Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > જાસૂસ જોડી - રૂડા અવસરે આફત (પ્રકરણ ૧)

જાસૂસ જોડી - રૂડા અવસરે આફત (પ્રકરણ ૧)

08 July, 2024 08:10 AM IST | Mumbai
Samit (Purvesh) Shroff

પચીસનો થયેલો કેતુ પૂર્ણ પુરુષની પ્રતિકૃતિ જેવો હતો તો તર્જની સાક્ષાત્ સૌંદર્યમૂર્તિ

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


‘અનિકેત...’


‘યસ તર્જની...’ કેસ-ફાઇલ બાજુએ મૂકીને કેતુએ અદબ ભીડી, ‘શું હુકમ છે?’



તેની અદાએ તર્જનીએ હોઠ કરડ્યો : કેવો આજ્ઞાંકિત બને છે! બાકી કેતુનાં તોફાન કોઈ મને પૂછે... તર્જની રતુંબડી થઈ.


મુંબઈનો સૌથી બાહોશ, જુવાન ખાનગી ગુનાશોધક અનિકેત દવે અને તેની મુખ્ય મદદનીશ તર્જની દવે એકમેકના ગળાડૂબ પ્રેમમાં હોવાનું જાણનારા જાણતા, પછી તે બન્ને ભલેને જાહેરમાં એની અજાણવટ રાખીને બેઠાં હોય!

ખરેખર તો સામસામા ઘરમાં ઊછરેલાં કેતુ-તર્જની બાળપણથી એકમેકનાં હેવાયાં. તર્જનીથી બે વરસ મોટો કેતુ તે કહે તો નહીં ભાવતું ભીંડાનું શાક પણ હોંશે-હોંશે ખાઈ લે. કોઈને નહીં ગાંઠતી તર્જનીની જીદ કેતુના એક ઇશારે સમેટાઈ જાય!


શેરીરમતમાં તર્જની કેતુની જ ટીમમાં હોય એ વણલખ્યો નિયમ થઈ ગયેલો. હાઈ સ્કૂલની ક્રિકેટ મૅચમાં તર્જની પ્રેક્ષાગારમાં બેઠી હોય તો અનિકેતને એવું પાણી ચડે કે સામેની ટીમના ભુક્કા બોલાવી દે!

અને બાળપણની સફર યૌવનના પહેલા પગથિયે આવી ઊભી એ ક્ષણ બેમાંથી કોઈ નહીં ભૂલ્યું હોય. એ સાંજે તર્જની ઘરે એકલી હતી. દર વખતની જેમ કેતુ આવી મસ્તીમાં તેનો ચોટલો ખેંચીને ભાગ્યો. તર્જની પાછળ દોડી. હાંફતો કેતુ અગાસીની પાળે હાથ ટેકવીને ઊભો રહ્યો. થોડી વારે પીઠ પાછળ ઝાંઝરનો રણકાર સંભળાયો. હળવેથી કેતુ ઊલટો ફર્યો અને જોતો જ રહ્યો.

ઢળતી સંધ્યાના સોનવર્ણી અજવાશમાં જાંબુડિયા ચૂડીદારમાં તર્જની ગજબની સુંદર લાગી. કોરા વાળની અધખૂલી લટ રતુંબડા ગાલ સાથે રમત રમતી હતી. ગોટાવાળો દુપટ્ટો તેની હાંફતી છાતીએથી સરકી ગયો હતો.

કેતુની નજર ક્યાં ચોંટી છે એ પરખાતાં તર્જની પણ પૂતળા જેવી થઈ. કેતુની નજરમાં પહેલી વાર ફૂટેલો પૌરુષપણાનો તણખો હૈયું હચમચાવી ગયો. સમય જાણે ત્યાં જ થંભી ગયો.

અને છેવટે કેતુના પગ ઊપડ્યા. તર્જની સ્તબ્ધપણે તેને નિકટ આવતો નિહાળી રહી.

સાવ નજીક આવી કેતુએ દુપટ્ટો ઉઠાવીને એના યથાસ્થાને મૂક્યો અને વળી કદમ પાછાં વાળી અદબ ભીડીને ઊભો રહ્યો. તેની એ ક્રિયા, ધરપત આપતું સ્મિત... ઓળઘોળ થતી તર્જની યૌવનની પહેલી લજ્જાને સમેટતી ત્યાંથી સરકી ગયેલી.

બાળપણની નિર્દોષ મૈત્રી નવા નામકરણના આરે ઊભી હોવાનું પરખાયા પછી તેમની વચ્ચે શું બન્યું એ તેમણે હજી ત્રીજા કોઈને કહ્યું નથી. જોકે વડીલોથી છૂપું ઓછું હોય! કેતુ એકનો એક, જ્યારે તર્જનીથી મોટાં ભાઈ-ભાભી બેઉને ચીડવવાની એક તક ન છોડે! તેમની મમ્મીઓએ તો ક્યારનું એકમેકને વેવાણ કહેવાનું શરૂ કરી દીધેલું! કંઈ એ વિના લંડનમાં જાસૂસીની ટ્રેઇનિંગ લઈને પાછા આવેલા કેતુએ મુંબઈમાં ઓમ ડિટે​ક્ટિવ એજન્સીનો પાયો નાખ્યો એમાં તર્જનીને પણ મદદનીશ તરીકે જોડાવાની મંજૂરી મળી હોય!

એજન્સી ખોલ્યાનાં આ બે વરસમાં તેમનું નામ એવું જામ્યું કે ઇન્ટરપોલ સુધ્ધાંએ તેમની મદદ માગ્યાના કિસ્સા બન્યા છે, દેશની સુરક્ષાના મિશનમાં રાષ્ટ્રપતિએ તેમને ગુપ્ત કામગીરી સોંપ્યાનું બન્યું છે. ઝીરો ફેલ્યરની તેમની સિ​દ્ધિને સ્વયં લતાજીએ જાહેરમાં બિરદાવી હતી. પોતાની સફળતાની સઘળી ક્રેડિટ કેતુ-તર્જની તેમના નવલોહિયા સ્ટાફને આપે. ચિતરંજન-ચૈતાલી તેમનાં મુખ્ય સહાયક.

પચીસનો થયેલો કેતુ પૂર્ણ પુરુષની પ્રતિકૃતિ જેવો હતો તો તર્જની સાક્ષાત્ સૌંદર્યમૂર્તિ. કમ્પ્યુટરથીયે શાર્પ મેમરી ધરાવતી તર્જનીનો આત્મવિશ્વાસ તેના રૂપને ધાર આપતો. કેતુ રણમેદાનમાં ગજકેસરી જેવો શોભી ઊઠે તો નમણી એવી તર્જનીના વીફરેલી વાઘણ જેવા તેવર અપરાધીને ઘૂંટણિયાં ટેકવવા મજબૂર કરી દેતા.

‘લાગે છે આજે હું એક્સ્ટ્રા હૅન્ડસમ દેખાઉં છું.’

કેતુના વાક્યે તર્જની ઝબકી, હોઠ કરડ્યો. આવું કંઈક કહીને કેતુ તોફાની બની જતો ત્યારે સંયમ રાખવો કઠિન થઈ પડતો. એમ તો ક્યારેક તર્જની પણ કેતુને હંફાવી દેતી ખરી!

અત્યારે જોકે કેતુ હરકતમાં આવે એ પહેલાં તર્જની મુદ્દે આવી, ‘કેતુ, રાજમાતાનો ફોન હતો.’

હિંમતગઢનાં રાજમાતા મીનળદેવીના ઉલ્લેખે કેતુ ઝગમગી ઊઠ્યો. જમીનના એક સોદા અંતર્ગત સામી પાર્ટીની ચકાસણી માટે રૂપનગરનાં ઠકરાણાની ભલામણે રાજમાતાએ કેતુ-તર્જનીને તપાસનું કામ સોંપ્યું ત્યારથી બંધાયેલો સંબંધ આજે તો આત્મીય બની ચૂક્યો છે. કેતુ-તર્જની રાજમાતાને પંડનાં સંતાન જેવાં જ વહાલાં છે તો જાસૂસજોડી માટે મીનળદેવી ઘરનાં વડીલતુલ્ય છે.

મીનળદેવી હિંમતગઢનું સૌથી આદરપાત્ર નામ છે. મીનળદેવી પોતે રાજ કુળનાં નહીં, પણ હિંમતગઢના યુવરાજ અમરસિંહને પરણીને સવાયાં રાજપૂતાણી બની રહ્યાં. પતિનો સાથ જોકે નાની ઉંમરે છૂટ્યો. અકાળે આવેલું વૈધવ્ય, બે કુંવરોનો ઉછેર, ઉપરાંત સ્ટેટની જવાબદારી - રાજમાતા દરેક મોરચે યશશ્વી રહ્યાં. પ્રજાહિત તેમના માટે સર્વોપરી રહ્યું. મોરનાં ઈંડાંને ચીતરવાં ન પડે એમ સિદ્ધાંતપ્રિય માતાનો સંસ્કારવારસો બન્ને પુત્રો સમીરસિંહ અને અર્જુનસિંહે સુપેરે જાળવ્યો. સમીરસિંહ બે સત્રથી બિનહરીફ સંસદમાં ચૂંટાય છે. સત્ર ચાલુ હોય ત્યારે તે મોટા ભાગે દિલ્હી રહેતા હોય. જાગીરનાં કામો અર્જુન સંભાળે છે. રાજમાતાને વહુઓ પણ એવી જ ગુણિયલ મળી. રાજપરિવારનાં સામાજિક સૂત્રો વહુઓને સોંપીને રાજમાતા પૌત્ર-પૌત્રીઓને રમાડવાની નિવૃત્તિ માણે છે. લોકકલ્યાણનાં કાર્યોમાં વધુ વ્યસ્ત રહેતાં રાજમાતા પંચાવનની વયે પણ એવાં જ મૂર્તિમંત લાગે છે. પંચકલ્યાણી પર તેમને સવાર થતાં જોવા લહાવો ગણાય છે. કેતુ-તર્જનીને હિંમતગઢ આવવાનું તેમનું કાયમનું નિમંત્રણ હોય છે. ખરેખર તો પૅલેસમાં હરકોઈ તેમનું હેવાયું છે.

‘ચોમાસું બેસી ગયું છે એટલે અવકાશ હોય તો હિંમતગઢના ઋતુફેરની મજા માણવા ખાસ નિમંત્રણ પાઠવ્યું છે તેમણે.’

‘ઘણા વખતથી બ્રેક નથી લીધો તર્જની, લેટ્સ પ્લાન!’

કેતુએ કહ્યું ને તર્જની ખીલી ઊઠી.

જોકે આ વખતની મુલાકાતમાં શું થવાનું હતું એની ક્યાં ખબર હતી?

lll

‘આવો, આવો.’

શનિની બપોરે કેતુ-તર્જનીને આવકારતાં રાજમાતાનો હરખ છલકાયો. સમીર-અર્જુનસિંહ કેતુને ભેટી પડ્યા, ઉર્વશી-લાવણ્યાએ તર્જનીને ઘેરી : બોલ તો, સફરમાં આટલી વાર ક્યાં લગાડી? કેતુની ગરદને ચકામું અમને દેખાય છે હોં!

ઉફ્ફ! તર્જની રાજમાતા તરફ ભાગી તો તે પણ ક્યાં ચૂકે એવાં હતાં : કંકોતરી લાવી છે કે હું છપાવી દઉં?

‘તમે પણ!’ તર્જનીએ રાજમાતાના પાલવમાં મોં છુપાવ્યું.

દૂર બેઠો કેતુ તેને મુગ્ધપણે નિહાળી રહ્યો.

lll

તમે આવ્યા છો તો હવે બે દિવસ વધુ રોકાઈ જજો.’

રાત્રે વાળુ વેળા રાજમાતાએ વાત છેડી, ‘કાલ-પરમ અહીંના જંગલની સેર કરીને આવો. મંગળવારે આપણે સગાઈના ફંક્શનમાં જવાનું છે. ખરેખર તો એ દિવસે અમારે ત્રણેક ફંક્શન્સ છે એટલે અમે સૌ વહેંચાઈ જઈશું. હું ત્રિકમગઢના નાના કુંવરની સગાઈવિધિમાં તેના સાસરે વીરનગર જવાની છું. તમે બન્ને મારી સાથે આવજો.’

કેતુ-તર્જનીની નજરો મળી.

‘રાજમાતા, કેતુને કદાચ રોકાવાનું નહીં ફાવે, પણ હું જરૂર તમારી સાથે રૉયલ સેલિબ્રેશનમાં આવવાની.’

સાંભળીને રાજમાતા હરખાઈ ઊઠ્યાં.

lll

‘આજે હું તને ત્રિકમગઢના રાજપરિવાર વિશે કહીશ.’

હિંમતગઢ રોકાવાનું થતું ત્યારે તર્જની અચૂક રાજમાતાના કક્ષમાં સૂવાનું રાખતી. રાજમાતા પાસે રાજપૂતાનાની અલકમલક વાતોનો ખજાનો હતો. રાતે સૂતી વેળા રાજમાતા કથા માંડે એ તર્જનીને ફેરીટેલ જેવી રોમાંચક લાગતી.

‘ત્રિકમગઢની રિયાસત જોડે આપણા પારિવારિક સંબંધો. હાલના મહારાજા ઉદયસિંહજી તમારા મહારાજસાહેબ (મીનળદેવીના પતિ સદ્ગત અમરસિંહજી)ના નિકટના મિત્રોમાં એક. તેમનાં પત્ની તારામતી જોડે મને પણ બહેનપણાં થઈ ગયેલાં.’

તર્જની સમક્ષ પાત્રો ઊભરતાં ગયાં.

‘અમરના ગયા બાદ અમારું મળવાનું ભલે ઓછું થતું ગયું, ઉદયસિંહ-તારામતી શુભેચ્છકરૂપે હંમેશાં હિંમતગઢના પડખે ઊભાં રહ્યાં છે. આજે હિંમતગઢની સરખામણીએ ત્રિકમગઢની જાગીર ભલે નાની ગણાય, ઉદયસિંહના વડદાદા મનોહરસિંહજીએ હીરા-માણેકનો અદ્ભુત ખજાનો ભેગો કર્યાની લોકવાયકા છે ખરી.’

ખજાનો. તર્જનીએ રોમાંચ અનુભવ્યો.

`ઉદયસિંહને બે દીકરા. મોટો રાજવીરસિંહ, નાનો અર્ણવસિંહ. બે ભાઈઓમાં ચારેક વરસનો વયભેદ હશે. રૉયલ કૉલેજમાં ભણેલા બન્ને ભાઈઓ હોશિયાર, રૂડારૂપાળા અને અરસપરસ હેત રામ-લક્ષ્મણ જેવું જ.’

‘આપણે નાના કુંવર અર્ણવસિંહની સગાઈમાં જવાના છીએ. મતલબ મોટો રાજવીર સિંહ પરણી ચૂક્યો છે?’

‘હા, તેનાં લગ્નને દોઢ-બે વરસ થવાનાં... તેનાં જોકે લવમૅરેજ છે અને તેની પત્ની લેખા ખરેખર તો પોલો ક્લબની મૅનેજર હતી. સાધારણ કુટુંબની કન્યા, એમાં વળી રાજની કર્મચારી. તેને વહુ તરીકે સ્વીકારવાનું બીજા કોઈ રાજવી માટે આસાન બન્યું ન હોત, પણ ત્રિકમગઢના રાજવંશની નીતિરીતિ જ મુઠ્ઠીઊંચેરી. મહારાજા ઉદયસિંહ માટે દીકરાની ખુશી મહત્ત્વની હતી. તારામતીએ પણ વહુને સાચા અંતરથી આવકારી... લેખાને હું તેમનાં લગ્ન ઉપરાંત બે-એક વાર મળી છું. ઉપરછલ્લી મુલાકાતોમાં માણસના સ્વભાવની પરખ તો કેમ થાય; પણ છોકરી ડાહી, કહ્યાગરી લાગી; જ્યારે નાના અર્ણવની થનારી વાગ્દત્તા નંદકુમારીનો મને પરિચય છે.’

રાજમાતાએ ઉમેર્યું, ‘વીરનગરના મહારાજ ધરમસિંહ ઉમદા ઇન્સાન છે. મહારાણી સૂર્યબાળા પણ સાલસ સન્નારી. નંદા તેમની એકની એક દીકરી. રૂપાળી તો એવી કે બે ઘડી જોતા રહી જાઓ. મા-બાપની અદબ ચૂકે નહીં, વડીલોની આમન્યા ​વિસરે નહીં એવી સંસ્કારી.’

તર્જની સાંભળી રહી.

‘ધરમસિંહ જોકે આર્થિક રીતે એટલા સધ્ધર ન ગણાય. તોય જેટલું બચ્યું છે એટલું જાળવી જાણ્યું છે. આપણને તો બન્ને પક્ષ તરફથી નિમંત્રણ છે. મેં ધરમસિંહજીને કહ્યું છે કે સગાઈમાં મને વરપક્ષ તરફથી આવીને તમારી મહેમાનગતિનો લહાવો લેવા દો, લગ્નમાં કન્યાવિદાય ટાણે હું તમારી સાથે હોઈશ.’

આવું વહેવાર-ડહાપણ રાજમાતાને જ સૂઝે!

‘આપણે મંગળવારની સવારે ત્રિકમગઢ જવા નીકળીશું. અહીંથી

ત્રણ કલાકનો રસ્તો છે... બપોરે

જમી-પરવારી થોડો આરામ કરીને ચારેક વાગ્યે વીરનગર માટે પ્રસ્થાન કરીશું. ઉદયસિંહજીએ મહેમાનો માટે બે વૉલ્વો બસની વ્યવસ્થા કરી છે. વીરનગરના પૅલેસ કૉમ્પ્લેક્સમાં સાંજે સાત વાગ્યે રિંગ-સેરેમની છે. રાત્રે પાછા ત્રિકમગઢ અને બુધની સવારે અહીં પાછા.’

વાઉ, રૉયલ સેલિબ્રેશનમાં મઝા તો આવવાની!

રૂડા અવસર પર આફત ઘેરાઈ રહી છે એની ત્યારે તર્જનીને ક્યાં જાણ હતી?

lll

અદ્ભુત!

હિંમતગઢના જંગલની સેર યાદગાર રહી. ચોમાસાના પહેલા વરસાદે ગાઢ વનરાજી નવયૌવનાની જેમ નિખરી હતી. વરસાદનું પાણી કનૅલ દ્વારા જળાશયોમાં સંગ્રહિત થાય એ દાયકાઓ જૂની વ્યવસ્થા રાજમાતાની દીર્ઘદૃ​ષ્ટિના ઉદાહરણરૂપ હતી. અહીં વાઘ, સિંહ જેવાં રાની પશુ નહોતાં; પણ દીપડો ક્યારેક દેખાઈ જાય ખરો. હરણાંની જોડીને ગેલ કરતી જોઈને કેતુ-તર્જનીની નજરો મળી-છૂટી પડી.

રવિની સાંજે હિંમતગઢના રાજપરિવાર સાથે કેતુ-તર્જની જંગલ સફારી માણી રહ્યાં છે ત્યારે ત્રિકમગઢમાં...

‘લેખાવહુ, ફંક્શનની તૈયારી થઈ ગઈ હોય તો જરા વરંડાની બેઠકે જાઓ, તમારા વરજી અને દિયરજી ચા માટે ક્યારના તમારી રાહ જુએ છે!’

તારામતી મહારાણીએ કહેતાં લેખાએ માથે સાડીનો છેડો સરખો કર્યો, ‘જી સાસુમા. વેવિશાળની પધરાણીની યાદી મેં ચેક કરી લીધી. ગિફ્ટ્સનું પૅકિંગ, લેબલિંગ બધું પર્ફેક્ટ છે. મહેમાનોના ઉતારા માટે ઉત્તર તરફના અતિથિ નિવાસના રૂમ્સ ક્લીન કરાવી દીધા છે...’

સાંભળીને મહારાણી પોરસાયાં. મોટો દીકરો ભલે મામૂલી કર્મચારીને પરણ્યો, પણ વહુ ખાનદાનને લાયક શોધી. લેખામાં આડંબર નથી. રાજવીરને સાચકલું ચાહે છે. આમ તો આ બધાં કામો માટે સ્ટાફ હોય જ, પણ લેખાને બધું કરવું ગમે. દિયરને પરણાવવાની તેને ઓછી હોંશ નથી! અર્ણવનેય ભાભીનું ખૂબ દાઝે. નંદકુમારી પણ ઘરમાં સમાઈ જાય એવી છે એટલે ભાઈઓમાં સંપ તો રહેશે! અમને બીજું શું જોઈએ?

‘અરે લેખા...’ મહારાણીને યાદ આવ્યું, ‘લલિતાવેવાણને મેં જાતે નિમંત્રણ પાઠવ્યું છે, પણ તું તેમને તેડવા કાર મોકલવાનું ભૂલતી નહીં. સાથે રણ​જિત પણ આવે હોં.’

‘જી...’ લેખાએ મુખ તો મલકાવ્યું, પણ ભીતર તો નિઃશ્વાસ જ ઊઠયો!

લલિતાવેવાણ એટલે મારી મા અને રણજિત એટલે મારો નાનો ભાઈ એવું જ માને છે મહેલમાં સૌ - રાજ સુધ્ધાં! પૅલેસમાં કોઈ જાણતું નથી કે લલિતામા મારી સાવકી મા છે ને રણજિત સાવકો ભાઈ! જ્યારે મારી સગી જનેતા...

લેખાએ વિચારબારી બંધ કરી દીધી : ના, મારા જીવનનો એકમાત્ર ભેદ મારાથી કોઈને કહેવાયો નથી, કહેવાય એમ નથી! એમાં જ સૌનું સુખ છે!

અને વધુ એક વાર તેણે જાતને સમજાવી દીધી!

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

08 July, 2024 08:10 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK