Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એકરાર (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 2)

એકરાર (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 2)

28 December, 2021 09:45 PM IST | Mumbai
Samit (Purvesh) Shroff

‘જોઈશું.’ નરોત્તમભાઈનો આવકાર ઠંડો હતો, પ્રતિસાદ મોળો. પણ એરન એમ હારે એવો ક્યાં હતો?

એકરાર (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 2)

એકરાર (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 2)


અડધી રાતે પત્ની-પુત્રીની કબર પાસે બેઠેલો એલ્વિસ વાગોળી રહ્યો :
પહેલી ડિસેમ્બરની એ સવારે પોતે ઈગતપુરીના રસ્તે ઢાળ રસ્તા  પહેલાં આવેલી ‘ઓનેસ્ટ’ હોટલમાં જરૂર કરતાં વહેલો પહોંચી ગયેલો. કલાકેક પછી મિસ્ટર એક્સે કહેલા નંબરવાળી કાર પાર્કિંગમાં પ્રવેશી. બ્લુ રંગની એ સ્મૉલ કાર હતી. સહેજેય આઠ-દસ વર્ષ જૂની હશે. કારમાં એક જ વ્યક્તિ હતી. પ્રૌઢ વયનો ચાલક પચાસ-પંચાવનની ઉંમરનો હશે. ઊજળો, ગરવાઈભર્યો દેખાતો પુરુષ પહેલાં વૉશરૂમ જઈને પછી રેસ્ટોરાંના એસી હૉલમાં દાખલ થયો એટલે એલ્વિસ પણ કામે લાગ્યો. ઓજાર તો શર્ટમાં છુપાવ્યાં હતાં જ. ગજવામાંથી સિક્કા પડ્યા હોય એ લેવાની ચેષ્ટારૂપે તે કાર નીચે સરકી ગયો. આમ તો પાર્કિંગમાં કોઈ હતું નહીં અને સીસીટીવી કૅમેરાની રેન્જ અહીં સુધીની નહોતી છતાં ઝડપાવાનું જોખમ શા માટે લેવું!
- અને ગણતરીની મિનિટમાં કામ પતાવી, ગ્રીસના ડાઘ વૉશરૂમમાં સાફ કરીને તે પણ રેસ્ટોરાંમાં ગોઠવાઈ ગયો.
‘આઇ વિલ ટેક કૅર બેટા, તું ચિંતા ન કર.’
એલ્વિસે જોયું કે સફારી પહેરેલો એ પ્રૌઢ સૅન્ડવિચનો નાસ્તો કરતાં મોબાઇલ પર વાત કરતો જણાયો. ફોન પર સામે કદાચ તેની દીકરી હતી. બોલી ગુજરાતી હતી અને પ્રૌઢે પહેરેલી સોનાની ચેઇનમાં શ્રીનાથજીનું પેન્ડન્ટ હતું. મતલબ કે વૈષ્ણવ. ગૅરેજ પર અનેકધર્મીઓ સાથે પનારો પડ્યા પછી એલ્વિસને આટલી સૂઝ કેળવાઈ ગયેલી.
‘તું તો જાણે છે, આઇ લવ ડ્રાઇવિંગ. તું બસ મમ્મીનું ધ્યાન રાખજે.’
કૉલ કટ થયો. ‘આ કદાચ તેની છેલ્લી ભલામણ હતી એવું આ આદમી જાણતો પણ નહીં હોય!’ 
છેવટે તે નીકળ્યો ત્યારે મનોમન પ્રાર્થના થઈ ગઈ : ‘ગૉડ, આ માણસને મરવા ન દેતો!’
‘પછી બાઇક પાસે જઈને મેં ડિકી ખોલી તો બીજા ૧૦ લાખનું બંડલ મોજૂદ હતું! મતલબ, ધેટ મિસ્ટર એક્સ અહીં જ ક્યાંક હતો. મેં બ્રેક ફેલ કરી એ તેની નજરમાં તો હતું જ! પણ હશે. મેં મારું કામ કરી દીધું, મને એના પૈસા મળી ગયા, હવે અમારે એકમેકની શી નિસ્બત!’
પોતે આજે છુટ્ટી લઈને કયું કામ પતાવી આવ્યો એની ગંધ એલ્વિસે લિલિયનને આવવા દીધી નહીં. ૨૦ લાખની કૅશ બૅન્કના લૉકરમાં મૂકી છે એવું તો કહેવાય પણ કેમ! એટલું જ કહ્યું કે ‘હું લૉટરીની ટિકિટ લેવાનું વિચારું છું, ઇનામ લાગે તો આપણું નવું વર્ષ સુધરી જાય!’ 
જોકે ત્રીજા જ દહાડે ગૅરેજ પર નવરાશના સમયે અખબારનાં પાનાં ઊલટતાં એલ્વિસથી હાઇકારો નખાઈ ગયો. અંદરના પાને ખબર હતા :
‘ગુજરાતી આધેડનું માર્ગ-અકસ્માતમાં મૃત્યુ!’
મરનારની તસવીર સાથેના હેવાલમાં લખ્યું હતું કે ‘પંચાવન વર્ષના નરોત્તમભાઈ વસાણી કંપનીના કામકાજ અર્થે ઈગતપુરી જતા હતા. ઢાળ ચડતાં આગળ ભારે વાહનને કારણે તેમણે બ્રેક મારવી પડી, પણ બ્રેક નહીં લાગી હોય એટલે ઢોળાવ ચડતી કાર અચાનક રિવર્સમાં ગબડવા લાગી. પાછળથી આવતી ટ્રકની ટક્કર ટાળવા ટર્ન લેવા ગયા તો સામેથી પૂરઝડપે ઢાળ ઊતરતી બીજી ટ્રકના હડસેલાએ બહુ કરુણ અકસ્માત સર્જાઈ ગયો, જેમાં ચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.’
‘ઓહ ગૉડ. પોલીસ ભલે આને રોડ-ઍક્સિડન્ટ ગણીને ફાઇલ બંધ કરી દે, હું જાણું છું કે આ મર્ડર હતું! અને આની પાછળ મિસ્ટર એક્સનો હાથ છે!’
- ‘અને તારો પણ!’
ભીતરનો અજંપો ગહેરો બને એ પહેલાં એલ્વિસે જાતને સમજાવી દીધી : 
‘નરોત્તમ તેના નસીબના મોતે મર્યો. તું કેવળ ધંધો કેમ માંડવો એના પર ફોકસ કર...’
એલ્વિસે હવે ઘરે કહી દીધું - ‘મેં લૉટરીની ટિકિટ લીધી છે. નાતાલના બીજા દિવસે રિઝલ્ટ છે...’
‘લૉટરી લાગશે જ એની ઉમ્મીદમાં લિલિયન પણ ખુશ હતી. નાતાલના દિવસે મચ્છી લેવા માર્કેટ ગઈ. સાથે વળી દીકરી મૅરીને પણ લઈ ગઈ અને રોડ-ક્રૉસિંગ દરમ્યાન મા-દીકરી કારની અડફેટેમાં આવી ગઈ! ઘટનાસ્થળ પર જ મૃત્યુ. કાબૂ ગુમાવેલી કાર આગળ જતાં બત્તીના થાંભલા સાથે અથડાઈ, ૨૫-૨૭ વર્ષનો જુવાન કારચાલક પણ ત્યાં જ મૃત્યુ પામ્યો. પાછળથી જાણ થઈ કે ડ્રાઇવરની નોકરી કરતો યુવક નશામાં કાર હાંકતો હતો. તેને માટે રડનારું કોઈ નહીં હોય, પણ તે મારી દુનિયા ઉજાડી ગયો!’
વીતેલાં આ ૩ વર્ષમાં ઘણી વાર થતું કે જેના ખૂનમાં હું ભાગીદાર બન્યો તેના પરિવારજનોની માફી માગું, પણ એના વિશે નામ સિવાયની કોઈ માહિતી નહોતી. કારના નંબર પરથી માહિતી મેળવવાનો પ્રયાસ કરી જોયો, પરંતુ વ્યર્થ. તેમનો પત્તો મેળવવાનું હવે એક જ ઠેકાણું રહે છે - મિસ્ટર એક્સ! પણ તેનેય મારે કઈ રીતે શોધવો! તેના અવાજ સિવાય કોઈ ક્લુ નથી મારી પાસે તેની.
‘અલબત્ત, તે મને જરૂર જાણતો હોય! યસ, કોઈ પણ કારણસર નરોત્તમને મારવાનો પ્લાન ગોઠવ્યા પછી તે જુવાન એવા મેકૅનિકની શોધમાં હતો જેને પૈસાની જરૂર હોય અને ફૅમિલીવાળો હોય તો તેને ધાકમાં રાખવાનું શક્ય પણ બને!’
-‘તેની નજરમાં હું બેઠો એનો મતલબ એ પણ ખરો કે તે ડિસિલ્વાના ગૅરેજનો કોઈ કસ્ટમર હોવો જોઈએ! નૅચરલી, મેકૅનિકને ખોળવા તે ગૅરેજ પર જ જવાનો અને મારે ધંધો માંડવો છે એની ચર્ચા અમારા ગૅરેજમાં તો હતી જ...’
એલ્વિસની ગણતરી બિલકુલ સચોટ અને તાર્કિક હતી, પણ એવા કોઈ કસ્ટમરને પોતે અટેન્ડ કર્યાનું કેમ સાંભરતું નથી! ‘ગૅરેજમાં રેગ્યુલર કસ્ટમર્સમાંનું તો કોઈ નથી, એટલું તો ચોક્કસ. આવી અધકચરી વિગતો સાથે પોલીસમાં જાઉં તો ઇન્સ્પેક્ટર મને ચસ્કેલ ગણીને તગેડી જ મૂકે... હૈયેથી આ બોજ ઉતાર્યા વિના મરવું પણ કેમ, લિલી! તું જ કહે, હું શું કરું?’
- અને એલ્વિસને ગિરજાધરનો ઘંટારવ સંભળાયો. ‘ઓહ, પ્રભાત થવા આવ્યું! આજે પહેલી ડિસેમ્બર. કતલની એ ઘટનાને ત્રણ વર્ષ પૂરાં થયાં!’ 
એ સાથે જ દેવળના ઘંટારવે દિમાગમાં સળવળાટ સર્જાયો. 
‘ધેર ઇઝ અ વે... પત્ની-પુત્રીના અકાળ અવસાનથી દુભાઈને મેં ચર્ચ જવાનું જ છોડી દીધું, કદાચ એટલે પણ મારો બોજ ઉતારવાનું એ જ તો ઠેકાણું છે એ પહેલાં ન સૂઝ્‍યું! 
‘કન્ફેશન! અમારા ધર્મની પ્રથા અનુસાર ઈસુની સાક્ષીમાં નામદાર પાદરીસાહેબ સમક્ષ ગુનાનો એકરાર કરી હળવો થઈ જાઉં...’  
‘પછી ઈસુ જે કરે એ!’
lll
‘તમારી વિદાયને આજે ત્રણ વર્ષ થયાં, પપ્પા!’ 
પિતાની છબિને ગુલાબનો હાર ચડાવતી લાવણ્યાની પાંપણ ભીની થઈ. ‘કાશ, એ મનહુસ દિવસ ઊગ્યો ન હોત તો શિવાજી પાર્કના આપણા આ ઘરમાં આજે પણ સુખ કિલ્લોલ કરતું હોત!’
લાવણ્યા વાગોળી રહી...
નરોત્તમભાઈનું નાનકડું સુખી કુટુંબ હતું. પોતે, પત્ની વીરમતી અને બન્નેના જીવનના કેન્દ્ર સમી એકની એક દીકરી લાવણ્યા. 
હા, આજથી પાંચેક વર્ષ અગાઉ તેમની સામેના ફ્લૅટમાં એરન ગોન્ઝાલ્વિસ રહેવા આવ્યો એ નરોત્તમભાઈને બહુ ગમ્યું નહોતું. ના, તેમને એરન ખ્રિસ્તી હોવાનો વાંધો નહોતો. એ દૃષ્ટિએ નરોત્તમભાઈ બંધિયાર નહોતા.
શિવાજી પાર્કની ૧૦ માળની શ્રીનાથ રેસિડેન્સીમાં એક ફ્લોર પર માત્ર બે જ ફ્લૅટ. રહેનારા મોટા ભાગના ગુજરાતી. વર્ષોથી ત્રીજા માળે, નરોત્તમભાઈની સામે રહેતા ગિરધારીલાલના ધંધામાં નુકસાની જતાં રાતોરાત ઉચાળા ભરી ગયા એમાં ફ્લૅટ કોને વેચ્યો એની ૬ મહિના સુધી તો કોઈને જાણ સુધ્ધાં નહોતી થઈ. એ તો ત્રીજી ગલીમાં, દરિયાકિનારે વિશાળ બંગલો ધરાવતો એરન બંગલાના રિનોવેશનને કારણે સામેના ફ્લૅટમાં એક વર્ષ માટે મૂવ થયો ત્યારે જાણ્યું કે ફ્લૅટનો નવો માલિક એ છે!
છવ્વીસેક વર્ષનો જુવાન બેહદ દેખાવડો હતો. સંસારમા એકલો, વાત-વહેવારમાં વિવેકી.
જોકે ઘરના મોભી તરીકે નરોત્તમભાઈ ખબરદાર હતા. મહિનોમાસમાં પાડોશીની કુંડળી ખોળી કાઢી,
‘એરનનો દાદો દમણનો કુખ્યાત દાણચારો ગણાતો, તેની બેહિસાબી આવક થકી મુંબઈ વસી તેમણે લિકરનું સામ્રાજ્ય જમાવ્યું છે, દારૂ બનાવવાનો ધંધો છે તેનો, બોલો! સંભાળજો.’ 
વીરમતીબહેન સાનમાં સમજી ગયાં તો કૉલેજ જતી થયેલી લાવણ્યા પણ ઠરેલ ઠાવકી હતી. ભારોભાર રૂપાળી ને એવી જ આત્મવિશ્વાસુ. સામે રહેવા આવેલા જુવાનના ગુણદોષની ચર્ચા તેનાથી છૂપી નહોતી.
અને જુવાનનું હૈયું પણ.
લિફ્ટમાં આવતાં-જતાં ભટકાઈ જતો એરન મુગ્ધપણે પોતાને તાકી રહે છે, કૉલેજ આવવા-જવાના સમયે લૉબીમાં જ ઊભો હોય છે, ‘હાય-હલો’થી વાતચીતની ધરી બાંધવાની પેરવી કરે છે એ બધું લાવણ્યાથી છૂપું નહોતું. તેની હૈયાપાટી કોરી હતી અને ચડતી જવાનીમાં કોઈ પોતાને ભાવ આપે એ ગમે પણ ખરું.
‘લાવણ્યા, નેક્સ્ટ વીક ક્રિસમસ છે. ધેર વિલ બી અ ગ્રૅન્ડ પાર્ટી ઇન માય હાઉસ. તમે આવશો તો ગમશે - આઇ મીન, ઑલ યૉર ફૅમિલી.’
લિફ્ટમાં એરને લાવણ્યાને ઇન્વાઇટ કર્યું એમ ઘરે આવી નરોત્તમભાઈ-વીરમતીબહેનને પણ નિમંત્રણ પાઠવ્યું.
‘જોઈશું.’ નરોત્તમભાઈનો આવકાર ઠંડો હતો, પ્રતિસાદ મોળો. પણ એરન એમ હારે એવો ક્યાં હતો.
‘લાવણ્યાને તો મોકલજો’ કહીને ગેરસમજ ટાળવી હોય એમ ઝડપથી ઉમેરેલું, ‘મારી કઝિન્સ પણ આવવાની છે, સો શી વિલ એન્જૉય ડેફિનેટલી.’
‘કહ્યુંને જોઈશું.’ એ જ ટાઢો જવાબ. 
જોકે તેના ગયા બાદ નરોત્તમભાઈ બરાબરના ઊકળી ઊઠેલા - ‘છોકરાની હિંમત તો જુઓ! લાવણ્યાને મોકલજો એવું બેધડક કહીને ગયો. આ જ તેના સંસ્કાર! છેવટે તો દાણચોરનું લોહીને!’ 
અલબત્ત, નરોત્તમભાઈ ભલેને બળાપો કાઢે, એરનનું કૃત્ય લાવણ્યાના મુગ્ધમનને ઝંકૃત કરી ગયેલું. ગમે એ કહો, એરનમાં ગટ્સ તો ખરી! પપ્પાના રિસ્પૉન્સથી તે ડગ્યો નહીં, સભ્યતા પણ ચૂક્યો નહીં! 
પ્રણયનો તણખો જગાવવા આટલું પૂરતું હતું. ‘પિતાની સમજનાં ચશ્માં આપોઆપ ઊતરી ગયાં : ‘એરનના બાપદાદા ગમે તે રહ્યા હોય, એમાં એરનનો શું વાંક! અને બિઝનેસ એ બિઝનેસ છે, પછી એ લોખંડનો હોય કે લિકરનો!’
નાતાલની પાર્ટીમાં પિતાની ઉપરવટ થઈ જવાયું નહીં, પણ ક્રિસમસની બપોરે લિફ્ટમાં ભેગા થઈ ગયેલા એરન સાથે હાથ મિલાવી તેણે ક્રિસમસની શુભેચ્છા પાઠવી અને અઠવાડિયા પછી ન્યુ યરની રાતે તે હસ્તધૂનન હળવા આલિંગન સુધી અને વૅલેન્ટાઇન્સ ડેના દિવસે ચુંબન સુધી પ્રસરી ગયું. 
લાવણ્યાને પ્રણયમાં દ્વિધા નહોતી. એરનની લાયકાત વિશે બેમત નહોતો. હી ઇઝ ડાયનૅમિક. પ્રણયમાં એકદમ પૅશોનેટ અને છતાં કોઈ છીછરી 
હરકત નહીં.. 
દીકરી જેની સાથે પ્રીતના માર્ગે વધતી હતી, નરોત્તમભાઈનો તેના પ્રત્યેનો અભાવ વધુ ને વધુ ગહેરો થતો જતો હતો. ઘરે જુવાન કન્યા હોય ને પાડોશમાં ‘ગમે તેવો’ છોકરો આવે એની અણખટ અણગમામાં પરિવર્તિત થતી જતી હતી. ખાસ કરીને કંપનીના ઉઘરાણીના કામે તેમણે મહિનામાં નિશ્ચિત સમયે બહારગામ જવાનું થતું. એ વેળા વારી વારીને કહેતા - ‘જોજો હં, ‘પેલો’ પેંધો ન પડે!’ 
લાવણ્યાને અહેસાસ હતો કે પપ્પા અમારો પ્રણયભેદ જાણીને કાળઝાળ જ થવાના - ‘પ્રેમમાં પડવા તને દાણચોરનો પૌત્ર જ મળ્યો! દારૂ બનાવનારમાં તું શું ભાળી ગઈ?’
હંમેશાં જેમણે અમી વરતાવ્યા એ પિતાના આ રૂપની કલ્પના પણ લાવણ્યાને થથરાવી જતી. ‘મને ઠપકારતી વેળા પિતાના હૃદય પર શું વીતશે એ દીકરી તરીકે શું હું ન જાણું! પિતૃજીવને કકળાવવામાં હું નિમિત્ત બનું તો તો ધૂળ પડી મારા દીકરીપણામાં.’
‘તો શું એરનને ત્યજી દઉં?’
આ વિચાર પણ અસહ્ય હતો. એરનથી તેની કશમકશ છૂપી નહોતી. લાવણ્યા કહેતી, ‘હું તને ચાહું છું, એરન. સાથે એ પણ એટલું જ સાચું કે પપ્પાના આશીર્વાદ વિના હું તારા ઘરે કંકુપગલાં નહીં જ પાડું...’  
‘ઓહ ધેન ઇટ્સ અ બિગ હર્ડલ. હાઉ ટુ ઓવરકમ ઇટ?’
આનો કોઈ  ચોક્કસ જવાબ નહોતો. આ બાજુ ગ્રૅજ્યુએટ થયા પછી મા-બાપે મુરતિયા જોવાનું શરૂ કર્યું ત્યારે એરનની ધીરજ ખૂટી : ‘મેં નક્કી કરી લીધું લાવણ્યા, હાઉ ટુ હૅન્ડલ ધ હર્ડલ.’
પિતા માટે વપરાયેલો ‘હર્ડલ’ શબ્દ લાવણ્યાને ખટક્યો છતાં એની પરવાહ કર્યા વિના તેણે ઉમેરેલું, ‘મહિના પછી નાતાલ છે અને આ ક્રિસમસ આપણે સજોડે ઊજવીશું, એટલું નક્કી.’
‘જોકે એ પહેલાં તો કુદરતે જ પપ્પાને છીનવી લીધા.’ અત્યારે, ઊંડો નિઃશ્વાસ નાખતી  લાવણ્યાને અંદાજ સુધ્ધાં નહોતો કે પિતાનું મૃત્યુ અકસ્માત નહોતો, એરને તેમનું મર્ડર પ્લાન કરી પ્રણયમાર્ગની ‘હર્ડલ’ દૂર કરી હતી! 

વધુ આવતી કાલે


Whatsapp-channel Whatsapp-channel

28 December, 2021 09:45 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK