Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જીવનની સેન્ચુરી પછી પણ ગજબની મેમરી

જીવનની સેન્ચુરી પછી પણ ગજબની મેમરી

05 October, 2022 01:23 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

કાંદિવલીમાં રહેતાં મણિબા મિસ્ત્રીની આ ઉંમરે યાદશક્તિ એટલી પ્રબળ છે કે પોતાનાં લગ્નમાં કેટલાં બળદગાડાં ભરીને મહેમાનો આવ્યા હતા અને પરિવારની મહિલાઓમાં કોણે કેવા રંગની સાડી પહેરી હતી એ હજીયે યાદ છે

કાંદિવલીમાં રહેતાં મણિબા મિસ્ત્રી એન્ડ ફૅમિલી

100 નૉટ આઉટ

કાંદિવલીમાં રહેતાં મણિબા મિસ્ત્રી એન્ડ ફૅમિલી


મણિબાના માનસપટ પર બાળપણથી લઈને આજ સુધીની દરેક ઘટના ચલચિત્રની જેમ અંકિત થયેલા છે. તમારી સાથે એક વાર બોલવાનું શરૂ કરે પછી જૂની યાદોનો પટારો ખૂલતો જાય.

વડીલોને જૂની વાતો વાગોળવી બહુ ગમતી હોય છે. પચીસ-પચાસ વર્ષ પહેલાંની બે-ચાર ઘટનાઓ વિશે નવી પેઢી સાથે વાત કરવામાં તેમને મજા પડે એવું આપણે ઘણી વાર જોયું છે. જોકે જીવનની સદી પૂરી કરનારાં દાદીમા ૧૯૪૧ની સાલના કોઈ પ્રસંગની રજેરજ માહિતી આપે ત્યારે તેમની યાદશક્તિને દાદ આપવી પડે. કાંદિવલીમાં રહેતાં મિસ્ત્રી પંચાલ સમાજનાં ૧૦૩ વર્ષનાં મણિ હરકિશનદાસ મિસ્ત્રીના માનસપટ પર બાળપણથી લઈને આજ સુધી બનેલી દરેકેદરેક ઘટના અને પ્રસંગ ચલચિત્રની જેમ અંકિત થયેલાં છે. તમારી સાથે એક વાર બોલવાનું શરૂ કરે પછી જૂની યાદોનો પટારો ખૂલતો જાય. મણિબાના પટારામાં શું છે જોઈએ.



યાદોનો ખજાનો


વાતચીતની શરૂઆત કરતાં મણિબા કહે છે, ‘દસ વર્ષની ઉંમરમાં રસોઈ બનાવતાં શીખી ગઈ. કૂવામાંથી પાણી ભરીને લાવતી. લગ્ન બહુ મોડાં થયાં. ૧૯૪૧ની સાલ ને તારીખ ૧૭ ફેબ્રુઆરી. ઉંમર હતી બાવીસ વર્ષની. સાડી પહેરાવી, પાઉડર લગાવીને મને પાટલા પર બેસાડી હતી. આઠ બળદગાડાં જોડીને જાન નારગોળ ગામથી દાદરા (સેલવાસા) આવી હતી. બે દિવસનો ઉતારો આપ્યો હતો. મામાજીના ઘરની મહિલાઓએ ગુલાબી રંગની સાડી પહેરી હતી. જમવામાં પૂરી-શાક, દાળ-ભાત અને સેવ-​લાપસી બનાવ્યાં હતાં. સાસરીમાં કાચું મકાન હતું. દર અઠવાડિયે લીંપણ કરતી. રસોઈ એવી સરસ બનાવું કે સગાંસંબંધીઓ તેમના પ્રસંગમાં મને બોલાવે. ૫૦ માણસની રસોઈ એકલા હાથે બનાવવી રમતવાત હતી. સૌથી વધુ સમય રસોડામાં વિતાવ્યો છે. એક સમયે કુકિંગ ક્લાસિસ ખોલ્યા હતા. અનેક મહિલાઓએ મારા હાથ નીચે તાલીમ લીધી છે. મારા હાથની ગોળપાપડી સૌને બહુ ભાવે. વર્ષો પહેલાં આર્થિક તંગી હતી ત્યારે જે દિવસે બે પૈસા વધુ મળે ત્યારે ગોળપાપડી બનાવતી એ હજીયે સાંભરે છે. રસોઈ બનાવવામાં માહેર એમ ખાવાનો પણ એટલો જ શોખ. જોકે મને તીખાં ફરસાણ વધુ ભાવે. ત્રણ ચોપડી સુધી જ ભણી હોવાથી સહી કરવા સિવાય વાંચતાં-લખતાં નથી આવડતું પણ ભજનો મોઢે છે. સાંભળેલું બધું યાદ રહી જાય. ગુજરાતી ઉપરાંત મરાઠી ભાષા બોલતાં આવડે છે. ભજનો ગાવાનો ઘણો શોખ છે.’ 

ઉંમર કન્ફર્મ કેવી રીતે?


મણિબા ૧૦૩ વર્ષના છે એની ગણતરી કઈ રીતે કરી? શું જન્મનો દાખલો છે? આ પ્રશ્નોનો જવાબ આપતાં બીજા નંબરના દીકરા નટવરલાલ કહે છે, ‘બાએ તેમના બાળપણ અને લગ્ન વિશે ઘણી માહિતી આપી છે. બાળલગ્નના જમાનામાં તેમનાં લગ્ન ૨૨ વર્ષની પુખ્ત વયે થવાં એ નાનીસૂની ઘટના ન કહેવાય. બાનો જન્મ ચારોટીમાં થયો હતો. જન્મ પહેલાં જ તેમના બાપુજી અવસાન પામ્યા હતા. ત્યાર બાદ તેમનાં બા એટલે કે મારાં નાનીએ બીજી વાર લગ્ન કર્યાં. નવ વર્ષની ઉંમરમાં તેમણે માતાની છત્રછાયા ગુમાવી દીધી. સાવકા પિતાની દેખરેખમાં ઉછેર થયો. બાળપણથી રસોડાની અને ઘરકામની જવાબદારી સોંપી દેવામાં આવતાં તેઓ હોશિયાર બની ગયાં. સાવકા પિતા રેલવેમાં નોકરી કરતા હતા. નિવૃત્તિ બાદ તેઓ બાને લઈને દાદરા આવી ગયા. સામાજિક વ્યવસ્થાઓ અને સંજોગોના કારણે લગ્નમાં વિઘ્નો આવતાં હતાં તે છેક બાવીસ વર્ષની ઉંમરે મારા બાપુજી સાથે તેમનું ગોઠવાયું. મારા મોટાભાઈ લલિતકુમારનો જન્મ ૧૯૪૩માં થયો હતો. આમ તમામ ગણતરી કરીને નક્કી થયું કે મણિબાનો જન્મ ૧૯૧૯માં થયો હોવો જોઈએ. હાલમાં તેમને ૧૦૩મું વર્ષ ચાલે છે.’

પારિવારિક જીવન

ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના પાંચ તાલુકાઓ પૈકીના એક ઉમરગામ તાલુકાના નારગોળ ગામ ખાતે જીવનનાં મહતત્ત્વનાં વર્ષો વિતાવ્યાં છે એવી જાણકારી આપતાં નટવરભાઈ કહે છે, ‘અમારા બાપ-દાદાનો ધંધો સુથારકામનો. એ વખતે નારગોળમાં અડધોઅડધ વસ્તી પારસીઓની હતી. પારસીઓને લાકડાંનાં મકાનોમાં રહેવું ગમે તેથી કામ મળી રહેતું, પરંતુ સાત સંતાનોના અભ્યાસનો ખર્ચ ઉપાડી શકે એટલી આવક નહોતી. બાને ભણતરની કિંમત હતી તેથી આર્થિક ટેકો આપવા ગોદડી બનાવવી, પાપડ વણવા, અથાણાં કરવાં વગેરે કામો કરીને અમને દસમા ધોરણ સુધી ભણાવ્યા. ત્યાર બાદ વારાફરતી બધા પુત્રોને આગળના અભ્યાસ માટે મુંબઈ મોકલ્યા. ગુજરાત-મહારાષ્ટ્ર રાજ્ય અલગ થયા બાદ આખો પરિવાર મુંબઈ સ્થાયી થયો. અહીં અમારી પ્રગતિ થઈ. બે રાજ્યની સીમાને અડીને આવેલા નારગોળ ગામમાં મહારાષ્ટ્રિયન લોકોની વસ્તી ઘણી હતી તેથી મરાઠી કડકડાટ બોલે છે. કેટલીક મરાઠી વાનગીઓ બનાવતાં પણ આવડે છે.’  
મણિબાના પાંચ દીકરાનાં નામ લલિતકુમાર, નટવરલાલ, સુરેશભાઈ, પ્રવીણભાઈ, મદનભાઈ છે; જેમાંથી સુરેશભાઈ અવસાન પામ્યા છે. તેમની બે દીકરીનાં નામ રમીલા વિજયકુમાર અને હંસા વિનોદકુમાર છે. સૌથી નાનાં દીકરી હંસાબહેન વલસાડમાં રહે છે અને બાકીનો પરિવાર મુંબઈમાં ઠરીઠામ છે. ચાર પેઢી જોઈ ચૂકેલાં મણિબાના પરિવારમાં ૬૦ કરતાં વધુ સભ્યો છે. ઘણાં વર્ષથી તેઓ દીકરા નટવરભાઈ અને પુત્રવધૂ ગીતા સાથે રહે છે. હવે બહાર જવાનું ઓછું કરી નાખ્યું છે. જોકે તબિયત સારી છે. દિવસમાં ત્રણ ટાઇમ સાદું ભોજન જોઈએ. મોટા ભાગનો સમય પ્રભુ સ્મરણમાં વિતાવે. ક્યારેક શાકભાજી સમારવા જેવાં કામો કરી આપે. કાને બહેરાશ આવી છે પણ મોઢામાં હજીયે બાર દાંત સલામત છે. પાંચેક વર્ષ પહેલાં સુધી સિંગચણા પણ ખાઈ શકતાં. શરીરમાં બીજો કોઈ રોગ નથી.

દસ વર્ષની ઉંમરમાં રસોઈ બનાવતાં શીખી ગઈ. લગ્ન બહુ મોડાં થયાં. ૧૯૪૧ની સાલ ને તારીખ ૧૭ ફેબ્રુઆરી. એ વખતે ઉંમર બાવીસની. લગ્નમાં આઠ બળદગાડાં જોડીને જાન નારગોળ ગામથી દાદરા (સેલવાસા) આવી હતી. : મણિબા મિસ્ત્રીલ્યો બોલો!

મણિબાને કોઈના ઘરે રહેવાનું ફાવતું નથી એનું કારણ પણ અજીબોગરીબ છે. આજકાલ ઉંમર વધે એમ વેસ્ટર્ન ટૉઇલેટની જરૂરત ઊભી થાય છે. નવી ઇમારતોમાં તો વેસ્ટર્ન કમોડ જ બને છે. જેમને ત્યાં આવાં ટૉઇલેટ્સ નથી તેઓ ઘૂંટણની તકલીફ જેવી અનેક સમસ્યાઓના કારણે સ્પેશ્યલ બનાવડાવે છે. જ્યારે મણિબાને આ ઉંમરે ઇન્ડિયન ટૉઇલેટ વાપરવું પસંદ હોવાથી બહાર બહુ જતાં નથી. શારીરિક સ્વાસ્થ્ય માટે પરંપરાગત ભારતીય ટૉઇલેટ બેસ્ટ હોવાનું તેઓ માને છે. જોકે એક વાર પડી જતાં બૂમાબૂમ કરી મૂકી હતી. આ ઘટના બાદ દીકરા-વહુએ ઘણાં સમજાવ્યાં, પરંતુ માનતાં નથી. આજે પણ તેઓ ઇન્ડિયન ટૉઇલેટનો જ ઉપયોગ કરે છે. હા, પહેરવેશમાં થોડી બાંધછોડ કરી છે. જીવનભર સાડી પહેરનારાં મણિબા હવે ઘરમાં ગાઉન પહેરે છે. 

લ્યો બોલો!

મણિબાને કોઈના ઘરે રહેવાનું ફાવતું નથી એનું કારણ પણ અજીબોગરીબ છે. આજકાલ ઉંમર વધે એમ વેસ્ટર્ન ટૉઇલેટની જરૂરત ઊભી થાય છે. નવી ઇમારતોમાં તો વેસ્ટર્ન કમોડ જ બને છે. જેમને ત્યાં આવાં ટૉઇલેટ્સ નથી તેઓ ઘૂંટણની તકલીફ જેવી અનેક સમસ્યાઓના કારણે સ્પેશ્યલ બનાવડાવે છે. જ્યારે મણિબાને આ ઉંમરે ઇન્ડિયન ટૉઇલેટ વાપરવું પસંદ હોવાથી બહાર બહુ જતાં નથી. શારીરિક સ્વાસ્થ્ય માટે પરંપરાગત ભારતીય ટૉઇલેટ બેસ્ટ હોવાનું તેઓ માને છે. જોકે એક વાર પડી જતાં બૂમાબૂમ કરી મૂકી હતી. આ ઘટના બાદ દીકરા-વહુએ ઘણાં સમજાવ્યાં, પરંતુ માનતાં નથી. આજે પણ તેઓ ઇન્ડિયન ટૉઇલેટનો જ ઉપયોગ કરે છે. હા, પહેરવેશમાં થોડી બાંધછોડ કરી છે. જીવનભર સાડી પહેરનારાં મણિબા હવે ઘરમાં ગાઉન પહેરે છે. 

Whatsapp-channel Whatsapp-channel

05 October, 2022 01:23 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK