કૃપા જાની આજે એવા પરિવારોને શોધી લાવ્યાં છે જેમાં પતિ-પત્ની કે મા-દીકરાનો બર્થ-ડે એક જ હોય. આવા સંયોગો સાથે કેવી સરસ મેમરીઝ બનતી હોય છે એ વાગોળીએ.
રાહુલ અને નિરાલી મોદી
પતિ કે પુત્ર તમને ‘હૅપી બર્થ-ડે’ વિશ કરે અને તમે પણ કહી શકો, ‘સેમ ટુ યુ’. આવા વિસ્મયકારક યોગાનુયોગ બહુ જવલ્લે જ બનતા હોય છે. આવા કોઇન્સિડન્સ સર્જાય ત્યારે એ ખાસ બની જતા હોય છે. એક્સ્ટેન્ડેડ ફૅમિલી અને ફ્રેન્ડ્સમાં આવું બને એ ઠીક છે, પણ જ્યારે પતિ-પત્નીનો કે પછી પેરન્ટ્સ અને સંતાનોનો જન્મદિવસ સેમ હોય ત્યારે એનાં ખાસ સંભારણાં બની જાય છે. કૃપા જાની આજે એવા પરિવારોને શોધી લાવ્યાં છે જેમાં પતિ-પત્ની કે મા-દીકરાનો બર્થ-ડે એક જ હોય. આવા સંયોગો સાથે કેવી સરસ મેમરીઝ બનતી હોય છે એ વાગોળીએ.
રબ ને બના દી જોડી : સેમ બર્થ-ડે છે એ જોઈને મુરતિયો ૫૦ ટકા પાસ થઈ ગયો
ADVERTISEMENT
ટિપિકલ ગુજરાતી ફૅમિલીમાં બનતું હોય એમ જીવનમાં જેવા સેટલ થયા કે લગ્ન કરાવી દો જેવી વાત કાંદિવલીમાં રહેતા રાહુલ મોદી સાથે બની. તેનાં દાદીએ તેમના એક ફૅમિલી-ફ્રેન્ડની છોકરીનો બાયોડેટા તેના હાથમાં મૂકી દીધો અને લગ્ન માટે મીટિંગ ગોઠવી દીધી. બીજી બાજુ નિરાલીને ત્યાં પણ સેમ માહોલ. અરેન્જ્ડ મૅરેજ વિશે વિચારતાં જ એક યુવતીના મનમાં અનેક પ્રશ્નો હોય છે. પાત્ર કેવું હશે, મારી સાથે વેવલેન્ગ્થ મૅચ થશે, મને કરીઅર કે ઘરમાં સપોર્ટ કરશે? પણ જ્યારે નિરાલીના હાથમાં છોકરાનો બાયોડેટા આવ્યો ત્યારે તેણે છોકરાની બર્થ-ડેટ વાંચીને જ છોકરાને ૫૦ ટકા મનોમન પસંદ કરી લીધો. તમે વિચારતા હશો કે આવું કેમ? કારણ કે એ છોકરા રાહુલ અને નિરાલીની બર્થ-ડેટ સેમ હતી, ૧૬ ડિસેમ્બર. નિરાલીને લાગ્યું કે જે છોકરો મારી સાથે બર્થ-ડેટ શૅર કરતો હશે તેના વિચારો ૫૦ ટકા તો મારા જેવા જ હશે. બંદામાં કાંઈક તો દમ હશે.
અમે બન્ને જ્યારે પહેલી વાર મળ્યાં ત્યારે અમે આ યોગાનુયોગની ઘણી ચર્ચા કરી એટલું જ નહીં, આ વિષયને કારણે અમે સરળતાથી એકબીજા સાથે મોકળા મને વાત કરી શક્યાં. અમને બન્નેને લાગ્યું કે કદાચ આ પ્રારબ્ધની કોઈ સાઇન છે એમ જણાવતાં રાહુલ કહે છે, ‘એ સમયે આવેલી ફિલ્મ ‘કી ઍન્ડ કા’માં પણ આવા અનોખા સંયોગની વાત હતી અને તેથી કદાચ મેં સરળતાથી લગ્ન માટે હા ભણી દીધી.’
નિરાલી આ બાબતમાં કહે છે, ‘બેસ્ટ વાત એ છે કે અમે બન્ને બીજા કપલની જેમ એકબીજાનો જન્મદિન ભૂલી શકીએ નહીં. વર્ષનો આ સમય અમારા માટે ખૂબ જ અનોખો હોય છે અને અમે બન્ને આ દિવસની ઉજવણી ઈશ્વરનાં દર્શન કરીને સાદાઈથી પરિવાર અને નજીકના મિત્રોની સંગાથે સેલિબ્રેટ કરીએ છીએ. જોકે અમે એકબીજાને નાની-મોટી સરપ્રાઇઝ આપતા રહીએ છીએ. મહત્ત્વનો મુદ્દો એ છે કે ઉજવણી એવી રીતે હોય છે કે અમે બન્ને આ દિવસને પોતાના સ્પેશ્યલ દિવસ તરીકે મનાવી શકીએ. લગ્ન પછીનો પહેલો બર્થ-ડે અમારા માટે સ્પેશ્યલ છે, કારણ કે એ દિવસે અમે પહેલી વાર સાથે પાલિતાણાની જાત્રા કરી હતી.’
જોકે બન્ને ફાઇનૅન્સ બૅકગ્રાઉન્ડના હોવાથી ફ્રેન્ડ-સર્કલમાં સૌ તેમને પજવે છે કે તમે બન્ને બહુ સ્માર્ટ છો, એક પાર્ટી આપવી પડે એટલે પૈસા બચાવવાની લાલચે તમે એક બર્થ-ડે હોવાથી એકમેકને પસંદ કર્યાં છે. જોકે જોક્સ અપાર્ટ, રાહુલ અને નિરાલીને વિશ્વાસ ધરાવે છે કે કિસ્મતે તેમનું કનેક્શન જોડ્યું છે અને તેઓ સમાન બર્થ-ડેને કારણે પર્સનાલિટીમાં પણ ઘણી સમાનતા ધરાવે છે. રાહુલ કહે છે, ‘અમે બન્ને સોબર અને સૉર્ટેડ પર્સનાલિટી ધરાવીએ છીએ. મને લાગે છે કે અમે એકબીજાને બહુ સારી રીતે સમજી શકીએ છીએ.’
ગણપતિબાપ્પાનો પ્રસાદ
કાંદિવલીમાં રહેતા અવનીશ વૈદ્યની પત્નીની પ્રેગ્નન્સીના નવ મહિના પૂરા થઈ ચૂક્યા હોવા છતાં બાળક બહાર આવવાનું નામ લેતું નહોતું તેથી આખરે ડૉક્ટરે કહ્યું કે તમારે સી-સેક્શન કરવું પડશે, જો તમે ચોઘડિયામાં માનતા હો તો મુહૂર્ત જોઈને ડેટ જણાવજો. અવનીશભાઈ ગણપતિબાપ્પાના પરમ ભક્ત અને તેમણે જોયું કે આ અઠવાડિયે અંગારક ચતુર્થી આવી રહી છે તો તેમણે તરત જ એ દિવસ પસંદ કરી લીધો. જોકે ત્યારે તેમને તારીખનું જરાય ભાન નહોતું. જ્યારે પાછળથી તેમને તારીખ ખબર પડી તો તેમના આનંદનો કોઈ પાર નહોતો. આ સુખદ યોગાનુયોગ વિશે જણાવતાં તેઓ કહે છે, ‘ઇટ્સ મૅજિક! મેં ક્યારેય વિચાર્યું નહોતું કે આવું કંઈ થશે. આને કિસ્મત-કનેક્શન જ કહેવાય. હું ક્યારેય પોતાના બર્થ-ડેની ઉજવણી કરતો નહોતો પણ તનુષના આવ્યા બાદ હવે દર વર્ષે તેની સાથે જન્મદિન ઊજવવા હું આતુર રહું છું. મોટા ભાગે હું, મારી પત્ની નેહા અને દીકરો તનુષ સાથે ફરવા ઊપડી જઈએ છીએ. અત્યાર સુધીમાં ગોવા અને કુર્ગની અમારી ટ્રિપ સૌથી યાદગાર રહી છે.’
તનુષ મારા માટે લકી છે એમ જણાવતાં તેઓ ઉમેરે છે, ‘તેના જન્મ બાદ અમે ઘર ખરીદ્યું. તેના આવ્યા બાદ અમારી આર્થિક પરિસ્થિતિમાં પણ સુધાર આવ્યો છે. મારા માટે સાચે તે મારા પર થયેલી ગણપતિબાપ્પાની કૃપા છે.’
યુનિવર્સની બેસ્ટ ગિફ્ટ : મમ્મીએ જન્મદિવસે જ આપ્યો દીકરાને જન્મ
મલાડનાં હિરલ આકાશ રુઘાણી અને તેમનો દોઢ વર્ષનો પુત્ર એકાંશ પણ બર્થ-ડે શૅર કરે છે. આ સંદર્ભે વાત કરતાં હિરલ કહે છે, ‘એકાંશની ડિલિવરીનો દિવસ એકદમ ફિલ્મી હતો. એક તરફ મારો જન્મદિવસ હતો પણ લેબર પેઇનને કારણે મારી તો હાલત જ ખરાબ. બીજી બાજુ મારા પતિ ડિલિવરીના ચક્કરમાં મારો બર્થ-ડે ભૂલી ગયા હતા. જ્યારે ડિલિવરી બાદ ડૉક્ટરે મને એકાંશને હાથમાં આપીને બર્થ-ડે વિશ કર્યું ત્યારે આકાશને યાદ આવ્યું કે આજે તો મારો જન્મદિન છે. તેઓ એકદમ ઝંખવાણા પડી ગયેલા. જોકે આજે અમે આ પ્રસંગને યાદ કરીને ખૂબ હસીએ છીએ.’
હિરલના માટે એકાંશ યુનિવર્સે તેને આપેલી અદ્ભુત ગિફ્ટ છે. પોતાની પ્રેગ્નન્સી જર્નીની વાત કરતાં તેઓ કહે છે, ‘મેં અને મારા પતિએ જ્યારે બાળકની હોપ છોડી દીધી હતી ત્યારે મને એકાંશ આવ્યો છે. ડૉક્ટરે અમને IVFની સલાહ આપેલી પણ મને નૅચરલી જ બાળક જોઈતું હતુ અને તેથી જયારે હું પ્રેગ્નન્ટ થઈ અને ડૉક્ટરએ મને ડ્યુ ડેટ જણાવી ત્યારે હું ખુશીને કારણે રડી પડેલી. મારા માટે આ એકદમ થ્રિલિંગ હતું. ઘણા સમય સુધી હું બધાને કહેતી હતી કે હું અને મારું બેબી બર્થ-ડે શૅર કરીશું.’
એકાંશની ડિલિવરી નૉર્મલ થઈ છે. આ દિન મારા માટે ખૂબ જ ખાસ છે અને તેથી જ અમારા પહેલા સહિયારા જન્મદિનની ઉજવણી અમે અનાથાશ્રમની મુલાકાત લઈને કરી હતી. મારા માટે ગ્રેટિટ્યુડ એક વ્યક્તિની પર્સનાલિટીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે અને તેથી હું એકાંશમાં આનાં બીજ નાનપણથી જ રોપવા માગું છું. તેથી દર વર્ષે આવાં થોડાં સેવાકાર્ય જરૂર કરીશું. ગયા વર્ષે મારો અને એકાંશનો પહેલો સાથે બર્થ-ડે હતો. તે અત્યારે દોઢ વર્ષનો છે. અનાથાશ્રમ બાદ અમે હોટેલમાં ડિનર માટે ગયેલાં જ્યાં વેઇટરને અમે સેમ બર્થ-ડે સેલિબ્રેટ કરીએ છીએ એમ જણાવ્યું તો તે આશ્ચર્યચકિત થઈ ગયો અને થોડી વારમાં અમારા માટે બે મીઠાઈ અને સ્પાર્કલ્સ લઈ આવેલો. જ્યારે પણ હું અમારા સેમ જન્મદિનની સ્ટોરી કોઈને કહું છું તો લોકો આ યોગાનુયોગથી ખુશ થઈ જાય છે અને અમે લકી છીએ એમ કહે છે. મારી ઇચ્છા છે કે અમે દર વર્ષે અમારા બર્થ-ડે એવી રીતે સાથે સેલિબ્રેટ કરીએ કે અમે એકબીજાની સ્પૉટલાઇટ આપીને જન્મદિનની સુંદર ઉજવણી કરી શકીએ.’

