° °

આજનું ઇ-પેપર
Sunday, 16 January, 2022


ભાભી (વાર્તા સપ્તાહ- પ્રકરણ 1)

29 November, 2021 09:22 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff

‘આજે તેં આપણા સંબંધની મર્યાદા તોડી.’ અક્ષતનું બાવડું પકડીને તેમણે તેને ઊભો કરી ધક્કો માર્યો, ‘મારા ઘરમાં તારા જેવા વહેશીની જરૂર નથી. જતો રહે અહીંથી!’

ભાભી (વાર્તા સપ્તાહ- પ્રકરણ 1)

ભાભી (વાર્તા સપ્તાહ- પ્રકરણ 1)

‘‌ઝિંદગી કી ન તૂટે લડી...’
દૂર ક્યાંક ગુંજતા લતાના ગીતે તેના હોઠ મલકાવી દીધા. ‘આ તો મારા અક્ષતનું પ્રિય ગીત! ‘પ્યાર કર લે ઘડી દો ઘડી...’ એવું તે ગાતો ને હું બોલી ઊઠતી : ઘડી-બે ઘડી નહીં, અક્ષુ, હું તો જન્મોજનમ તમને જ પ્યાર કરવાની!’
કજરીના હોઠ વંકાયા. ‘નર્યું ગાંડપણ હોય છે મોહબ્બતમાં. માણસની આજનો ભરોસો નથી હોતો ને તે સાત જન્મોનાં શમણાં ગૂંથાવે છે! અને શમણાં તો કોનાં સાચાં પડ્યાં! કમસે કમ મારાં સપનાં તો ચૂર જ થયાં... જેને હૃદયના રોમરોમથી ચાહ્યો તેણે વિશ્વાસઘાતનો એવો ફટકો માર્યો જેની કળ આજે, ત્રણ વર્ષે પણ વળી નથી!’
નિઃશ્વાસ નાખી અગાશીની દોરી પર કપડાં સૂકવતી કજરી અવશપણે પાંચ વર્ષ અગાઉના કાળપ્રવાહમાં તણાતી ગઈ. 
વલસાડના ખડકી ગામની વાણિયાશેરીમાં કજરીના ઘરને અડીને આવેલા ત્રીજા મકાનમાં શિફ્ટ થયે અક્ષતને માંડ વર્ષ થયું છે. ફૅમિલીમાં ત્રણ જ જણ; મોટા ભાઈ શ્રેયાંસ, ભાભી રક્ષા અને બન્નેનો લાડલો, ઘરમાં સૌથી નાનો અક્ષત.
‘મૂળ તો અમે વડોદરાનાં. શ્રેયાંસની સરકારી નોકરીમાં ટ્રાન્સફરને કારણે અમારે દર ચોથે-પાંચમે વર્ષે ગામ-ઘર બદલવાનાં થાય...’
રક્ષાભાભીને કજરીના ઘર સાથે ઘરવટ થઈ ગયેલી. વાટકીવહેવાર સાથે અલકમલકની વાતોનો વહેવાર પણ બંધાતો ગયો.
‘શ્રેયાંસ અક્ષુથી પાંચ વર્ષ મોટા અને અક્ષુ મારાથી વર્ષ નાનો.’
‘હવે અક્ષુથી નાનું કોઈ ક્યારે આવે છે?’ કજરીનાં મમ્મી મુધરિમાબહેન લાડથી પૂછતાં.
માના સવાલનો મર્મ સમજાતાં કજરી મનોમન શરમાતી. ત્યારે તે કૉલેજના બીજા વર્ષમાં. વીસની ઉંમરે યૌવન પુરબહાર હતું, પણ હૈયાપાટી કોરી હતી. એકની એક દીકરી તરીકે કજરીએ મા-બાપના હેતવહાલમાં કદી ઓટ અનુભવી નહોતી. ભણીને તેણે નોકરી કરવી હોય, ઘરની આંબાવાડી સંભાળવી હોય કે પછી પોતાનું સ્ટાર્ટઅપ કરવું હોય - દીકરીને જોઈતું આભ આપવાની માવતરની ક્ષમતા હતી, નિષ્ઠા હતી અને તેમના ઘડતરના પ્રતાપે જ કજરીમાં આત્મવિશ્વાસ પાંગર્યો હતો. 
આમા કદી સાંજે મા જોડે કિચનમાં ભાખરી-શાક કરતી હોય ને ગપાટવા આવેલાં રક્ષાભાભીને મા બેમાંથી ત્રણ થવાની સલાહ આપે એથી ભીતર લજ્જાઈ પણ ખરી.
‘મારાં લગ્નને ચાર વર્ષ થયાં આંટી, એમાં પાછલાં ત્રણ વર્ષ તો સમજોને સાસુ-સસરાની સેવામાં જ ગયાં. પહેલાં સાસુ ગયાં, પછી સસરા. એ પછી તરત અમદાવાદથી વલસાડ બદલી આવી. હવે અહીં કંઈ થાળે પડ્યા જેવું લાગે છે, એટલે જોઈએ!’
પછીથી કજરીને ઇન્તેજાર પણ રહેતો કે આ મહિને તો રક્ષાભાભીના ગુડ ન્યૂઝ આવવા જ જોઈએ! એવું તો બન્યું નહીં, પણ હા, રક્ષાભાભી ક્યારેય એવુંય બોલી જતાં - ‘અમારે બાળકના તોફાનની ખોટ નથી, અક્ષુ છેને! વિદ્યાનગરમાં એન્જિનિયરિંગ કર્યું. હવે સુરત કૉલેજમાં માસ્ટર્સ કરે છે, તોય નટખટપણું ગયું નથી. તમે જોયું જ હશે, હૉસ્ટેલ કરતાં ભાઈસાહેબ ઘરે જ વધુ રહે છે. ભાઈનો બહુ લાડકો અને એ પણ તેમને એટલું જ માને, હોં.’ 
કજરી સવારે નાહીધોઈને ત્રીજા માળની છત પર ભીનો ટૂવાલ નાખવા જાય ત્યારે મોટા ભાગે ત્રીજી અગાશીમાં તે કસરત કરતો જોવા મળે. ‘ગંજી-ટ્રૅકપૅન્ટના પોશાકમાં તેનો કસાયેલો બાંધો મારકણો લાગતો. તેનું મુખડુંય કેટલું મોહક!’
‘હાય કજરી, ગુડ મૉર્નિંગ!’
રક્ષાભાભીનો સાદ પડે ત્યારે ભાન પડે કે અગાશીની પેલી કોર એય ઊભાં છે!
‘જોને, આ બીજી વાર પ્રોટીન શેક લઈને આવી, પણ અક્ષુની કસરત હજી પતી નથી!’
‘બસ, ભાભી, બે મિનિટ!’ કહેતો અક્ષત કજરીને નિહાળી મલકી લે, ‘હાય!’
કજરીને છોકરાઓ સાથે વાત કરવાની બહુ ફાવટ નહોતી, પણ બાજુમાં રહેતા ‘સારા ઘરના’ છોકરા જોડે તો બોલાય.
‘હાય. બહુ થઈ કસરત. હવે ભાભીને છૂટાં કરો.’
તેને થમ્બઅપ કરી અક્ષત કાથીનો ખાટલો ઢાળીને એના પર ગોઠવાય. ટર્કિશ ટૂવાલથી તેનો પસીનો લૂછીને રક્ષાભાભી હસેય ખરાં, ‘બે ભાઈઓમાં કેટલો ફેર છે, કજરી. અમારા એ પાપડિયા પહેલવાન ને ક્યાં દિયરજીનાં આ ફૂલેલાં બાવડાં!’
કજરીના ચહેરા પર રતાશ પ્રસરે. અક્ષત એ મુગ્ધતામાં ખોવાઈ જાય. રક્ષાભાભીની હાજરી ગૌણ બનતી જાય. 
‘કજરી, તારે સ્ટડીમાં કયા સબ્જેક્ટ છે?’ અક્ષત નવો વિષય ખોળી કાઢે, ‘ક્યાંય ન સમજાય તો પૂછજે.’
‘હા, હોં, કજરી’ રક્ષાભાભી પાછાં કૂદી પડે, ‘મારા દિયરજી સ્કૉલર પણ છે, હં!’
ત્યાં નીચેથી ભાઈનો સાદ પડેને કજરીભાભીએ જવું પડે.
‘મને તો તમારું ગામ ગમી ગયું...’
બટકબોલા અક્ષતમાં સામાને બોલતાં કરવાની પણ ખૂબી હતી. ધીરે-ધીરે બે હૈયાં એકમેકમાં ગૂંથાતાં ગયાં. હવે ભાભી નીચે જતાં જ અક્ષત વચલા ખાલી મકાનની અગાશીની પાળ કુદાવીને આ તરફ આવી જતો. જુવાન હૈયાંને અહીં સવાર-સાંજ મનગમતું એકાંત મળતું હતું. એમાં અક્ષતની શરારતો કેવી-કેવી! કદી કપાળે ટકૅટો કૅચઅપ લગાવી લોહી નીકળ્યાનું નાટક કરી કજરીને ગભરાવી મૂકે, દુપટ્ટો ફાડી ડ્રેસિંગ કરવા જતી કજરીને એવી જકડે કે તેની પકડમાંથી છૂટવું મુશ્કેલ બની જાય.
‘ઓહો, ઈજાના બહાને મને કચડી મૂકી તમે તો! આ બાવડાં એટલે જ ફુલાવ્યાં લાગે છે!’
‘તને કેવળ બાવડાં જ દેખાય છે!’ અક્ષત આંખના ખૂણે મલકે, ‘બીજું કંઈ જોવું છે?’
કજરી તેનો ગાલ આમળે, ‘સાવ વલ્ગર! હટો.’ 
‘અરે, પણ મારે જે જોવું છે એ તો દેખાડ.’ 
ઓહ, આવાં તો કેટલાં તેમનાં તોફાન!
- અત્યારે, સ્મરણયાત્રામાં ખોવાયેલી કજરીએ ફિક્કું મલકીને પરાકાષ્ઠા વાગોળી :
પ્રણયની વસંત મ્હોર્યાને ત્યારે વરસેક થયું હશે... ત્રીજા કોઈને એની જાણ નહીં. રક્ષાભાભીનો પલ્લુ પકડીને અક્ષુ અમારા ઘરે ભળી ગયેલા, મને ક્યારેક ઇંગ્લિશના ક્લાસ પણ આપવા આવતા. અમારી કોડ લૅન્ગ્વેજ કોઈના પલ્લે પડે એમ નહોતી, ને ટેરેસના એકાંતની તો ગંધ પણ ન હોય!
‘પણ માગશરની એક ઠંડી રાત વેરણ બનીને ત્રાટકી. મધરાતના સમયે અમે સૌ ગહેરી નિંદમાં. એકાએક દેકારો મચ્યો, શોરબકોરે જાગી જવાયું. થોડી પળો પછી સૂધ આવી - અરે, આ તો અક્ષુને ત્યાંથી અવાજ આવે છે!’ 
‘ફફડતા જીવે અવાજની દિશામાં ટેરેસ પર દોડી. દૃશ્ય જોતાં જ હાયકારો નખાઈ ગયો : શ્રેયાંસભાઈ ચામડાનો પટ્ટો વીંઝી અક્ષતને ધડાધડ ફટકારતા હતા!’ 
‘કપાતર! મારી માના પેટે તું આવો ક્યાં પાક્યો!’
કજરી માટે આ બધું અસહ્ય હતું. ‘અક્ષત ધારે તો શ્રેયાંસભાઈને પળમાં પછાડી પાડે, પણ એ મૂંગા રહી માર ખાઈ રહ્યા છે ને શ્રેયાંસભાઈ બેરહેમપણે પટ્ટો ફટકાર્યે જાય છે! આખો મહોલ્લો જાગી ગયો, કંઈકેટલા લોકો ધાબે આવી ગયા.’
પહેલ કજરીએ કરી, પાળી કુદાવી, શ્રેયાંસભાઈનો હાથ પકડી લીધો, ‘બહુ થયું, આખરે અક્ષતને મારવાનું કારણ?’ 
‘કારણ!’
ક્યારનાં અગાશીના ઉંબરે માથું ટેકવીને બેઠેલાં રક્ષાભાભીએ ઊભાં થઈ ત્રાડ નાખી, ‘કારણ આ છોકરાની ફાટફાટ થતી જવાની!’ પછી ઘૂંટણિયે બેઠેલા અક્ષત તરફ ધસી જઈને બન્ને હાથે ધિબેડવા માંડ્યાં, ‘પાપિયાએ સગી ભાભી પર નજર બગાડી!’
‘હેં!’ કજરીના કાનમાં ધાક પડી. સાંભળનારા સૌ હેબતાયા. 
‘મેં વાલામૂઈએ આજે હળદર-મરચાં સૂકવવા મૂક્યાં’તાં, સાંજે લેવાનું રહી ગઈ. મધરાતે પાણી પીવા ઊઠી ત્યારે ધ્યાન આવ્યું કે ઠારમાં બધું બગડી જશે એમ માની અગાશીએ આવવાની થઈ, પાછળ જ આ પીટિયાએ આવીને મને એવી બાથ ભીડી-’ રક્ષાભાભીએ ઠૂઠવો મૂક્યો, ‘એ તો સારું થયું શ્રેયાંસ વેળાસર આવી ગયા... નહીંતર આ આખલો મને પીંખી નાખત રે!’
તેમના રુદને ઠંડા પડેલા શ્રેયાંસભાઈ વળી જોશમાં આવ્યા,  
‘આજે તેં આપણા સંબંધની મર્યાદા તોડી.’ અક્ષતનું બાવડું પકડીને તેમણે તેને ઊભો કરી ધક્કો માર્યો, ‘મારા ઘરમાં તારા જેવા વહેશીની જરૂર નથી. જતો રહે અહીંથી!’
‘આ શું થઈ ગયું?’
કજરી હતપ્રભ હતી. ઝૂકેલી ગરદને અક્ષત ત્યાંથી નીકળી ગયો એ વધુ વસમું લાગ્યું. ‘તેમના મનમાં ચોર હશે તો જને! તમારા કામાવેગથી હું અજાણ નથી અક્ષુ, પણ તમારા બદનની પ્યાસ બુઝાવવા હું તો હતીને. ઘરે કહેણ મોકલાવ્યું હોત તો મારા માવતરે ખુશી-ખુશી આપણાં લગ્ન લીધાં હોત, શયનેષુ રંભા બનીને મેં તમને મબલક સુખ આપ્યું હોત... એને બદલે તમે તો ભાન ભૂલીને પોતાની ભાભીને જ... શેઇમ શેઇમ.’
પપ્પા-મમ્મીએ શ્રેયાંસભાઈ-રક્ષાભાભીને આશ્વસ્ત કર્યાં, કલાક પછી સૌ વિખેરાયા, એ તમામનો એકસૂર હતો - ‘અક્ષતને આપણે આવો નહોતો ધાર્યો!’
રૂમમાં આવીને કજરી ખૂબ રડી. પહેલા પ્રણયમાં મળેલી ચોટ મને ફરી ઊભરવા દેશે ખરી!
‘ઠક્ ઠક.’
મળસ્કે માથા આગળની લાકડાની બારી પર દસ્તક પડતાં ઝબકી જવાયું. ઠંડીને કારણે બારી બંધ રાખવી પડતી. બાકી બહારની બાજુ જાળી હોવાથી બીજો ભય નહોતો, પણ અત્યારે મારા રૂમની બારી આગળ કોણ હશે?
‘કજરી હું છું, અક્ષત!’
અ...ક્ષ...ત! ઝાટકાભેર ઊભી થઈ કજરીએ બારીનાં બન્ને અડધિયાં ખોલ્યાં, ‘હજી શું બાકી રહ્યું અક્ષત?’ તેના પ્રશ્નમાં ઘૃણા હતી. વહેશી આદમી પ્રત્યે બીજો કયો ભાવ રહે? 
‘હું ગામ છોડીને જાઉં છું, કજરી. જતાં પહેલાં તારો સાથ, તારો હાથ, તારો વિશ્વાસ માગું છું.’
‘હાથ, સાથ, વિશ્વાસ!’ કજરીનાં નાખોરાં ફૂલી ગયાં, ‘ભાભીને ભેટવા ગયા ત્યારે મારો વિચાર ન આવ્યો. હવે પ્રેમની દુહાઈ દેવા આવ્યા છો!’
‘નારાજ થવાનો તને હક છે કજરી, પણ મારા પર આટલો જ ભરોસો?’
‘ગળગળા થઈને તમે મને ભોળવી ન શકો અક્ષત, હાલતા થાઓ.’ કજરીએ ફટાક કરતી બારી બંધ કરી દીધી.
‘હું જઈશ, કજરી તો કદી પાછો નહીં આવું...’
‘આવા શબ્દોથી હું પીગળવાની નથી, અક્ષત, ભાભી પર નજર બગાડનારાને તો નરકમાં પણ જગ્યા ન મળે, તમે મારા હૈયાની અપેક્ષા પણ કઈ રીતે રાખી શકો? ગેટ લૉસ્ટ.’ 
અક્ષતને સંબોધતાં કહેવાયેલા છેલ્લા શબ્દોને આજે તો ત્રણ-ત્રણ વર્ષ થયાં!
કજરીએ માથું ખંખેર્યું : ‘તોય જાણે કેમ આવી એક નિશાનીએ અક્ષત આજેય સાંભરી જાય છે! પ્રણય કદી નામશેષ નહીં થતો હોય?’
‘મારા પર આટલો જ ભરોસો?’
અક્ષતના આ શબ્દો ક્યારેક કંપાવી જતા. અંતર પોકારી ઊઠતું. ‘મારે તેમને ખુલાસાની તક તો આપવી જોઈતી’તી. તેમણે જે કર્યું એનો બચાવ હોય જ નહીં, પણ એક વાર તેમનો પક્ષ સાંભળ્યો હોત તો ભીતર ક્યાંક તેને તરછોડવાની અણખટ ન હોત!’ 
ઊંડો શ્વાસ લઈને કજરીએ જાતને ટપારી : ‘જેની ચારિત્ર્યક્ષતિ નફરતને કાબેલ છે તેને માટે પ્રીત ન હોય, ઘેલી! તું તો વેળાસર ઊગરી ગઈ, કજરી, એનો પાડ માન!’
મન મનાવવાની આ રમત લગભગ રોજ રમવી પડતી અને છતાં એ હકીકત હતી કે વધુ ને વધુ અભ્યાસના બહાને પોતે લગ્નનાં કહેણ ટાળતી રહે છે. ‘ઇચ્છા જ નથી કે પછી ઊંડે-ઊંડે અક્ષતનો ઇન્તેજાર હશે, કોને ખબર!’
‘મા-બાપનું કોઈ વાતે દબાણ નથી એની રાહત છે. એમ ત્રીજા ઘરે શ્રેયાંસભાઈ-રક્ષાભાભી પણ ક્યાં સુખી છે! નાના ભાઈ વિના શ્રેયાંસભાઈ અંદરખાને હિજરાય છે. રક્ષાભાભીને એવો રોગ વળગ્યો છે કે મહિનાના ૨૦ દહાડા ખાટલામાં જ હોય. ક્યારેક તેમને ત્યાં જઈ રસોઈપાણી કરી આવું એટલે ધ્યાન છે કે અક્ષતના તેમને પણ કોઈ ખબર નથી...’
‘હશે જેવી જેની કિસ્મત, બીજું શું!’
મન મનાવતી કજરીને ખબર હોત કે જે બન્યું એમાં ખરેખર અક્ષતનો વાંક નહોતો.... દિયરની ભાભી પર નહીં, ભાભીની દિયર પર નજર બગડી હતી એ સત્ય કજરી જાણતી હોત તો?
lll
‘જાઉં છું.’ હાથના અંકોડા છોડાવીને ઍરપોર્ટની ડિપાર્ચર વિન્ગ તરફ વળતા આદર્શે પળવાર અટકીને પાછું વળી પત્નીને નિહાળી., ‘તને કહેવાનું ન જ હોય રિયા, પણ સ્નેહાભાભીનો વિશેષ ખ્યાલ રાખજે.’
‘અફકોર્સ, ડિયર!’ રિયાએ ખાતરી ઉચ્ચારી, ‘તમારી આ ત્રણ મહિનાની ગેરહાજરીમાં ભાભીને જરાય ઊંણુ નહીં આવવા દઉં...’
સંતોષના સ્મિત સાથે આદર્શે પગ ઉપાડ્યા. તેની પીઠ પાછળ રિયાના ચિત્તમાં પડઘો પડ્યો ઃ ‘તમારાં વહાલાં ભાભીનું હું એવું ધ્યાન રાખીશ આદર્શ કે તમે ત્રીજા મહિને દુબઈથી પાછા ફરશો ત્યારે તેમનું સ્થાન આપણા સંસારમાં તો નહીં જ હોય!’ 

વધુ આવતી કાલે

29 November, 2021 09:22 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff

અન્ય લેખો

જ્યોત-જ્વાળા (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 4)

‘તું એટલું જ વિચાર અત્તુ કે કાલ ઊઠીને તારાથી ખાનગી તારી આ વિધવા માનો કોઈ સાથે સંબંધ રહ્યો ને એનો પર્દાફાશ જાહેરમાં થાય તો...’

13 January, 2022 01:35 IST | Mumbai | Samit (Purvesh) Shroff

જ્યોત-જ્વાળા (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 3)

‘જુહુની ફાઇવસ્ટાર હોટેલમાં ફંક્શન છે, મા. મારે અને શેખુએ જવાનું છે. સો વૉટ આઇ થિન્ક, હું તમારો ચોકીવાળો સેટ પહેરી જઈશ’

12 January, 2022 09:21 IST | Mumbai | Samit (Purvesh) Shroff

જ્યોત-જ્વાળા (વાર્તા-સપ્તાહ | પ્રકરણ ૨)

આ વિચારોમાં ચોથો માળ આવી પણ ગયો... બધા માળે સુનકારો જ જોવા મળેલો. મેઘનાભાભીએ કહેલું હવે સાંભર્યું કે આ બિલ્ડિંગમાં મોટા ભાગનાં વર્કિંગ કપલ્સ છે એટલે ઑફિસ-અવર્સમાં તો સાવ શાંતિ હોય છે

11 January, 2022 12:21 IST | Mumbai | Samit (Purvesh) Shroff

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK