Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એસ્કોર્ટ (પ્રકરણ -1)

એસ્કોર્ટ (પ્રકરણ -1)

24 January, 2022 12:47 PM IST | Mumbai
Samit (Purvesh) Shroff

તેનો મર્મ સમજાતાં તારિકા મલકેલી, ‘કેમ એસ્કોર્ટ થવાથી હું દેશની નાગરિક તો નથી મટતીને! રાષ્ટ્રગીતને માન ન આપું તો મને દેશમાં રહેવાનો હક નથી’

એસ્કોર્ટ (પ્રકરણ -1)

એસ્કોર્ટ (પ્રકરણ -1)


‘આહ!’
તેનાથી ચિત્કાર થઈ ગયો, ‘જંગલી જાનવરની જેમ સ્ત્રીના બદન પર તૂટી પડતા મરદોને શું કહેવું! ક્યાંથી શીખતો હશે પુરુષ આટલી હેવાનિયત? કે પછી તેના શરીરમાં લોહીને બદલે વાસના દોડતી હશે!’
‘પુરુષની ભૂખ જ આપણા પેટની આગ ઠારે છે એ ન ભૂલ.’
શબનમના શબ્દો પડઘાતાં હળવો નિ:શ્વાસ જ નાખી શકી તારિકા.
‘આમ જુઓ તો તેના કથનમાં તથ્ય હતું...’ 
તારિકાએ વાગોળ્યું : ‘નાનપણમાં પિતાજીનો સાથ છૂટ્યો, અંગે યૌવન બેઠું ત્યાં એકની એક દીકરીના ઉછેર માટે ઢસરડા કરી થાકી ગયેલી માએ પથારી પકડી... હું ત્યારે કૉલેજના બીજા વર્ષમાં. શું કરવું, કેમ કરવું એનો સૂઝકો નહોતો પડતો. માટુંગાની ચાલમાં બધા ભાડે રહેનારા, બીજાને આર્થિક મદદ કરવાનું કોઈનું ગજું નહીં. માની જેમ બીજાના ઘરે ઠામવાસણ કરવામાં મને નાનમ નથી, પણ એટલી આવકમાં રોજબરોજનો ખર્ચો નીકળે, માના ઇલાજ માટે કંઈ વિશેષ કરવું રહ્યું, પણ શું?’  
‘તું ખરાબ ન લગાડે તો એક સજેશન હું આપું.’
શબનમે સહેજ ખચકાતાં કહેલું. માની માંદગી પછી તારિકાએ કૉલેજ જવાનું બંધ કરેલું. ફી ભરવાના પૈસા જ ક્યાં હતા? એનો જોકે અફસોસ નહોતો. તેને જરૂર હતી દિશાસૂઝની.
એ કામ શબનમે કર્યું. તારિકા સતત મહિના સુધી કૉલેજમાં ન દેખાતાં તેની સાથે ભણતી શબનમ ભાળ કાઢવા ઘરે આવી હતી. મા દવાના ઘેનમાં હતી એટલે તારિકાએ હૈયાભાર હળવો કરી દીધો : ‘મને સૂઝતું નથી પૈસાનો જોગ કેમ પાર પાડવો.’
જવાબમાં ખરાબ ન લગાડવાની શરતે શબનમે પહેલાં તો મોઘમ કહ્યું, ‘ગરીબીએ તને એવી ઘેરી છે તારિકા કે તારી અમીરી પણ તારા ધ્યાનમાં નથી બેઠી.’
‘મારી અમીરી?’ તારિકાના કપાળે સળ ઊપસી.
‘તારું બેપનાહ હુશ્ન, આ ફાટફાટ થતું જોબન!’
તારિકાએ હોઠ કરડ્યો. નિ:શંક પોતે ખૂબસૂરત હતી, ગોરો વાન, મૂર્તિકારે કંડાર્યો હોય એવો પાસાદાર નાકનકશો અને બેકાંઠે વહેતી નદી જેવું ભરપૂર અલ્લડ યૌવન!
‘તારા જિસ્મની નવાજિશ સામે તું માગે એ નજરાણું ધરવા પુરુષ તૈયાર થઈ જાય!’
‘હેં.’ તારિકા સમસમી ગઈ. 
‘મેં તો કેવળ દિશા ચીંધી, તારિ... એ દિશા જ્યાં હું ખુદ કદમ માંડી ચૂકી છું.’
‘મતલબ...’ તારિકાનું મોં ખુલ્લું રહી ગયું.
‘તારે તારી માનું કારણ છે, મારા માથે નાનાં ભાઈ-બહેનની જવાબદારી છે.’ શબનમના સ્વરમાં કરુણા ઝબકી, ‘અબ્બુએ કામધંધો કરવો નથી, પણ રોજ દારૂ પીવા જોઈએ. તેમની સાથે લડી-ઝઘડી અમ્મી નિચોવાઈ ગઈ છે. ઘરનો મોભ બન્યા વિના મારે છૂટકો નહોતો. તારિ, મારા એક કદમે મારાં ભાઈભાંડુડાં સચવાઈ ગયાં છે. ઘરમાં પૈસો ક્યાંથી આવે છે એની અબ્બાને પરવાહ નથી, અમ્મી જાણીનેય લાચાર છે.’
તારિકાએ તેનો પહોંચો પસવાર્યો, ‘કૉલેજમાં અમે મળતાં, હસતાં, બોલતાં, પણ ખરા અર્થમાં અંતરંગ આજે થવાયું.’
જતાં-જતાં પણ તે કહેતી ગઈ હતી, ‘તારે શરાફતનો અંચળો ઓઢી રાખવો હોય તારિ તો માની માયા મૂકી દેજે અને માને જિવાડવી હોય તો શરાફત સરકાવી દેજે.’
ક્યાંય સુધી તેના શબ્દો તારિકાના દિમાગમાં ગુંજ્યા કર્યા.
દવાના ઘેનમાં સૂતેલી સાવિત્રીમાને નિહાળીને વહાલ ઊભરાયું. ‘મા મને કેટલો અછોવાના કરતી. મને ખુશ રાખવા તે ઝઝૂમતી રહી, મારા ઉછેર માટે પારકાનો એઠવાડ સાફ કર્યો. એ માનું ઋણ કોઈ રીતે ફેડી ન શકાય. જેના પર પ્રાણ ન્યોછાવર કરી શકાય તેને માટે શરીર વેચવામાં નાનમ શાની! વેન ધેર ઇઝ નો અધર વે.’
બીજા જ દિવસે તેણે શબનમને હકાર ભણ્યો ને ચોથી બપોરે ગેસ્ટહાઉસની રૂમમાં તેનું કુંવારું યૌવન મસળાઈ ચૂક્યું!
શરૂ-શરૂમાં બહુ સંકોચ થતો, ગ્રાહકની જુગુપ્સાજનક ફરમાઈશો ઘૃણા ઉપજાવતી, પણ ધીરે-ધીરે તેણે પુરુષને રમાડવાનું શીખી લીધું. તેની એક્સપર્ટાઇઝ વધતી ગઈ એમ ડિમાન્ડ વધતી ગઈ અને ‘ધંધે’ બેઠાના વરસ-દોઢ વર્ષમાં તો તે સામાન્ય કૉલગર્લમાંથી ઊંચું મહેનતાણું વસૂલતી હાઈ-પ્રોફાઇલ એસ્કોર્ટ બની ગઈ!
માનો ઇલાજ હવે તે પ્રાઇવેટ નર્સિંગ હોમમાં કરાવી શકી. મોંઘેરા ઇલાજે તેમની તબિયતમાં ઝડપથી સુધારો થતો ગયો. માને કહી રાખેલું, ‘કૉલેજની સાથે પોતે કૉલ-સેન્ટરમાં નોકરી કરે છે એટલે રાતવરત બહાર રહેવું પડે, પણ એથી જ તારો સરખો ઇલાજ કરાવી શકું છું મા, એટલે તું પણ મારું કામ છોડાવવાની જીદ ન પકડતી!’
‘ભોળા જીવવાળી માએ દીકરીની વાત માની પણ લીધેલી. માને તો એમ જ કે દીકરી હજી ભણે છે, સાથે નોકરી પણ કરે છે... આ બહાનાં ક્યાં સુધી ચાલશે? પણ ક્યારેક તો તે મારાં લગ્ન માટે અધીરી થશે, ક્યારેક તો મારે તેને સચ્ચાઈ કહેવી પડશે.’
‘ત્યારે માનો પુણ્યપ્રકોપ ફાટશે. મારી જાત વેચીને મેં તેને સાજી કરાવી છે એ જાણી પોતાના પર જ શ્રાપ વરસાવશે.’
- ‘પણ પછી એ મારું બલિદાન સમજશે. મારા ધંધા તરફ આંખ આડા કાન કરશે - શબનમની અમ્મીની જેમ જ!’
આ આશ્વાસન જેવું તેવું નહોતું છતાં આ ઘડી શક્ય એટલી વિલંબિત થાય એવું તારિકા ઇચ્છી રહી.
ક્યારેક એવુંય થતું કે ‘માનો દવાનો ખર્ચ હવે સીમિત છે, ધારું તો સાચે જ નાની-મોટી નોકરી કરીને અમારો ગુજરબસર થઈ શકે... પછી શા માટે મારે હજીય મરદોના કૉલ લેવા જોઈએ? ક્યાંક એવું તો નથીને કે મને પણ આ બધાની આદત થઈ ગઈ હોય!’
જાતતપાસ માંડતી ત્યારે હાશકારો થતો,
‘ના, એવું નથી. આજે જરૂરિયાત નથી છતાં હું ગ્રાહકના કૉલ પર જતી હોઉં તો એ આવતી કાલને સુરક્ષિત કરવા. આજે એસ્કોર્ટ તરીકે હું મોંમાગ્યા દામ મેળવું છું. અત્યારે ધંધો છોડી દઉં ને ભવિષ્યમાં વળી એની આવશ્યકતા સર્જાઈ તો એકડેએકથી શરૂ કરવું નહીં પાલવે! આજે ધંધો છોડવાથી મારી ગઈ કાલ બદલાવાની નથી, મારા ચારિત્ર્ય પર પડેલો ડાઘ ભૂંસાવાનો નથી... તો પછી જવાની છે ત્યાં સુધી એને વટાવી ભવિષ્ય માટે ભેગું કરી રાખવામાં જ શાણપણ છે!’
‘તારે તારા રૂપનો કસ જ કાઢવો હોય તારિ તો એક માર્ગ બીજો પણ છે.’ શબનમે કહેલું.
પોતાને રાહ ચીંધનારી શબનમની સરખામણીએ તારિકા ક્યાંય આગળ વધી ચૂકેલી. ક્યારેક તે શબનમને રૂપિયાપૈસાની મદદ કરતી એથી પણ શબનમ તેની ઓશિંગણ રહેતી. હવે મળવાનું ઓછું થતું, પણ સંબંધ અંતરંગ હતો એટલે તારિકાનું ફ્યુચર સિક્યૉર કરવાના તર્કમાં સહમતી જતાવીને શબનમે નવી રાહ ચીંધેલી.
‘મેં સાંભળ્યું છે કે હાઈ સોસાયટીની પાર્ટીઓમાં ખાસ પ્રકારના નાચ થતા હોય છે.’
‘મતલબ સ્ટ્રિપ-ડાન્સ. શ્રીમંતોની પાર્ટીમાં નશામાં ઝૂમતા ઑડિયન્સ સમક્ષ નાચતાં-નાચતાં વસ્ત્રહીન થવાનું પોતાને ફાવશે?’
આવા એક પર્ફોર્મન્સ સાથે ચૂકવાતી રકમનો આંકડો સાંભળ્યા પછી તારિને જવાબ મળી ગયો, ‘ મને બધું ફાવશે!’
બહુ જલદી તે સ્ટ્રિપર તરીકે પણ ઘડાતી ગઈ. આમ જુઓ તો હવે પૈસાની રેલમછેલ હતી. તારિકા સૂઝપૂર્વક રોકાણ કરતી. રહેણીકરણીમાં તેણે કોઈ જ ફેર વર્તાવા નહોતો દીધો, નહીંતર મા શંકિત બને અને ચાલીવાળાને કૂથલીનો મોકો મળી જાય! સદ્ભાગ્યે પોતે જ્યાં રહેતી હતી એ દુનિયા પોતાના કામના વિશ્વથી કોઈ રીતે કનેક્ટેડ નહોતી એટલે પણ દીકરીના ધંધાની માને ભનક નહોતી. 
‘યુ લુક ડિફરન્ટ.’
અજાતશત્રુના શબ્દો પડઘાયા. પ્રિય પુરુષના સ્મરણમાત્રથી બદનમાં રોમાંચનો કરન્ટ ફરી વળ્યો. તારિકાએ કડી સાંધી ઃ
‘આજથી એક વર્ષ અગાઉની વાત. પોતાને ધંધે બેઠાને ત્યારે ૪ વર્ષ થઈ ચૂકેલાં અને છએક મહિનાથી પોતે ગ્રાહક સાથે આઉટસ્ટેશન પણ જતી થઈ હતી. માને સમજાવી દીધેલું : ‘મેં નોકરી બદલી છે મા. હવે હું માર્કેટિંગમાં છું એટલે કદી-કદી બહારગામ જવાનું પણ બનશે!’
દિમાગમાં એક જ ધૂન હતી - ‘જોબન ઢળે એ પહેલાં શક્ય એટલું રળી લેવું છે!’ અલબત્ત, તે હવે પોતાની શરતે ડીલ કરતી. પોતાના શરીરને સુંદર રાખતી, સેફ્ટી પ્રિકૉશન્સમાં ક્યારેય સમાધાન નહોતી કરતી. હા, ક્યારેક પુરુષના વહેશીપણાનો રોષ ભીતર ખળભળે ત્યારે શબનમની વાતોથી મન મનાવી લેતી.
આમાં શનિ-રવિના એ 
વીક-એન્ડમાં અજાતશત્રુએ તેને મરીનડ્રાઇવની લક્ઝુરિયસ હોટેલ ‘સી વ્યુ’ના સ્વીટમાં તેડાવી હતી. કૉલ પાકો કરતાં પહેલાં તારિકા ગ્રાહકને પોતાનો રેફરન્સ ક્યાંથી મળ્યો એની ચોકસાઈ કરી લેતી, જસ્ટ ટુ બી સેફ. અજાતને પણ તેણે પૂછેલું.
‘મેં તને મલ્હોત્રાની પાર્ટીમાં ડાન્સ કરતાં જોઈ’તી...’ તારિકાની પૃચ્છા સામે અજાતે ખુલાસો કરેલો.
‘ઓહ વેદાંત મલ્હોત્રા! તેના ફાધર ધીરજ મલ્હોત્રાનો કરોડોનો કારોબાર છે અને જુવાન દીકરો એકદમ પ્લેબૉય-ટાઇપ છે.’ તેના ફાર્મહાઉસની રેવ પાર્ટી શ્રીમંતોના સર્કલમાં મશહૂર છે. તારિકાએ સ્ટ્રિપર ડાન્સર તરીકે બે-ત્રણ પાર્ટીમાં જવાનું બનેલું.
‘તમને ત્યાં નાચતાં જોયાં ને આઇ ફર્ગોટ એવરીથિંગ!’
ફોન પર ફ્લર્ટ કરનારો જુવાન રોમૅન્ટિક હોવાનો. તારિકાને એનો ક્યાં વાંધો હતો!
શનિની સાંજે તે સ્વીટ પર પહોંચી, ને દરવાજો ખોલનાર જુવાનને પળવાર જોતી જ રહી. ‘આટલો આકર્ષક પુરુષ!’
તારિકાએ માણેલા પુરુષોમાં કેટલાક સાચે જ દેખાવડા હતા, ‘પણ આ જુવાન તો સાક્ષાત્ કામદેવના અવતાર સમો છે!’
કામક્રીડામાં તે ઊઘડતો ગયો એમ તારિકા મદહોશ થતી ગઈ. પૂર્ણત્વને સ્પર્શતું તેનું શરીરસૌષ્ઠવ માણવા તલપાપડ બની ગઈ. પોતાનાં અંગઉપાંગ જોઈને અજાતમાં આવેલો ઉછાળ તારિકાએ બેફામપણે માણ્યો.
‘લેટ્સ ગો ફૉર ડિનર.’
સામાન્ય રીતે ગ્રાહક એસ્કોર્ટ સાથે રૂમની બહાર દેખાવાનું પસંદ નથી કરતા, અજાતને એની પરવાહ નહોતી એ ગમ્યું.
રેસ્ટોરાંમાં લગભગ દરેક નજર તેમને જોઈ રહી. તારિકાને ગમ્યું. અજાત તેને લઈ ખૂણાના ટેબલ પર ગોઠવાયો. રાતે સાડાઆઠનો સુમાર હતો. હૉલ લગભગ અડધો ભરેલો હતો. સામસામી દીવાલે મૂકેલી ટીવી-સ્ક્રીન પર ક્રિકેટ મૅચ ચાલતી હતી.
‘તમને ક્રિકેટ ગમે છે?’ તારિકાએ વાતચીતની શરૂઆત કરી. ખબર નહીં શું કામ, પણ આ જુવાન વિશે શક્ય એટલું જાણી લેવું હતું. તેનું ફૅબ્રિકેશનનું કામકાજ છે એવું જાણી બોલી જવાયું, ‘એટલે જ તમારા બદનમાં લોખંડ ભર્યું છે.’
અજાત શર્મીલું મલક્યો. તારિકાએ આવું ખેંચાણ કદી અનુભ‍વ્યું નહોતું.
ત્યાં એક નાનકડી ઘટના બની. મૅચના પ્રસારણમાં ‘જન ગણ મન...’ની ધૂન સંભળાતાં તારિકા ઊભી થઈ ગઈ. અજાતને પણ ઊભા થવાનો ઇશારો કર્યો. રેસ્ટોરાંમાં મોટા ભાગનાએ ઊભા થવાની તસ્દી નહોતી લીધી, જ્યારે એક એસ્કોર્ટને રાષ્ટ્રગીતનું આટલું માન! અજાત અંજાયેલો, ‘યુ લુક ડિફરન્ટ.’
તેનો મર્મ સમજાતાં તારિકા મલકેલી, ‘કેમ એસ્કોર્ટ થવાથી હું દેશની નાગરિક તો નથી મટતીને! રાષ્ટ્રગીતને માન ન આપું તો મને દેશમાં રહેવાનો હક નથી.’
અજાતને તેની ભાવના સ્પર્શી ગઈ.
‘તારા વ્યવસાય છતાં તને દેશ પ્રત્યે, દેશની સિસ્ટમ પ્રત્યે ફરિયાદ નથી. તારિકા, ઇટ્સ અમૅઝિંગ.’
‘નાનપણથી હું સરકારી સ્કૂલમાં ભણતી હતી ત્યારે કે પછી રાષ્ટ્રીય તહેવારોમાં તિરંગો ખરીદતી વેળા મા-પિતાજી કહેતાં એ સ્વભાવમાં ગંઠાઈ ગયું છે - તમારા દેશ માટે તો તમને અભિમાન હોવું જ જોઈએ!’
અજાત તેને તાકી રહેલો. તેની આંખોનો ભાવ પોતાને બાંધતો હોય એવું તારિકાએ અનુભવ્યું હતું.
પછી જોકે તેની વાતો મલ્હોત્રાની પાર્ટી પર ફંટાઈ ગઈ હતી. રૂમ પર આવીનેય એની જ ચર્ચા, ‘તું કેટલી વાર ગયેલી, ત્યાં શું-શું થતું, મહેમાનોમાં કોણ-કોણ આવતું?’ કેટલી ઝીણી-ઝીણી પૂછપરછ! જોકે એમાં વિરામ લઈ અજાત ઉત્કટપણે પોતાને ભીંસી દેતો એ સુખની યાદે અત્યારે પણ તારિકાથી સિસકારો નખાઈ ગયો.
‘ક્યા હુઆ!’
પોતાના પર ઝળૂંબતા પુરુષના સવાલે તેને વર્તમાનમાં આણી.
‘ઓહ, આ પુરુષ અજાત નથી. અરે, હું મુંબઈમાં પણ નથી! મહિના અગાઉ મુંબઈની પાર્ટીમાં મારો ડાન્સ જોઈને લટ્ટુ બનેલો આદમી ચાર દિવસ માટે મને અમ્રિતસર લાવ્યો છે, તેની આ પહેલી સાંજ છે!’
તારિકાને ત્યારે બિલકુલ અંદાજ નહોતો કે પોતાની ઓળખ મુંબઈના વેપારી તરીકે આપનારો અલી હસન ખરેખર તો પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થાનો ખાંધિયો છે અને ખાલિસ્તાની ચળવળવાદી સંસ્થા સાથે મળીને કશુંક ખતરનાક કરવાના ઇરાદા સાથે પંજાબ આવ્યો છે! 

વધુ આવતી કાલે


Whatsapp-channel Whatsapp-channel

24 January, 2022 12:47 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK