તાનિયા ભાગ! માનસ-મૌનવીનો આ ટ્રૅપ છે, ધે આર એનિમી. કાવેરી તો અમારી સામે છે
ઇલસ્ટ્રેશન
અને લંડનના પ્રવાસીઓ માટેની આખરી રાત પણ આવી ગઈ.
તાનિયા માટે બે દિવસ જોકે
ભરતી-ઓટ જેવા રહ્યા. તેણે તો અતીતને મળવું હતું, તેના સુંદર મુખડા પાછળના બિહામણા ચહેરાને જોવો હતો; પણ પરમિશન ન મળી : તમારા કારણે અતીત પકડાયો એ સાચું; પણ તેના
પર મર્ડરનો ચાર્જ છે, તેને કોઈને મળવા નહીં દેવાય...
ડેક પર ફરવા નીકળતી ને અતીત સાથે વિતાવેલી ક્ષણો તાદૃશ થઈ જતી. માનસ-મૌનવી જોડે હોય તોય એકલી પડી જતી.
‘તાનિયા, તું ક્યાં ખોવાઈ જાય છે!’
અત્યારે મૌનવીના સાદે તે ઝબકી. ઓહ, અમે ઈવનિંગ વૉક માટે ડેક પર આવ્યા છીએ, માનસ કૉફી લેવા ગયો એનો લાભ લઈને મૌનવીએ મને કંઈ કહેવું છે એમ મને કેમ લાગે છે?
‘કાલે આપણે છૂટા પડી જવાના તાનિ... ઍન્ડ આઇ ઍમ શ્યૉર, માનસ આજે કોઈ પણ હિસાબે કાવેરીની સોડમાં ભરાવાની કોશિશ કરવાનો.’
નો, નૉટ અગેઇન. તાનિયાને ધ્યાન આવ્યું કે મૌનવી-માનવીની ગાડી હજીયે ધૅટ પૉર્નસ્ટાર આગળ જ ભમ્યા કરે છે.
‘આજની રાતે માનસ કોઈ નવાજૂની ન કરે તો સારું.’
‘એવી ધાસ્તી હોય તો તેના ડ્રિન્કમાં ઘેનની દવા ભેળવીને પીવડાવી દેને. રાતભર તને પણ નિરાંત. કાલે તો લંડન આવી જવાનું.’ તાનિયા તો સપાટ સ્વરે બોલી ગઈ, પણ તેના આઇડિયાએ જોકે મૌનવીની કીકીમાં ચમક આવી ગઈ, ‘એવું જ કરીશ. ભલે ઘોરતો રહેતો માનસ આખી રાત.’
તેની લઢણે તાનિયાથી હસી જવાયું.
lll
‘કહ્યુંને, આજે રાત્રે કામ થઈ જશે. કસીનોમાં જ પતી ગયું હોત, પણ જરાક માટે વેઇટ્રેસ રોઝી ભોગ બની ગઈ. ના... ના.. . મારા પર કોઈને શક નથી થયો. બલ્કે એ રાતે કસીનોમાંથી મારી પાછળ પડેલો જુવાન જ ખૂની તરીકે ઝડપાયો... અરે, તેનું વેઇટ્રેસ જોડે લફરું નીકળ્યું એટલે પૅસેન્જર્સનો વિશ્વાસ જીતવા સિક્યૉરિટીવાળાએ તેને બલિનો બકરો બનાવ્યો લાગે છે.’
તે જોકે સેલફોન પર કોડવર્ડમાં વાત કરતો હતો, ‘યા, આપણા શિકારની આજુબાજુ સિવિલ ડ્રેસમાં ગાર્ડ્સ રહેતા પણ હોય એટલે તો પબ્લિકમાં કંઈ નથી કરવું. સીધો તેની રૂમ પર પહોંચું છું. હજી એક નીડલ બચી છે.’
તેણે કૉલ કટ કરીને ઘડિયાળમાં જોયું. રાતના દસ. ના, હજી શિકારે નીકળવામાં વાર છે!
lll
બરાબર બારના ટકોરે કાવેરીની કૅબિન પર સંજ્ઞાત્મક ટકોરા પડ્યા :
ત્રણ, બે, એક!
ઉમળકાભેર કાવેરીએ દરવાજો ખોલ્યો, ‘વેલકમ કૅપ્ટન!’
જહાજના કૅપ્ટન સ્મિથસન સાથે તેમના બે ઑફિસર પણ પ્રવેશ્યા. એમાંના એક અતીતને ભાળીને તાનિયા જરૂર મોં વકાસી ગઈ હોત!
‘આઇ મસ્ટ સે કૅપ્ટન, તમે અને તમારી ટીમે મારાં જે રખોપાં કર્યાં છે એ હું કદી
નહીં ભૂલું.’
મધરાતના મહેમાનોને આવકારીને કાવેરીએ કૃતજ્ઞતા દર્શાવી.
સ્મિથસને દાઢી પસવારી. લક્ઝરી લાઇનરમાં પ્રવાસ ખેડવાનો ક્રેઝ વધ્યો એ સાથે ચોરીચપાટી જેવા ક્રાઇમ પણ વધવાના અનુભવ પછી શિપિંગ કંપનીઓએ સિક્યૉરિટી સ્ટાફના માપદંડ પણ અગ્રિમ કર્યા. ‘ઍટલાન્ટિક’માં તો આ વરસથી ડિટેક્ટિવ સર્વિસ પણ હાયર કરવામાં આવી. સિવિલિયન તરીકે રહીને ફરજ બજાવતા જાસૂસોની સાચી ઓળખ કૅપ્ટન અને સિક્યૉરિટી હેડ સિવાય ત્રીજા કોઈને માલૂમ નથી હોતી.
અને આ જહેમત ફળતી જણાય
છે. રોઝી મર્ડર કેસ ક્લોઝ થવાની
અણી પર છે...
‘આનો યશ હું તમારા જાંબાઝ જાસૂસને આપીશ.’
કાવેરીના વાક્યે અતીત ફિક્કું
લાગે એવું મલક્યો. તાનિયા સાંભરી ગઈ. રોઝીના ખૂન બદલ ઝડપાયેલા મને જાસૂસ તરીકે જાણીને તે કેવી
ડઘાઈ હોત!
સુખી-સંપન્ન પરિવારમાં ઊછરેલો અતીત ન્યુ યૉર્કમાં નાની વયે પ્રાઇવેટ ડિટેક્ટિવના ધંધામાં જામી ગયેલો. લકઝરી લાઇનરના સિક્યૉરિટી હેડ તરીકે કામ કરતા રૉબિન્સન સાથે તેની ઓળખાણ. તેણે વિશ્વપ્રવાસમાં કંપની તરફથી જાસૂસ તરીકે જોડાવાનો પ્રસ્તાવ મૂકેલો. અતીતને એ થ્રિલિંગ પણ લાગ્યું. તેના જેવા બીજા ત્રણ જાસૂસ શિપ પર હતા. દરેક સહેલાણીની બેઝિક ડીટેલ્સ તેમને આપી દેવાયેલી. પ્રવાસીઓમાં હળી-ભળીને ક્રાઇમને સૂંઘી લેવાનું તેમનું મુખ્ય કામ હતું. આટલી ચોકસાઈ છતાં પોતાની જ હાજરીમાં ખૂન થઈ ગયું એની ખિન્નતા અત્યારે પણ અતીતના વદન પર જોવા મળી.
રોઝી ફસડાઈ પડી એ ક્ષણે અતીતે હૅટ પહેરેલા આદમીને ઉતાવળે કસીનોની બહાર જતાં જોયો. અતીત ચીલઝડપે તેની પાછળ પડ્યો, પણ તેને અંદાજ આવી જતાં ડેક પર પ્રવાસીઓની ભીડમાં આબાદ છટકી ગયો બદમાશ! ન અતીત તેનો ચહેરો જોવા પામ્યો, ન તેની ઓળખાણની કોઈ કડી સાંપડી. એવું પણ બને કે તેનું આમ ભાગવું પણ ખૂનની યોજનાનો જ ભાગ હોય. ખૂની ત્યારે પણ કસીનોમાં જ હોય, પોતાને સેફ કરવા તેણે શંકાસ્પદ દોટ મૂકવા ભાડૂતી માણસ રાખ્યો હોય...
સિક્યૉરિટી ટીમ હરકતમાં હતી ને અતીત કોઈ ક્લુ છોડવાના મતનો નહોતો. રોઝીનો રેકૉર્ડ ક્લીન હતો. તેને મારવાનો મોટિવ જ નહોતો. એનો અર્થ એ કે ખૂનીનો ટાર્ગેટ કોઈ બીજું જ હોવું જોઈએ... સિનારિયો જોતાં એ ક્યાં તાનિયા હોય, ક્યાં કાવેરી!
‘ધેન ઇટ મસ્ટ બી કાવેરી.’ બાકીનાએ સ્વીકારી લીધું, પણ એમ તાનિયાને પડતી મૂકતાં અતીતનો જીવ ન ચાલ્યો. થોડા દિવસના સહવાસમાં તાનિયા પ્રત્યે કૂણી લાગણી જાગી ચૂકેલી, હૃદયની કોરી પાટી પર તેનું નામ કોતરાતું ગયેલું.
તેણે જ તાનિયાને સાવધ રહેવા માટેનો ફોન કરાવ્યો. એમાં તાનિયાએ પોતાની બાબતનું નિરીક્ષણ કહેતાં રમૂજ થયેલી એમ માન પણ જાગ્યું : તેય મારી જેમ સચ્ચાઈના પક્ષે રહેવામાં માને છે!
ખરું પૂછો તો એમાંથી જ આગળ વધવાની ક્લુ મળી : પ્રવાસીના ફીડબૅક પરથી સિક્યૉરિટીએ ખૂની તરીકે અતીતને ઝડપી પાડ્યો એવું જાહેર કરીને રોઝી સાથે તેને અફેર હોવાનો મોટિવ પણ આપી દઈએ તો અસલી કાતિલ એથી જરૂર હરખાવાનો, પોતે કેવી થાપ આપી એની ખુશીમાં ક્યાંક કશી ચૂક કરવાનો ત્યારે તેને ઝડપવા અમે તૈયાર જ હોઈએ!
સમાંતરે શિપનાં અત્યાર સુધીનાં તમામ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજનો સઘન અભ્યાસ હાથ ધરાયો. ટીમનું ફોકસ હવે કાવેરી અને તાનિયા પર હતું. તેમની આસપાસ કોઈ શકમંદ જોવા મળે છે?
તાનિયા વધુ વાર માનસ-મૌનવી-અતીત સાથે જોવા મળી, જ્યારે કાવેરીની આસપાસ પ્રશંસકોની ભીડ સામાન્ય હતી. કસીનોના ફુટેજમાં હૅટવાળા એક આદમીની આછીપાતળી ઝલક વર્તાઈ. પછી તેણે કૅમેરાની રેન્જમાં ન આવવાની તકેદારી રાખી હતી. તેના ગુનેગાર હોવામાં શક ન રહ્યો. કસીનોના સ્ટાફની પૂછપરછ કરતાં સહેલાણીઓના ફોટોગ્રાફ્સમાંથી તેમણે હૅટવાળા આદમી તરીકે સેમી-રૉયલ ક્લાસની કૅબિન-નંબર ૪૦૧માં ઊતરેલા ડૅનિયલને ઓળખી બતાવ્યો.
પ્રભાતનું કિરણ ફૂટે ત્યાં સુધીમાં ટીમ ટાર્ગેટ સુધી પહોંચી ગઈ હતી. તેને ટ્રૅપમાં લેવાના પ્લાન મુજબ વહેલી સવારે રોઝીના ખૂન બદલ અતીતની ધરપકડ થયાના ન્યુઝ પ્રસારિત કરી દેવાયા. બીજી બાજુ રૂમ-ક્લીનિંગના સ્ટાફ તરીકે સિક્યૉરિટી ઑફિસરે તેની કૅબિનમાં જઈને ફ્લાવર વાઝમાં માઇક્રોફોન છુપાવી
દીધું અને પછીથી સેલફોનમાં લૉન્ગ ડિસ્ટન્સ કૉલ પર વાત કરતા ડૅનિયલનો તમામ વાર્તાલાપ સિક્યૉરિટીના રેકૉર્ડિંગ મશીનમાં ઝિલાતાં તેનો ટાર્ગેટ કાવેરી હોવાનો પુરાવો પણ સાંપડી ગયો.
અહીં કૅપ્ટને કાવેરીને વિશ્વાસમાં લીધી. પુરાવા દેખાડતાં કાવેરીને અફસોસ જ ઘૂંટાયેલો : ડૅનિયલ તો ભાડૂતી, તેને હાયર કરનાર તો...
‘ઍનીવે, તમે મારું ખૂન નહીં જ થવા દો એનો મને વિશ્વાસ છે.’
વળતી પળે તેણે ખુમારી દાખવેલી એ કૅપ્ટનને ગમેલું.
આવતી કાલે લંડન ઊતરનારો ડૅનિયલ આજની રાતે વાર કરવાનો જ. થોડી વાર પહેલાંની તેની ટેલિટૉકમાં એનો અણસાર આવતાં કૅપ્ટનની ટીમ તૈયાર હતી. અતીતને તો ડૅનિયલ રંગેહાથ ઝડપાય ત્યારે જ શાતા વળે એમ હતી. પૉર્નસ્ટાર તરીકે કાવેરી બિન્દાસ હોવાનો તો દેખાવ, તેનામાં ખેલદિલી પણ છે એ તો બે દિવસના પરિચયમાં જાણ્યું...
અને વૉકીટૉકીનું બઝર વાગ્યું : હી હૅઝ લેફ્ટ!
ડૅનિયલની કૅબિન પર નજર રાખતા ઑફિસરના સંદેશાએ કાવેરીની કૅબિનમાં ફટાફટ જરૂરી ગોઠવણ કરી અતીતે લાઇટ્સ ઑફ કરીને અંધારું જમાવી દીધું.
lll
કાવેરીના સ્વીટના દરવાજે નૉક કરતાં ડૅનિયલે આસપાસ જોઈ લીધું. કેવળ સન્નાટો જણાયો. બાઈ રાત્રે એકલી જ હોય છે એ તો મેં જાણી લીધું છે. તેણે બીજી વાર દરવાજો ઠોકતાં કાવેરીનો ઊંઘરાટો સ્વર સંભળાયો :
હુ ઇઝ ધેર?
‘સિક્યૉરિટી...’ તેણે ઘોઘરા અવાજે કહ્યું. ‘કૅપ્ટનનો અર્જન્ટ સંદેશ છે.’
ધાર્યા પ્રમાણે હવે તરત દરવાજો ખૂલ્યો. રૂમના ગાઢ અંધકારમાં થોડે દૂર સામે ઊભેલી કાવેરીએ રિમોટથી ડોર ઓપન કર્યાનું સમજાયું.
‘યસ? કૅપ્ટનનો શું સંદેશ છે?’
અવાજથી ખાતરી થતાં ડૅનિયલે કોટની બાંયની સિલાઈમાં છુપાયેલી કળ દબાવતાં ખચાક કરતી નીડલ સીધી સામે ઊભેલી કાવેરીના ગળામાં ઘોંપાઈ અને બીજી જ પળે ઝળાહળ થતાં અજવાળાં સાથે આજુબાજુથી ફૂટી નીકળેલા ગાર્ડ્સે ડૅનિયલને ઝડપી લીધો ત્યારે ધ્યાન ગયું કે અરે, જેને નીડલ મારી તે તો ખરેખર શોરૂમના મૅનિકિનનું પૂતળું છે!
આ ટ્રૅપ હતો અને રોઝીનો
કહેવાતો ખૂની તો જાસૂસ નીકળ્યો એ જાણી ડૅનિયલને તમ્મર આવ્યાં : ઇટ્સ ઑલ ઓવર!
lll
ત્યારે તાનિયાની કૅબિને
ટકોરા પડ્યા.
‘તાનિયા, હું મૌનવી. ઓપન
ધ ડોર.’
બે-ચાર વારની દસ્તકે તાનિયા જાગી, અચરજ થયું : મૌનવી તું, અત્યારે!
‘સૉરી ટુ ડિસ્ટર્બ યુ, પણ...’ મૌનવી કેવી ત્રસ્ત લાગી, ‘માનસ અમારી
રૂમમાં નથી... હું તેને ઘેન દઈ ન શકી. મારી નીંદ ખૂલી ત્યારે તેને ફોન પર એવું કંઈક કહીને નીકળતાં સાંભળ્યો કે કાવેરી, હું તમને મળવા અપર ડેક પર આવું જ છું...’
‘વૉટ!’ તાનિયા માની ન શકી. ‘કાવેરી માનસને ડેક પર મળવા બોલાવે? આર યુ શ્યૉર!’
‘એ જ ખાતરી કરવા તો મારે તને લઈ જવી છે. માનસને રંગેહાથ પકડ્યાની સાક્ષી તું રહેજે.’ મૌનવીએ તેનો હાથ પકડ્યો એટલે ગાઉનમાં જ નીકળવા સિવાય છૂટકો ન રહ્યો.
lll
વૉકીટૉકીની બઝર વાગી.
‘અતીત, તાનિયા મૌનવી સાથે ડેક પર જવા નીકળી છે.’
‘ડેક પર? અત્યારે!’
lll
આખા રસ્તે મૌનવીનું માનસપુરાણ ચાલતું રહ્યું. લિફ્ટમાં ડેક પર બહાર નીકળ્યા કે તાનિયાનો સેલફોન રણકી ઊઠ્યો. સ્ક્રીન પર અતીતનું નામ જોઈને ચમકી ગઈ, ‘હલો.’
‘તાનિ, તું મૌનવી સાથે અત્યારે
શું કરે છે?’
અતીતને ક્યાંથી ખબર કે હું મૌનવી સાથે છું! અરે, ખૂની તરીકે ઝડપાયેલો માણસ ફોન ક્યાંથી વાપરે!
તાનિયા જેટલી જ મૌનવી પણ ચમકી. અતીતનો અવાજ તેને પણ સંભળાતો હતો.
‘અમે અપર ડેક પર જઈએ છીએ. માનસ તેની રૂમમાં નથી. કાવેરી તેને મળવા ડેક પર આવી છે.’
વૉટ! અતીત ચોંક્યો. કાવેરી તો અમારી સામે તેની રૂમમાં બેઠી છે! તેના નામે તાનિયાને મધરાતે ડેક પર લઈ જવાનો મતલબ... અતીતની નસો ફૂલી ગઈ : તાનિયા ભાગ! માનસ-મૌનવીનો આ ટ્રૅપ છે, ધે આર એનિમી. કાવેરી તો અમારી સામે બેઠાં છે. માનસનું તેમને સ્મરણ પણ નથી...
હેં! તાનિયા સ્તબ્ધ બની. ડેક પરના સન્નાટામાં, સમંદરના ઘુઘવાટમાં એક જ શબ્દ પડઘાતો હતો : ટ્રૅપ!
‘ડોન્ટ ટેલ મી કે તું અતીતની વાતોમાં આવી ગઈ! રોઝીની હત્યા કરનારાનો બકવાસ શું ધ્યાન પર લેવો!’
બધું સાંભળી ચૂકેલી મૌનવીના રોષમાં તથ્ય દેખાયું : આટલા દિવસોથી તેમની સાથે હરુંફરું છું, રાતોરાત તેઓ દુશ્મન શું કામ બની જાય?
પણ એમ તો તેમને દુશ્મન ગણવામાં અતીતનો પણ શું સ્વાર્થ હોય?
તાનિયાની નસેનસ તંગ બની.
(ક્રમશ:)

