કેટલી સરસ વાત, કેટલો ઉમદા જીવનમંત્ર. જૈનો પાસેથી ઘણું બધું લેવા જેવું છે, સમજવા અને શીખવા જેવું છે, પણ ધારો કે તમે એ કશું ન લઈ શકો તો વાંધો નહીં, માત્ર આ એક વાત જો તમે શીખી જાઓ,
પ્રતીકાત્મક તસવીર
કેટલી સરસ વાત, કેટલો ઉમદા જીવનમંત્ર. જૈનો પાસેથી ઘણું બધું લેવા જેવું છે, સમજવા અને શીખવા જેવું છે, પણ ધારો કે તમે એ કશું ન લઈ શકો તો વાંધો નહીં, માત્ર આ એક વાત જો તમે શીખી જાઓ, જો તમે માત્ર એટલું સમજી જાઓ કે માફી માગવાથી જ મહાનતા આવે તો ગૅરન્ટી સાથે કહું છું કે જીવનની આ જંગ તમે સર્વોચ્ચ રીતે જીતી શકો અને એ જ તો કરવા માટે આપણે આવ્યા છીએ.
મોટું મન રાખી, મોટું હૈયું રાખી આજના આ સપરમા દિવસે જ્યારે જૈનો એકમેક પરત્વેની ભૂલની લાગણી વ્યક્ત કરી, એકબીજાની માફી માગી નવેસરથી જીવનનો અધ્યાય શરૂ કરે છે. હું તમને ખાતરી સાથે કહીશ, પૂરેપૂરા વિશ્વાસ સાથે કહીશ કે સમગ્ર વિશ્વમાં કોઈ એવો દેશ નથી, કોઈ એવી કમ્યુનિટી નથી જે માફી માગવા માટે, પોતાની ભૂલ સ્વીકારવા માટે અને કરેલી ભૂલનું પ્રાયશ્ચિત કરવા માટે ઈશ્વરની સાથે જોડાયા હોય. બધા કહે છે, બોલે છે કે માફી માગવામાં જ સૌનું હિત છે, પણ સાચું કહેજો, જૈનો સિવાય કેટલા એવા છે જે એ દિશામાં આગળ વધે છે. આગળ વધે છે અને માફી માગીને પોતાના જીવનને એક નવો સૂર્યોદય આપે છે.
મિચ્છા મિ દુક્કડં કહીને નમ્રતા લાવવાનો જે ભાવ જૈનોમાં છે એવો ભાવ, એવી લાગણી, એવી સદ્ભાવના ક્યાંય જોવા નથી મળી અને અફસોસની વાત એ છે કે હંમેશાં નકલ કરતા રહેતા લોકોએ આટલી સહજ અને સરળ વાતની નકલ કરવાની પણ કોશિશ નથી કરી. ઘણી વાર ઘણા લોકો વાતચીત દરમ્યાનમાં સહજ રીતે જ મને પૂછી બેસે કે તમે ક્યારેય વિચાર્યું છે ખરું કે જૈનો શું કામ આટલા આગળ નીકળી જતા હશે? શું કામ એ આર્થિક, સામાજિક અને માનસિક સ્તર પર દુનિયાની શ્રેષ્ઠ કમ્યુનિટી ગણાતી રહી છે?
મારી દૃષ્ટિએ આ પ્રશ્નનો જવાબ જૈનોના સંવત્સરી પર્વમાં છુપાયેલો છે. હા, સંવત્સરી પર્વ જ કદાચ નિમિત્ત છે જૈનાના સર્વાંગી વિકાસ અને તેમને સૌમાં સર્વોચ્ચ શ્રેષ્ઠ બનાવવાની બાબતમાં. જે પ્રજાને હાથ જોડવામાં નાનપ ન લાગે, જે પ્રજાને પોતાની ભૂલ સ્વીકારવામાં તકલીફ ન પડે અને જે પ્રજાને ભૂલ સ્વીકારી લીધા પછી માફી માગવામાં ખચકાટ ન થાય એ પ્રજાને દુનિયાની કોઈ તાકાત અટકાવી કે પાછળ ન રાખી શકે, ક્યારેય નહીં.
જો મોટા થવું હોય તો ભૂલ સ્વીકારવી પડે, જો મોટા થવું હોય તો કોઈએ કરેલી ભૂલને ભૂલી એ વ્યક્તિને માફી આપવી પડે અને જો મોટા થવું હોય તો સહજ રીતે માફી માગવાની નમ્રતા કેળવવી પડે. આ ત્રણેત્રણ બાબતમાં જૈનોએ પોતાનું અવ્વલપણું પુરવાર કર્યું અને પુરવાર થયેલા એ આલા દરજ્જાના સ્વભાવે જ જૈનોને આજે વિશ્વની શ્રેષ્ઠ પ્રજાના સ્થાનમાં બેસાડ્યા છે. માફી માગવી એ મર્દાનગીનું કામ છે તો માફી આપવી એ મહામર્દાનગીનું કામ છે. સીધો હિસાબ છે, જો તમારે પાટી પર નવું લખવું હોય, બ્લૅકબોર્ડ પર નવું કશું લખવું હોય તો તમારે એ બોર્ડને સાફ કરવું પડે, પાટીને ધોઈ નાખવી પડે. નાનપણમાં શીખવવામાં આવેલી આટલી સીધી અને સરળ વાતને દુનિયા આખી ભૂલી ગઈ, પણ જૈનો...
ના, એણે એ વાત ગાંઠે બાંધી રાખી અને એ જ તો કારણ છે કે દેશમાં લઘુમતીમાં આવતી આ પ્રજા સેવા અને રાષ્ટ્રીય વિકાસના કાર્યમાં ગુરુમતીમાં હોય છે.
હંમેશાં.
ધન્ય છે જૈનો...