જી હા, જગદીશ શાહની ફૅમિલીમાં તેમના બાદ તેમનાં દીકરા, વહુ, પૌત્રી, વેવાઈના પરિવારના સભ્યો; દીકરી, જમાઈ, ફર્સ્ટ કઝિન, કઝિન્સનાં સંતાનો વગેરે નજીકના પરિવારના સભ્યો મળીને કુલ ૧૫ આર્કિટેક્ટ છે.
ફૅમિલી
કી હાઇલાઇટ્સ
- ૩ પેઢીની મહિલાઓ આર્કિટેક્ટ હોય એવી જવલ્લે જોવા મળતી વાત પણ આ ફૅમિલીમાં છે
- એક પરિવારમાં આટલા આર્કિટેક્ટ ભેગા થાય ત્યારે ઘરનો માહોલ કેવો હોતો હશે !
- વર્લ્ડ આર્કિટેક્ચર ડે નિમિત્તે તેમણે મિડ-ડે સાથે કરેલી વાતચીત જાણીએ
જે વિશ્વ આજે આપણને દેખાય છે એના પહેલા સર્જનહાર છે પરમ કૃપાળુ પરમાત્મા. જોકે પરમાત્માએ બનાવેલા વિશ્વને એક વિશિષ્ટ ઢાંચામાં સજાવવાનું, એન લોકોપયોગી બનાવવાનું, આંખને ઠંડક આપે એવા મૉન્યુમેન્ટ સર્જીને એને વધુ મનોરમ્ય બનાવવાનું કામ છે આર્કિટેક્ટનું. એટલે આ દુનિયાના બીજા સર્જનહાર તમે આર્કિટેક્ટને કહી શકો. તેમની ક્રીએટિવિટી અને તેમના જ વિઝ્યુઅલાઇઝેશનનું પરિણામ છે તમારી આસપાસ દેખાતી તમામ ઇમારતો, ઘર, દુકાન, હૉસ્પિટલ, કૉલેજ, સ્કૂલ, પોલીસ-સ્ટેશન વગેરે. ઈશ્વરે આપેલી સ્પેસનો ગુણાકાર કરીને એને વધારી શકાય એવાં સ્ટ્રક્ચર બનાવવાનું કામ કરતા આર્કિટેક્ટ દુનિયાભરની જવાબદારી લઈને ફરતા હોવા છતાં ભાગ્યે જ લાઇમલાઇટમાં આવ્યા છે.
૧૯૮૫થી યુનિયન ઑફ ઇન્ટરનૅશનલ આર્કિટેક્ટ્સ દ્વારા ઑક્ટોબર મહિનાના પહેલા સોમવારે ઊજવાતો વર્લ્ડ આર્કિટેક્ટ ડે આજે છે ત્યારે મળીએ એક સાવ અનોખા પરિવારને જેમાં એક, બે, ત્રણ નહીં પણ પૂરા પંદર આર્કિટેક્ટ છે. એમાંથી બે સભ્યો હવે સ્વર્ગવાસી બની ગયા છે પરંતુ તેમના વંશવેલાએ આર્કિટેક્ટના વિશ્વમાં ડંકો વગાડવાનું ચાલુ રાખ્યું છે. એક જ ફૅમિલીમાં જ્યારે આટલાબધા આર્કિટેક્ટ ભેગા થાય ત્યારે ઘરનો માહોલ કેવો હોય? એવું તો શું તેમને દેખાયું આર્કિટેક્ચરમાં કે તેમણે કરીઅરના બાકી બધા જ પર્યાયો બાજુએ રાખીને આ જ ક્ષેત્રને પસંદ કર્યું?
ADVERTISEMENT
એ શુભ શરૂઆત
પોતાના પરિવારના એ સમયના બિઝનેસમાં જોડાવાને બદલે આજથી લગભગ ૭૩ વર્ષ પહેલાં જગદીશ શાહે આર્કિટેક્ચર કૉલેજમાં ઍડ્મિશન લઈને નવો ચીલો ચાતરવાનું શરૂ કર્યું હતું. ટિપિકલ ગુજરાતી જૈન વેપારી પરિવારમાં જન્મેલો દીકરો આર્કિટેક્ટ થવા જઈ રહ્યો છે એટલી જ ખબર હતી, પરંતુ એનું ભવિષ્ય કેવું હશે એનો કોઈ અંદાજ નહોતો. જોકે એ જમાનાના ટૉપના આર્કિટેક્ટમાં જગદીશભાઈનું નામ બોલાતું. એટલે સુધી કે દુબઈ અને શારજાહમાં ઘણા સફળ પ્રોજેક્ટ જગદીશભાઈ અને તેમના કઝિન અશોક મોદીએ પાર પાડ્યા હતા. જગદીશભાઈ તો હવે આ દુનિયામાં નથી પરંતુ તેમની સાથે પાર્ટનરશિપમાં ૧૯૮૮માં આર્કિટેક્ચર ફર્મ શરૂ કરનારા પરિવારના બીજા આર્કિટેક્ટ અશોકભાઈ કહે છે, ‘હું આર્કિટેક્ટ બન્યો મારા મોટા ભાઈની પ્રેરણાથી. ખરેખર તે જ મારા રોલ-મૉડલ હતા. મને યાદ છે કે હું જ્યારે છઠ્ઠા ધોરણમાં હતો ત્યારે મોટા ભાઈને કામ કરતા જોઈને, તેમનાં ડ્રૉઇંગ અને મૉડલ જોઈને જ મેં નક્કી કરી લીધું કે હું પણ આ જ ફીલ્ડમાં જઈશ. મારી સ્કૂલના વેકેશનમાં હું મારા મોટા ભાઈ જે કંપનીમાં પાર્ટનર હતા ત્યાં જઈને કામ શીખતો હતો. સામાન્ય રીતે વેપારી પરિવારોમાં ક્રીએટિવિટીનો અભાવ હોય છે એવું મનાય છે પરંતુ એ હકીકત નથી. જગદીશભાઈની ડિઝાઇન્સ દુનિયામાં વખણાઈ છે અને અમારી કંપનીએ મુંબઈમાં ઘણાં મોટાં-મોટાં બિલ્ડિંગો, સોસાયટીઓ ડિઝાઇન કર્યાં છે.’
પરંપરા આગળ વધી
જગદીશભાઈ પછી તેમની દીકરી શૈલા અને દીકરો પિન્કિશ પણ આર્કિટેક્ટ જ બન્યાં અને આ બાજુ અશોક મોદીની દીકરી ઋજુતા પણ આર્કિટેક્ટ બની. એથીયે મજાની વાત એ કે આ ત્રણેય સંતાનોના લાઇફ-પાર્ટનર પણ આર્કિટેક્ટ હતા. અને એથીયે મોટી વાત પિન્કિશભાઈની દીકરી પણ આર્કિટેક્ટ બની. જોકે કહાનીમાં ટ્વિસ્ટ લાવી પિન્કિશભાઈની વાઇફ શિલ્પાબહેનની ફૅમિલી. યસ, મહારાષ્ટ્રિયન પરિવારથી જોડાયેલાં શિલ્પા ગોરે-શાહના પેરન્ટ્સ, તેમનાં ભાઈ-ભાભી આર્કિટેક્ટ છે અને જગદીશભાઈની કઝિન બહેનનાં દીકરી અને જમાઈ પણ આર્કિટેક્ટ છે. ઇમિડિએટ ફૅમિલીમાં આટલાબધા આર્કિટેક્ટનો મેળાવડો થવો એ યોગાનુયોગ હતો કે સોચી-સમજી સાઝિશ? આ સવાલનો ખડખડાટ હાસ્ય સાથે મૂળ મરાઠી હોવા છતા ફાંકડા ગુજરાતીમાં જવાબ આપતાં શિલ્પાબહેન કહે છે, ‘સોએ સો ટકાનો યોગાનુયોગ. હું અને મારો ભાઈ રાહુલ તો જાણે જન્મથી આર્કિટેક્ટ બનીશું એ વિચાર લઈને જ પેદા થયાં હતાં એમ કહું તો ચાલે. બીજું કંઈ બનવાનો વિચાર પણ ન આવ્યો. અફકોર્સ, ફૅમિલીમાંથી ક્યારેય કોઈ પ્રેશર નહોતું. ઇન ફૅક્ટ, આ ફીલ્ડની ખાસિયત અને એમાં રહેલો માથાનો દુખાવો બન્નેથી અમે વાકેફ હતાં. મને યાદ છે કે હું થર્ડ સ્ટાન્ડર્ડમાં હતી અને અમારા ક્લાસ-ટીચર દ્વારા મોટા થઈને શું બનવું છે એવું પૂછવામાં આવ્યું અને મેં તરત જ હાથ ઊંચો કરીને જવાબ આપેલો કે હું આર્કિટેક્ટ બનીશ. અમે આર્કિટેક્ચરના ક્ષેત્રને એટલા બધા પરણેલા હતા કે લાઇફ-પાર્ટનર પણ જે. જે. કૉલેજ ઑફ આર્કિટેક્ચરમાં મળી ગયો. મારા પિતા અવિનાશ અને મમ્મી ગીતા પણ એ જ કૉલેજમાં મળ્યાં હતાં જે પરંપરાને અમે બન્ને ભાઈબહેને કરીઅર સિલેક્ટ કરવામાં જ નહીં પણ લાઇફ-પાર્ટનર શોધવામાં પણ કન્ટિન્યુ કરી.’
યસ, આર્કિટેક્ચર કૉલેજમાં થર્ડ યર વખતે શિલ્પા ગોરેને પિન્કિશ શાહ જીવનસાથી રૂપે મળી ગયા અને રાહુલ ગોરેને સોનલ સંચેતી અમદાવાદની કૉલેજમાં મળી ગયાં. સોનામાં સુગંધ ત્યારે ભળી જ્યારે શિલ્પા અને પિન્કિશની દીકરી આશુમીએ પણ ના-ના કહેતાં આખરે આર્કિટેક્ચરને જ પસંદગીની વરમાળા પહેરાવી. અત્યારે દુનિયાની સારી આર્કિટેક્ચર ફર્મ ગણાતી જપાનની તેઝુકા આર્કિટેક્ટમાં કામ કરતી અને અત્યારે જપાનમાં રહીને દુનિયામાં બદલાઈ રહેલા આર્કિટેક્ચરના નવા અંદાજ વિશે શીખી રહેલી આશુમી કહે છે, ‘ત્રણ વર્ષ પહેલાં જ મને આર્કિટેક્ટની ડિગ્રી મળી. એ પછી મેં બૅન્ગલોરની એક ફર્મમાં કામ કર્યું. છ મહિના પહેલાં જપાનની કંપનીમાં ઇન્ટર્નશિપ કરી અને હવે એમાં જ જૉબ પણ મળી. દુનિયામાં મારી દૃષ્ટિએ વન ઑફ ધ બેસ્ટ આર્કિટેક્ટ સાથે કામ કરી રહી છું અને દુનિયાને જોવાનો એક જુદો જ નજરિયો કેળવી રહી છું. સાચું કહું તો નાનપણથી ઘરમાં આર્કિટેક્ચરની દુનિયાની જ એટલી વાતો સાંભળી ચૂકી હતી કે હું પણ આર્કિટેક્ટ બનીને એ જ વાતોમાં રચીપચી નહોતી રહેવા માગતી એટલે મેં ગ્રાફિક ડિઝાઇનિંગમાં ઍડ્મિશન લીધું. જોકે એમાં મને મજા જ ન આવી. ત્યાં ગયા પછી આર્કિટેક્ચરના નવા લેયર્સ અને એની ઇન્ટરેસ્ટિંગ વાતો સમજાઈ અને વન ફાઇન ડે નક્કી કર્યું કે હું પણ આ જ ફીલ્ડમાં જઈશ. જ્યારે નક્કી કરીને મારા પેરન્ટ્સને કહ્યું ત્યારે એ લોકો માટે એ જરાય સરપ્રાઇઝિંગ નહોતું, કારણ કે હું સમજું એ પહેલાં જ તેઓ મારા ઇન્ટરેસ્ટને સમજી ચૂક્યા હતા.’
પહલા પહલા પ્યાર
શિલ્પા ગોરે શાહનાં મમ્મી ગીતા ભાર્ગવ-ગોરેએ ૧૯૬૧માં બૅચમાં જે. જે. કૉલેજ ઑફ આર્કિટેક્ચરમાં ઍડ્મિશન લીધું. તેમના હસબન્ડ તેમનાથી લગભગ ૩ વર્ષ સિનિયર હતા. એ જમાનામાં પુરુષો પણ આર્કિટેક્ચરમાં જવાનું જવલ્લે જ વિચારતા ત્યારે લગભગ ૬૫ વર્ષ પહેલાં તેઓ કઈ રીતે આર્કિટેક્ચરમાં આવ્યાં એની જર્ની પણ રસપ્રદ છે. ગીતાબહેન અસ્સલ ગુજરાતીમાં જવાબ આપતાં કહે છે, ‘નાનપણથી ડ્રૉઇંગ કરતી. કંઈક જોઉં અને એનું આબેહૂબ સ્ટ્રક્ચર બનાવી શકતી હતી. મારા દાદાજીએ આ જોયું એટલે તેમણે મને એક આર્ટિસ્ટ સાથે ઇન્ટ્રોડ્યુસ કરી. ચેતન નામના આર્ટિસ્ટને મારું બિલ્ડિંગનું ડ્રૉઇંગ દેખાડીને દાદાએ મારી પાસે શું કરાવવું જોઈએ એ વિશે પૂછ્યું એટલે તેમણે જ આર્કિટેક્ચર સજેસ્ટ કર્યું. હું મારી સ્ટડીમાં બ્રિલિયન્ટ હતી અને એ સમયે ફૅમિલીમાં બધા જ ડૉક્ટર, એન્જિનિયરિંગ, અકાઉન્ટ્સમાં હતા. આર્કિટેક્ચર તો શું હોય એવું ખાસ સાંભળ્યું પણ નહોતું. એટલે એ રીતે હું ફૅમિલીની પહેલી આર્કિટેક્ટ બની. અફકોર્સ પહેલું વર્ષ સ્ટ્રગલવાળું રહ્યું, કારણ કે મને આવડતા મૅથ્સ અને આર્કિટેક્ચરનો અભ્યાસ અઘરો હતો. મને ગાઇડ કરનારું પણ કોઈ નહોતું.’
જોકે કરીઅરની સાથે એ જમાનામાં લાઇફ-પાર્ટનર પણ ગીતાબહેનને આર્કિટેક્ચરમાંથી મળ્યા એનું બૅકગ્રાઉન્ડ આપતાં તેઓ કહે છે, ‘હું કૉલેજના ફોર્થ યરમાં હતી ત્યારે મારા હસબન્ડ અવિનાશ મળ્યા. હું કોઈક કામથી તેમની ઑફિસમાં ગઈ હતી. બસ, જાણે કે પહેલી નજરમાં જ નક્કી કરી લીધું હોય એમ તેમણે ભણવાનું પતે પછી ત્યાં જૉબ ઑફર કરી. વર્ષોના સાથ પછી અમે લાઇફ-પાર્ટનર બની ગયા.’
પરિવારનો માહોલ
જ્યારે લાઇફ-પાર્ટનર એક જ ફીલ્ડમાં હોય ત્યારે લાઇફ કેવી હોય એની વાત કરવા માટે આ ફૅમિલીમાં કુલ પાંચ કપલ આર્કિટેક્ટ છે. એમાં સિનિયરમોસ્ટ કપલ તરીકે શરૂઆત કરનારાં ગીતાબહેનના હસબન્ડ અવિનાશભાઈ તો આ દુનિયામાં નથી, પરંતુ તેમની સાથે લગભગ ૩૦ કરતાં વધુ વર્ષ આર્કિટેક્ટ તરીકે કામ કર્યું છે એનો અનુભવ શૅર કરતાં તેઓ કહે છે, ‘તમારું અન્ડરસ્ટૅન્ડિંગ-લેવલ સારું થઈ જાય, તેમના પર શું વીતતી હશે એ સમજવા માટે તમારે ફાંફાં ન મારવાં પડે, તમારા બન્નેનું સ્ટ્રેસ પણ એક જ થઈ જાય જેવા ઘણા ફાયદા છે. બીજો સૌથી મોટો ફાયદો તમે કરીઅર છૂટી જશે એના ડર વિના તમારા પરિવાર પર ધ્યાન આપી શકો એ સિક્યૉરિટી હોય. અમારા કેસમાં મારું વિઝ્યુઅલાઇઝેશન સારું હતું અને તેમનું ટેક્નિકલ નૉલેજ એટલે અમે એકબીજાને કૉમ્પ્લીમેન્ટ કરતાં હતાં.’
આ જ વાતને જુદી રીતે પ્રસ્તુત કરે છે શૈલા શાહ. તેમના હસબન્ડ સાગર શાહ પણ શહેરમાં અગ્રણી આર્કિટેક્ચર ફર્મ ધરાવે છે. પપ્પા જગદીશભાઈથી પ્રેરિત થઈને આર્કિટેક્ચર ફર્મ જૉઇન કરનારાં શૈલાબહેન કહે છે, ‘મેં નાનપણથી પપ્પાની ક્રીએટિવિટી જોઈ હતી. પપ્પાની ઇન્સ્ટન્ટ પ્રૉબ્લેમ-સૉલ્વિંગ સ્કિલ પર હું આફરીન હતી. ત્યારથી જ આર્કિટેક્ટ બનવાનું નક્કી કર્યું હતું. ટિપિકલ નાઇન ટુ ફાઇવ જૉબ તો મારે કરવી જ નહોતી. મનમાં એમ હતું કે લગ્ન પછી કેટલું કામ કરવા મળે છે એ જોઈશું, પણ નસીબજોગે હસબન્ડ પણ એ જ ફીલ્ડના મળ્યા. ક્રીએશનનો આનંદ જુદો હોય છે. એક જ ફીલ્ડમાં હોવાના નાતે ડિફરન્સ ઑફ ઓપિનિયનના રસ્તાઓ સરળતાથી નીકળી શકતા હોય છે. તમે એક જ ડિરેક્શનમાં જોતા હો અને એ પછીયે જુદી વસ્તુઓ નોટિસ કરતા હો એટલે આર્કિટેક્ટ કપલ સાથે કામ કરવાનું હોય ત્યારે એનો લાભ ક્લાયન્ટને પણ મળતો હોય છે. એક જ પૅકેજમાં તેમને બેની એક્સપર્ટીઝ મળતી હોય છે. હસબન્ડની જ ઑફિસ હતી એટલે દીકરી જન્મી એ પછી કામની ફ્લેક્સિબિલિટી મળી.’
ઘરનો માહોલ કેવો હોય?
પરિવારમાં જ્યારે પણ કોઈ ફંક્શન હોય અને એમાં આટલી મોટી સંખ્યામાં આર્કિટેક્ટ ભેગા થવાના હોય તો એ પ્રસંગ કૉન્ફરન્સ જેવો તો નથી બની જતોને? જવાબમાં શૈલાબહેન કહે છે, ‘જરાય નહીં. ઇન ફૅક્ટ, પ્રસંગોમાં અમે કામની વાત જ ન કાઢીએ. સાથે છીએ પણ કૉમ્પિટિશન નથી, કારણ કે તમારા જ લોકો હોવાથી તમે વધુ ઉદાર બની જતા હો છો. પ્લસ એક જ પ્રોફેશન હોવા છતા ક્રીએટિવ ફીલ્ડ હોવાને કારણે બધા જ ડિફરન્ટ અને યુનિક છે એટલે દરેકની સ્ટ્રેગ્થ મુજબ પ્રોજેક્ટ તેમની પાસે આવી જ જતા હોય છે.’
જોકે આનાથી ઊંધું પણ થાય છે એમ જણાવીને શિલ્પા ગોરે શાહ કહે છે, ‘અમે જ્યારે કોઈ આર્કિટેક્ચરની કૉન્ફરન્સમાં જઈએ ત્યારે જાણે કે ફૅમિલી ગૅધરિંગ હોય એમ ત્યાં એન્જૉય કરતા હોઈએ છીએ. પ્લસ એકબીજાના પ્રૉબ્લેમ-સૉલ્વર પણ બની જતા હોઈએ. ક્યાંક કંઈક કૅલ્ક્યુલેશનમાં અટક્યા હોઈએ ત્યારે એકબીજાનો નિ:સંકોચ સપોર્ટ લઈ શકીએ એ બિગેસ્ટ બેનિફિટ છે.’
બહુ જ ખુશી છે
અત્યાર સુધી આ ફૅમિલીએ મળીને લગભગ ૧૫૦થી વધુ પ્રોજેક્ટ પર કામ કર્યું છે. થોડાક સમય પહેલાં નેટફ્લિક્સ પર વર્લ્ડ્સ મોસ્ટ એક્સ્ટ્રા-ઑર્ડિનરી હોમ પર એક ડૉક્યુમેન્ટરી રિલીઝ થયેલી જેમાં ભારતમાંથી ચાર ઘર સિલેક્ટ થયાં હતાં. એમાં શિલ્પા અને પિન્કેશભાઈએ નારાયણ ભાર્ગવનું ડિઝાઇન કરેલું કોલાજ હાઉસ પણ સિલેક્ટ થયું હતું. શિલ્પાબહેનના ભાઈ-ભાભીએ બિહારના પટનામાં મ્યુઝિયમ બનાવ્યું છે. આ ફીલ્ડની વિશેષતા અને આજની જરૂરિયાત વિશે વાત કરતાં શિલ્પાબહેન કહે છે, ‘આજ સુધી મને એક ટકો પણ રિગ્રેટ કે પસ્તાવો નથી કે શું કામ મેં આ ફીલ્ડ પસંદ કર્યું. શૂન્યમાંથી સર્જન એ આર્કિટેક્ચરમાં દેખીતી રીતે થતું હોય છે. ઘણું ઝીણવટપૂર્વક વિચારવું પડે છે. ધારો કે એક બિલ્ડિંગ બનાવતા હો તો એના પ્લાનિંગમાં તમારે કેટકેટલી વસ્તુઓ એમાં રહેનારી વ્યક્તિના માઇન્ડસેટ પ્રમાણે વિઝ્યુલાઇઝ કરવી પડતી હોય છે. તમારી નાનકડી ભૂલ હજારો લોકોને પ્રભાવિત કરતી હોય છે એટલે ક્રીએટિવિટી અને રિસ્પૉન્સિબિલિટીની દૃષ્ટિએ આર્કિટેક્ચર બહુ જ પેચીદો પ્રોફેશન છે, પરંતુ આજે પણ એને એની ડ્યુ ક્રેડિટ નથી મળી. આર્કિટેક્ચરમાં વ્યક્તિને તેની મેરિટ મુજબ જૉબ મળવી જોઈએ એવી ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને સરકારી પ્રોજેક્ટમાં કૉમ્પિટિશન આવે એ જરૂરી છે જેથી શહેરને બેસ્ટ સ્ટ્રક્ચર મળે. મુંબઈ જેવું શહેર ખરેખર એક ઑર્ગેનાઇઝ્ડ સ્ટ્રક્ચર ડિઝર્વ કરે છે અને એમાં સારા આર્કિટેક્ટ અને કૉમ્પિટિશન બહુ જ સારી ભૂમિકા ભજવી શકે.’


