Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ૧૯ મુંબઈ મૅરથૉન દોડનારા વન ઍન્ડ ઓન્લી મુંબઈગરા ગુજરાતી છે રાજ વડગામા

૧૯ મુંબઈ મૅરથૉન દોડનારા વન ઍન્ડ ઓન્લી મુંબઈગરા ગુજરાતી છે રાજ વડગામા

Published : 06 January, 2025 03:54 PM | Modified : 06 January, 2025 04:06 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

૧૯ જાન્યુઆરીએ તેમની વીસમી મુંબઈ મૅરથૉન પૂરી કરવા આતુર ૫૭ વર્ષના રાજ વડગામાએ ૫૦૦૦થી પણ વધુ લોકોને મૅરથૉન માટે ટ્રેઇન પણ કર્યા છે.

રાજ વડગામા

રાજ વડગામા


મુંબઈ મૅરથૉન શરૂ થઈ ત્યારથી એકેય મિસ કર્યા વગર દર વર્ષે ફુલ મૅરથૉન દોડનારા કુલ ચાર જણમાં એક જ મુંબઈગરા ગુજરાતી છે રાજ વડગામા. ૧૯ જાન્યુઆરીએ તેમની વીસમી મુંબઈ મૅરથૉન પૂરી કરવા આતુર ૫૭ વર્ષના રાજ વડગામાએ ૫૦૦૦થી પણ વધુ લોકોને મૅરથૉન માટે ટ્રેઇન પણ કર્યા છે. આ સિવાય લિમકા બુક ઑફ રેકૉર્ડ‍્સમાં ત્રણ રેકૉર્ડ તેમના નામના છે. બાકી ઘણા નૅશનલ રેકૉર્ડ‍્સ પણ તેમણે સ્થાપિત કર્યા છે. આજે મળીએ આ વિરલ હસ્તીને


દુનિયાભરના દોડવીરો માટે પ્રતિષ્ઠિત ગણાતી મુંબઈ મૅરથૉન ૨૦ વર્ષ પૂરાં કરવાનો માઇલસ્ટોન હાંસલ કરવા જઈ રહી છે ત્યારે સતત ૨૦ વર્ષ મુંબઈ મૅરથૉનમાં દોડવાની સિદ્ધિ પ્રાપ્ત કરવા ૫૭ વર્ષના રાજ વડગામા પણ સજ્જ થઈ રહ્યા છે. અત્યાર સુધી એવા ચાર જ રનર છે જેઓ તમામ ૧૯ વર્ષ મુંબઈ મૅરથૉનમાં ૪૨.૧૯૫ કિલોમીટર દોડ્યા છે અને હવે વીસમી વાર દોડવાના છે. આ ચાર જણમાં રાજ વડગામાનો પણ સમાવેશ છે એટલું જ નહીં, રાજ વડગામા આ અનોખી સિદ્ધિ મેળવનારા એકમાત્ર ગુજરાતી છે. ગોરેગામમાં રહેતા રાજ વડગામા પાછા કેવા ગજબના છે ખબર છે? અત્યારે રાજભાઈ બ્રાઝિલમાં છે જ્યાં ૯ જાન્યુઆરીએ સાઓ પૉલોમાં તેઓ ૨૪૦ કિલોમીટરની અલ્ટ્રામૅરથૉન દોડવાના છે. આ દોડ ૬૦ કલાકમાં પૂરી કરવાની હોય છે. બ્રાઝિલથી રાજભાઈ ૧૮ જાન્યુઆરીએ પાછા ફરશે અને તરત ૧૯ જાન્યુઆરીએ પોતાની વીસમી મુંબઈ મૅરથૉન દોડશે.




શરૂઆત કેવી રીતે?

૧૨ વર્ષની માર્શલ આર્ટ ટ્રેઇનિંગ, ૩ વર્ષની જુડોની ટ્રેઇનિંગ લેનારા અને છેલ્લાં ૨૦ વર્ષથી અલગ-અલગ મૅરથૉનમાં ભાગ લેનારા રાજ વડગામા સર્ટિફાઇડ મૅરથૉન ટ્રેઇનર પણ છે. તેઓ અત્યાર સુધીમાં ૫૦૦૦ લોકોને મૅરથૉન માટે ટ્રેઇન કરી ચૂક્યા છે. રાજભાઈ પહેલેથી દોડમાં રસ ધરાવતા હતા? આ પ્રશ્નનો જવાબ આપતાં તેઓ કહે છે, ‘મેં માર્શલ આર્ટ અને જુડો શીખેલું પણ દોડવામાં કંઈ ખાસ રસ નહોતો. જોકે ૨૦ વર્ષ પહેલાં જ્યારે મુંબઈ મૅરથૉન અનાઉન્સ થઈ ત્યારે કુતૂહલથી મેં એમાં નામ નોંધાવી દીધું. એ સમયે ટ્રેઇનિંગ કોને કહેવાય, શું કરવું પડે એ કશી ખબર નહોતી. બસ, એવું લાગ્યું કે મજા પડશે તો ઝંપલાવી દીધું.’


પણ જો અનુભવ માટે જ કરવું હતું તો હાફ મૅરથૉનમાં પણ નામ નોંધાવી શક્યા હોત, ફુલ મૅરથૉન કેમ પસંદ કરી? આ પ્રશ્નનો જવાબ આપતાં રાજુભાઈ કહે છે, ‘કરવું તો બેસ્ટ જ કરવું એ મગજમાં અકબંધ છે. નાનું કરવામાં મજા નથી. આવું એક નહીં, જીવનમાં બધે જ મેં અનુસર્યું છે. કશુંક ચૅલેન્જિંગ ન હોય તો મને મજા નથી આવતી. સ્વભાવમાં જ એવું છે કે નિશાન હંમેશાં મેં ઊંચું જ રાખ્યું છે. ચૂકી જવાય તો વાંધો નહીં પણ નિશાન નીચું રાખવું ન ખપે.’

બાળપણની ચૉકલેટ

કોઈ પણ સ્પોર્ટ માટે ડિસિપ્લિન હોવી જરૂરી છે, ખાસ કરીને વહેલી સવારે ઊઠવું જરૂરી છે. આ વિશે વાત કરતાં રાજભાઈ કહે છે, ‘નાનપણમાં પપ્પા સવારે કામ પર જતા ત્યારે તેમણે ઘરેથી સાડાચાર વાગ્યે નીકળી જવું પડતું. તે જતાં-જતાં મને એક ચૉકલેટ આપીને જતા. કોઈ પણ બાળકને ચૉકલેટથી જેટલો પ્રેમ હોય એટલો મને પણ હતો જ એટલે હું એ ચૉકલેટના ચક્કરમાં વહેલો ઊઠી જતો. પછી ૭ વાગ્યે સ્કૂલ જતો. આમ નાનપણથી શરીર વહેલા ઊઠી જવા માટે તૈયાર થયું હતું. જ્યારે ફિટનેસ પર ધ્યાન દેવાનું શરૂ કર્યું તો એ સરળ બન્યું. આજે પણ હું સવારે ૪ વાગ્યે ઊઠું છું અને સવારે જ મારી ટ્રેઇનિંગ અને એક્સરસાઇઝ પર ધ્યાન આપું છું.’

ભણવાનું પ્રેશર નહીં

રાજભાઈના ઘરમાં ફિટનેસ કે સ્પોર્ટ‍્સ બાબતે કોઈ ખાસ રસ ધરાવતું નથી. તેમના પિતા ઇન્ટીરિયરનું કામ કરતા અને રાજભાઈ પણ અત્યારે એક અમેરિકન કંપની સાથે આ કામ માટે જ સંકળાયેલા છે. ભણવામાં તેમને નાનપણથી જ રસ નહોતો અને બિઝનેસ કરતા હોવાને કારણે ઘરમાંથી કોઈએ ખાસ પ્રેશર પણ આપ્યું નહીં કે ભણવું જરૂરી છે. રાજભાઈના પિતા હવે નથી રહ્યા. ૮૫ વર્ષનાં મમ્મીની વાત કરતાં રાજભાઈ કહે છે, ‘મારી મમ્મી પાક્કી ગુજરાતણ છે. જ્યારે હું મૅરથૉન દોડતો ત્યારે મારી મહેનત જોઈને મમ્મી પૂછતી કે તું આ રાત-દિવસ હેરાન થાય છે દોડવા માટે, આટઆટલી મહેનત કરે છે અને દોડવા જાય છે તો ત્યાં તને કેટલા પૈસા મળે? હું કહેતો કે મમ્મી, કંઈ ન મળે. આ સાંભળીને તે ખાસ્સી નારાજ થઈ જતી. તેને લાગતું કે હું નકામો સમય વેડફું છું. મારી ગુજરાતી માને સમજાવવી અઘરી છે કે પૈસા ન મળે તો પણ અમુક કામ એવાં છે જે વ્યક્તિ ખુદ માટે કરતી હોય છે.’

સ્ટ્રેન્ગ્થ અને સ્ટૅમિનાની સાથે રાજ વડગામાની ફ્લૅક્સિબિલિટી પણ એટલી જ સરસ છે 

ગુજરાતી કરી શકે?

ગુજરાતીઓ માટેની ધારણા એવી છે કે આ દાળ-ભાતિયા લોકો છે, જ્યાં શારીરિક ક્ષમતાની વાત આવે ત્યાં લોકો માને છે કે આપણે સક્ષમ નથી, અને જો સક્ષમ બનવું હોય તો નૉનવેજ ખાવું પડે કે પ્રોટીન સપ્લિમેન્ટ લેવાં પડે. આ બાબતે ઍથ્લેટિક ક્ષમતા ધરાવતા રાજભાઈ કહે છે, ‘મેં કોઈ દિવસ કોઈ સપ્લિમેન્ટ લીધાં નથી. હું ઘરે બનાવેલાં ટિપિકલ ગુજરાતી રોટલી-દાળ-ભાત-શાક જ ખાઉં છું. મેં ક્યારેય નૉનવેજ ખાધું નથી કે ખાવામાં કોઈ જ ફેરફાર કર્યા નથી. ક્ષમતા મેં મારી ટ્રેઇનિંગથી ડેવલપ કરી છે. હા, બહારનું ખાતો નથી. ઘરે બનાવેલું સાદું, એકદમ સાદું ભોજન જ ખાઉં છું. સમોસા જેવી મારી ભાવતી વસ્તુ હું ૬ મહિને એક વાર ખાઉં છું. એટલે તળેલું, બહારનું કે પ્રોસેસ્ડ ફૂડ હું ખાતો નથી. કોઈ પણ ગુજરાતી ભાઈ-બહેનને હું એટલું જ કહીશ કે લોકોની વાતોમાં ન આવો, આપણો ખોરાક આપણને સશક્ત બનાવવા માટે પૂરતો છે, ઉપરથી કશું જ ખાવાની જરૂર નથી.’

જુદી-જુદી મૅરથૉન

૨૦૦૯માં રાજભાઈએ બૅન્ગલોરમાં ૭ કલાકની અલ્ટ્રામૅરથૉન દોડી હતી. આ સિવાય અમદાવાદથી મુંબઈની ૫૫૬ કિલોમીટરની ગ્રીનેથૉન તેમણે ૧૫ દિવસમાં પૂરી કરી હતી. એપ્રિલ ૨૦૧૨માં તેઓ ૧૦૦ માઇલ એટલે કે લગભગ ૧૬૦ કિલોમીટર થારનું રણ ૩૩ કલાક માટે નૉનસ્ટૉપ દોડ્યા હતા. પુણેના એક ગ્રુપ દ્વારા યોજાયેલી રેસમાં તેઓ ૩૦ કલાકમાં ૧૮૦ કિલોમીટર દોડ્યા હતા. ૨૦૧૩ના ઑક્ટોબરમાં આયર્નમૅન હૈદરાબાદમાં તેમણે હાફ ટ્રાયથ્લૉનમાં ભાગ લીધો હતો જે અંતર્ગત ૧.૯ કિલોમીટર સ્વિમિંગ, ૯૦ કિલોમીટર સાઇક્લિંગ અને ૨૧ કિલોમીટરની દોડ તેમણે પૂરી કરી હતી.

રનિંગની ટ્રેઇનિંગ આપી રહેલા રાજ વડગામા.

૨૦૧૪માં અમદાવાદમાં સાબરમતી હાફ મૅરથૉનને દોઢ કલાકમાં પૂરી કરીને તેઓ બીજા સ્થાને આવ્યા હતા. ૨૦૧૨માં દિલ્હીમાં આયોજિત ૨૨૦ કિલોમીટરની અલ્ટ્રામૅરથૉન રનરના તેઓ વિજેતા હતા જેમાં ૪૧.૩૦ કલાક તેઓ નૉનસ્ટૉપ દોડ્યા હતા. પુણેમાં યોજાયેલી ૧૬૧ કિલોમીટરની અલ્ટ્રા રેસમાં તો તેઓ એક જ હતા જે રેસ પૂરી કરી શક્યા. આ અનુભવ તેમણે બે વાર લીધો અને સહજ રીતે બન્ને વખત તેઓ આ દોડ જીત્યા હતા. જેસલમેરથી લૌન્ગેવાલાની ૧૬૦ કિલોમીટરની ‘ધ બૉર્ડર’ રેસ તેમણે ત્રણ વાર દોડી છે. ૨૦૧૬માં પિન્ક સિટી મૅરથૉનના બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર તરીકે મુંબઈથી જયપુરનું ૧૧૦૦ કિલોમીટરનું અંતર તેમણે દોડીને ૧૯ દિવસમાં પૂરું કર્યું હતું.

વિકટ પરિસ્થિતિઓ

જુલાઈ ૨૦૧૭માં સમુદ્રના લેવલથી ૧૦,૦૦૦ ફીટ ઉપર ૧૬૦ કિલોમીટરની કારગિલ ઇન્ટરનૅશનલ મૅરથૉન તેઓ દોડ્યા હતા જે તેમણે ૨૮.૩૦ કલાકમાં પૂરી કરી હતી. ૨૦૧૭ના ઑગસ્ટમાં ફરી લેહ-લદ્દાખના આ જ રોડ પર ‘લા-અલ્ટ્રા’ નામે જાણીતી દુનિયાની સૌથી અઘરી ગણાતી ૨૨૨ કિલોમીટરની મૅરથૉન તેમણે ૪૭.૨૦ કલાકમાં પૂરી કરી હતી. લેહ-લદાખના આ એરિયામાં તાપમાન ૩ ડિગ્રીથી લઈને ૩૫ ડિગ્રી સુધી જાય છે અને ત્યાં ૫૦ ટકા જ ઑક્સિજન પ્રાપ્ત થાય છે. આવી વિકટ પરિસ્થિતિમાં તેમણે જે અચીવ કર્યું છે એ કેટલું અઘરું હોઈ શકે છે એ વિચારી પણ ન શકાય. ૨૦૧૯માં USની ડેથ વૅલીમાં યોજાતી બેડવૉટર અલ્ટ્રામૅરથૉન નામે જાણીતી રનમાં તેઓ ૪૪.૩૦ કલાક નૉનસ્ટૉપ દોડ્યા હતા. આ જગ્યાનું તાપમાન ૫૪ ડિગ્રી જેટલું ઊંચું હતું. આ દોડ માટે એ સમયના ખેલપ્રધાન કિરણ રિજિજુએ તેમનું સન્માન પણ કર્યું હતું.

કોચ બની ગયા

પહેલી મૅરથૉન દોડ્યા પછી ધીમે-ધીમે રાજભાઈને સમજાવા લાગ્યું કે ક્યા પ્રકારની ટ્રેઇનિંગથી ફાયદો થશે. કાર્ડિયોલૉજિસ્ટ અને સ્પોર્ટ‍્સ મેડિસિનના નિષ્ણાત ડૉ. આશિષ કૉન્ટ્રૅક્ટરે તેમને માર્ગદર્શન આપ્યું, જેની મદદથી આગળ કેમ વધવું એનો માર્ગ મળતો ગયો. એ પછી તો મૅરથૉન દોડનારા લોકો તેમની સ્ફૂર્તિ જોઈને તેમની પાસે માર્ગદર્શન માટે આવવા લાગ્યા. એ વિશે વાત કરતાં રાજભાઈ કહે છે, ‘એ સમયે ખૂબ ઓછા લોકો સમજતા હતા કે વૉર્મ-અપ કરવું અત્યંત જરૂરી છે. મારી પાસે લોકો આવતા ત્યારે હું તેમને વૉર્મ-અપની સલાહ આપતો જે તેમને ફળતી એટલે તેમનો મારા પર વિશ્વાસ વધતો ગયો. મને દોડવામાં અને ટ્રેઇનિંગમાં મજા આવવા લાગી અને મારી સાથે મને જોઈને કરનારાઓની સંખ્યા વધતી ગઈ. એ સમયે ઘણા લોકોએ મને કહ્યું કે તમે અમને ટ્રેઇનિંગ આપો. ત્યારે મને થયું કે આમાં હું શું શીખવીશ કોઈને? એટલે હું ના જ પાડતો. મને જેટલી ખબર હતી એટલું હું તેમને કહેતો રહેતો પરંતુ આ રીતે લોકો વધતા જ ગયા એટલે મને લાગ્યું કે હવે કંઈ કરવું પડશે. મેં અમેરિકન કાઉન્સિલનો સ્પોર્ટ‍્સ મેડિસિનનો કોર્સ કર્યો અને પછી લોકોને ગાઇડ કરવાનું શરૂ કર્યું.’

કેટલાંય જીવન બદલાયાં

રાજભાઈ ૫૦૦૦ લોકોને ટ્રેઇનિંગ આપી ચૂક્યા છે. તેમના સ્ટુડન્ટ્સમાં સૌથી નાનો ૧૫ વર્ષનો અને સૌથી મોટા ૭૦ વર્ષના દાદા પણ સામેલ છે. તેઓ ગોરેગામ સ્પોર્ટ‍્સ ક્લબમાં અને પર્સનલ કોચિંગ પણ આપે છે. મૅરથૉન કોચિંગ વિશે વાત કરતાં રાજ વડગામા કહે છે, ‘હું જેમ-જેમ લોકોને મળતો ગયો, શીખવતો ગયો ત્યારે મને સમજાયું કે આ કામ સહેલું નથી. લોકોને સતત મોટિવેશન આપતા રહેવું પડે છે. વળી આ એક એવી સ્પોર્ટ છે જેમાં ઇન્જરી થવાની શક્યતા ઘણી છે. હું ખુદ અઢળક વાર ઇન્જર્ડ થયો છું, પણ ગિરતે હૈં શેર મૈદાને જંગ મેં જેવું વિચારીને આગળ વધવાનું હોય છે. મોટિવેશનની સાથે-સાથે ડિસિપ્લિન, અમુક ટેક્નિક, જરૂરી જ્ઞાન આ બધું જ ટ્રેઇનિંગનો મહત્ત્વનો ભાગ છે. મારા કામનું સૌથી સારું પાસું એ છે કે હું ઘણાબધાના જીવનમાં ખૂબ જ સકારાત્મક બદલાવ લાવી શક્યો છું. કેટલાય લોકોનું સ્મોકિંગ અને ડ્રિન્કિંગ મેં છોડાવ્યું છે. કેટલાય લોકોને પહેલાં કરતાં વધુ ફિટ બનાવ્યા છે, તેમની કાર્યક્ષમતા પણ વધી છે અને ફક્ત ફિઝિકલ હેલ્થ જ નહીં; મેન્ટલ હેલ્થ પણ સુધરી છે. આ કામ કરવાનો મને ઘણો સંતોષ છે.’

કમાણીનું શું?

મૅરથૉનમાં દેશ-વિદેશમાં ભાગ લેનારા રાજભાઈ પોતાના જીવનની અત્યંત યાદગાર ક્ષણ જણાવતાં કહે છે, ‘હું મારી રીતે અલગ-અલગ જગ્યાની મૅરથૉનમાં ભાગ લીધા કરતો. મને એમાં મજા પડતી, પરંતુ એમાં ક્યાંય પૈસા ન મળે. ઊલટું અમુક જગ્યાએ તો ભરવાના હોય. મુંબઈથી બહાર હોય તો ટ્રાવેલનો અને ત્યાં રહેવાનો ખર્ચ પણ આપણે કરવાનો હોય, પરંતુ જ્યારે તમે એક પૅશન સાથે કરતા હો ત્યારે એની મજા માટે તમે એ ખર્ચ ઉઠાવવા તૈયાર રહેતા હો છો. મેં આ ફીલ્ડમાં પગ મૂક્યો એ પછીના ૧૭ વર્ષે લદ્દાખમાં જે રેસમાં ભાગ લીધો હતો એ સમયે મને મારા પર્ફોર્મન્સને કારણે પાંચ લાખની સ્પૉન્સરશિપ મળી. એ દિવસે મારી આંખમાં હર્ષનાં આંસુ હતાં. જુદા-જુદા દેશોમાં દોડવા માટે જવું, એનું ફન્ડિંગ એકઠું કરવું એ બધું સરળ નથી, પણ પૅશન જબરદસ્ત હોય તો શક્ય છે. બાકી ૨૦૧૩માં મેં એક્સ્ટ્રીમ સ્પોર્ટ્સ ઇન્ડિયા નામની કંપની શરૂ કરી અને એની હેઠળ હું જે ટ્રેઇનિંગ આપું છું એ મારી આવક છે. આ સિવાય હું ઇન્ટીરિયરનું કામ પણ કરું જ છું. ફુલ ટાઇમ આ ફીલ્ડમાં કામ કરવું થોડું અઘરું છે. તમારે આવકનો સ્રોત વિચારી રાખવો જરૂરી છે.’

આ NRI ગુજરાતી પણ દોડશે વીસમી મુંબઈ મૅરથૉન


મૂળ મુંબઈના અને ધંધાર્થે વર્ષોથી જર્મની સ્થાયી થયેલા હીરેન્દ્ર કુરાણી પણ મુંબઈની મૅરથૉનમાં લગાતાર ૧૯ વર્ષથી દોડતા આવ્યા છે અને આ વર્ષે પણ દોડશે. ૨૦૨૦માં તેઓ મુંબઈ મૅરથૉનમાં દોડ્યા એ તેમની ૨૦૦મી મૅરથૉન હતી. 

લિમકા બુક રેકૉર્ડ‍્સના ત્રણ રેકૉર્ડ‍્સ રાજ વડગામાને નામ

. રાજભાઈનો પહેલો લિમકા બુક ઑફ રેકૉર્ડ થયો ૨૦૧૪-’૧૫માં, જેમાં ભારથૉન હેઠળ આખા દેશની બાઉન્ડરી પર કુલ મળીને ૧૦,૦૦૦ કિલોમીટર દોડવાનું હતું. ૨૦૧૪ની ૧૫ ઑગસ્ટે શરૂ થયેલી આ દોડ તેમણે ૨૦૧૫ની ૨૬ જાન્યુઆરીના દિવસે પૂરી કરી હતી. સ્વતંત્રતા દિવસે તેમણે દોડવાનું શરૂ કર્યું, જે ગણતંત્ર દિવસના પૂરું કર્યું. આ દોડમાં તેમણે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી અને ગુજરાતથી લઈને ઈસ્ટ ઇન્ડિયાની દરેક બાઉન્ડરીને આવરી લીધી હતી. આ દોડ સાથે તેમણે એક નૅશનલ રેકૉર્ડ પણ બનાવ્યો છે, જેમાં ૯૯૦૨ કિલોમીટરનું અંતર ૧૬૫ દિવસમાં પૂરું કરનાર તે પહેલા ભારતીય છે. એનો અર્થ એ થયો કે તેઓ એક દિવસમાં ૬૦ કિલોમીટર દોડ્યા હતા.

. ૨૦૧૨ના જુલાઈમાં તેમણે લેહ-લદ્દાખના ખારદુંગ લામાં ૧૦૦ કિલોમીટરની રન કરી હતી જે કરનારા તે પહેલા ભારતીય હતા એટલે એ એક નૅશનલ રેકૉર્ડ બન્યો હતો જેની નોંધ પણ લિમકા બુક ઑફ રેકૉર્ડ‍્સે લીધી હતી.

. ૨૦૧૨માં તેમણે દિલ્હીથી મુંબઈ સુધીની ગ્રીનેથૉન, જે ૧૫૦૦ કિલોમીટરની હતી એ ૩૦ દિવસમાં પાર કરી જેમાં એક દિવસના ૫૦ કિલોમીટર દોડવાનો તેમણે રેકૉર્ડ કર્યો જે લિમકા બુક ઑફ રેકૉર્ડ‍્સમાં સામેલ થયો જે તેમનો ત્રીજો લિમકા રેકૉર્ડ હતો.  

કાયમી રજિસ્ટ્રેશન-નંબર ૧૮૦૬૬૭ 
રાજ વડગામા મુંબઈ મૅરથૉન છેલ્લાં ૧૯ વર્ષથી દોડી રહ્યા છે. એ પણ ફુલ મૅરથૉન. મુંબઈ મૅરથૉનનો તેમનો પર્સનલ બેસ્ટ ટાઇમિંગ છે ૩.૩૧ કલાક. એટલે કે ૪૨.૧૯૫ કિલોમીટરની દોડ તેઓ સાડાત્રણ કલાકમાં પૂરી કરે છે. મુંબઈ મૅરથૉનમાં આટલાં વર્ષોથી સતત દોડતા રહેવાને કારણે ૨૦૨૧માં રાજભાઈને મૅરથૉન માટેનો એક કાયમી રજિસ્ટ્રેશન-નંબર આપવામાં આવ્યો જે છે ૧૮૦૬૬૭. આ નંબર એટલે ખાસ છે કારણ કે આ તેમની જન્મતારીખ છે. કેટલાક ખાસ લોકોને જ આ પ્રિવિલેજ મળે જેમાંથી રાજભાઈ એક છે. આ વર્ષે પણ આ નંબર સાથે જ તેઓ મૅરથૉન દોડશે. 

Whatsapp-channel Whatsapp-channel

06 January, 2025 04:06 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK