° °

આજનું ઇ-પેપર
Wednesday, 01 February, 2023


લૉટરી (પ્રકરણ -૩)

25 January, 2023 10:02 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘એકલા રહેવાથી પ્રશ્ન પૂરો થઈ જતો હોત તો અત્યાર સુધીમાં તેં પૂરો કરી લીધો હોત...’ રવિએ ન્યુઝ-સ્ક્રિપ્ટ ફાઇલ કરીને ફરી આરતી સામે જોયું, ‘પ્રશ્ન પૂરો નથી થયો અને એનો અર્થ સિમ્પલ એટલો કે હવે તારે મને વાત કરવી જોઈએ.’

લૉટરી (પ્રકરણ - ૩) વાર્તા-સપ્તાહ

લૉટરી (પ્રકરણ - ૩)

ડિલક્સ અપાર્ટમેન્ટની ડી-વિન્ગમાં આવેલા એ ફ્લૅટમાં કમલ શર્મા રહેતો હતો. કમલ બ્લૅકમેઇલર હતો. ઇન્દોરમાં રહેતો કમલ મુંબઈ આવ્યો હતો મૉડલ અને ટીવી-સિરિયલમાં ઍક્ટર બનવા. બન્યો પણ ખરો, પણ તેની કરીઅર ટૂંકી રહી અને માત્ર બે વર્ષના પિરિયડમાં તે ફેંકાઈ ગયો. અલબત્ત, લાઇનમાંથી ફેંકાઈ જવાનું કારણ પણ હતું.
કમલ કૅરૅક્ટરની બાબતમાં કોઈ પણ બાંધછોડ કરી લે એવો હતો અને કર્મનો સિદ્ધાંત છે કે જે પોતાના કામ પ્રત્યે વફાદાર નથી રહેતું તેની સાથે કર્મ પણ ક્યારેય વફાદારી નથી દાખવતું.
કમલ દેખાવે સરસ હતો. સિક્સ-પૅક બૉડી અને દૂધ જેવી ત્વચા ધરાવતા કમલથી સારામાં સારી ઍક્ટ્રેસ પણ અટ્રૅક્ટ થતી. પહેલાં ઍક્ટ્રેસને અને પછી ઍક્ટ્રેસ બનવા માગતી યુવતીઓને બેકારીમાં કમલ ફસાવતો. શરૂઆતમાં તો તેનો હેતુ ક્લિયર હતો - ઘરખર્ચ નીકળ્યા કરે અને તે પોતાની સ્ટ્રગલ અકબંધ રાખે. જોકે ધીમે-ધીમે કમલનો આ જ સ્વભાવ થવા માંડ્યો અને તે બ્લૅકમેઇલિંગના રસ્તે આગળ વધવા માંડ્યો.

શરૂઆત તો તેણે ઉછીના પૈસા માગવાના હેતુથી જ કરી હતી, પણ એ પછી કમલને હરામની આ આવક વધારે વહાલી લાગવા માંડી એટલે પોતાની ગૂગલ પ્રોફાઇલની મદદથી આ સાઇડ ઇન્કમને આગળ વધારવાની શરૂ કરી દીધી. કહે છેને કે ખરાબ લત વધારે ઝડપથી માણસને ઘેરી વળે. બસ, એવું જ થયું કમલ સાથે અને કમલે પોતાનું ફોકસ બ્લૅકમેઇલની આ ખરાબ લત તરફ વાળી દીધું.
ટીવી-ઍક્ટર તરીકેનું બૅકગ્રાઉન્ડ અને એમાં વેંત ઊંચો ચડે એવો લુક.

કમલ શર્માના સોશ્યલ મીડિયા પર દર અઠવાડિયે છોકરીઓની લાઇનો લાગતી અને એ લાઇનોમાંથી કમલ છોકરીઓ પસંદ કરીને પહેલાં તેમની સાથે મજા કરતો અને પછી તેમની પાસેથી પૈસા પડાવતો. શરૂઆતમાં તો પૈસા પ્રેમથી નીકળી જતા, પણ પછી જેવી આનાકાની શરૂ થાય કે તરત કમલ એ છોકરીઓને પોતાની સાથે રંગરેલિયાં મનાવી હોય એવા ફોટોગ્રાફ્સ ફૉર્વર્ડ કરીને બ્લૅકમેઇલિંગનો રસ્તો વાપરતો.
કમલ ઇન્ટેલિજન્ટ પણ હતો.

તે બને ત્યાં સુધી એવી જ છોકરીઓ પસંદ કરતો જેઓ મુંબઈ બહારથી સ્ટ્રગલ કરવા માટે મુંબઈ આવતી. એમાં કમલની ગણતરી પણ કામ કરતી. જો ફૅમિલી મુંબઈમાં રહેતું હોય તો ક્યારેક પણ પ્રૉબ્લેમ થવાની શક્યતા રહેતી, પણ જો છોકરી એકલી રહેતી હોય તો તે કમલ સામે શિંગડાં ભરાવવાની માથાકૂટમાં પડવાને બદલે કાં તો કમલને તાબે થઈ જાય અને કાં તો કમલથી ત્રાસીને મુંબઈ છોડી દે. 
છોકરીની આ બન્ને હરકતમાં કમલને નિરાંત રહેતી.
હરામની કમાણીની એક ખાસિયત છે. એ માણસને આળસુ બનાવે છે. 

કમલ હવે આળસુ થઈ ગયો હતો. તેને કામ કરવું નહોતું અને કામ કર્યા વિના એશઆરામ ભોગવવાનો રસ્તો તેના હાથમાં આવી ગયો હતો. કમલના એશઆરામનો આ રસ્તો અકબંધ રહ્યો હોત જો રવિના ધ્યાનમાં આ આખી વાત આવી ન હોત.
રવિના ધ્યાનમાં પણ સાવ અનાયાસ જ આ વાત આવી અને રવિમાં રહેલો પત્રકાર કમલ શર્માને તાબે કરવાની ચૅલેન્જ લઈ બેઠો.
lll

‘થયું શું એ કહીશ તું?’
છેલ્લા ત્રણ દિવસથી મૂડલેસ થઈને ફરતી રવિની બેસ્ટ ફ્રેન્ડ એવી આરતી અત્યારે પણ મૂડમાં નહોતી અને રવિને હવે અજુગતું લાગવા માંડ્યું હતું. સામાન્ય રીતે આરતી હંમેશાં ખુશ રહે, પણ ૭૨ કલાકથી આરતી રવિ સાથે રીતસર વાત કરવાનું પણ ટાળતી હતી. બરોડાથી આવેલી આરતીના પેરન્ટ્સને પણ હવે આરતીની ચિંતા થતી હતી, કારણ કે આરતીએ તે લોકોના ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું.

‘આરતી, આઇ ઍમ ટૉકિંગ વિથ યુ...’ સ્ટારબક્સમાં બીજી કૉફી પૂરી કર્યા પછી પણ હજી પ્રશ્ન તો ત્યાં જ હતો, ‘કંઈક કહીશ તો ખબર પડશે કે શું થયું છે?’
‘નથિંગ...’ આરતી રીતસર અકળાઈ ગઈ હતી, ‘પ્લીઝ યાર, લીવ મી અલોન...’
‘એકલા રહેવાથી પ્રશ્ન પૂરો થઈ જતો હોત તો અત્યાર સુધીમાં તેં પૂરો કરી લીધો હોત...’ રવિએ ન્યુઝ-સ્ક્રિપ્ટ ફાઇલ કરીને ફરી આરતી સામે જોયું, ‘પ્રશ્ન પૂરો નથી થયો અને એનો અર્થ સિમ્પલ એટલો કે હવે તારે મને વાત કરવી જોઈએ.’
‘પ્લીઝ રવિ...’

આ પણ વાંચો: લૉટરી (પ્રકરણ - ૧)

‘પ્લીઝ આરતી...’ રવિએ એ જ ટોન સાથે આરતીની સામે જોઈને કહ્યું, ‘જો, તારે કોઈ ભાઈ નથી, સિસ્ટર પણ નથી એટલે તારે જે ગણવું હોય એ મને જ ગણવાનો છે...’
અચાનક રવિને યાદ આવ્યું એટલે તેણે વાતાવરણને હળવું કર્યું.
‘બૉયફ્રેન્ડ પણ નથીને તારે...’ આરતીના ચહેરા પર સ્માઇલ જોઈને રવિમાં હિંમત આવી, ‘બૉયફ્રેન્ડ પણ મને જ માની લે અને કહી દે કે શું થયું છે?’
‘કહેવાય એમ નથી યાર...’
‘કેમ?’ રવિએ લિબર્ટી લીધી, ‘PMS ઇશ્યુ છે?’
‘સ્ટુપિડ...’ આરતીએ તેના હાથમાં રહેલું પર્સ રવિને માર્યું, ‘એવું ન બોલાય...’
‘નહીં બોલું, પણ નાઓ સે ફાસ્ટ કે શું થયું છે?’
‘રિયલી સિરિયસ ઇશ્યુ છે...’
આરતીએ ઇશ્યુ વિશે કશું કહ્યું નહીં, એટલે રવિએ ફરી અનુમાન લગાવ્યું.
‘પ્રેગ્નન્સી?’

આ વખતે આરતીનું બિહેવિયર પહેલાંની જેમ મજાકિયું રહ્યું નહીં, પણ તેણે ના પાડી એ રવિએ જોયું એટલે રવિ પણ સિરિયસ થયો.
‘ટેલ મી, શું થયું છે?’ રવિએ આરતીનો હાથ પોતાના હાથમાં લીધો, ‘આઇ પ્રૉમિસ, હું તને હેલ્પ કરીશ.’
‘એક વ્યક્તિ છે...’ આરતીએ રવિ સામે જોયું, ‘તે મને બ્લૅકમેઇલ કરે છે.’
‘ઉસકી મા કી...’ રવિએ શબ્દો પર કન્ટ્રોલ કર્યો, ‘વાત કર, તે માણસને તો હું સીધો કરીશ યાર... આટલી જ વાત.’
‘આટલી વાત નથી રવિ. તેની પાસે મારા ફોટોગ્રાફ્સ છે...’
‘કેવા?’
‘એવા...’

એ પછી રવિ અને આરતીએ આંખોના ઇશારે વાત કરી અને આરતીને જે કહેવું હતું એ રવિ સમજી પણ ગયો.
‘જરા ડીટેલમાં કહીશ મને, તો હું કોઈ રસ્તો...’
‘તેનું નામ કમલ છે... કમલ શર્મા.’
‘પેલો જૂનો, ટીવીવાળો...’
‘હા, એ જ...’ રવિ કમલને ઓળખી ગયો એટલે આરતીમાં સહેજ હિંમત આવી, ‘એ જ કમલ શર્મા જે અગાઉ ટીવી-સિરિયલ કરતો હતો...’
આરતીએ માંડીને વાત શરૂ કરી.
lll

કાસ્ટિંગ ડિરેક્ટરનો કૉલ આવ્યો અને આરતી તે કાસ્ટિંગ ડિરેક્ટરને મળવા ગઈ, પણ તે કાસ્ટિંગ ડિરેક્ટરને જોઈને હેબતાઈ ગઈ.
એ જ ઍક્ટર, જેને તે ટીનેજમાં મનોમન ચાહવા લાગી હતી.
સુપરહિટ સિરિયલમાં નેગેટિવ રોલ કરનારા કમલની કાસ્ટિંગ કંપનીમાંથી તેને મળવા માટે બોલાવવામાં આવે એ વાત જ આરતીને મન તો લીડ રોલ મળ્યા સમાન હતી અને હકીકત એ જ હતી. કમલ ઇચ્છતો હતો કે આરતી જેવી જ કોઈ છોકરી તેના હાથમાં આવે. લીડિંગ ટીવી-ચૅનલની સિરિયલનો રોલ ઑફર કરવાના નામે મળેલા કમલે જ આરતીને એ રોલ છોડી દેવા માટે સમજાવી અને આરતીને મળીને તેણે આરતીના મનમાં ઠસાવી દીધું કે તે ફિલ્મ-મટીરિયલ છે.
‘જો ફ્રૅન્ક્લી કહું તો હું તને ના પાડીશ કે તું ટીવી-સિીરિયલ નહીં કર... આઇ વિલ ટ્રાય ફૉર યુ કે તને ફિલ્મ મળે...’ કમલની જીભ પર ખાંડની ગૂણી હતી, ‘તારા જેવો ઇનોસન્ટ ફેસ મળતો હોય તો હું પોતે અક્ષયને કહીશ, કરણને કહીશ કે તમારે આ જ છોકરી લેવાની હોય...’
અક્ષયકુમાર અને કરણ જોહરને આ રીતે, તુંકારા સાથે બોલાવતી વ્યક્તિને જોઈને સ્વાભાવિક રીતે એક ગુજરાતી છોકરી તે વ્યક્તિના પ્રભાવમાં આવી જ જાય અને આરતી સાથે એવું જ બન્યું.

‘સર, તમને એમ લાગતું હોય તો એમ સર...’
‘એય, હલો...’ કમલે પાસા ફેંકવાના શરૂ કર્યા, ‘આમ સર-સર નહીં કરવાનું. આઇ ઍમ લાઇક યૉર ફ્રેન્ડ. બી ફ્રેન્ડ. એમ રહીશું તો કામ કરવું ઈઝી થઈ જશે...’
આરતીએ ફક્ત સ્માઇલ કર્યું અને એ સ્માઇલ તેને છેક કમલના બેડ સુધી લઈ ગયું. 
આરતીની નજીક આવતા જતા કમલે ઘરમાં કૅમેરા રાખ્યા હતા એની તો નૅચરલી આરતીને કલ્પના સુધ્ધાં નહોતી. 
પોતાની પાસે પૂરતા પ્રમાણમાં કન્ટેન્ટ આવી ગયું એટલે કમલે રંગ દેખાડવાનો શરૂ કર્યો અને એ રંગ વચ્ચે તેણે આરતી પાસે એક લાખ રૂપિયાની માગ કરી. એ માગમાં ક્યાંય બ્લૅકમેઇલિંગની છાંટ નહોતી. મદદની યાચના હતી અને આરતીએ પોતાનાં ગોલ્ડ ઑર્નામેન્ટ્સ વેચીને કમલને હેલ્પ કરી. થોડા સમય પછી ફરીથી એ જ પ્રકારની માગ અને એ વખતે પણ આરતીએ સહજ રીતે પોતાના બૉયફ્રેન્ડ બની ગયેલા દસ વર્ષ મોટા એવા કમલને ફાઇનૅન્શિયલ હેલ્પ કરી. પછી એ નિયમિત બનવા માંડ્યું.
એક દિવસ આરતીએ ના પાડી દીધી અને જે દિવસે આરતીએ ના પાડી એ જ દિવસે તેના મોબાઇલ પર કમલ અને પોતાનો ન્યુડ વિડિયો આવ્યો. 
કમલના ઘરમાં જ શૂટ થયેલો એ વિડિયો જોઈને આરતી હેબતાઈ ગઈ.
‘આ, આ કેવી રીતે કમલ...’ ફોન પર આરતી સરખી વાત સુધ્ધાં નહોતી કરી શકતી, ‘આ તો... આ તો આપણો જ બેડરૂમ...’
‘આપણો નહીં બેબી, મારો... આ મારો બેડરૂમ છે.’ કમલે નફ્ફટાઈથી કહ્યું, ‘મારા આ બેડરૂમમાં તું સાતમી, ના, મોસ્ટ્લી આઠમી છોકરી છે જેણે પોતાની બ્લુ ફિલ્મ આમ હસતાં-હસતાં બનાવી છે...’

‘ધેટ મીન્સ યુ...’
‘એક્ઝૅક્ટ્લી...’ કમલ ખડખડાટ હસી પડ્યો હતો, ‘મેં જ શૂટ કરી છે અને કૅમેરાના ઍન્ગલ જે પ્રકારના છે એ તું જોઈ લે. હું ક્યાંય દેખાતો નથી. મીન્સ બેટર છે કે તું મને, મારી પૉકેટ માટે પણ હેલ્પ કરે અને મારી ઝિપ ખૂલે ત્યારે એના માટે પણ હેલ્પ કરવા પહોંચી જાય...’
આરતીના આખા શરીરમાં લાય લાગી ગઈ, પણ નફ્ફટ કમલને કોઈ ફરક નહોતો પડ્યો. તે હજી પણ પોતાના તોરમાં જ હતો.
‘આઇ મસ્ટ સે કે તારા જેવું ઓરલ સેક્સ, તારી જે સ્ટાઇલ છે એ...’
આરતીના કાનમાં કીડા ખરતા હોય એ સ્તર પર તેને ઇરિટેશન થતું હતું, પણ તે લાચાર હતી અને એ લાચારી હવે ચરમસીમા પર હતી.

lllઆ પણ વાંચો : લૉટરી (પ્રકરણ - ૨)

‘કેટલા માગે છે હવે તે?’
‘દસ લાખ...’
‘આપી દીધા પછી?’ રવિએ મનોમન પોતાના અકાઉન્ટનું બૅલૅન્સ યાદ કરી લીધું, ‘છુટકારો ફાઇનલ છે?’
‘આઇ ડોન્ટ થિન્ક સો...’ આરતીએ સંકોચ વિના જ કહી દીધું, ‘જ્યાં સુધી કમલને પૈસા મળતા રહે છે ત્યાં સુધી તે પૈસા કઢાવે છે અને પછી...’
‘પછી?’ આરતી ચૂપ થઈ ગઈ એટલે રવિએ પૂછ્યું, ‘વિડિયો ફૅમિલીમાં ફૉર્વર્ડ કરે છે?’
‘ના...’ આરતીએ નજર નીચી કરી લીધી, ‘સી ગ્રેડનાં જે ડિજિટલ પ્લૅટફૉર્મ છે એ પ્લૅટફૉર્મને વેચી દે છે...’
‘ઓહ...’ 

રવિની આંખો પહોળી થઈ ગઈ. તેને પોતાની ન્યુઝ-ચૅનલ માટે સ્ટોરી દેખાવા લાગી હતી તો સાથોસાથ પોતાની બેસ્ટ ફ્રેન્ડને બહાર કાઢવાની લાય પણ લાગી હતી.
આ જ લાયનું પરિણામ હતું કે રવિ અત્યારે આ ડીલક્સ અપાર્ટમેન્ટની ડી-વિંગના ૧૦૨ નંબરના ફ્લૅટમાં દાખલ થયો હતો. રવિના મનમાં ક્લિયર વાત હતી કે કમલ પાસે રહેલો એ બધો ડેટા ચોરીને સાથે લઈ લેવો અને કાં તો એનો નાશ કરવો. જો ડેટા સાથે લઈ જઈ શકે તો ન્યુઝ-ચૅનલ માટે સ્કૂપ થઈ જશે અને ધારો કે સાથે લઈ ન જઈ શકે તો અનેક છોકરીઓની જિંદગીમાં નિરાંતનો શ્વાસ ભરી શકશે.
ઇરાદો સારો હોય તો પણ જો સમય સારો ન હોય તો માણસ કેવી વિચિત્ર રીતે વાતમાં ફસાઈ જાય એનું બેસ્ટ એક્ઝામ્પલ રવિ જ બનવાનો હતો અને એ પણ આવનારા કલાકોમાં.

વધુ આવતી કાલે

25 January, 2023 10:02 AM IST | Mumbai | Rashmin Shah

અન્ય લેખો

વિકાસ અને પ્રકૃતિના શીતયુદ્ધની વાત

ધ્રુવ ભટ્ટ લિખિત ‘સમુદ્રાન્તિકે’ વાંચતી વખતે તમને અનાયાસ જ વિચાર આવી જાય કે આ નવલકથા જો અંગ્રેજી, બ્રાઝિલ કે સ્પૅનિશમાં લખાઈ હોત તો અત્યાર સુધીમાં એની લાખો નકલ વેચાઈ ચૂકી હોત અને એના પરથી બિગબજેટ ફિલ્મ પણ બની ગઈ હોત

01 February, 2023 04:36 IST | Mumbai | Rashmin Shah

યુ આર બ્યુટિફુલ

ફ્લૉરિડામાં યોજાયેલી સ્પર્ધામાં મિસ વર્લ્ડ ઇન્ટરનૅશનલ 2022નું ટાઇટલ જીતનારી પહેલી ભારતીય અભિનેત્રી પાસેથી વેલનેસ પાછળની ફિલોસૉફી બહુ સીધી અને સરળ છે

31 January, 2023 05:20 IST | Mumbai | Rashmin Shah

એક કદમ સ્વસ્થતા કી ઓર

અંબુજ દીક્ષિતનું માનવું છે કે થોડી ફિઝિકલ ઍક્ટિવિટી કરો એ પણ ભવિષ્યમાં હેલ્ધી રહેવાની દિશાનું અગત્યનું  સ્ટેપ પુરવાર થઈ શકે છે, પણ એના માટે સજાગ રહીને ઍક્ટિવિટી ચાલુ કરવી જોઈએ

30 January, 2023 04:12 IST | Mumbai | Rashmin Shah

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK