Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ડાયમન્ડ્સ આર ફૉરેવર! (પ્રકરણ ૩)

ડાયમન્ડ્સ આર ફૉરેવર! (પ્રકરણ ૩)

18 January, 2023 11:00 AM IST | Mumbai
Samit (Purvesh) Shroff

‘વાઉ! પપ્પા માટે તો બર્થ-ડે મોસ્ટ મેમરેબલ રહેવાનો... ડાયમન્ડ વૉચની ગિફ્ટ પણ તેમને ગમશે’

ડાયમન્ડ્સ આર ફૉરેવર! (પ્રકરણ ૩)

વાર્તા-સપ્તાહ

ડાયમન્ડ્સ આર ફૉરેવર! (પ્રકરણ ૩)


‘નો... નો. પપ્પા-મમ્મી માટે આ એકદમ સરપ્રાઇઝ પાર્ટી રહેશે...’
ઉત્સાહભેર બોલતી સાંવરીને અવનિશ મન ભરીને નિહાળી રહ્યો.

શનિની સાંજે તાજના શામિયાણામાં ડિનર-ડેટ માટે આવેલા યુગલમાં પ્રવર્તતો રોમૅન્સ દેખીતો હતો. વાયલેટ રંગની મૅક્સીમાં શોભતી સાંવરીની રૂપસજ્જા અવનિશને મદહોશ કરતી હતી. એનો લુત્ફ લેતી સાંવરી મીઠું મલકીને પિયુને ટપારતી, ‘જનાબ, આજની આપણી મુલાકાતનો એજન્ડા પપ્પાની સાઠમી વર્ષગાંઠની ભવ્ય ઉજવણીનો છે... સો કૉન્સનટ્રેટ! પપ્પાનો બર્થ-ડે આવતા રવિવારે આવે છે. શનિની મિડનાઇટે ભલે ઘરે કેક કાપીએ. એથી વિશેષ કંઈ કાર્યક્રમ છે એવું જતાવવાનું નથી... પપ્પા-મમ્મીને મારા પેરન્ટ્સ સાથે આપણે સવારથી મંદિરો ગણવા મોકલી દઈશું... સાંજે ચાર વાગ્યે મારા ઘરે પરત થાય એટલું ફરવાનું છે એવું મેં મારા પપ્પાને સમજાવી દીધું છે... ઘરે આવીને બન્ને પપ્પા આરામ કરશે ને હું મમ્મીઓને પાર્લરમાં લઈ જઈશ. વનલતા મમ્મીને ત્યારે જ પાર્ટીની જાણ થશે... દરમ્યાન તમે મોટા ભાઈ સાથે મળીને બંગલે તૈયારી કરી રાખજો...’ યા, ત્યાં સુધીમાં મલાબર હિલના બંગલાની લૉનમાં શામિયાણો સજાવાઈ ચૂક્યો હશે. સગાંસંબંધી, મિત્રમંડળ મળીને સવાસો જેટલા મહેમાનોને પાર્ટી સરપ્રાઇઝ રાખવાના સૂચન સાથે નિમંત્રણ પાઠવવાનું છે. કેકકટિંગ, પપ્પાની જીવનઝરમર વર્ણવતો વિડિયો, રમતગમત અને ખાણી-પીણી... ‘વાઉ! પપ્પા માટે તો બર્થ-ડે મોસ્ટ મેમરેબલ રહેવાનો... ડાયમન્ડ વૉચની ગિફ્ટ પણ તેમને ગમશે.’



- અને અવનિશના વાક્યે સાંવરીએ ચપટી વગાડી, ‘ડાયમન્ડ્સ! અવનિશ, મા માટે તમે ડાયમન્ડનો પેલો સેટ લૉકરમાંથી લાવી રાખજો. વટ પડી જશે.’
વનલતા મમ્મીનો ડાયમન્ડનો સેટ.


અવનિશને ભાવતા ભોજનમાં કાંકરી લાગી.
એ સેટમાંના નેકલેસે ઓછું હંફાવ્યો હતો પોતાને? અસલી હાર વેચી એ રૂપિયા ઝંખનાને ધરી તેના બ્લેકમેઇલિંગમાંથી છુટકારો પામવાનું નક્કી કર્યું અને ઘરમાં કોઈને હાર ગુમ થયાનો વહેમ ન આવે એ માટે સુરત લૅબગ્રોન ડાયમન્ડ્સમાંથી રેપ્લિકા બનાવી... પણ હાય રે. પખવાડિયા અગાઉ સુરતથી હાર સાથે ટ્રેન પકડી તો બોરીવલી સ્ટેશને લગેજ ચોરનારો સૂટકેસ તફડાવી ગયો!

નકલી હાર સાથે સરખાવવા પોતે સુરત ઓરિજિનલ હાર લઈ ગયેલો એ બુદ્ધિ વાપરીને પૅન્ટના અન્ડરપૉકેટમાં રાખેલો એ સારું થયું. નહીંતર બૅગ સાથે અસલી હાર ગુમ થાત તો બાવાનાં બેઉ બગડે એવો ઘાટ થાત! સૂટકેસમાં સુરતવાળો ભલે નકલી પણ આઠ લાખનો હાર હતો. એ તો ગયો જ!
તોય ડુપ્લિકેટ હાર વિશે હોહા કરવાની નહોતી ને સૂટકેસમાં કોઈ કીમતી ડૉક્યુમેન્ટ્સ પણ નહોતા એટલે પણ પોતે પોલીસ-ફરિયાદ કરવાથી દૂર રહ્યો. બલ્કે કલકત્તા જવાનું પણ મુલતવી રાખીને સુરતમાં ફરી નવો હાર તૈયાર કરાવડાવ્યો. એને બૅન્કના લૉકરમાં મૂકીને કલકત્તાની ફ્લાઇટ પકડી. ત્રણ દિવસના રોકાણમાં હારના સોદા પર જ ફોકસ રાખ્યું.
...અને મુંબઈ આવીને ઝંખના સાથે મુલાકાત ગોઠવી.


કેટલી શાતિર બાઈ. પોતાના શિકારને જોઈને મર્માળું મલકી હતી.
‘તને મોંમાગ્યા દામ ચૂકવું છું ઝંખના. સામે અત્યારે મારી સામે તારે તમામ તસવીરો, ફિલ્મો ડિલીટ કરવાની. સહીવાળો કોરો કાગળ પરત કરવાનો - અને તેં જો ફોટોનું બૅકઅપ રાખ્યું હોય, ક્યાંક કશી નોંધ રાખી હોય ને ફરી તું પેધી પડી તો યાદ રાખ...’ સુસવાટાભેર પોતે કહેલું, ‘તને પૃથ્વી પરથી ગાયબ કરતાં મને વાર નહીં લાગે.’
પહેલી વાર તે સહેજ સહેમી હતી. પછી ખભા ઉલાળેલા, ‘મારો ટાર્ગેટ પૂરો થયો. હવે કોણ હું ને કોણ તમે!’
અને ખરેખર ત્યાર પછી તેના તરફથી કોઈ કૉલ, કોઈ માગ, કોઈ ફૉલોઅપ નથી. ઝંખના મુંબઈમાંથી, અમારી જિંદગીમાંથી અદૃશ્ય થઈ જાણે.
આની રાહત હતી એમ ડાયમન્ડ સેટના ઉલ્લેખે પણ મારે આમ વિચારવશ થવું ન જોઈએ... રૂપિયાની વ્યવસ્થા થાય એટલે ફરી મા માટે ઓરિજિનલ હાર કરાવી લઈશ. ત્યાં સુધી કોઈને કશું ગંધાવું નહીં જોઈએ.

‘ભલે, હું મમ્મીને બહુ ગમતો સેટ લૉકરમાંથી લાવી રાખીશ.’ 
માર્વેલસ!
હીરાના ઝગમગાટથી આખું પાર્લર ઝળાંહળાં થઈ ઊઠ્યું. ગળામાં પહેરેલા નેકલેસ પર હાથ પસવારતાં વનલતાબહેન પોરસાયાં, ‘આ મારા દીકરાની ભેટ છે.’
માને ગર્વ કેમ ન હોય? 
‘અને દીકરાથી સવાઈ મારી આ વહુ છે.’
તેમણે પડખે ઊભેલી સાંવરીના માથે હાથ ફેરવ્યો. એથી સાંવરીનાં મમ્મીએ રાજીપો અનુભવ્યો. ત્રણે માનુનીઓને ટચઅપ કરતી પાર્લરની છોકરીઓએ પણ મલકી લીધું.
દીકરા-વહુ અને વહુના ભાઈએ ભેગા મળી પતિના સાઠમા જન્મદિને ગોઠવેલી સરપ્રાઇઝનો વડીલોને રાજીપો હતો.
પાર્ટીમાં શું થવાનું હતું એની ક્યાં ખબર હતી?
lll

‘નાના શેઠ, આપને કોઈ મળવા આવ્યું છે.’
રવિની સાંજે લૉનમાં શામિયાણામાં દિવાકરભાઈના સાઠમા જન્મદિનની બર્થ-ડે પાર્ટી જામી ચૂકી છે. ફૅમિલીની સરપ્રાઇઝે ગદ્ગદ થયેલા દિવાકરભાઈએ પત્નીનો હાથ પકડી કેક કાપી. મોટી સ્ક્રીન પર જીવન ઝરમરનો વિડિયો જોઈને દંપતી ભાવવિભોર બન્યું. પ્રોગ્રામ કન્ડક્ટ કરતી સાંવરી લીલા-પીળા ચણિયાચોળીમાં એટલી આકર્ષક લાગતી હતી કે અવનિશ માટે સંયમ ધરવો મુશ્કેલ બનતો હતો. મહેમાનો પણ સાંવરીના ગુણોથી પોરસાઈને એક‍અવાજે કહે છે - વનલતાબહેનની વહુનું કહેવું પડે!
એમાં હવે રમતગમતનો દોર શરૂ થવાનો છે. સાંવરી એમાં મોટા ભાઈ સાથે મળીને મ્યુઝિકલ ચૅરની ગોઠવણ કરે છે ત્યાં બંગલામાંથી સેવકે અજાણ્યા આગંતુકની ટહેલ નાખતાં અવનિશે કહી દીધું - તેમને માનભેર અહીં લઈ આવ.

અવનિશે માની લીધું કે આગંતુક પાર્ટી માટે નિમંત્રિત મહેમાન જ હોય.
- અને બીજી મિનિટે તે દેખાયો. ૨૮-૩૦ની વય, જીન્સ અને ટી-શર્ટનો પોશાક, અઠવાડિયાની વધેલી દાઢી, ચહેરાનું ઝંખવાયેલું નૂર.
‘મારું નામ વિશાલ.’ તેણે હાથ જોડ્યા, ‘બોરીવલીની ચાલમાં ભાડાના ઘરમાં રહું છું.’
‘ઓ...કે.’ અવનિશને સમજાતું નહોતું કે આ માણસને મારું શું કામ હોય! 

‘સૉરી, મને ધારણા નહોતી કે અહીં પાર્ટી થઈ રહી હશે... ખરેખર તો તમારી એક ચીજ મારી પાસે છે એ પરત કરવા આવ્યો છું.’
ત્યારે અવનિશનું ધ્યાન વિશાલે પકડેલી સૂટકેસ પર ગયું : આ તો મારી બૅગ... બોરીવલી સ્ટેશનથી ચોરાયેલી એ!
‘બૅગમાં બીજું તો ખાસ કીમતી કંઈ હતું નહીં, સિવાય કે...’ તેણે ગજવામાંથી પાઉચ કાઢતાં અવનિશને ઝબકારો થયો. તે વિશાલને વારે એ પહેલાં તો તેણે પાઉચમાંથી હાર કાઢીને અંગૂઠા-આંગળી વચ્ચે લટકતો રાખીને અવિનશ તરફ ધર્યો - આ પૂરા બે કરોડનો હાર!
હેં!

આ પણ વાંચો : ડાયમન્ડ્સ આર ફૉરેવર! (પ્રકરણ ૧)

અવનિશને કપાળ કૂટવાની ઇચ્છા થઈ. વિશાલ જ લગેજ થીફ છે યા તો તેની સાથે વિશાલનું કોઈક કનેક્શન છે... તેણે હારનું મૂલ્યાંકન જેની પણ પાસે કરાવ્યું હશે તે માઇન ડાયમન્ડ અને લૅબગ્રોન ડાયમન્ડ વચ્ચેનો તફાવત પારખી ન શક્યો ને કરોડોમાં કિંમત આંકી... હજી ત્રણ વીક પહેલાં બે કરોડનો હાર ગુમાવનારા રંગેચંગે પાર્ટી કરતા હશે એવું બિચારાએ ધાર્યું પણ ન હોય એ સંદર્ભ હવે બરાબર સમજાય છે! 
તેણે હાર દેખાડતાં ઉજવણીમાં સોપો સર્જાયો. વનલતાબહેને ગળામાં હાથ ફેરવ્યો - ના, મેં પહેરેલો હાર તો અહીં છે જ! તો આ વિશાલ પાસે મારા હાર જેવો જ બીજો હાર ક્યાંથી આવ્યો?
મહેમાનો પણ ઘડીક વનલતાબહેનના નેકલેસને તો ઘડીક વિશાલના હાથમાં રહેલા હારને નિહાળી રહ્યા.

‘અવનિશ...’ સાંવરીનો ભાઈ ધસી આવ્યો. તેનો હાથ પકડી લઈને અવનિશે હળવું દબાણ આપ્યું. ઇશારો પહોંચ્યો હોય એમ તેણે હળવેથી ડોક ધુણાવી.
‘ધીસ ઇઝ સમથિંગ મિસ્ટિરિયસ.’ હવે સાંવરી આગળ આવી. અવનિશના બીજા પડખે ઊભા રહી તેણે હાથ લંબાવીને વિશાલના હાથમાંથી નેકલેસ લઈને પોતાના ચહેરા આગળ ધર્યો,
‘ડિટ્ટો કૉપી અવનિશ. તમે કહ્યું નહીં કે તમારી પાસે આવા બે હાર છે!’ સાંવરીના સ્વરમાં હળવો ઠપકો ભળ્યો, ‘આટલી મોંઘી જણસ તમારી સૂટકેસ ભેગી જતી રહી ને અમને કહેતા પણ નથી!’
‘જરૂર તેણે તારા માટે આવો આખો સેટ જ લીધો હશે સાંવરી...’ વનલતાબહેને અનુમાન ઉચ્ચાર્યું, ‘તારા બર્થ-ડે પર તને સરપ્રાઇઝ આપવા માટે. ખરુંને અવનિશ?’
‘એ બધી ચર્ચા પછી કરીશું.’ અવનિશે જૂઠું બોલવું નહોતું ને સાચું કહેવાય એમ નહોતું.
‘અરે, પહેલાં આ ભાઈને તો પૂછો કે તમારી બૅગ તેને ક્યાંથી મળી?’ સાંવરીનું કુતૂહલ ઉછાળા મારતું હતું.
‘બૅગ મને મળી નથી, મેં જ ચોરી હતી. બોરીવલી સ્ટેશને બૅગ ચોરનાર લગેજ-થીફ હું જ.’
હેં!

‘ખરેખર તો મારો દીકરો બીમાર છે...’ વિશાલ કહેતો રહ્યો. તેનું કાર્યકારણ ઘણાની અનુકંપા જન્માવી ગયું.
‘ખરું કહું તો હાર જોઈને એટલી ધરપત થઈ કે આમાંથી મારા લાલનું ઑપરેશન તો થઈ જ શકવાનું... પણ સાહેબ, મારી પત્ની ન માની. ઉર્વશી ભલે ઈશ્વરને કોસતી હોય, ભલા થવામાં સારું નથી એવું બોલતી હોય; પણ જ્યારે બૂરાઈને અપનાવવાનું થયું તો તે જ પથ્થરની થઈ - કોને ખબર, આ હાર કોણે કોના માટે બનાવડાવ્યો હશે, કેટલી હોંશથી બનાવડાવ્યો હશે, પોતાની જીવનમૂડી ખર્ચીને બનાવડાવ્યો હશે... એના માલિકનો નિસાસો ન ખપે. પાપની કમાણીમાંથી થયેલું ઑપરેશન સફળ નહીં નીવડે. તમે આ હાર પરત કરી આવો!’
વિશાલનાં અશ્રુ વહ્યાં. તેના શબ્દેશબ્દમાં સચ્ચાઈ તરવરતી હતી. સાંવરીએ તેને પાણીનો ગ્લાસ ધર્યો.

‘છતાં...’ બે ઘૂંટ પીને વિશાલે કડી સાધી, ‘મેં હારનું મૂલ્ય કઢાવી જોયું. ઝવેરીએ બે કરોડનો આંકડો આપતાં એવી લાલસા થઈ કે આટલી કીમતી જણસ પરત કરવાની બક્ષિસરૂપે શેઠ મારા દીકરાના ઇલાજ પૂરતી મદદ કરી પણ આપે!’
‘એ વિશે તું નિશ્ચિંત રહે.’ દિવાકરભાઈએ કહેતાં વિશાલ દોડીને તેમના પગમાં પડ્યો.
‘વિશાલભાઈ...’ સાંવરીએ ઊભો કર્યો, ‘અવનિશની બૅગમાં તેમનું કાર્ડ હતું? તમે તેમને ખોળ્યા કઈ રીતે?’ 
અવનિશ ટટ્ટાર થયો. સૂટકેસમાં સંપર્કની કોઈ નિશાની નહોતી. વિશાલ અહીં સુધી પહોંચ્યો કઈ રીતે?
‘રેલવે રિઝર્વેશન ચાર્ટ પરથી.’
ઓ...હ!

આ પણ વાંચો :  ડાયમન્ડ્સ આર ફૉરેવર! (પ્રકરણ ૨)

‘ફલાણી તારીખે બરોડા એક્સપ્રેસના ફર્સ્ટ ટિયર કોચના ફલાણા કમ્પાર્ટમેન્ટમાં મુંબઈ જનારા પૅસેન્જરનું નામ જાણીને સરનામું મેળવવા રેલવે ઑફિસરને હજારનો ચાંલ્લો કરવો પડ્યો એમાં દિવસો લાગ્યા, પણ આખરે હું તમારી અનામત તમને સુપરત કરી શક્યો.’
‘જૂઠ!’
પીઠ પાછળના ઉદ્ગારે વિશાલ જેટલો જ અવનિશ ચમક્યો. ઊલટા ફરીને જોયું તો... ઓહ, આ તો પિતાના મિત્ર ત્રિકમદાસ ઝવેરી, જેમની પાસેથી જ આ સેટ લીધેલો. સાંવરી પાસેથી હાર લઈને તેઓ ક્યારના માના હાર સાથે સરખાવી રહ્યા હતા એ હવે ધ્યાનમાં આવે છે!
‘દિવાકર, આ વિશાલ કે પછી જે કોઈ હોય તે જૂઠું બોલે છે... કેમ કે તેણે આણેલો હાર ખાણિયા હીરાનો નહીં, લૅબગ્રોન ડાયમન્ડ્સનો છે જેનું મૂલ્ય આઠ-દસ લાખથી વધુ નથી! બે કરોડનો હાથ તફડાવી તે નકલી હાર ધરીને પાછો બક્ષિસ માગે છે!’

તેમના રોષે દિવાકરભાઈ ગૂંચવાયા, ‘પણ મિત્ર, ઓરિજિનલ હાર તફડાવવાનો સવાલ જ ક્યાં છે? એ તો વનલતા પાસે છે જને!’ 
‘અહં...’ હવે ત્રિકમદાસ પણ ગૂંચવાતા હોય એમ હોઠ કરડીને બોલ્યા, ‘એ હાર પણ નકલી - આઇ મીન લૅબગ્રોન ડાયમન્ડનો છે...’
‘વૉટ!’ લાગતા-વળગતા ચમકી ગયા. દિવાકરભાઈ તીખાશથી પૂછી બેઠા, ‘મતલબ, તેં અમને ખોટો માલ પધરાવ્યો?’
ના, આમાં આક્ષેપ નહીં, મિત્રને પૂછી શકાય એવો હકભાવ હતો. 
‘નો વે...’ ત્રિકમદાસે ડોક ધુણાવી, ‘અમે લૅબગ્રોન ડાયમન્ડ્સનું કામ કરતા નથી એટલે મારે ત્યાંથી એ બન્યાનું સંભવ જ નથી...’
વડીલો મૂંઝાતા હતા. મહેમાનોમાં ગણગણાટ થઈ રહ્યો. નવા ફણગાએ વિશાલ સ્તબ્ધ હતો. સાંવરી ધ્યાનથી અવનિશને નિહાળતી હતી, ‘તમે કેમ ચૂપ છો અવનિશ! કહેશો મને, આખરે આ મામલો શું છે?’

સાળા-બનેવીની નજરો મળી - છૂટી પડી. તેમનું તારામૈત્રક નિહાળતી સાંવરીનું હૈયું કાંપ્યું : જરૂર કંઈક બન્યું છે ને જે કંઈ બન્યું એની મારા ભાઈને પણ એટલી જ જાણ છે! પણ અવનિશ જે મારા ભાઈને કહી શકે, પણ મારાથી છુપાવવું પડે એવું શું હોય? 
 ‘ચિલ એવરીવન...’ મોટા ભાઈના રણકાએ સાંવરી ટટ્ટાર થઈ. જાણે કંઈ બન્યું ન હોય એમ ભાઈ નફિકરા થવા કહી રહ્યા છે!
‘ઓરિજિનલ હાર હેમખેમ છે અન્કલ-આન્ટી. એની સ્ટોરી પછી કહીશું, અત્યારે લેટ્સ એન્જૉય પા...ર્ટી!’
ત્યારે તો બધાએ મળી-સમજીને પાર્ટી પતાવી. વિશાલના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરીને તેને રવાના કર્યો. છેવટે દીવાનખંડમાં અવનિશ-સાંવરીના ઘરના જ રહ્યા. ખુલાસો ઝંખતા સૌ અવનિશને ટાંપી રહ્યા. 
તેની આંખોના ભાવે સાંવરી આંખો મીંચી ગઈ : જરૂર હમણાં કશુંક અણછાજતું, અણગમતું સાંભળવા મળવાનું... અને છાતી પર બૉમ્બ વીંઝાવાનો હોય એવી કટોકટી અનુભવી તેણે.
 
આવતી કાલે સમાપ્ત

Whatsapp-channel Whatsapp-channel

18 January, 2023 11:00 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK