° °

આજનું ઇ-પેપર
Sunday, 11 April, 2021

પહેલું સુખ તે જાતે નર્યા

04 March, 2021 10:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલું સુખ તે જાતે નર્યા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

આ સૂત્ર તો આપણને ખબર જ હતી, પરંતુ છેલ્લા એક વર્ષના અનુભવે આપણને એ શીખવ્યું કે માત્ર અંગત હેલ્થ જ નહીં, પરિવાર અને આસપાસના લોકોની હેલ્થની કાળજી રાખવા માટે પણ આપણે જ જવાબદારી ઉઠાવવી પડશે. આજે મળીએ એવા પરિવારોને જેમાં ઘરના દરેક સભ્યોએ એકબીજાને પ્રેરણા અને માનસિક બળ આપીને હેલ્ધી જીવનશૈલી માટે સહિયારો પ્રયત્ન આદર્યો છે. સાત્ત્વિક ભોજન, એક્સરસાઇઝ ઉપરાંત ફિઝિકલ-મેન્ટલ વેલનેસ માટે જાતજાતના પર્યાયો અપનાવીને સ્વસ્થ પરિવાર બનીને મસ્ત જીવનશૈલીને જીવનનો ભાગ બનાવી દીધી છે

પ્રાણાયામથી લઈને પગને આરામ આપવા સુધીની પ્રવૃત્તિ કરી : ઉર્વશી ભટ્ટ, અંધેરી

છેલ્લા ૧૧ મહિનાથી કોવિડની ગાઇડલાઇન્સને સ્ટ્રિક્ટ્લી ફૉલો કરી રહેલી અંધેરીની ભટ્ટ ફૅમિલીએ પુત્રવધૂની ડિલિવરી અને વૅક્સિનેશન સુધી સામાજિક મેળાવડાથી સંપૂર્ણપણે દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધી છે. પરિવારના મોભી જયેશભાઈ ટેક્સટાઇલ એન્જિનિયર છે અને તેમનાં પત્ની ઉર્વશી નિવૃત્ત શિક્ષકા છે. ડાયાબિટીઝના દરદી હોવાથી ઉર્વશીબહેનને શરૂઆતથી જ કોરોના સંક્રમણનો ભય લાગતો હતો. પુત્રવધૂ પણ પ્રેગ્નન્ટ હોવાથી આખા પરિવારે હેલ્થ ઇઝ વેલ્થનો મંત્ર અપનાવ્યો છે. હેલ્થ-રૂટીન વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘ટ્રેડમિલ અને ફુટ-મસાજર જેવાં સાધનો અમે વસાવેલાં છે. એ રીતે થોડા હેલ્થ-કોન્શ્યસ તો હતા જ. કોવિડને કારણે સ્વાસ્થ્યના મહત્ત્વને વધુ ગંભીરતાથી લેતા થયા. શરૂઆતથી બહારથી કોઈ પણ વસ્તુ આવે એને યુવી રેડિયેશન બૉક્સમાં મૂકી એક દિવસ બાલ્કનીમાં મૂકી રાખતા. ત્યાર બાદ ગ્લવ્ઝ પહેરીને દરેક પૅકેટને સૅનિટાઇઝ કરીને ઉપયોગમાં લેતા હતા. હજી પણ સૅનિટાઇઝેશનની પ્રક્રિયા ચાલુ રાખી છે. દિવસમાં એક વાર સ્ટીમ લેવાનો નિયમ બનાવ્યો છે. આ ઉપરાંત ઉકાળો, કાઢો અને હળદરવાળું દૂધ પણ પીવાનાં. મારા હસબન્ડ અને પુત્ર ટ્રેડમિલ પર ચાલે છે, હું યોગ અને પ્રાણાયામ કરું છું અને વહુ ઇન્ટરનેટની સહાયથી પ્રેગ્નન્સીમાં ઉપયોગી હોય એવી હળવી એક્સરસાઇઝ અને યોગ કરે છે. રિલૅક્સેશન માટે સમયાંતરે ફુટ-મસાજ કરીએ છીએ. કોરોના હજી ગયો નથી તેથી લગ્ન કે શુભ પ્રસંગોમાં મળેલા આમંત્રણને હાથ જોડીને નકારી દઈએ છીએ. ઘરમાં કોઈ આવે તો ના નથી પાડતા, પરંતુ માસ્ક પહેરીને રાખવાનો આગ્રહ રાખ્યો છે. જોકે આટલા મહિનાથી ઘરની સાદી રસોઈ ખાઈને કંટાળી ગયા હતા તેથી હવે કોઈક વાર બહારથી પાર્સલ મગાવીએ છીએ. ફૂડ-પાર્સલ આવે એટલે તરત માઇક્રોવેવમાં ગરમ કરવા મૂકી દઈએ અને કન્ટેનરને ફેંકી દઈએ. પુત્રવધૂની ડિલિવરી થઈ જાય અને વૅક્સિનેશન માટે સામાન્ય જનતાનો નંબર ન આવે ત્યાં સુધી ડાઇનિંગ માટે બહાર જવાનું તેમ જ ફંક્શન અટૅન્ડ કરવાનું માંડી વાળ્યું છે. આટલા મહિનાથી તમામ તકેદારી રાખવાની ટેવ પડી જતાં હવે કાયમ માટે ન્યુ નૉર્મલ હેલ્થ લાઇફ ડેવલપ થઈ છે.’

રોજ બે કલાક પોતાના શરીર માટે આપવાના જ : વિપુલ દોશી, કાંદિવલી

સિક્યૉરિટી ઇક્વિપમેન્ટ્સનો બિઝનેસ ધરાવતા કાંદિવલીના વિપુલ દોશીના પરિવારમાં પત્ની, માતા અને પુત્રી છે. સવારે સાડાપાંચના ટકોરે ઊઠી જવાનું અને રાત્રે સાડાદસ વાગે એટલે બધાની રૂમની લાઇટો બંધ થઈ જાય. ઘરના તમામ સભ્યો ટાઇમટેબલ પ્રમાણે ચાલે. જીવનમાં આટલી નિયમિતતા હોય એવા પરિવારે કોરોનાકાળમાં સ્વાસ્થ્યની કેવી કાળજી લીધી હશે એ સમજી શકાય એમ છે. રોજ બે કલાક પોતાના શરીર માટે આપવા છે એવું એક વાર નક્કી કરી લો તો એ વરદાન બની જાય એવો અભિપ્રાય આપતાં વિપુલભાઈ કહે છે, ‘સ્પોર્ટ્સપર્સન હોવાથી સ્વાસ્થ્યની બાબતમાં હું પહેલેથી સભાન હતો. વાઇફ પણ હેલ્થ-કૉન્શ્યસ અને મમ્મી તો જૂના જમાનાની રીત મુજબ ઘરના કામને બેસ્ટ એક્સરસાઇઝ માને છે. કહેવત છેને કે મોરનાં ઈંડાંને ચીતરવાં ન પડે. કૉલેજકાળમાં ખાણી-પીણીનો જબરો શોખ ધરાવતી દીકરી જાનવીનું ફોકસ લૉકડાઉનમાં ચેન્જ થયું જ્યારે અમે ત્રણેય પહેલાં કરતાં વધુ સભાન બન્યા. રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન આવ્યું એના થોડા મહિના પહેલાં મેં અને વાઇફ દીપાએ વિપશ્યનાનો કોર્સ કર્યો હતો. આ કુદરતી સંકેત હતો. કોવિડનો ભય અને વ્યાવસાયિક અનિશ્ચિતતા વચ્ચે મોટા ભાગના લોકોને ખોટા વિચારો આવતા હતા. વિપશ્યના મેડિટેશનના કારણે જે માનસિક શાંતિ મળતી એમાં અમને આડાઅવળા વિચારો નહોતા આવતા. આટલા મહિનાથી રોજ સવારે અને સાંજે એક-એક કલાક વિપશ્યના મેડિટેશન કરું છું. દીપા અને જાનવી યોગ અને એક્સરસાઇઝ કરે છે. અમારા નિત્યક્રમમાં કોઈ બદવાલ આવ્યો નથી. હવે બધું ખૂલી જતાં અઠવાડિયે-દસ દિવસે બોરીવલીસ્થિત પેગોડામાં જઈને મેડિટેશન કરીએ છીએ. ગુજરાતી પ્રજા બૅન્ક-બૅલૅન્સ બનાવવામાં સ્વાસ્થ્યનું બૅલૅન્સ ગુમાવી દે છે અને પછી પેટ ભરીને પસ્તાય છે. નીરોગી રહેવાની પહેલી શરત છે યુવાન વયથી જ તામસી વૃત્તિને કાબૂમાં રાખો. છેલ્લા એક વર્ષે અમને સંતોષી જીવન જીવતાં શીખવ્યું છે. પૌષ્ટિક આહાર, વ્યાયામ અને મેડિટેશન અમારો જીવનમંત્ર છે અને હંમેશાં રહેશે.’

મેન્ટલ રિલીફ મળતાં ઓવરઑલ હેલ્થ સારી રહી: પૂર્ણિમા મિસ્ત્રી, અંધેરી

૯૧ વર્ષનાં પથારીવશ સાસુની કાળજી લેવાની, પોતાની અને પરિવારના સભ્યોની હેલ્થને સર્વાધિક પ્રાથમિકતા આપવાની તેમ જ દીકરાને પરણાવવાનો પ્રસંગ પણ સુખરૂપ પાર પાડવાની જવાબદારી જેના માથે હોય એ વ્યક્તિએ માનસિક રીતે ખૂબ જ મજબૂત રહેવું પડે. અંધેરીમાં રહેતાં સિનિયર સિટિઝન જયચંદ્ર અને પૂર્ણિમા મિસ્ત્રીએ મેન્ટલ રિલીફ માટે યોગ-મેડિટેશન ઉપરાંત ઑનલાઇન ચાલતા ભગવદગીતાના ક્લાસિસનો સહારો લીધો હતો. પૂર્ણિમાબહેન કહે છે, ‘ગૃહિણી ઘરનું એવું પાત્ર છે જે માનસિક રીતે મજબૂત હોય તો બધાને સંભાળી શકે. ઉંમરલાયક સાસુને કોરોનાનો ચેપ ન લાગે તેમ જ અમારું સ્વાસ્થ્ય પણ સારું રહે એ માટે અમે યોગ કરતાં હતાં. બહારથી લાવેલી વસ્તુઓને સૅનિટાઇઝ કરીને ઉપયોગમાં લેવું, શાકભાજી અને ફળોને પાણીની બાલદીમાં ડૂબાડૂબ નાખી, કોરાં કરીને વાપરવાં અને કાઢો પીવો જેવી નાની-નાની બાબતોનું ખૂબ ધ્યાન રાખતાં હતાં. ઘરમાં કોઈને સામાન્ય શરદી જેવું લાગે તોય જીવ ઊંચો થઈ જતો. લૉકડાઉનની શરૂઆતમાં મને હતું કે આજકાલનાં સંતાનો ઘરના કામકાજમાં રસ લેતાં નથી તેથી એકલપંડે મૅનેજ કરવું પડશે. જોકે મારી ધારણા ખોટી પડી. દીકરીએ કિચન હૅન્ડલ કરતાં ઘણી રાહત થઈ હતી. લૉકડાઉનના બીજા તબક્કામાં ભગવદગીતા શીખવા ક્લાસિસ જૉઇન કર્યા. આ એવું પુસ્તક છે જે તમને બધી સમસ્યાઓમાંથી બહાર નીકળવામાં સહાય કરે છે. અમેરિકામાં રહેતા દીકરાનાં લગ્ન આગળ ઠેલાઈ જતાં અને લિમિટેડ મહેમાનોને આમંત્રણ આપવાનું હોવાથી મેન્ટલ સ્ટ્રેસ હતું. હજી હમણાં જ કોરોનાનો ચેપ ન લાગે એ માટે લગ્નની ખરીદી શૉર્ટમાં પતાવી હતી. મારું માનવું છે કે એ સમય એવો હતો જ્યાં શારીરિક તંદુરસ્તી કરતાં માનસિક સ્વાસ્થ્ય સારું રહે એ વધુ જરૂરી હતું. છેલ્લા અગિયાર મહિનામાં અમારા ઘરની દરેક વ્યક્તિએ મેન્ટલ હેલ્થ માટે ખાસ્સી જહેમત ઉઠાવી છે. એટલું જ નહીં, કોરોનાના યોદ્ધાઓ માટે ઑનલાઇન પ્લૅટફૉર્મ પર હનુમાનચાલીસા અને પ્રાર્થનાનું આયોજન પણ અમે કર્યું હતું. એનાથી અમારી હિંમત બની રહેતી. આજે પણ અમારું ફોકસ મેન્ટલ રિલૅક્સેશન છે. યોગ અને ભગવદગીતા હવે લાઇફટાઇમ સાથે રહેશે એ બાબત સ્પષ્ટ છીએ.’

આખી ફૅમિલીનું એક જ ફોકસ, વેઇટ કન્ટ્રોલ : હેતલ ભાનુશાલી, મલાડ

પંદર જણની વિશાળ ફૅમિલીમાં ગાયનેકોલૉજિસ્ટ, ઍનેસ્થેસિયોલૉજિસ્ટ અને એમબીબીએસની સ્ટુડન્ટ એમ ત્રણ મેમ્બર તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય ત્યારે બધાએ સ્વાસ્થ્યની ખૂબ કાળજી લીધી હશે એવું કોઈ પણ ધારી લે. જોકે વાસ્તવિકતા જુદી છે. ઘરમાં કૉલેસ્ટરોલ, બ્લડ-પ્રેશર અથવા ડાયાબિટીઝ ધરાવતા મેમ્બરોની સંખ્યા વધુ હોવા છતાં લૉકડાઉનના પ્રથમ તબક્કામાં ખાણી-પીણીની એવી જ્યાફત ઉડાવી કે બધાનું વજન વધી ગયું. છેલ્લા અગિયાર મહિનાની હેલ્થ જર્ની વિશે વાત કરતાં એમબીબીએસની સ્ટુડન્ટ હેતલ ભાનુશાલી કહે છે, ‘આટલાં વર્ષોમાં પંદર જણને એકસાથે રહેવાની તક પહેલી વાર સાંપડી હતી. લૉકડાઉન આવ્યું એના થોડા દિવસ પહેલાં જ દુબઈથી મોટી બહેન પણ આવી હતી. તેની પ્રેગ્નન્સી અને બધાની ઘરમાં ચહલપહલને કારણે રસોડું ધમધમતું હતું. જન્ક-ફૂડના અતિરેકથી બધાનું વજન વધી ગયું. વેઇટ ગેઇન અને કેટલાક રોગ જિનેટિક સમસ્યા છે. હવે જો વર્કઆઉટ નહીં કરીએ તો હેલ્થ બગડશે એ સમજાઈ ગયું. જોકે બહુ મોડું નહોતું થયું. બીજા તબક્કાના લૉકડાઉનથી દરેક મેમ્બરે પોતાની ક્ષમતા મુજબ વેઇટ કન્ટ્રોલ કરવા માટેના પ્રયાસો સ્ટાર્ટ કરી દીધા હતા. મમ્મીને ઘૂંટણની તકલીફ છે, દાદીમાને બ્લડ-પ્રેશર છે, ડાયાબિટીઝના દરદીઓ પણ છે તેથી બધાની એક્સરસાઇઝના પ્રકાર અને ડાયટ જુદાં. ત્રીસ મિનિટ યોગ અને મેડિટેશન જેવી બેઝિક એક્સરસાઇઝ બધા કરે છે. યંગ જનરેશનને ડાન્સ વર્કઆઉટમાં રસ પડ્યો. એક તરફ ફિટ રહેવા માટેના પ્રયત્નો ચાલતા હતા અને બીજી તરફ ગ્રોસરીનો બિઝનેસ હોવાથી પપ્પા-કાકાએ શૉપ ખોલવી પડતી. ભાઈ-ભાભી ડૉક્ટર છે તેથી તેમની ડ્યુટી ચાલુ જ હતી. ફૅમિલી મેમ્બરો બહાર જવા લાગ્યા પછી રિસ્ક વધી ગયું. ત્યાર બાદ હેલ્ધી રહેવા માટેના પ્રયાસો વધી ગયા. બહારથી આવીને ગરમ પાણીએ સ્નાન કરવાનું, કપડાં તાબડતોબ પાણીમાં બોળી દેવાનાં, વિટામિન્સની ટૅબ્લેટ્સ લેવાની વગેરે હજી ચાલુ છે. અત્યારે વૉકિંગ જેવી આઉટડોર ઍક્ટિવિટી કરીએ છીએ. હવે ભાઈ-ભાભીએ વૅક્સિનનો પહેલો ડોઝ લઈ લીધો છે એટલે બે મેમ્બરની ચિંતા ઓછી થઈ છે, પરંતુ શૉપમાં જતા પુરુષોના સ્વાસ્થ્ય માટે સતત સભાન રહીએ છીએ. વર્કઆઉટની એવી આદત પડી ગઈ છે કે ન કરો તો કંઈક મિસિંગ જેવું લાગે છે.’

04 March, 2021 10:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

15 March, 2021 01:24 IST | Mumbai | Sanjay Goradia

જોગાનુજોગ

જોગાનુજોગ

15 March, 2021 01:06 IST | Mumbai | Samit purvesh Shroff

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

15 March, 2021 01:04 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK