ફ્લાઇંગ કિસ ઝીલી આકારે એના ખુમારમાં ટૅક્સી ઘર તરફ વાળી. ‘મેહુલો હજીય અનારાધાર હતો. કાશ, હુંય આમ આરોહી પર વરસી શકું... તનબદનમાં મીઠો ચટકારો થતો હતો. મન મોર બની થનગાટ કરતું હતું.’
- અને તેની ટૅક્સી ડચકા ખાતી થંભી ગઈ. હવે આકારનું ધ્યાન ગયું - ‘આ તો આરોહીના ઘરની નજીક ઘૂંટણ સમાણાં પાણી ભરાયાં છે, એમાં ટૅક્સી ફસાઈ! હવે ગાડી એમ ચાલુ નહીં થાય!’ 
‘રાતે સવાઅગિયારે ટ્રાફિક ખાસ નહોતો. પાણી ભરાયાં હોવાથી ચાલકો અપલાઇનમાં ડાઇવર્ઝન લેતા હોવાનું ધ્યાન કેમ ન રહ્યું! હશે, આજના મુબારક વરસાદને કોસે એ બીજા!’ બોનેટ પર ગોઠવાઈને વરસાદમાં ભીંજાતો તે પાણીમાં છબછબ કરતો રહ્યો, બાજુની લેનમાંથી પસાર થતા એકાદ જણે પૂછ્યું - ‘એ ભાઈ, કૈસા લગતા હૈ?’
અને આકારની અંદર કૂદાકૂદ કરી રહેલો મોરલો પ્રગટ્યો. મોબાઇલમાં ગમતું ગીત મૂકીને તે સૂરના તાલે ઝૂમવા લાગ્યો :
‘ભીગી ભીગી રાતોં મેં ઐસી બરસાતોં મેં કૈસા લગતા હૈ...?’
જાણે ખરેખર પોતે આરોહી સંગ વરસાદ માણી રહ્યો હોય એવી તન્મયતાથી દુનિયાદારી ભૂલીને તે નાચવા લાગ્યો.
વરસતા વરસાદમાં લયબદ્ધ નાચતા જુવાનને જોવાનો લહાવો હોય એમ આવતો-જતો ટ્રાફિક થંભી ગયો. લાંબી થતી લાઇને બાલ્કનીમાં ભીના વાળ ઝાટકતી આરોહીને અકસ્માતની ભીતિ લાગી : ‘આકુ હજી હમણાં ગયા... ક્યાંક તેમની ટૅક્સીને તો...’
તે દોડી. આકારને મસ્તીમાં ઝૂમતો જોઈને તે દંગ બની ગઈ. ‘હાથ ઊંચો કરી કોઈને ગોળ-ગોળ ફેરવતો હોય એવી ઍક્શન કરનાર આકુના ચિત્તમાં તો હું જ હોઈશને!’
અને હૈયું વારે, મન રોકે એ પહેલાં તે આગળ વધી, લતાના કંઠ સાથે તેણે આકારનો હાથ પકડી લીધો...
‘ઐસા લગતા હૈ તુમ બન કે બાદલ, મેરે બદન કો ભીગો કે મુઝે છેડ રહે હો...’
આરોહી સાચે જ આવી છે એ પરખાતાં આકારનો માંહ્યલો ખીલી ઊઠ્યો. ગીત પતતાં તેણે આરોહીને ઊંચકી લીધી, બન્ને માટે સમય થંભી ગયો.
સીટી, તાળીઓ, હૉર્નનો શોરબકોર.
બન્ને ઝબક્યાં. જોયું તો ટ્રાફિક થંભી ગયો છે, ‘કોઈ અમારું અભિવાદન કરી રહ્યું છે તો કોઈ ટ્રાફિક જૅમ કરવા બદલ કચવાઈ રહ્યું છે.’
આરોહી ઝડપથી નીચે ઊતરી ઘર તરફ ભાગી. ઊંડો શ્વાસ લેતા આકારે ટૅક્સી બાજુએ કરી ઘરે જવા માટે બીજી ટૅક્સી પકડી લીધી.
ત્યાં સુધીમાં શ્રોતાગણમાંથી કંઈકેટલાય લોકોએ ઉતારેલો ટૅક્સીવાળાના ડાન્સનો વિડિયો નેટ પર ફરતો થઈ ગયો અને થોડા કલાકમાં તો વાઇરલ પણ થઈ ગયો!
lll
ખળભળાટ મચી ગયો ઘરમાં.
‘આરોહી, આ બધું શું છે?’
ધીરજભાઈની ત્રાડે વિલા ગજવી મૂકી. રાતે આકુથી છૂટી પડીને પોતે ઘરે આવેલી ત્યારે માબાપ સૂઈ ગયેલાં એટલે ધરપતભેર ઊંઘ આવી ગયેલી, પણ પરોઢિયે પિતાની ત્રાડે ઝબકતી આરોહી થથરી ઊઠી. રાતના ડાન્સનો કોઈકે ઉતારેલો વિડિયો વાઇરલ થયાનું જાણી સમસમી જવાયું.
‘જેની મારી સામે ઊભા રહેવાની હેસિયત નથી એવા એવાય મને ફોન કરીને પૂછે છે - આ વિડિયોમાં ટૅક્સીવાળા સાથે તમારી જ દીકરીને?’
‘રે દીકરી, તું તો અમારું અભિમાન હતી... વરસતા વરસાદમાં એ ટૅક્સીવાળા ભેગી નાચવા ગઈ ત્યારે આ ખોરડાની આબરૂનોય તને વિચાર ન આવ્યો?’ વનલતાબહેને છાતી કૂટી.
મા-પિતાને પહોંચેલો આઘાત સમજાય એમ હતો. તેમના જીવ દુભાયા છે. અત્યારે તેમને કંઈ પણ કહેવું વ્યર્થ છે એની સમજ છતાં કહ્યા વિના ન રહેવાયું, 
‘આકાર ટૅક્સી-ડ્રાઇવર ખરો, પણ તેણે એમબીએ કર્યું છે, તેના સંસ્કારમાં ક્યાંય કહેવાપણું નથી... તમે તો જાણો છો તેને. હજી ગઈ કાલે જ અમારી વચ્ચે પ્રીતનો એકરાર થયો. માન્યું, પ્રણયના ઉન્માદમાં હું કદાચ ન કરવા જેવું કરી બેઠી, પણ એથી મારી પ્રીત જૂઠી નથી ઠરતી, આકાર ગેરલાયક નથી નીવડતો...’
‘આરોહી...’ વહાલસોયી દીકરી પર પિતાનો હાથ તો ન ઊપડ્યો, પણ વેણ જરૂર વસમા નીકળ્યા, ‘આકાર સાથે સંબંધ રખ્યો છે તો અમારાં મરેલાં મો જોશે.’
પિતાના આદેશે આરોહી ફસડાઈ પડી,
‘રામ જ જાણે, હવે આગળ શું થશે?’ 
lll
‘વાહ રે દીકરા, તેં વહુ પસંદ કરી અને અમને કહ્યું પણ નહીં!’
વાઇરલ થયેલો વિડિયો સવાર સુધી ચાલમાં પણ પ્રસરી ગયો. વલ્લભભાઈ-સાવિત્રીબહેનને તો જોકે આનો હરખ જ હોય. આકારની પસંદગીમાં શ્રદ્ધા પણ ખરી. માના હરખે આકાર ચમક્યો. રાતના ડાન્સનો વિડિયો નેટ પર ફરતો થયાનું જાણીને ધ્રાસ્કો પડ્યો. આઇ મસ્ટ ઇન્ફર્મ આરોહી... તેને કૉલ જોડતાં આકારનાં આંગળાં કાંપતાં હતાં. રિંગ ગઈ. ફોન જોકે આરોહીને બદલે તેના પિતાએ રિસીવ કર્યો, 
‘લિસન મી, ટૅક્સી-ડ્રાઇવર. કાલે વરસાદમાં નાચીને તમે મારી દીકરીની ઘણી બદનામી કરી દીધી. હવે તેનો પીછો છોડો. તે તમારી સાથે કોઈ સંબંધ રાખવા નથી માગતી.’
‘એ કે તમે?’ વડીલને છંછેડવા જેવું કહીને આકારે વાળી લીધું, ‘ભલે, ફરી ફોન નહીં કરું, તેને એટલો સંદેશો આપી દેજો કે તમારા આશીર્વાદ વિના મારા ઘરના દરવાજા તેને માટે નહીં ખૂલે.’ 
આકારના રણકારથી ધીરજભાઈ સહેજ ડઘાયા.
‘તમારી ખુશી ખાતર તે બીજે પરણે તો હું તેને બેવફાઈની દુહાઈ નહીં દઉં... અને મારી સાથે મરવા માગતી હશે વડીલ, તો ધરપત રાખજો કે હું તેને સહીસલામત તમારા ઘરે પહોંચાડી દઈશ. પ્રણામ.’
આકારે ફોન કટ કર્યો. વલ્લભભાઈ-સાવિત્રીબહેન વિનાપૂછ્યે સમજી ગયાં. 
આ વેળા દીકરાને સાચવવાની હતી, અને એમાં તો તેમને ક્યાં કહેવું પડે એમ હતું! 
lll
‘ક્યા કમાલ કા ડાન્સ કિયા તૂને!’ 
ગઈ રાતે બગડેલી ટૅક્સી લાવવા સ્ટૅન્ડ પર જતા આકારને સાથીઓ ઘેરી વળ્યા. ઓળખીતા પૅસેન્જર્સમાંથીય કેટલાકના વિડિયો બિરદાવતા ફોન આવી ગયા. લોકો પોતાનો ડાન્સ વખાણે ત્યાં સુધી ઠીક, પણ પછી હળવેકથી પૂછે - ‘પેલી છોકરી તમારી પરણેતર કે પ્રેમિકા?’
‘આમાં કોને - શું કહેવું! હવે સમજાય છે કે આ સવાલ આરોહીના પેરન્ટ્સને પણ પુછાતા હશે, તેમને તો ડૂબી મરવા જેવું લાગતું હશે! ઓહ... શા માટે હું નાચવાનો થયો! જાણે શું થશે અમારી પ્રેમકહાનીનું!’ 
lll
‘ભીગી ભીગી રાતોં મેં...’
ગઈ રાતે ટપકેલો વિડિયો અવનિશ આજે બીજી રાતે પણ ફરી-ફરીને નિહાળે છે.
વરસાદમાં ભીંજાયેલા જુવાનનું શરીરસૌષ્ઠવ ઈર્ષા ઉપજાવનારું છે. તેના નાચનો લય તેની દેહલતામાં કામણ પૂરે છે... અને ત્યાં છોકરીની એન્ટ્રી થાય છે...
મધરાતે પહેલી વાર આ વિડિયો જોયો ત્યારે જ અવનિશ બેઠો થઈ ગયેલો - ‘આ તો આરોહી!’
‘જેને હું મારી બનાવવા માગું છું, તે એક ટૅક્સી-ડ્રાઇવર સાથે?’ સમસમી જવાયેલું. 
ખાસ તો વરસેકથી નયનામા દીકરાનાં લગ્ન લેવા અધીરાં બન્યાં હતાં, પણ અવનિશને ખીલે બંધાવાની ઉતાવળ નહોતી. અમેરિકામાં ભણતર દરમ્યાન રંગરેલી માણી ઘડાઈ ચૂકેલો તે. અલબત્ત, મુંબઈમાં અમેરિકા જેટલી આઝાદી ઇચ્છો તો પહેલાં પિતાજી જ ફટકારે. 
સિદ્ધાંતવાદી પિતાનો તેને ડર રહેતો. ‘પપ્પા આમ સ્વભાવના સરળ, પણ ખોટું ખમી ન શકે. બટ લકીલી, ઑફિસની સેક્રેટરી જોડે જ સેટિંગ થઈ ગયું, જેની ત્રીજા કોઈને જાણ નથી, હા, ‘હું તને ચાહું છું’ એમ કહીને સોનલને ભુલાવામાં નાખવી પડી, પણ શું થાય!’
‘છતાં, લગ્ન તો કરવાનાં જ હતાં. એમાં સાતેક મહિના અગાઉ, મહેશ અંકલને ત્યાં લગ્નપ્રસંગે દૂરથી જ આરોહીને નિહાળીને હૈયું ધબકારો ચૂકી ગયું. હળદરિયા રંગના ચોલી સૂટમાં તે ગજબની સોહામણી લાગી, જાણે સ્વર્ગની અપ્સરા. ના, આ પહેલી નજરનો પ્રેમ નહોતો, બલકે મગરૂરી હતી ઃ રૂપનો આ ખજાનો તો મારા જ નામે થવો જોઈએ!’
તેણે ત્યાં જ ઇશારો આપી દીધો – ‘મા, પેલી કન્યા કુંવારી હોય તો આપણને રસ છે!’
‘અરે, એ તો વનલતાબહેનની આરોહી!’ નયનામા પોરસાયાં, ‘આ છોકરી તો મારા ધ્યાનમાં હતી જ.’
‘સારું મુરત જોવડાવીને તેમણે દાણો ચાંપ્યો. ત્યાંથી જોકે ખૂલીને હા-ના થઈ નહીં. ‘કોઈ પોતાને આમ લટકાવે એ થોડું અસહ્ય હતું, પણ આરોહી માટેની લાલસા પણ ઓછી નહોતી. હજી ગઈ કાલે પણ માએ તકાજો કર્યો ત્યારે તો વનલતાબહેનના રિસ્પૉન્સથી એવું જ લાગ્યું કે વાતચીત આગળ વધારવા તેમની હા થવાની જ! એના થોડા જ કલાકમાં આ વિડિયો...’ 
‘બન્ને પ્રણયમાં ચકનાચૂર છે એ તેમના ડાન્સમાં દેખાય છે! મારું કહેણ અવગણી આરોહી ટૅક્સી-ડ્રાઇવરની સોડમાં ભરાય છે એ કેમ ચાલે! નહીં, આરોહીને તો હું હજી પણ મારી કરીશ... એમાં બીજો ફાયદો પણ છે. પોતાના આ એક લફરા સામે તેણે લગ્ન પછીની મારી તમામ રંગરેલી સામે આંખ આડા કાન કરવા પડશે, મતલબ, લગ્ન પછી પણ મને જોઈતી આઝાદી! એ દૃષ્ટિએ આરોહી સાથે સંબંધ બાંધવામાં સમજદારી છે...’
- અને તેનો ફોન રણક્યો...
‘આ તો સોનલ!’ અવનિશનું મોં કટાણું થયું. ગઈ સવારે પ્રેગ્નન્સી કન્ફર્મ થયા પછી તેણે ઑફિસમાં છુટ્ટી મૂકેલી - ‘હમણાં ઊલ્ટી-ઊબકા જેવું રહેશે એ ઑફિસમાં કોઈના ધ્યાન પર આવે એવું શું કામ કરવું! એમ ઘરે માને નજરે ચડવામાં પણ જોખમ, એટલે થોડા દિવસ મારી બહેનપણી પાસે પુણે જાઉં છું. તે પણ મારી જેમ સિંગલ છે, ઇન્ડિપેન્ડન્ટ છે... ના, ના, તેને પણ આપણા વિશે કંઈ કહેવાની નથી. રવિવારે તમે કોઈક બહાનું બનાવી પુણે આવી જજો...’
આજે બપોરે તો તે પુણે પહોંચ્યાનો ફોન આવી ગયેલો, હજી શું રહી ગયું? મોં બગાડી ફોન રિસીવ કરતાં જ તે ટહુકી, 
‘ભીગી ભીગી રાતોં મેં... કૈસા લગતા હૈ?’
- ‘આ તો પેલા ટૅક્સીવાળાના વિડિયોમાં ગુંજતું ગીત!’
‘તમે એ વિડિયો જોયો કે નહીં! આકાર શું નાચ્યો છે...’
‘આકાર...’ અવનિશની આંખ ઝીણી થઈ. ‘સોનલ તો એમ બોલી જાણે તેને પર્સનલી ઓળખતી હોય!’
‘અરે, ગઈ કાલે જ મારે તેની ટૅક્સીમાં બેસવાનું થયું... મને તેણે દીદી કહી, ટ્રાફિક જૅમ હતો તો તે મારા માટે ચા પણ લઈ આવ્યો...’
‘અચ્છા!’
‘તેની સાથે ડાન્સ કરનારી જેકોઈ હોય, તેનાં ભાગ્ય ઊઘડી ગયાં આવો પતિ પામીને.’
‘અરે જાજા. તે ડાન્સવાળી તો મારી ઘરવાળી થવાની!’
‘ઓ ગૉડ, સોનલને આવું કહું તો તે કાળઝાળ જ થઈ ઊઠે! ઓહ, કાલ ઊઠીને મારું-આરોહીનું સગપણ જાહેર થયું તો સોનલ ચૂપ નહીં રહે એ મને પહેલાં કેમ ન સૂઝ્‍યું?’
‘આરોહી સાથે આગળ વધતાં પહેલાં મારે સોનલને માર્ગમાંથી હટાવવી રહી. એ માટે કંઈક એવું કર્યું હોય કે સોનલ ભેગો આ ટૅક્સીવાળોય આરોહીની જિંદગીમાંથી જતો રહે તો એ એક કાંકરે બે પક્ષી મારવા જેવું ગણાય કે નહીં!’
‘વેલ, વેલ, આઇ વિલ ડુ ધૅટ... ડેફિનેટલી!’
 
આવતી કાલે સમાપ્ત


Whatsapp-channel Whatsapp-channel

27 July, 2022 01:02 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK