° °

આજનું ઇ-પેપર
Tuesday, 21 September, 2021


મુંબઈની લાઇફલાઇનને બચાવશે માઇક્રો ટનલ્સ

31 July, 2021 02:50 PM IST | Mumbai | Jigisha Jain

બધા જ પ્રકારની ટેક્નિક જેમ કે નાળાં કે ગરનાળાં કરતાં આ વધુ અસરકારક હોવાનો દાવો થઈ રહ્યો છે ત્યારે એ દિવસ દૂર નથી જ્યારે પુષ્કળ વરસાદ છતાં મુંબઈની લાઇફલાઇન સમાન લોકલ ટ્રેનો અટકશે નહીં

મુંબઈની લાઇફલાઇનને બચાવશે માઇક્રો ટનલ્સ

મુંબઈની લાઇફલાઇનને બચાવશે માઇક્રો ટનલ્સ

મૉન્સૂનમાં રેલવે-ટ્રૅક પર ભરાઈ જતાં પાણીને કારણે ભોગવવી પડતી હાલાકીથી મુંબઈગરાઓને મુક્ત કરવા માટે મુંબઈમાં માઇક્રો ટનલ કન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુઝ થયો છે. હાલમાં સેન્ટ્રલ રેલવેના સૅન્ડહર્સ્ટ રોડ પર મુંબઈની સૌથી લાંબી માઇક્રો ટનલનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આજ પહેલાં ટ્રૅક પર પાણી ન ભરાય એ માટે વાપરવામાં આવતી બધા જ પ્રકારની ટેક્નિક જેમ કે નાળાં કે ગરનાળાં કરતાં આ વધુ અસરકારક હોવાનો દાવો થઈ રહ્યો છે ત્યારે એ દિવસ દૂર નથી જ્યારે પુષ્કળ વરસાદ છતાં મુંબઈની લાઇફલાઇન સમાન લોકલ ટ્રેનો અટકશે નહીં

ટ્રૅક પર ભરાયેલાં પાણી અને એને કારણે અધવચ્ચે બંધ પડી ગયેલી ટ્રેનો, પ્લૅટફૉર્મ પર જમા થયેલી માનવમેદની, લોકોની હાલાકી એ મુંબઈના ચોમાસાનો એક મોટો પ્રશ્ન છે. આ હાલાકીને ઓછી કરવા માટે એક કારગર ઉપાય પર તંત્ર છેલ્લાં કેટલાંક વર્ષોથી કામ કરી રહ્યું છે અને એ કામનું રિઝલ્ટ હવે દેખાઈ રહ્યું છે સૅન્ડહર્સ્ટ રોડ સ્ટેશન પર માઇક્રો ટનલિંગરૂપે.  રેલવેના પાટા પર પાણી ન ભરાય એ માટે આ ટેક્નિકનો ઉપયોગ ઘણો ફાયદાકારક હોવાનું મનાય છે. હાલમાં જ સેન્ટ્રલ રેલવે દ્વારા સમગ્ર ભારતમાં રેલવેની પહેલી લાંબી માઇક્રો ટનલનું નિર્માણકાર્ય પૂરું થયું. સૅન્ડહર્સ્ટ રોડ રેલવે સ્ટેશન પર તૈયાર થયેલી આ માઇક્રો ટનલ ૪૧૫ મીટર જેટલી લાંબી છે. મ્યુનિસિપલ કૉર્પોરેશન ઑફ ગ્રેટર મુંબઈ સાથે મળીને સેન્ટ્રલ રેલવેએ આ માઇક્રો ટનલનું નિર્માણ કર્યું છે. એમાં ૧૬.૫૦ કરોડનું ફન્ડિંગ મ્યુનિસિપલ કૉર્પોરેશન ઑફ ગ્રેટર મુંબઈનું હતું અને કામગીરી સેન્ટ્રલ રેલવે એ કરી હતી. ઘણીબધી કપરી પરિસ્થિતિ કામ આડે આવી હોવા છતાં આ કામ ચાર જ મહિનામાં પાર પડ્યું હતું. ૨૦ માર્ચ ૨૦૨૧ના રોજ ચાલુ થયેલું કામ ૨૦ જુલાઈ ૨૦૨૧ સુધીમાં પત્યું હતું. વરસાદમાં મુંબઈગરાઓને તકલીફ ન પડે એ માટે ગયા મહિને રેલવે મિનિસ્ટ્રી તરફથી રેલવેને IIT મુંબઈ જેવી સંસ્થાઓ સાથે મળીને કોઈ પ્લાન બનાવવા માટેની સલાહ આપવામાં આવી હતી. આ માઇક્રો ટનલિંગનું ડિઝાઇનિંગ IIT મુંબઈ દ્વારા જ કરવામાં આવ્યું હતું. ચોમાસામાં રેલવે-ટ્રૅક પર ભરાઈ જતાં પાણીને અટકાવવા માટે એનો ઉપયોગ શરૂ થઈ ગયો છે જેને લીધે વરસાદ વધુ હોય તો પણ ટ્રેનો ચાલી શકશે એવી વ્યવસ્થા તૈયાર થઈ છે. એ માટે સેન્ટ્રલ રેલવેએ સાત મોટા ખાડા જેટલું બાંધકામ કર્યું છે. 
શા માટે સૅન્ડહર્સ્ટ રોડ પર?
અત્યાર સુધી મુંબઈમાં ટ્રૅક પર ભરાઈ જતું પાણી કાઢવા માટે નાળાં કે ગરનાળાંનો જ ઉપયોગ થતો, પરંતુ જેમ આપણે જાણીએ છીએ એમ એ પૂરતાં નહોતાં. એને દર ચોમાસું આવતાં પહેલાં સાફ કરવામાં આવે છે જેથી વરસાદના પાણી સાથે વહી જતો કચરો એમાં ભરાય નહીં અને એ ઊભરાય નહીં. જોકે એ પૂરતાં પડતાં નહીં. એને લીધે પાણી ભરાઈ જતું હતું. સૅન્ડહર્ટ રોડ સ્ટેશન પાસે જ આ લાંબી ટનલ કરવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો એ વિશે વાત કરતાં સેન્ટ્રલ રેલવેના ચીફ પીઆરઓ શિવાજી સુતાર કહે છે, ‘આ એ જગ્યા છે જ્યાં રેલવે-ટ્રૅક એ સિવિલ એરિયાથી નીચેના ભાગમાં છે. એટલે કે નીચાણવાળા વિસ્તારમાં હોવાને કારણે પાણી બધું વહીને અહીં જ ભેગું થાય છે અને ટ્રૅક પર ભરાય છે. અહીં જે ગરનાળાં હતાં એ પણ એટલી સારી રીતે કામ કરતાં નહોતાં. વળી આ મેઇન લાઇન અને હાર્બર લાઇન બન્નેને અસરકર્તા છે. આ સિવાય આ એરિયાથી જોડાયેલું માઝગાવ યાર્ડ છે જ્યાં લાંબા રૂટની ટ્રેનોની સફાઈનું કામ ચાલે છે. જ્યારે પાણી ભરાઈ જતાં ત્યારે એ ટ્રેનોને પણ અસર થતી. આ જગ્યા આમ જોવા જઈએ તો છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના ગળા સમાન છે. માટે અહીં માઇક્રો ટનલ બનાવવાની ખૂબ જરૂર હતી.’
તકલીફો 
આ કામમાં ઘણી અડચણો નડી હતી એ વિશે વાત કરતાં શિવાજી સુતાર કહે છે, ‘જ્યારે ત્યાં ખોદકામ ચાલુ થયું ત્યારે અંદર તમને કઈ-કઈ વસ્તુ મળશે એનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. અહીં અમને અઢળક લાઇન્સ અને વાયર્સ મળી આવ્યાં હતાં. આઠ RCC પિટલાઇન્સ હતી, ભારે પાવર કેબલ્સ હતા. તોફાનના પાણીને કાઢવા માટેની MCGMની દોઢ મીટર ડાયામીટરની પાઇપ હતી. આ સિવાય ભારે વરસાદ પોતાનામાં એક તકલીફ હતી જેને કારણે ભીની ચીકણી માટી હતી જેમાં જગ્યા કરવી અઘરી હતી. ખોદકામમાં મળેલા મોટા અને ખૂબ જ કઠણ પથ્થરો હતા જેને દૂર કરવા જરૂરી હતા. વળી શેડની નીચે માઇક્રો ટનલ ઘુસાડવી અઘરી બની રહી હતી. કોરોનાને કારણે લેબર મેળવવામાં પણ થોડી તકલીફ પડી હતી. આમ કેટકેટલીયે તકલીફો વચ્ચે આ પ્રોજેક્ટ પાર પડ્યો હતો. એનાથી ખુશ થઈને સેન્ટ્રલ રેલવેના જનરલ મૅનેજર આલોક કંસલે ઝોનલ રેલવે મુંબઈ ડિવિઝનને ૨૫,૦૦૦ રૂપિયાનું ઇનામ પણ આપ્યું.’
જમીનની અંદરનું સેટ-અપ 
માઇક્રો ટનલ જમીનમાં માઇક્રો ટનલ બોરિંગ મશીન દ્વારા સેટ-અપ કરવામાં આવે છે. આ એક જમીનની અંદરનું સેટ-અપ છે. ડ્રેનેજ માટે અત્યંત ઉપયોગી એવા આ સેટ-અપમાં જે વિસ્તારમાં પાણી ખૂબ ભરાતું હોય એ વિસ્તારનું એક બિંદુ નક્કી કરવામાં આવે છે જ્યાં પાણી ભેગું થઈને વહેતું હોય છે. આ પૉઇન્ટ પર જમીનની અંદર ખાડો ખોદીને એની અંદર એક પ્રમાણમાં નાની ટનલનું આખું સેટ-અપ બેસાડવામાં આવે છે. આ ટનલ નજીકના કોઈ મોટા નાળા સાથે જોડી દેવામાં આવે છે જેથી આખા વિસ્તારનું વહીને એકઠું થયેલું પાણી ટનલ મારફત સીધું નાળા સુધી પહોંચી જાય છે. આ માટે ટનલના ઉપર દેખાતા સેટ-અપમાં મોટર અને પાઇપ્સ હોય છે જે પાણીને દબાણ આપીને ટનલ તરફ ધકેલે છે. આ મશીનને ઑપરેટર ગ્રાઉન્ડ સરફેસ પરથી કન્ટ્રોલ કરે છે. આ ટનલ અંદાજે ૫૦૦ મીમીથી લઈને ૪૦૦૦ મીમી જેટલી હોય છે એથી જ એને માઇક્રો ટનલ કહે છે. મુખ્ય ટનલો કરતાં એ ઘણી નાની છે.

મુંબઈમાં માઇક્રો ટનલ 

 આમ તો હાલમાં સૅન્ડહર્સ્ટ રોડ પર બનેલી માઇક્રો ટનલ રેલવે-ટ્રૅકની નીચે બનેલી સૌથી મોટી ટનલ છે. જોકે એક ટનલથી આખા મુંબઈની પાણી ભરાવાની સમસ્યા પૂરી થવાની નથી. 
 આજથી એક વર્ષ પહેલાં સેન્ટ્રલ રેલવેએ કુર્લા અને વિદ્યાવિહાર સ્ટેશન વચ્ચે આ પ્રકારની માઇક્રો ટનલ બેસાડેલી. 
 પનવેલ અને કર્જત વચ્ચે, વડાલા અને રાવલી પૉઇન્ટ વચ્ચે, તિલકનગર, બદલાપુર અને વાંગણીની વચ્ચે પણ માઇક્રો ટનલનું કામ ભૂતકાળમાં પૂરું કરાયું છે. 
 વેસ્ટર્ન રેલવેની વાત કરીએ તો બાંદરામાં, વસઈ અને નાલાસોપારા વચ્ચે પણ માઇક્રો ટનલ બેસાડવામાં આવી છે. વસઈ અને વિરાર વચ્ચેના ભાગમાં ૧૮૦૦ મીમીના ડાયામીટરની જમીનથી બે મીટર ઊંડી માઇક્રો ટનલ ગયા વર્ષે જ મૂકવામાં આવી હતી. 
 આ સમય દરમ્યાન વિરારથી નાલાસોપારા વચ્ચે ૯૦ મીટરની, વસઈથી નાલાસોપારા વચ્ચે ૬૦ મીટરની અને ગોરેગામમાં ૪૫ મીટરની અને મલાડ સ્ટેશન પર માઇક્રો ટનલ મુકાવવાનું કામ આદર્યું હતું જે પૂરું થઈ ચૂક્યું છે. 
 આ સિવાય મસ્જિદ બંદર અને દાદર-પરેલ વચ્ચે માઇક્રો ટનલ બનાવવાનું કામ ચાલુ છે. 
 ધારાવી, બાંદરા-ઈસ્ટ, મીઠી, પોઈસર અને દહિસરને પણ માઇક્રો ટનલની જરૂર છે એવું નોંધવામાં આવ્યું હતું.

31 July, 2021 02:50 PM IST | Mumbai | Jigisha Jain

અન્ય લેખો

વારસદાર (વાર્તા-સપ્તાહ | પ્રકરણ ૧)

‘અતુલ્ય માટે મને આવી જ સંસ્કાર-લક્ષ્મી જોઈતી હતી. મારા અત્તુને ખુશ રાખજો વહુબેટા, મને બીજું કાંઈ ન જોઈએ!’

21 September, 2021 08:14 IST | Mumbai | Samit (Purvesh) Shroff

વિશ્વનું એક માત્ર ગામ જ્યાં સંસ્કૃતમાં વાતચીત થાય છે

કર્ણાટકમાં આવેલા આ ગામે સંસ્કૃતિનાં મૂળિયાંને પકડી રાખીને વિકાસને પામવાની જે જહેમત ઉઠાવી છે એને કારણે વૈશ્વિક સ્તરે એની સુવાસ પ્રસરી છે અને દેશવિદેશના લોકો અહીં સંસ્કૃત શીખવા આવે છે

20 September, 2021 09:19 IST | karnataka | Aashutosh Desai

બેધારી તલવાર બની શકે છે 5G

રેડિયેશનની અસરો તેમ જ સાઇબર સિક્યૉરિટી એ બે બાબતોનું જોખમ તો છે જ, પણ સાથે હજી બીજી કોઈ બાબતે નુકસાન ન કરે એ બાબતે સચેત થવું જરૂરી છે

19 September, 2021 05:05 IST | Mumbai | Aashutosh Desai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK