° °

આજનું ઇ-પેપર
Friday, 16 April, 2021

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 48

15 March, 2020 05:06 PM IST | Mumbai Desk | Dr. Hardik Nikunj Yagnik

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 48

ઈશ્વરોલૉજી

ઈશ્વરોલૉજી

ગતાંક...
ધરતી પર માણસ બનીને આવેલા ઈશ્વર સંજયને પોતાનું ખરું વિરાટ દર્શન કરાવી રહ્યા છે. ઈશ્વર શું દરેકેદરેક વ્યક્તિની સંભાળ લે છે? એવા વિચારના જવાબમાં ભગવાન એક એવી લીલા કરે છે જેમા સંજયને એકસાથે ઘણા બધા ભગવાન જુદા-જુદા લોકો સાથે દેખાય છે. એમાં પણ એક ખૂબ જ કજિયાખોર કાકાની દુકાનમાં તેઓ કામ કરતા દેખાય છે. ઈશ્વર કહે છે કે એ માણસની પત્નીની પ્રાર્થનાને લીધે તેઓ તેને મદદ કરે છે અને બીજું પણ એક કારણ છે.
હવે આગળ...

‘એનો મતલબ કે ફક્ત તેની પત્ની તમને પતિની સંભાળ લેવાની પ્રાર્થના કરે છે એટલે તમે તેના નોકર બનીને આટલી મદદ કરો છો?’
ઈશ્વરે ડોકું હલાવીને ના પાડી.
સંજયને આશ્ચર્ય થયું કે આટલા વિચિત્ર સ્વભાવના માણસ સાથે રહીને ફક્ત તેની પત્નીની પ્રાર્થનાને કારણે ઈશ્વર મદદ કરે એ માન્યામાં આવે એમ નહોતું.
ઈશ્વરે કહ્યું કે અજાણતાં પણ કોઈના ભલા માટે કરેલું કામ પણ અંતે તો મને ખુશ જ કરતું હોય છે અને એનું ફળ મારે તો આપવું જ પડે. આ માણસમાં ૯૯ બુરાઈ છે, પણ એક ખૂબ સારી વાત છે. નાનપણમાં એ માણસને એક ગુરુએ કહ્યું હતું કે તું પક્ષીઓને ચણ ખવડાવશે તો તારા પર ઈશ્વરની કૃપા રહેશે. એ વાતને માનીને આ માણસ નાનપણથી દરરોજ ઘરથી બહાર નીકળે ત્યારે ખિસ્સામાં થોડું ચણ લઈને નીકળે છે અને તેની દુકાનની પાછળ આવેલા વરંડામાં પક્ષીઓ માટે એ નાખી દે છે. વર્ષોથી નિયમિત એ આમ મૂંગાં અને અબોલ પક્ષીઓને ચણ ખવડાવે છે. તેનો આ એક સદ્ગુણ હંમેશાં તેને મારી દયાને પાત્ર બનાવે છે.
કોઈ પણ પ્રકારનું સત્કાર્ય કરનાર વ્યક્તિની સંભાળ ઈશ્વર લે જ છે એ જાણીને સંજયને આશ્ચર્ય થયું. આ સાથે એ વાત પણ સાબિત થઈ ગઈ કે આજે ઈશ્વરકૃપાને કારણે તેમનું આ વિરાટ દર્શનનું સદ્ભાગ્ય મળ્યું અને વિરાટ દર્શનની સાચી વ્યાખ્યા ખબર પડી. આજે જ ઈશ્વરના એ સ્વરૂપ વિશે જાણ્યું જે ખરેખર જગત માટે અજાણ્યું છે. ઈશ્વરોલૉજી મુજબ ઈશ્વર જેકોઈ વ્યક્તિ ફળની આશા વગર કંઈ પણ સારું કામ કરે તો તેની મદદ કરવા ઈશ્વર કોઈ પણ સ્વરૂપે હાજર રહે જ છે.
આ સાથે જ ‍તે રોમાંચિત થઈ ઊઠ્યો. તેને થયું કે આપણી આસપાસ ફરતા જાણતાં-અજાણતાં કંઈકેટલાય લોકોમાં સ્વયં ઈશ્વર જ કોઈ સ્વરૂપે હોય છે. આ સાથે જ તેની દાદીએ કહેલી વાત તેને યાદ આવી કે કોઈ વ્યક્તિનું દિલ ક્યારેય ન દુખાવવું, કોણ જાણે કયા સ્વરૂપે આપણે ઈશ્વરનું અપમાન કરી બેસીએ! વડીલોની વાતોમાં વેદોનો સાર હોય છે એ આજે તેણે અનુભવ્યું.
પછી તો ત્યાંથી નીકળતા પેલા છોકરા પાસે પહોંચ્યા જેની સાથે ઈશ્વર રમી રહ્યા હતા. હજી કશું પૂછવા જાય એ પહેલાં તો ઈશ્વરે તેની વાત શરૂ કરી કે તેનું નામ મંગો. ખૂબ જ ગરીબાઈમાં આ અનાથ મંગો તેનું જીવન ખૂબ જ આનંદથી જીવી રહ્યો છે. તેની સારપ એ છે કે પોતે અપંગ હોવાથી બીજું તો કશું કરી નથી શકતો, પણ મંદિરના ઓટલાની આસપાસ પડી રહેતાં ચંપલને તે સરખી રીતે ગોઠવે છે. તે આખો દિવસ ખૂણામાં બેસી રહે છે. ભીખ માગવાની જગ્યાએ મંદિરનાં નાનાં-નાનાં કામમાં તે સેવા કરે છે. બદલામાં મંદિરમાંથી તેને બે ટંકનું જમવાનું મળી રહે છે. તેનો કોઈ દોસ્ત નથી, બસ, એ વાતનો તેને વસવસો ઘણો હતો. એક વાર મંદિરના દરવાજાની બહાર બેઠો-બેઠો મારી મુરતને જોઈને પોતાની એકલતા દૂર કરવા માટેની પ્રાર્થના કરવા લાગ્યો. નાદ નાભિમાંથી ઊઠ્યો હતો અને અંતરનો સાચો સાદ હતો. બે આંસુડાં તેની આંખમાંથી નીકળીને ધરતી પર પહોંચે એ પહેલાં તો હું પણ એક અનાથ છોકરો બનીને તેની પાસે પહોંચી ગયો.
સંજયને હવે વિશ્વાસ થઈ ગયો કે જીવનમાં અચાનક આપણને મળતી કે આપણા જીવનમાં પ્રવેશીને મદદ કરતી અજાણી વ્યક્તિ કોઈક વખત આપણે ખરા દિલથી કરેલી ભગવાનની પ્રાર્થનાનું જ ફળ હોઈ શકે છે.
તેને આમ વિચારતો જોઈ ઈશ્વર તરત જ બોલ્યા, ‘ઍબ્સોલ્યુટલી રાઇટ ડિયર.’
સંજયને થયું કે જો ઈશ્વરનું આ રહસ્ય જો ખરેખર સમજાઈ જાય તો લોકો પણ એકમેકમાં દેવને જોતા થઈ જાય.
તેને આમ વિચારતો જાણી ઈશ્વરે કહ્યું, ‘તકલીફ તો એ જ છે કે ઈશ્વરની વાતને સાંભળે છે ખરા, પણ માનવામાં સંકોચ થાય છે. કોઈ પણ વ્યક્તિ હોય પછી તે આ માણસ હોય કે સ્વયં અર્જુન, હું તો તેમની સંભાળ લેતો જ હોઉં છું, પણ ઘણી વાર તે જ મને માનવામાં થાપ ખાઈ જતા હોય છે.’
‘એ ઊભા રહો પ્રભુ, તમારું કહેવું છે કે સ્વયં અર્જુને પણ તમારી કોઈ વાત નહોતી માની? આ અર્જુન અને તમારા સંબંધોની બહુ વાતો સાંભળી છે અને ટીવીમાં જોયું પણ છે, તો ખરેખર શું થયું હતું? એવી તો કઈ વાત હતી તમારી જે અર્જુને નહોતી માની એ પછી શું થયું હતું એ તો કહો?’
સંજયને આમ વાતમાં રસ લેતો જોઈ ઈશ્વર ખુશ થયા અને તેમણે વાત શરૂ કરી.
આ એ સમય હતો જ્યારે મહાભારતનું યુદ્ધ લગભગ ખતમ થઈ જવા આવ્યું હતું. હું એ વખતે તેના રથનો સારથિ હતો જેમ અત્યારે તારા આ સ્કૂટરનો ડ્રાઇવર.’
ભગવાનના વ્યંગનો શું ઉત્તર આપવો એ સંજયને સમજાયું નહીં, પણ તે કશું બોલ્યા વગર ઈશ્વરને સાંભળવા લાગ્યો.
એ વખતે અર્જુનના મનમાં થોડું-થોડું એમ થવા લાગ્યું હતું કે આ યુદ્ધ હું મારા પોતાના બળ અને આવડતથી જીત્યો છું. પોતે આ યુદ્ધનો સાચો વિજેતા છે અને એનો સઘળો યશ તેને જ જાય છે. તમે જ્યારે કોઈ કાર્ય કરતા હો છો ત્યારે તમે ઈશ્વરને એમાં નોતરી તેમને સાથે રાખવા માટે પ્રાર્થના કરતા હો છો અને પછી જ્યારે એ કામ પતી જાય ત્યારે ઈશ્વરને ભૂલીને એ કામ પોતાને લીધે જ થયું છે એમ માનવાની માનવસહજ ભૂલ કરી બેસો છો અને આવી જ ભૂલ અર્જુને પણ કરી હતી.
યુદ્ધના અંતિમ દિવસે તેણે નક્કી કર્યું હતું કે રોજ મારે રથમાંથી ઊતરવાનું અને પછી ઈશ્વરને પ્રાર્થના કરવાની કે આપ પણ ઊતરો એવું નથી કરવું. આજે તો ભગવાન જ ઊતરશે પહેલાં અને પછી હું એક વિજેતા રાજાની જેમ સૌથી છેલ્લે ઊતરીશ.
એટલે તેણે મને કહ્યું સૌપ્રથમ રથ છોડવાનુ અને હું ન માન્યો તે ન જ માન્યો.
‘આ તમે પાછા જિદ્દી બહુને ભાઈસાબ’ સંજયે અર્જુન જેટલા જ વહાલથી અને હકથી ઈશ્વરને ટોણો માર્યો.
ઈશ્વર હસી પડ્યા અને બોલ્યા, ‘અતિશય પ્રેમની આ જ પંચાત હોય છે. એ પછી તું હોય કે અર્જુન, મારી સાથે રહેવાથી મારી ઓળખને તમે કદાચ ભૂલી જાઓ છો. તમે ભૂલી શકો કે હું કોણ છું, પણ હું કેવી રીતે ભૂલી શકું?’
સંજય ઈશ્વરની વાતને પૂરી સમજ્યો નહીં, પણ તેને એટલી તો ખબર પડી કે આમ બોલીને પોતે કંઈક ગરબડ ચોક્કસ કરી છે.
ઈશ્વરે વાત આગળ ચલાવી... ‘યુદ્ધ જીત્યાનો આનંદ અને એમાંય પોતાને લીધે જીત્યાનો કેફ અર્જુનને ઘેરી વળ્યો હતો. તે જીદે ચડ્યો કે પોતે તો રથ પરથી પહેલા નહીં જ ઊતરે.’
‘પછી શું થયું? તમે ઊતર્યા પહેલાં?’ સંજય આગળની વાત સાંભળવા અધીરો બન્યો.
‘ના.’
‘બોલો મને ખબર જ હતી કે પેલાએ જ ઊતરવું પડ્યું હશે. હવે તમે ભગવાન છો એની ના નહીં, પણ એક વાર તેની વાત માની લીધી હોત તો શું ખાટુંમોળું થઈ જવાનું હતું?’ સંજયનું ચોખ્ખું હૃદય અને ભોળપણ એની વાણીને થોડું સ્પષ્ટ બનાવતું હતું.
ઈશ્વરે કહ્યું, ‘પણ સાંભળ તો ખરો કે પછી શું થયું? આખરે હું તો ન માન્યો અને રોજની જેમ અર્જુન એ રથ ઉપરથી ઊતર્યો. સ્વાભાવિક હતું કે તે મારાથી થોડો રિસાયેલો હોય એટલે રોજ કરતાં તે દૂર જઈને ઊભો રહ્યો. ત્યાર બાદ હું રથની નીચે ઊતર્યો અને જે ક્ષણે હું રથની નીચે ઊતર્યો એ જ ક્ષણે એ રથ બળવા માંડ્યો અને જોતજોતામાં એનો નાશ થયો.’
‘શું વાત કરો છો? એનો મતલબ કે તમને...?’ સંજયની આંખો પહોળી થઈ ગઈ.
‘એનો મતલબ એ જ કે મને ખબર હતી કે જે ક્ષણે હું આ રથ છોડીશ એ જ ક્ષણે એ રથ બળી જવાનો છે, કારણ કે હકીકતમાં તો યુદ્ધ દરમ્યાન એ રથ પર અનેક દિવ્યાસ્ત્રોનો મારો ચાલ્યો હતો પણ મારી હાજરીને લીધે એ અસ્ત્રોની અસર એના પર થઈ નહોતી.’
‘એનો મતલબ કે...’ સંજય કશું બોલવા જતો હતો.
‘એનો મતલબ એ જ કે હું જે કહું છું એના પર સંપૂર્ણ વિશ્વાસ રાખનારનું કદી અહિત થતું નથી. માણસનું ધાર્યું ન થાય ત્યારે પણ તેની પાછળ તેનું હિત મેં વિચાર્યું જ હોય છે એમ સમજી જનારને ક્યારેય કોઈ તકલીફ પડતી નથી.’
(વધુ આવતા અંકે)

15 March, 2020 05:06 PM IST | Mumbai Desk | Dr. Hardik Nikunj Yagnik

અન્ય લેખો

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

15 March, 2021 01:24 IST | Mumbai | Sanjay Goradia

જોગાનુજોગ

જોગાનુજોગ

15 March, 2021 01:06 IST | Mumbai | Samit purvesh Shroff

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

15 March, 2021 01:04 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK