Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હડતાળ (પ્રકરણ 2)

હડતાળ (પ્રકરણ 2)

21 June, 2022 12:29 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

છાતીનો એ દુખાવો ધીમે-ધીમે ડાબા હાથ તરફ આગળ વધ્યો. પહેલાં ડાબા હાથનો ખભો, પછી કોણી અને પછી હથેળી. 

હડતાળ (પ્રકરણ 2)

વાર્તા-સપ્તાહ

હડતાળ (પ્રકરણ 2)


મનસુખભાઈએ ભાર દઈને જીભ ગલોફામાં ફેરવી. જીભને પણ ધીમે રહીને કંટાળા સાથે મોંમાં ચક્કર લગાવી આવી. પૂજા અને પ્રતીક જેમ બે-ચાર કલાક ઘરમાં આવે છે ડિટ્ટો એવી જ રીતે. 
પૂજાને બગાડવામાં તો તેની માનો જ હાથ છે. 
નોકરી કરાવવી નહોતી, પણ ‘તમે જુનવાણી છો’ એવું કહીને બધાં એક થઈ ગયાં. ‘દીકરીના પૈસા ઘરમાં નથી લાવવા’ એવી દલીલ કરી તો પૂજાએ ચોપડાવી દીધું કે ‘તમે એવા ભ્રમમાં હો કે હું તમને સપોર્ટ કરવા જૉબ કરીશ તો સૉરી, હું મારા પૉકેટમની માટે નોકરી કરવાની છું.’
‘બેટા, હું આપું તો છું...’ 
‘પૈસા ને...’ પૂજાએ પપ્પાને ચોપડાવી દીધું, ‘પણ મારી આઝાદીનું શું?’ 
‘તો તારે આઝાદી માટે નોકરી કરવી છે એમ કહેને.’ 
‘છોકરાંવની એક વાતમાં તમે રાજી થઈને હા પાડી છે ક્યારેય? દરેક વાતમાં તમારા વાંધાવચકા ઊભા જ હોય.’ મંજુલાએ વાતને પૂર્ણવિરામ આપ્યું, ‘પૂજા નોકરી પૈસા માટે કરે કે મજા માટે એ તમારે નથી જોવાનું.’
મનસુખભાઈએ નાછૂટકે જૉબ માટે હા પાડી તો પૂજા કૉલ સેન્ટરમાં જૉબ પસંદ કરી આવી. ‘બેટા, નાઇટ-શિફ્ટ આવશે તો શું કરીશું?’ 
ઇન્ટરવ્યુની સવારે જ મનસુખભાઈએ પૂજા સાથે ચોખવટ કરી. 
‘તો નાઇટ શિફ્ટ કરવાની, સિમ્પલ...’ જવાબ પૂજાને બદલે પ્રતીકે આપ્યો હતો. 
‘નાઇટ શિફ્ટના બહુ અભરખા હોય તો તું જાને જૉબ પર...’ મનસુખભાઈએ કહી દીધું, ‘દીકરીઓ રાતે બહાર ન રહે...’
‘કેમ?’ પ્રતીકે બ્રશ પૂરું કરીને મમ્મીની સાડીથી મોઢું લૂંછ્યું, ‘દહિસરથી કેટલીયે છોકરીઓ વહેલી સવારે ડાન્સબારમાંથી છૂટીને એકલી ઘરે જાય છે.’
બારગર્લ અને પોતાની બહેનની સરખામણી પ્રતીકના મોઢે સાંભળીને મનસુખભાઈનો પિત્તો ગયો હતો. તેમણે હાથમાં રહેલા છાપાનો છુટ્ટો ઘા કર્યો. 
‘શું તમેય, વાતે-વાતે નાટક કરો છો. છોકરાંવ મજાક કરે એય સમજાતું નથી.’
‘આને મજાક કહેવાય?! મજાક કહેવાય આને?!’
પોતાનો એ સવાલ વાહિયાત હતો એ મનસુખભાઈને બહુ મોડેથી સમજાયું હતું.
lll
‘તમને વાંધો શું છે, છોકરાંઓ પોતાની ઇચ્છા મુજબ કરે એમાં?’ પૂજા ઇન્ટરવ્યુ માટે અને પ્રતીક કૉલેજ જવા રવાના થયો એટલે મંજુલાબહેને પતિ સામે જોયું, ‘દિવસમાં કેટલી વાર તમે ટોકો છો.’ 
બહારથી મંજુલાનું બકબક બંધ થાય એવા હેતુથી જવાબ આપવા મનસુખભાઈએ બાથરૂમનું બારણું ખોલ્યું.
‘ધાર્યું તો મેં પણ કર્યું છે, પણ ધાર્યું કરતાં પહેલાં મેં બા-બાપુજીને બધી વાત સમજાવી હતી.’
‘પૂજા-પ્રતીક પણ મને બધું કહીને જ કરે છે.’ 
‘તનેને? એ લોકોની ફરજ નથી કે મને પણ સમજાવે...’
‘તમારી ફરજમાં નથી આવતું કે તમે એ બન્નેને બાજુમાં બેસાડીને પૂછો કે તમે શું કરો છો, શું કરવા માગો છો?’ 
‘જો મંજુલા, હું ફરજ ક્યારેય ચૂક્યો નથી ને ક્યારેય ચૂકવાનો પણ નથી.’ 
‘હા, હા, તમે તો ધર્મરાજ છોને...’ કુકરની સીટી બંધ થઈ એટલે મંજુલાનો અવાજ જરૂર કરતાં મોટો થઈ ગયો, ‘મોટાં બહેનને કેરી મોકલવાનું એક પણ વાર ચૂક્યા નથી. નાના ભાઈના છોકરાંવની ફીનું આંગડિયું કરવાનું પણ ક્યારેય ભુલાયું નથી. તમારી ફરજ એટલે કહેવું પડે...’
‘આપણે અત્યારે આપણી વાત કરીએ છીએ.’ 
‘કેમ, આમ તો તમે એવું કહેતા હો છો કે એ બધા આપણાં જ કહેવાય તો અત્યારે કેમ એ બધાં જુદાં થઈ ગયાં...’
‘તું છેને, તારી આ ખોટી હૈયાવરાળ મારી પાસે ઠાલવવાનું મૂકી જ દેજે.’
‘એમ, તો તમારા ભાઈબંધ રમણીક પાસે જઈને રડવા બેસું.’ મંજુલા પતિની સામે આવીને ઊભી રહી ગઈ, ‘ઘરનાં છોકરાંવને ભૂખે મારીને ધરમ તમે કરો, હું નહીં. ભાઈબહેનનું પેટમાં બહુ બળતું હોય તો ઘરમાં કચકચ કરવાનું છોડીને પાર્ટટાઇમ નોકરી શોધી લેવાય અને પછીયે ફરજ બાકી રહી જાય તો એ લોકોને અહીં જ બોલાવી લેવાય. આ જ ઘરમાં, અમારા માથે નાચવા.’ 
મનસુખભાઈ પત્નીના લટકા જોતા રહ્યા. 
‘શું વાત હતી ને ક્યાં જઈને ઊભી રહી ગઈ આ બાઈ.’ 
મનસુખભાઈ બાથરૂમનો દરવાજો ખોલીને અંદર ઘૂસી ગયા. ‘હવે આની સાથે વાત કરવાનો કોઈ અર્થ નથી.’ 
‘કેમ અંદર ભાગી ગયા.’ પતિની શરણાગતિએ મંજુલાને જોર ચડાવ્યું, ‘સાચા હો તો બહાર આવો, જવાબ દ્યો.’ 
મનસુખભાઈનો નિત્યક્રમ હતો, નાહતી વખતે ઠાકોરજીનાં પદ ગણગણવાં, પણ એ દિવસે મનસુખભાઈએ પદ ગણગણવાને બદલે જોર-જોરથી રાગડા તાણીને ગાયાં હતાં.
‘મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી...’
lll
ગરોળી સરકીને ટ્યુબલાઇટ પાસે આવી. ઝડપભેર સરકેલી ગરોળીના સળવળાટે મનસુખભાઈની વિચારધારા અટકાવી. રાતની નીરવ શાંતિ અને પંખાના બેસૂરા અવાજ વચ્ચે મંજુલાના નસકોરા સ્પષ્ટ સંભળાતા હતા. મનસુખભાઈએ મંજુલા સામે જોયું. 
લગ્નને ત્રીસ વર્ષ થયાં. શરૂઆતમાં મંજુલાનો સ્વભાવ કર્કશ નહોતો. બાપુજીએ કહ્યું હતું એમ ખાનદાની દેખાતી હતી, પણ પછી તો રીતસર મંજુલાએ આતંક મચાવી દીધો.
lll
‘મનસુખ, અમુક બાબતમાં અજાણ છો...’ 
‘શું ખબર નથી મને?’ 
મનસુખભાઈએ પૂછી તો લીધું, પણ તેમને જવાબમાં રસ નહોતો. તેમણે ધારણા માંડી લીધી હતી કે હુંડિયા હાઉસે દલાલ બદલાવ્યો એ સમાચાર રમણીક લાવ્યો હશે.
‘કાલે અગ્રવાલ એક્સપોર્ટ્સની પાર્ટી હતી.’ 
કોઈ જાણીતું બેઠું નથી એ જોવાના હેતુથી મનસુખભાઈએ આજુબાજુમાં જોઈ લીધું. ઉડિપી રેસ્ટોરાંનો નેપાલી વેઇટર રાજુ તેમની સામે જોતો હતો. રાજુ ૧૪ વર્ષનો હતો અને મનસુખભાઈ પ્રતીકને રાજુનો દાખલો આપીને કહેતા કે ‘જો હું તને ઘરમાંથી કાઢી મૂકું તો રાજુ જેટલા પગારની નોકરી પણ તને ન મળે.’
‘હંઅઅઅ... તો?’ 
‘મોડે સુધી પાર્ટી ચાલી.’ રમણીકભાઈને મૂળ વિષય પર આવવામાં તકલીફ પડી હોય એમ તેમણે વાત ચેન્જ કરી, ‘બહુ મજા આવી યાર. તું હવે તો પાર્ટીમાં આવવાનું ચાલુ કર. એકેક પાર્ટીમાં કરોડ-દોઢ કરોડનો ધંધો આસાનીથી મળી જાય છે.’
‘ના, ભાઈ ના, આપણને એવા ધંધામાં રસ નથી.’ 
મનસુખભાઈએ રસ લીધા વિના જ સ્પષ્ટતા કરી. અગાઉ આ બાબતમાં પચાસ વખત રમણીકભાઈ સાથે તેમને વાત થઈ હતી અને દરેક વખતે તેમણે એક જ જવાબ આપ્યો હતો,
‘દારૂ હાથમાં લીધા પછી જેને સંબંધ સૂઝતા હોય તેનો ભરોસો ન હોય.’
આજે પણ એ જ વાત મનસુખભાઈએ કરી એટલે રમણીકભાઈથી છણકો થઈ ગયો,
‘સારું, તને ગમે એમ કર, પણ આ તો શું, ભાઈબંધ માટે જીવ બળે એટલે કહેવાઈ ગયું.’ રમણીકભાઈએ મહેણું માર્યું, ‘બહાર નીકળ, જો દુનિયા ક્યાં પહોંચી ગઈ છે...’ 
‘દુનિયાને જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચે. હું સમયસર ઘરે પહોંચું એટલે બસ...’
રમણીકભાઈને હાડોહાડ લાગી આવ્યું, ‘આ માણસને ફૅમિલી માટે કેવી લાગણી અને ફૅમિલી જુઓ તો સાવ...’ 
‘ના, નથી કહેવી આને સાચી વાત. આમ પણ ઓશો કહે છેને કે જો સત્ય કષ્ટદાયી હોય અને એનાથી અજાણ રહીએ તો કોઈ ફરક ન પડતો હોય તો એ સત્યનું આચરણ કરવું જરૂરી નથી. એવા સમયે અસત્યને સત્યથી પણ વધુ મજબૂતી અને વધુ પ્રામાણિકતાથી જાળવી રાખવું જોઈએ.
રમણીકભાઈએ માથું ધુણાવ્યું. 
- ‘ના, આ જ સમય છે અસત્યને પ્રામાણિક રહેવાનો.’
- ‘આજે રાત કેમ વધુ લાંબી લાગે છે?’ 
મનસુખભાઈએ ફરી વાર ઘડિયાળમાં જોયું. ત્રણ ને દસ થઈ હતી. 
- ‘પ્રતીકનાં કોઈ ઠેકાણાં નહોતાં અને પૂજાને નાઇટ-શિફ્ટ હતી એટલે સાડાચાર પહેલાં તે આવવાની નહોતી. નાઇટ-શિફ્ટ, મા ઘસઘસાટ ઘોરે છે અને દીકરી પૈસા કમાવા રાતે ભટકે છે.’ 
- ‘ભટકે છે, પણ ક્યાં?’ 
મનસુખભાઈની છાતીમાં વાદળ ભરાતાં હોય એમ ભાર વધવા માંડ્યો. 
ડૉક્ટરે કહ્યું હતું કે છાતીની મધ્યથી સહેજ જમણી બાજુએ દુખાવો થાય તો તરત બ્લડપ્રેશર ચેક કરાવી લેવું. અત્યારે છાતીની જમણી બાજુએ જ દુખે છે. 
‘અત્યારે ક્યાં બ્લડપ્રેશર ચેક કરાવવું?’
મનસુખભાઈએ ડાબા હાથથી છાતીને જરાઅમસ્તી ઘસી. 
- ‘ના, આ તો સોસાયટીના છોકરાઓનો બૉલ વાગ્યો એ દુખાવો હશે.’ 
‘ચાર વર્ષ થઈ ગયાં બૉલ લાગ્યાને, તોયે વર્ષમાં ૨૦ વાર છાતીમાં સબાકા નીકળે છે. છાતીનો એ દુખાવો ધીમે-ધીમે ડાબા હાથ તરફ આગળ વધ્યો. પહેલાં ડાબા હાથનો ખભો, પછી કોણી અને પછી હથેળી. 
મનસખુભાઈએ ધીમે રહીને હાથ ઊંચો કર્યો. હાથમાં ખાલી ચડી ગઈ હતી. 
‘ડૉક્ટરની સલાહ હતી કે હવે સ્ટ્રેસ નહીં લેવાનું. ડૉક્ટરની સલાહ માનીને ચિંતા શબ્દ વાંચવાનું પણ છોડી દીધું અને છતાં આજે શાંતિની ઊંઘ નહોતી મળતી.’ 
lll
‘જે વાત જાણીને દુખી જ થવાનું હોય તો એ જાણવા સામેથી દોટ શું કામ મૂકવાની?’ રમણીકભાઈએ મનસુખભાઈને સલાહ આપી હતી, ‘આવશે ત્યારે ફોડી લેવાશે કરીને જ્યાં સુધી દુ:ખથી છેટા રહેવા મળે ત્યાં સુધી છેટા રહેવાનું.’ 
મનસુખભાઈ અત્યારે પણ એ વાત યાદ કરવા નહોતા માગતા. 
‘કેવી રીતે મંજુલાને વાત કરવી? કેમ કહેવું કે તારી છોકરી...’
‘શું મંજુલાને ખબર હશે?’ 
મનસુખભાઈના આખા શરીરે પરસેવો વળવા માંડ્યો. 
lll
‘તું કાલે કંઈક કહેતાં અટકી ગયો હતો?’ 
રમણીકભાઈ ડાયમન્ડ અસોસિએશનની ઑફિસમાંથી જેવા બહાર આવ્યા કે તરત મનસુખભાઈએ તેમને રોકી લીધા, 
‘ના, ના. કઈ વાત?’ 
રમણીકભાઈને વાત યાદ હતી, પણ તેમની ઇચ્છા નહોતી કે મનસુખભાઈ એ વાતને આગળ વધારે.
‘કાલે સાંજે, તું પાર્ટીની વાત કરતો હતો એ પહેલાં....’ 
‘ના, મને યાદ નથી હોં...’
‘રમણીક, વાત ગંભીર ન હોય અને તું ભૂલી ગયો હોય તો મને વાંધો નથી, પણ જો તું કહેતાં ખચકાતો હોય તો એ ખોટું છે.’ 
ઘરે જતી વખતે રસ્તામાં મનસુખભાઈને યાદ આવ્યું હતું કે રમણીકભાઈએ પોતાની વાત નવા પાટા પર ચડાવી દીધી હતી અને એટલે જ તેમણે નક્કી કર્યું હતું કે સવારે રમણીકભાઈને મળીને પહેલાં એ વાત જાણવી. 
- ‘કાં તો વાત ધંધાની હશે અને ધંધાની નહીં હોય તો પ્રતીકની હશે. કદાચ રમણીકભાઈ એવું કહેશે કે તારો છોકરો કોઈ છોકરી સાથે ફરે છે.’
મનસુખભાઈએ એ તર્ક પણ તૈયાર રાખ્યો હતો. જોકે માણસના તર્ક ગમે એટલા બરછટ હોય તો પણ જાતે સેવેલા હોય એટલે એક છેડા પર તર્કની સુંવાળપ અકબંધ હોય છે. 
રમણીકભાઈ અવઢવમાં હતા કે મનસુખભાઈને વાત કરવી કે નહીં. વાત સાંભળ્યા પછી મનસુખભાઈની મનોદશા કેવી થશે એ કલ્પના પણ રમણીકભાઈએ કરી લીધી હતી. 
‘મને ખરેખર યાદ નથી.’
‘તો સારું. જે વાત યાદ રહે એ ખરેખર અગત્યની નથી હોતી.’ મનસુખભાઈના ચહેરા પર નિરાંત પથરાઈ, ‘બીજું છે કે કંઈ નવીનમાં?’
રમણીકભાઈએ નકારમાં ડચકારો કર્યો. મનસુખભાઈને ડચકારાથી ભારે ચીડ. 
પ્રતીક કે પૂજા ક્યારેય ડચકારાથી જવાબ આપે તો મનસુખભાઈ રાતાપીળા થઈ જાય અને કહી દે ઃ ‘કેમ, ઘેટા-બકરાની સાથે વાત કરો છો?!’ 
lll
 ‘એક મિનિટ, મનસુખ.’ 
સાંજે રમણીકભાઈ હુસેન મૅન્સનના દરવાજે ઊભા હતા ત્યારે બાજુમાંથી રમણીકભાઈ પસાર થયા. સવારે મનસુખભાઈની પૃચ્છા રમણીકભાઈ ગપચાવી ગયા હતા પણ આખી બપોર અને અડધી સાંજ રમણીકભાઈ એ જ મનોમંથનમાં હતા કે ‘વાત છુપાવીને તે મનસુખભાઈનું હિત કરે છે કે પછી દોસ્તનું અહિત?’
રમણીકભાઈને જવાબ મળી ગયો હતો અને તેમણે નક્કી કરી લીધું હતું કે ભાઈબંધીમાં માત્ર સારપની વાત લઈને ઊભું રહેવાનું ન હોય. ભાઈબંધી તો એ છે જ્યાં તમે તમારા મિત્રો સાથે વફાદારી પણ નિભાવતા હો. 
‘ઉતાવળ છે?’ મનસુખભાઈએ જરા અધીરાઈ બતાવી, ‘એક પાર્ટીનો સોદો છે. વાંધો ન હોય તો ૧૦ મિનિટ લાગશે.’ 
મનુખભાઈ નીકળી ગયા અને અડધા કલાકમાં તે પાછા આવ્યા. પાછા આવીને તેમણે જ વાતનું અનુસંધાન જોડ્યું.
‘હવે બોલો.’ મનસુખભાઈએ આવીને સીધી વાત શરૂ કરી. 
‘કામ થયું?’ 
‘ના...’ મનસુખભાઈએ નિરસ મને જવાબ આપ્યો, ‘વેચનારી પાર્ટીનો માલ ચોરાઉ લાગે છે.’ 
‘તમને શું વાંધો છે?’
‘રમણીકભાઈ તમે પણ?’ મનસુખભાઈએ અણગમો દર્શાવ્યો, ‘ઠાકોરજી દરરોજ હવેલીએ આવવાનું નથી કહેતા, પણ મનમાં હવેલીની પવિત્રતા રાખવાનું તો કહે જ છે...’ 
- ‘હા, આને વાત કરી દેવાયને કે ઠાકોરજીએ જ મને નિમિત્ત બનાવ્યો હોય.’ 
રમણીકભાઈના નિર્ણયને નવી મક્કમતા મળી. 
‘જુઓ, હું કાલે તમને જે પાર્ટીની વાત કરતો હતો એ પાર્ટીમાં બધી મોજ હતી. પાર્ટીમાં ઘણી ડાન્સરને પણ બોલાવી હતી. હું પણ હતો...’ રમણીકભાઈ સાવચેત થયા, ‘આમ તો મેં પૂજાને ઘણા વખતથી જોઈ નથી પણ મને કેમ એવું લાગ્યું કે પૂજા પણ...’
‘ક્યાં હવેલી સંગીત ને ક્યાં ડાન્સબાર. ક્યાં મારો ઠાકોરજી ને ક્યાં આ ઠૂમકા?’ 
મનસુખભાઈના ચહેરા પર સફેદી પ્રસરી ગઈ અને આંખ સામે અંધકાર... 
lll
ઘડિયાળે ચાર ડંકા વગાડીને ચાર વાગ્યાની જાણકારી આપી. 
‘થોડી વારમાં પ્રભાત થશે, પણ મારા ઘરમાં સૂર્યાસ્ત થઈ ચૂક્યો છે એનું શું?’ 
મનસુખભાઈની આંખો છલકાઈ. 

વધુ આવતી કાલે


Whatsapp-channel Whatsapp-channel

21 June, 2022 12:29 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK