Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જન્ક ફૂડ (મૉરલ સ્ટોરી)

જન્ક ફૂડ (મૉરલ સ્ટોરી)

18 June, 2021 01:49 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘એટલે તો કહું છું થેપલાં. મસ્ત ઉપર પિકલ લગાવી દઉં.’ મમ્મીએ લાડ કર્યાં, ‘મારો દીકરો, બહુ ડાહ્યો... ચાલ એક ખાઈ લે.’

જન્ક ફૂડ

જન્ક ફૂડ


‘એકદમ મસ્ત છે, ગરમાગરમ...’ મમ્મી રીતસર કરગરતી હતી, ‘તારા માટે જ બનાવ્યા છે થેપલાં...

એક ખાઈ લે.’



‘ના...’ સોફા પર બેઠેલા ઢબ્બુએ તકિયાનો ઘા કર્યો, ‘ચિપ્સ જોઈએ મને.’


‘ના, ચિપ્સ નહીં મળે.’ મમ્મીનો સૂર ઊંચો થયો પણ પછી તરત જ તેણે અવાજમાં સરળતા લાવી દીધી,

‘સવારે પણ તેં ચિપ્સ ખાધી’તીને. અત્યારે ચિપ્સ નહીં...’


‘તો નથી ખાવું.’

ઊભો થઈને ઢબ્બુ પોતાની રૂમમાં જતો રહ્યો. આજે સ્કૂલ બપોરની હતી. સવારથી ઇન્ટરનેટ કનેક્શનમાં ધાંધિયા ચાલતા હોવાથી ઉત્પલ સંઘવી ગ્લોબલ સ્કૂલે મૉર્નિંગ સ્કૂલનો ટાઇમ એક વીક માટે બપોરનો કરી નાખ્યો હતો. ઑનલાઇન એજ્યુકેશનની આ જ નિરાંત હતી. કોઈએ ક્યાંય જવાનું નહીં અને એમ છતાં ઘેરબેઠાં આખી સ્કૂલ તમારી રૂમમાં પહોંચી જાય.

ક્લાસ ચાલુ થાય એ પહેલાં ઢબ્બુને રોટલી અને શાક આપવામાં આવ્યાં તો ભાઈએ નાટક કર્યાં અને સ્કૂલ ચાલુ થઈ જશે એવી બીકે મમ્મીએ તેની ડિમાન્ડ પૂરી કરી ચિપ્સ અને કોક આપી દીધાં પણ હવે સ્કૂલ પૂરી થયા પછી ભાઈનાં નવાં નખરાં આવ્યાં હતાં.

‘થેપલાં નહીં, ચિપ્સ...’

‘આ તારું રોજનું થતું જાય છે હવે...’ મમ્મીએ જીદ સામે વઢનું હથિયાર વાપર્યું તો ખરું પણ એમાં આક્રમકતાની કમી હતી, ‘એકદમ મસ્ત છે, ગરમાગરમ... તારા માટે જ બનાવ્યા છે થેપલાં... એક ખાઈ લે.’

‘ના, થેપલાં નહીં.’

‘તો?’ મમ્મીએ ઑપ્શન આપ્યા, ‘ઢોસા બનાવી દઉં?’

ઢબ્બુએ મોઢું બગાડ્યું એટલે મમ્મીએ બીજો ઑપ્શન આપ્યો.

‘ઢોકળાં?’

‘ના...’

‘દાલ-રાઇસ?’

‘દાલ-રાઇસ નાસ્તો કહેવાય?’ ઢબ્બુએ સામો સવાલ કર્યો, ‘મને નાસ્તાની ભૂખ છે. નાસ્તો કરવો

છે મારે.’

‘એટલે તો કહું છું થેપલાં. મસ્ત ઉપર પિકલ લગાવી દઉં.’ મમ્મીએ લાડ કર્યાં, ‘મારો દીકરો, બહુ ડાહ્યો... ચાલ એક ખાઈ લે.’

‘ના.’

‘તો?’

‘ચિપ્સ... ને કોલ્ડ ડ્રિન્ક્સ.’

‘ચિપ્સ નથી. સવારે તું ખાઈ ગયો.’

‘વાંધો નહીં, મગાવી લઉં છું.’

ઢબ્બુએ મમ્મીનો ફોન ઉપાડ્યો

અને ઍપ ખોલવાનું શરૂ કર્યું. મમ્મીને પણ પૂછ્યું,

‘તારા માટે મગાવું કઈ?’

‘ના.’ મમ્મીએ ચોખવટ કરતાં કહી દીધું, ‘ને તારા માટે પણ કંઈ નહીં.’

ઢબ્બુએ મમ્મીની સામે જોયું. મમ્મીની આંખમાં રહેલો તાપ તે

પારખી ગયો હોય એમ તેણે મોબાઇલ મૂકી દીધો.

‘થેપલાં, એકદમ મસ્ત છે. એકદમ ગરમાગરમ...’

‘ના, ચિપ્સ.’

‘ચિપ્સ નહીં મળે.’

‘તો નથી ખાવું.’

ઢબ્બુ રૂમમાં ગયો અને મમ્મી નિરુપા રોય જેવો ચહેરો કરીને ઢબ્બુને જતો જોઈ રહી. બે ક્ષણ સુધી તો તે એમ જ ઊભી રહી પણ પછી રહેવાયું નહીં એટલે એ ઢબ્બુની પાછળ ગઈ.

‘ઢબ્બુ, ખાઈ લેને... બહુ ડાહ્યો.’

ડ્રોઇંગ રૂમમાં અંદરથી આવતો અવાજ પડઘાઈ રહ્યો હતો.

‘નથી ડાહ્યો હું... બસ?’

બહાર આવી ગયેલા પપ્પા સુધી જીદે ચડેલા ઢબ્બુનો અવાજ પહોંચી ગયો હતો. રૂમમાં જવાને બદલે પપ્પાએ બહારથી જ વાત સાંભળવા અને સમજવાનો પ્રયાસ કર્યો. બેચાર ડાયલૉગ્સમાં જ તેમને સમજાઈ ગયું કે વાત જમવાને લગતી ચાલી રહી છે.

પોતાનાં શૂઝ ઉતારતી વખતે

પણ પપ્પાનું ધ્યાન અંદરના સંવાદો

પર જ હતું.

મમ્મી કહેતી હતી, ‘પપ્પાને ખબર નથી, કહું હું તેને, કાલે પણ તેં પીત્ઝા ખાધા હતા.’

‘કહી દે, મને નહીં તને ખિજાય.’ ઢબ્બુનો જવાબ હતો, ‘તેં શું કામ મને ઑર્ડર કરવા દીધો? જોજે, પપ્પા જ ખિજાશે. તને...’

‘બહુ સારું...’ મમ્મીએ છણકો કર્યો, ‘ઊભો થા... ચાલ જમવા.’

‘ચિપ્સ છે?’

હરીફરીને ઢબ્બુની વાત એ જ ટૉપિક પર આવી.

‘નથી.’

‘તો નથી જમવું.’

‘સ્ટોરી સાંભળવાની છે?’

બહારથી અવાજ આવ્યો અને ઢબ્બુના કાન ચમક્યા.  

એ સીધો બહાર ભાગ્યો.

lll

‘જમીને કરીએ તો સ્ટોરી?’

‘ના. પહેલાં સ્ટોરી...’ ઢબ્બુએ જવાબ પણ આપી દીધો, ‘ભૂખ નથી મને અત્યારે...’

‘ખોટાડો...’ મમ્મીએ ઢબ્બુની સામે જોયું, ‘બપોરે પણ જમ્યો નથી.’

‘તો?’

‘શું તો? કહું આખો દિવસ ચિપ્સ ને કોલ્ડ ડ્રિન્ક્સ પર કાઢે છે.’

‘કોલ્ડ ડ્રિન્ક્સ ઘરમાં કોણ લાવે છે?’

પપ્પાએ ઢબ્બુ સામે જોઈને સવાલ કર્યો, પણ સવાલની અણી મમ્મી

તરફ હતી.

ઢબ્બુ તરત જ ચાલતી ગાડીએ

ચડી ગયો.

‘મમ્મી તને પૂછે છે, દે જવાબ...’

‘મમ્મી જવાબ પછી આપશે, પહેલાં સ્ટોરી કરીએ?’

‘હા... કોની? તારા જેવા  નાના ઢબ્બુની?’

‘ના, એ તો બનાવેલી હશે. સાચી સ્ટોરી કહો.’

‘સાચી જ છે.’

 

‘એન્જલ પ્રૉમિસ?’

‘હમં...’ પપ્પાએ ઢબ્બુ પર હાથ રાખીને કહ્યું, ‘એન્જલ પ્રૉમિસ.’

‘ઓકે, તો કહો.’

‘એક ઢબ્બુ હતો.’

‘મારા જેવો?’

‘હા, એકદમ તારા જેવો.’ કપડાં ચેન્જ કર્યા વિના જ પપ્પાએ ઢબ્બુને ખોળામાં લીધો, ‘અને ઢબ્બુનાં એક મમ્મી-પપ્પા હતાં.’

‘એક જ?’

‘કેમ તારે વધારે જોઈએ છે?’

પપ્પાએ પ્રશ્ન કર્યો પણ જવાબ સાંભળવા મમ્મીના કાન ઢબ્બુ સુધી પહોંચી ગયા હતાં.

‘પપ્પા એક જ જોઈએ છે, પણ મમ્મી બે...’

‘હા, કહે તારા પપ્પાને. લઈ

આવે બીજી મમ્મી.’ મમ્મીએ જવાબ આપ્યો, ‘આમ પણ ઘરમાં કામવાળીની જરૂર છે.’

‘બીજી મમ્મી ખાલી મારું કામ કરશે. મને ચિપ્સ પણ લઈ આપશે.’

‘બસ.’ પપ્પાએ વૉર-ફ્રન્ટમાં ફેરવાતા ડ્રૉઇંગ-રૂમને શાંત કર્યો, ‘સ્ટોરી સાંભળવી છેને?’

‘હા. એક ઢબ્બુ ને એક તેનાં

મમ્મી-પપ્પા... પછી?’

‘ઢબ્બુ, બહુ ડાહ્યો. બધી વાત

માને તેના પેરન્ટ્સની, ખાલી એક વાત માને નહીં.’

‘કઈ?’

‘જમવાની.’

lll

દરરોજ લપ કરવી પડે મમ્મીએ ઢબ્બુ સાથે પણ ઢબ્બુને ઘરનું ભાવે જ નહીં. આખો દિવસ પીત્ઝા, બર્ગર ને પાંઉભાજી. દૂધ તો પીએ જ નહીં, કોલ્ડ ડ્રિન્ક્સ. કોઈ લઈ ન આપે તો ખાવા-પીવાનું નહીં પણ ખાવા-પીવાનું તો આવું જ બધું, જન્ક ફૂડ.

એક દિવસ વાત પપ્પાને

ખબર પડી. પપ્પાને આવી કોઈ વાત ખબર નહોતી.

‘ઢબ્બુ કંઈ ખાતો નથી. પરાણે ખવડાવું તો ભૂખ્યો સૂઈ જાય છે પણ ઘરની ખાવાની આઇટમને હાથ પણ નથી લગાડતો.’

‘સવારે તો ડાહ્યો થઈને દૂધ

પીએ છે.’

મમ્મીએ ભાંડો ફોડ્યો.

‘ના, નથી કરતો એવું. તમે ઘરમાં હો તો એ દૂધ ગૅલેરીના કૂંડામાં ઢોળી નાખે છે અને ન હો તો મૂકીને નીકળી જાય છે.’

‘આજે બપોરે

મારી સાથે તેને

જમવાનું આપજે.’

મમ્મીએ એવું જ કર્યું અને ધારણા મુજબ જ ઢબ્બુએ નાટક કર્યા.

‘મારે નથી જમવું.’

પપ્પાએ પૂછ્યું, ‘કેમ?’

‘મને કોબીનું શાક નથી ભાવતું.’

‘તો દાળ-ભાત

ખાઈ લે.’

‘દાળમાં

લીમડો છે.’

પપ્પા બીજો કોઈ ઑપ્શન આપે એ પહેલાં તો ઢબ્બુ ડાઇનિંગ ટેબલ પરથી ઊભો થઈ ગયો.

‘હું પછી ખાઈ લઈશ.’

lll

‘બિલકુલ તારા જેવું કરે એ.’

પપ્પાએ ઢબ્બુને બાજુમાં બેસાડી તેની આંખમાં જોયું.

‘આખો દિવસ ચિપ્સ જ ખાવા જોઈએ તેને. ચિપ્સ હોય, પીત્ઝા

હોય, બર્ગર હોય તો રાજી-રાજી થઈને ખાઈ લે.’

‘હોય પણ મસ્તને એ તો.’ ઢબ્બુનું ધ્યાન સ્ટોરીમાં હતું, ‘પછી, તેના પપ્પાએ શું કર્યું? લઈ આપી ચિપ્સ?’

‘ના, પણ ચિપ્સને બદલે પપ્પાએ તેને બીજી ચીજ ગિફ્ટમાં આપી.’

‘શું?’

lll

‘પ્લાન્ટ! મને...’

પપ્પા નાનો પ્લાન્ટ ઢબ્બુ માટે લઈ આવ્યા એટલે ઢબ્બુને સરપ્રાઇઝ થઈ.

‘આનું શું કરવાનું?’

‘આ મેક-અ-વિશ પ્લાન્ટ છે.

એનું ધ્યાન રાખજે ને દરરોજ સવારે એની પાસે તું તારી ઇચ્છા કહેજે. એ પૂરી કરશે.’

બીજા દિવસે સવારે જાગતાંની સાથે જ ઢબ્બુએ પ્લાન્ટને કહ્યું કે હે પ્લાન્ટ, મને આજે સવારમાં કોલ્ડ ડ્રિન્ક્સ મળી જાય તો મજા આવી જાય.

ઢબ્બુ હૉલમાં આવ્યો અને ટેબલ પર જોઈને ખુશ થઈ ગયો.

ટેબલ પર દૂધને બદલે કોલા હતી.

બપોરે પણ એવું જ થયું. ઢબ્બુએ પ્લાન્ટને કહ્યું કે મને આજે જમવામાં પીત્ઝા મળે.

એવું જ થયું. આવી ગયા ઢબ્બુ માટે પીત્ઝા. રાતે પણ પ્લાન્ટને કહી દીધું કે બર્ગર જોઈએ એટલે ઢબ્બુને બર્ગર મળી ગયું.

બીજો દિવસ થયો. બીજા દિવસે પ્લાન્ટ સહેજ મુરઝાયો એટલે

ઢબ્બુએ મમ્મી પાસે પ્લાન્ટને

પીવડાવવા પાણી માગ્યું.

‘પાણી શું કામ, તું જે પીએ છે એ જ આપ એને...’

‘હા, બેસ્ટ છે...’

ઢબ્બુએ કોક પીવડાવી દીધી પ્લાન્ટને.

lll

કિચનમાં કામ કરતી મમ્મીને સ્ટોરી સાંભળતાં-સાંભળતાં પપ્પા પર માન થતું હતું.

આ વાંદરો આનાથી જ હૅન્ડલ થાય.

મનમાં આવેલા વિચાર પર તેણે જ સ્માઇલ કરી લીધું અને પછી સ્ટોરી પર ધ્યાન આપ્યું.

lll

સાંજે પ્લાન્ટને જમવાનું આપવાનું આવ્યું એટલે ઢબ્બુ પપ્પા પાસે ગયો.

‘પપ્પા, મારા પ્લાન્ટને ફર્ટિલાઇઝર આપવું પડશેને?’

‘અરે ના, તારા પ્લાન્ટને ફર્ટિલાઇઝરની શું જરૂર? એ તો તું જે ખાય છે એ જ ખાશે. આપ એને...’

ઢબ્બુએ પ્લાન્ટ પર ઢગલાબંધ ચિપ્સ નાખી દીધી અને પછી ભૂકો કરીને એ ચિપ્સ રેતીમાં મિક્સ કરી દીધી.

રાતે પ્લાન્ટ પાસે સૂતાં-સૂતાં ઢબ્બુ સૂઈ ગયો. તેને મનમાં હતું કે સવાર સુધીમાં પ્લાન્ટ મસ્ત મોટો થઈ જશે, પણ બન્યું ઊલટું.

સવાર સુધીમાં તો પ્લાન્ટ સાવ સુસ્ત થઈને મુરઝાવા માંડ્યો.

સવારે પ્લાન્ટને નબળો પડી ગયેલો જોઈને ઢબ્બુ પ્લાન્ટ લઈ સીધો પપ્પા પાસે ગયો.

‘પપ્પા, મારો પ્લાન્ટ... જોવો કેવો થઈ ગયો સાવ, હવે?’

‘હવે તો આ પ્લાન્ટ મરી જશે.’

‘ના, મને જોઈએ છે આ પ્લાન્ટ...’ ઢબ્બુ રડવા જેવો થઈ ગયો, ‘શું કરું હું?’

‘એક કામ કર, એને હવે કોલ્ડ ડ્રિન્ક્સ નહીં આપતો અને બીજું શું ખવડાવ્યું તેં એને?’

‘ચિપ્સ... અને અને એક પીત્ઝા.’

‘તો હવે એ પણ ખાવા દેતો નહીં એને તું.’ પપ્પાએ જવાબ આપ્યો, ‘એ ફૂડ સારું નહીં નાના પ્લાન્ટ માટે...’

‘પણ એ તો હું ખાઉં છું રોજ.’

‘તો તારા માટે પણ સારું નહીંને, તું પણ નાનો પ્લાન્ટ જ છો.’ પપ્પાએ ઢબ્બુને પાસે ખેંચ્યો, ‘તારા વિના પણ અમને ગમે નહીંને.’

lll

‘પ્રૉમિસ, હું પણ કાલથી નહીં ખાઉં.’ ઢબ્બુ સોફા પરથી ઊભો થયો અને ડાઇનિંગ ટેબલ પર જઈને

બેસી ગયો, ‘મમ્મી, જલદી આપ, ભૂખ લાગી છે...’

‘પણ મેં તો ખીચડી બનાવી છે...’

ઢબ્બુએ પપ્પાની સામે જોયું.

પપ્પા સવાલ સમજી ગયા.

‘ખીચડી તો પ્લાન્ટ માટે બહુ સારી.’

ઢબ્બુએ રાડ પાડી.

‘મમ્મી, મને ખીચડી દે... ફાસ્ટ.’

 

સંપૂર્ણ

Whatsapp-channel Whatsapp-channel

18 June, 2021 01:49 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK