Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જેસલ-તોરલ (વાર્તા-સપ્તાહ | પ્રકરણ ૧)

જેસલ-તોરલ (વાર્તા-સપ્તાહ | પ્રકરણ ૧)

06 December, 2021 05:18 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘તે સ્કૂલ ભણવા ન જાય, સરખી રીતે જમે નહીં એટલે બધાને તે ડાહી લાગે. કોઈ મારી સામે જુએ પણ નહીં. હું પણ...’

જેસલ-તોરલ (વાર્તા-સપ્તાહ | પ્રકરણ ૧)

જેસલ-તોરલ (વાર્તા-સપ્તાહ | પ્રકરણ ૧)


‘બેટા, હવે તોફાન નહીં.’ મમ્મી સોફા પરથી ઊભી થઈને જેસલની વ્હીલચૅર પાસે આવી, ‘શાંતિથી જમી લેવાનું.’ 
‘ઊહું...’ જેસલે ફરીથી મોઢું મચકોડ્યું.
‘આ નથી જમવું?’ જેસલે ના 
પાડી એટલે મમ્મીએ પૂછ્યું, ‘તો શું જમવું છે?’
‘ભાત...’ 
જેસલના મોઢામાંથી સહેજ 
થૂંક ઊડ્યું. મમ્મી માટે આ રોજની 
વાત હતી.
‘એક રોટલી તો ખાવી પડેને...’ 
ચહેરા પર ઊડેલા થૂંકની પરવા કર્યા વિના મમ્મીએ જેસલના મોં તરફ કોળિયો આગળ વધાર્યો.
‘ધડામ...’
જેસલના ધક્કાથી મમ્મી જમીન પર ફસડાઈ. 
‘બેટા, તું પણ...’ મમ્મીને પૂંઠના ભાગે વાગ્યું હતું, પણ પીડાની પરવા કરવાને બદલે તેણે જેસલને સમજાવવાનું ચાલુ રાખ્યું, ‘ભાત સાથે દાળ લેવાની, રાઇટ? પહેલાં દાળ અને ભાત અને પછી ભાત અને ગોળ...’
‘હા...’ જેસલે તાળીઓ પાડી. જેસલને ખબર હતી કે ભાત સાથે દાળ ખાવાની વાતમાંથી તે કઈ રીતે છટકશે, ‘ફાસ્ટ આપ...’
મમ્મી-પપ્પાને બે દીકરી. એક જેસલ અને બીજી તોરલ. જેસલ ૧૦ વર્ષની અને તોરલ, જેસલથી એક કલાક નાની. આઇવીએફથી આવેલાં આ ટ્વિન્સમાં બન્ને દીકરી સામે મમ્મી-પપ્પાને કોઈ વાંધો નહોતો, પણ બાએ ઇચ્છા વ્યક્ત કરી દીધી હતી,
‘આટલા રૂપિયા પછીયે ડૉક્ટરને ખબર ન પડે કે એકાદ દીકરો રાખવો જોઈએ. દીકરો હોય તો પેઢીનું નામ જળવાઈ રહે...’
બાની વાત પર મમ્મી-પપ્પાએ ધ્યાન નહોતું આપ્યું, પણ પછી બન્યું એવું કે બન્નેને બાની વાત સાચી લાગવા માંડી.
‘નમો અરિહંતાણં‍‍‍...’
ડોરબેલમાં ગોઠવવામાં આવેલો નવકારમંત્ર ઘરમાં ગુંજવા લાગ્યો. મમ્મીને ડોરબેલમાં રાખવામાં આવેલા નવકારમંત્ર સામે વાંધો હતો. પપ્પા માનતા કે એ બહાને ભગવાનનું નામ ઘરમાં ગુંજ્યા કરે અને મમ્મી માનતી કે ભગવાનના નામ માટે બહાનું ન શોધવાનું હોય. મમ્મીને તો એવું પણ લાગતું કે આ રીતે ડોરબેલમાં વાગતા નવકારમંત્રને કારણે ભગવાનને અસાધના લાગે. જોકે મમ્મીના મતનું કંઈ ઊપજ્યું નહોતું અને પપ્પાએ નવકારમંત્ર યથાવત્ રાખ્યો.
‘નમો સિદ્ધાણં...’
‘અરે આવું...’ મમ્મીએ ડાઇનિંગ ટેબલ પાસે ઊભી રહીને જ અવાજ કર્યો. દોઢ વાગ્યો હતો અને તેને ખબર હતી કે સ્કૂલથી તોરલ આવી હશે.
‘આ બધું ફિનિશ કરવાનું...’ 
બાઉલમાં દાળ-ભાત રેડી કરીને મમ્મીએ જેસલ સામે મૂક્યાં. જેસલે મમ્મી સામે જોયું પણ મમ્મી તો દરવાજે ચાલી ગઈ હતી.
‘એક મિનિટ પણ તને શાંતિ નથી હોતી...’ મમ્મીની ધારણા સાચી હતી, દરવાજે તોરલ હતી, ‘દરવાજો ખોલવામાં જરા વાર લાગે તો આખું બિલ્ડિંગ માથે લઈ લેવાનું...’
અંદર આવતી તોરલની પીઠ પર મમ્મીએ ધબ્બો માર્યો અને તોરલનો 
મૂડ ખરાબ થઈ ગયો. આમ તો શબ્દો અને એમાં વાપરવામાં આવેલા ટોનથી જ મૂડ ઓસરવાનો ચાલુ થઈ ગયો હતો. સ્કૂલથી છૂટી ત્યારથી 
તેને ઘરે પહોંચવાની ઉતાવળ હતી. વૅન-ડ્રાઇવરને પણ તોરલે રિક્વેસ્ટ કરી હતી, ‘આજ મુઝે જલ્દી ઘર જાના હૈ, જરા ફાસ્ટ...’
‘ક્યોં, ઇતની જલ્દી ક્યોં હૈ આજ?’
‘ટર્મિનલ કા રિઝલ્ટ આ ગયા...’
તોરલે કહ્યું અને અબુકાકાએ અધૂરી વાત પૂરી કરી.
‘...ઔર તુમ ક્લાસ મેં 
ફર્સ્ટ આયી.’ 
‘કરેક્ટ...’
એક્ઝામ સમયે જેસલ હૉસ્પિટલમાં હતી એટલે મમ્મી-પપ્પા બન્ને વારાફરતી હૉસ્પિટલમાં રહેતાં અને એક્ઝામની બધી તૈયારી તોરલે જાતે કરવી પડી હતી. કોઈ હેલ્પ નહોતી છતાં તોરલ ક્લાસમાં ફર્સ્ટ આવી. ટીચરે રિઝલ્ટમાં સાઇન કરી, પોતાની સાઇન નીચે હૅપી ફેસ પણ બનાવી આપ્યો હતો.
‘દરવાજો ખોલવામાં જરા વાર લાગે ત્યાં તો આખું બિલ્ડિંગ માથે 
લઈ લેવાનું...’ 
પહેલા ટોન અને પછી પીઠ પર આવેલો હળવા ધબ્બો સીધો તોરલના મન પર વાગ્યો હતો. તોરલ સીધી રૂમમાં ચાલી ગઈ.
‘અંદર ક્યાં જાય છે?!’ પીઠ પાછળ અવાજ આવ્યો, ‘શૂઝ કાઢ, ઘર આખું ધૂળ-ધૂળ કરી નાખીશ...’
‘નથી કાઢવાં...’ 
તોરલે રૂમમાંથી જ જવાબ આપી દીધો. મનમાં હતું કે ઘરે આવીને રિઝલ્ટ બતાવશે એટલે મમ્મી ખુશ થશે, પૂછશે કે હવે તારે શું જોઈએ છે. મમ્મી આવું પૂછે ત્યારે પોતે શું માગશે એ પણ તોરલના મનમાં ક્લિયર હતું.
‘આજે રાત તારે મારી બાજુમાં સુવાનું.’ મમ્મી જેસલનું બહાનું કાઢે તો શું રસ્તો બતાવવો એ પણ તોરલે વિચારી રાખ્યું હતું. 
‘જેસલ સૂઈ જાય પછી તારે મારી બાજુમાં આવી જવાનું...’
મનમાં ચાલતા વિચારો કરતાં 
સાવ જુદું જ પિક્ચર ઘરમાં ઊભું થઈ ગયું હતું.
‘માનતી નથી ને સામા જવાબ આપે છે.’ રૂમમાંથી તોરલનો અવાજ આવ્યો એટલે મમ્મીની કમાન છટકી, ‘આજે તો તું જો...’
‘જોઉં જ છું દરરોજ...’
તોરલે મનમાં જ જવાબ આપ્યો. 
જેસલ વ્હીલચૅર પર બેઠાં-બેઠાં મમ્મી અને બહેન વચ્ચેનો તમાશો જોતી હતી. ઝઘડો જોવામાં તે એવી તલ્લીન થઈ ગઈ હતી કે તેણે દાળ-ભાત પણ ખાઈ લીધાં હતાં.
‘તું તો જમી લે બેટા...’ રૂમમાં તોરલને તમાચો મારવા જતી મમ્મીએ જેસલને કહ્યું પણ પછી તેનું ધ્યાન ખાલી થઈ ગયેલા બાઉલ પર ગયું, ‘અરે વાહ, તું તો બહુ ડાહી થઈ ગઈને...’
‘ગોળ-ભાત...’
‘આપુંને, ઘી નાખીને મસ્ત ગોળ-ભાત ચોળી આપું તને...’
lll
 ‘કેમ આજે જેસલ વહેલી 
સૂઈ ગઈ?’ 
ઘરમાં આવ્યા પછી પપ્પાએ પહેલાં જેસલને યાદ કરી.
‘રમીને થાકી ગઈ, 
એકલી-એકલી...’ 
એકલી શબ્દ પર મમ્મીનો ભાર હતો એ પપ્પાના ધ્યાનમાં આવ્યું હતું, પણ તેમણે રીઍક્શન આપ્યું નહોતું. 
‘દવા લઈ લીધી?’
‘ના, દવા લીધા વિના જ સૂઈ ગઈ.’ મમ્મી કિચનમાંથી બહાર આવી, ‘હમણાં આપી દઉં છું...’
- ‘ઘરમાં આવ્યા પછી પપ્પાને હું એક પણ વાર યાદ નથી આવી.’ 
તોરલનું ધ્યાન પપ્પા પર હતું,
‘પપ્પા જેસલની રૂમમાં ગયા અને પછી બહાર આવીને ફરી મમ્મી સામે તેમણે જોયું.’
‘જમીને સૂતીને જેસલ?’ 
‘જરાકઅમસ્તું જમી...’ 
મમ્મીએ ત્રાંસી આંખે તોરલ સામે જોયું. તોરલની નજર કોમિક્સમાં હતી, પણ મનમાં વિચાર ભાગી રહ્યા હતા.
- ‘બધાને જેસલ દેખાય છે, હું તો ઘરમાં છું જ નહીં.’ 
તોરલ પાવર-ગર્લની સામે જોઈ રહી, 
- ‘જો હું જેસલની જેમ માંદી હોત તો મને જલસા હોત. 
lll
જેસલને મગજનો લકવો હતો. 
બર્થના સાત મહિના પછી જેસલને ફીવર આવ્યો, ફીવરની અસર મગજ પર થઈ. એ સમયે મમ્મી-પપ્પાને ખબર નહોતી પડી, પણ ચારેક મહિના પછી તોરલ અને જેસલની વર્તણૂકમાં ફરક દેખાવો શરૂ થયો. તોરલ હાથ ખોડીને પથારીમાં બેસવા લાગી, પણ જેસલનો જમણો હાથ જમીન પર ટકી નહોતો શકતો. એવું જ જમણા પગનું હતું. ડૉક્ટરની ઍડ્વાઇઝ લેવામાં આવી. ડૉક્ટરે નિદાન કર્યું કે બ્રેઇન સ્ટ્રોકને કારણે જેસલની રાઇટ સાઇડ પૅરૅલાઇઝ્‍ડ થઈ ગઈ છે. બસ, એ દિવસથી જેસલ વ્હિલચૅર પર આવી ગઈ.
lll
- ‘તે ચાલતી નથી એમાં મારો તો કોઈ વાંક નથીને,’ 
તોરલ પાવરગર્લ સાથે વાત 
કરતી હતી. 
- ‘તે સ્કૂલ ભણવા ન જાય, સરખી રીતે જમે નહીં એટલે બધાને તે ડાહી લાગે. કોઈ મારી સામે જુએ પણ નહીં. હું પણ...’
‘કોની સાથે વાત કરે છે તોરલ?’
પપ્પાના અવાજે તોરલને રોકી દીધી.
‘ના, ના, કંઈ નહીં.’ 
તોરલને નવાઈ લાગી હતી, ‘પપ્પા મનની વાત કેવી રીતે સમજી ગયા?’
 ‘શું કાંઈ નહીં... હમણાં તો કે હું પણ...’ ડાઇનિંગ ટેબલ પરથી ઊભા થઈ પપ્પા તોરલ પાસે આવ્યા, ‘શું હું પણ?’ 
‘ના, કંઈ નહીં...’
તોરલે ઝડપથી કોમિક્સ બંધ કરી દીધી. મનમાં ડર હતો કે ક્યાંક પાવરગર્લ કોમિક્સમાંથી બહાર આવીને પપ્પાને બધી વાત ન કરી દે.
‘હંઅઅઅ... ઠીક છે.’ પપ્પાએ ઘડિયાળમાં જોઈને વાત પડતી મૂકી, ‘ચાલો, સૂવાનું હવે...’
તોરલ ઊભી થઈને રૂમમાં ગઈ પણ તેને પીઠ પાછળ મમ્મીનો અવાજ આવતો હતો.
‘તોરલ મારું સહેજ પણ માનતી નથી.’ તોરલને જવાબ આપવાનું મન થયું, પણ મમ્મીના પછીના શબ્દોએ તોરલને રોકી, ‘એના કરતાં હજાર દરજ્જે જેસલ સારી. કહીએ એ માને તો ખરી...’
રૂમમાં આવી ગયેલી તોરલે જેસલ સામે જોયું.
બેડની બરાબર વચ્ચે સૂતેલી જેસલના બન્ને હાથ હવામાં ફેલાયેલા હતા. દરરોજ તે જેસલના આ ખુલ્લા હાથ પર ચાદર ઓઢાડતી, પણ આજે તેણે હાથ ખુલ્લા રહેવા દીધા. 
‘મારે શું, છેને મમ્મી-પપ્પા. 
કરશે તેઓ.’
તોરલે આંખ બંધ કરી દીધી.
‘જેસલ ન માને, ન સમજે એ સમજાય, પણ તોરલનું કોને કહેવું મારે...’ મમ્મીની ફરિયાદ એકધારી 
ચાલુ હતી, ‘જેસલ હેરાન કરે તો કહેવાય કે અડધી ગાંડી છે. તોરલ 
માટે શું કહું હું.’ 
તોરલની આંખો ખૂલી ગઈ.
- ‘મમ્મીને પ્રૉબ્લેમ કઈ વાતનો છે. હું ડાહી છું એ વાતની તકલીફ છે કે પછી હું ગાંડી કેમ નથી એ વાતનું દુઃખ છે તેને?’
ધડામ...
એ જ સમયે જેસલે પડખું ફેરવ્યું અને તેનો હાથ તોરલની છાતી પર જોરથી અથડાયો. 
‘આહહહ...’
તોરલના મોઢામાંથી ચીસ 
નીકળી ગઈ.
‘શું થયું જેસલ...’ હૉલમાંથી 
અવાજ આવ્યો.
‘હજીયે મમ્મી-પપ્પાને જેસલ જ યાદ આવે છે.’
તોરલની પીડા બેવડાઈ ગઈ.
lll
‘આ તોરલ જોને...’
જેસલનો અવાજ વધુ મોટો થયો.
‘આવું બેટા...’ 
મમ્મીએ કિચનમાંથી રાડ પાડી.
‘મેં કંઈ નથી કર્યું મમ્મી...’ 
તોરલને ખબર હતી કે મમ્મી આવશે તો શું થશે. 
‘ના, ના. આવવા દે મને પછી 
જો તું...’
મમ્મીના આવા શબ્દોથી તોરલને ખરેખર ડર લાગતો. 
તોરલનો ચહેરો ઊતરી ગયો. તેણે જેસલ સામે રડમસ ચહેરે કાન પકડ્યા, પણ જેસલે મોઢું ચડેલું રાખ્યું. 
તોરલને ખબર હતી કે જેસલને મનાવવા હવે તેણે શું કરવાનું છે. તે ઊભી થઈ પગના અંગૂઠા પકડે તો જેસલ માને. મમ્મી આવે પછી પણ એ જ કરવાનું હતું. ફરક માત્ર એ હતો કે ત્યારે મમ્મીના હાથનો તમાચો ખાઈને અંગૂઠા પકડવાના હતા.
મમ્મી આવે એ પહેલાં જ ઊભી થઈને તોરલે અંગૂઠા પકડી લીધા. 
‘હવે, બસ.’
જેસલ તાળી પાડવા માંડી.
‘હંઅઅઅ... ભૂલ કરે તેણે જાતે ભૂલ સ્વીકારી લેવાની...’ મમ્મી દરવાજે ઊભી હતી.
‘મેં કોઈ ભૂલ નથી કરી...’ તોરલ રડવા માંડી, ‘જેસલ ખોટું રમતી હતી એટલે મેં ના પાડી તો તે રડવા માંડી...’
મમ્મી જેસલ પાસે આવી.
‘જો એ ખોટું રમે તો તારે ખોટું રમવાનું. કીધું છેને, ઘરમાં જેસલ કહેશે એમ થશે.’ મમ્મીએ જેસલને બથમાં લીધી, ‘બરાબરને જેસલ?’
તોરલ નીચું જોઈ ગઈ. તેણે હજીય પગના બન્ને અંગૂઠા પકડી રાખ્યા હતા. મમ્મીની વાત સાંભળીને જેસલ ફરીથી તાળી પાડતી હતી.
દસ વર્ષની તોરલને એ તાળીઓમાં જેસલનું અટ્ટહાસ્ય સંભળાતું હતું.
દુનિયાઆખી ગંજીફાથી રમે છે. બધા માને છે કે રાણીથી મોટો રાજા હોય, પણ જેસલને લીધે તેણે એવું નહોતું માનવાનું. જેસલ પાસે રાણી હતી એટલે તેનો રાજા હારી જતો હતો. કાલે જેસલ પાસે તીડી હોય તો તેણે પોતાના એક્કાને હરાવી દેવાનો.

વધુ આવતી કાલે


Whatsapp-channel Whatsapp-channel

06 December, 2021 05:18 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK