Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > રોલ રોલ પે લિખા હૈ ઍક્ટર કા નામ

રોલ રોલ પે લિખા હૈ ઍક્ટર કા નામ

01 August, 2022 12:07 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

હા, આ સાવ સાચું છે. દશકાઓ પહેલાં લતેશ શાહ ‘માસ્ટર ફૂલમણિ’ કરવાના હતા, જેમાં ચિરાગ વોરાવાળો રોલ મનોજ શાહ કરવાનો હતો; પણ એ નાટક થયું નહીં અને પછી મનોજ શાહે એ નાટક ડિરેક્ટ કર્યું ત્યારે એ રોલ ચિરાગના નસીબમાં આવ્યો

નાટક ‘માસ્ટર ફૂલમણિ’નું પોસ્ટર

જે જીવ્યું એ લખ્યું

નાટક ‘માસ્ટર ફૂલમણિ’નું પોસ્ટર


મનોજ શાહ અને હું છેલ્લાં બેતાલીસ વર્ષથી મિત્રો, બન્ને સાથે સ્ટ્રગલ કરતા. હું કમર્શિયલ રંગભૂમિ તરફ આગળ વધ્યો અને મનોજે પોતાની રીતે રંગભૂમિમાં આગવું સ્થાન બનાવ્યું. પૃથ્વી થિયેટરમાં તેણે ખૂબબધાં નાટકો કર્યાં, તેનું બહુ વખણાયેલું નાટક એટલે ‘માસ્ટર ફૂલમણિ’.

આપણે વાત કરીએ છીએ વર્ષ ૨૦૦૯માં આવેલા અમારા પહેલાં નાટક ‘ચીની મિની’ની. નાટકમાં વાત એક લોઅર મિડલ ક્લાસ ફૅમિલીની છે, જેની બન્ને દીકરીઓને થૅલેસેમિયા મેજર આવે છે. સામાન્ય ખર્ચ પણ જે ફૅમિલી માટે અઘરો હોય એ ફૅમિલીની બે દીકરીઓને આવી ખર્ચાળ બીમારી આવે ત્યારે તે લોકો કેવી રીતે રસ્તો કાઢે છે એ આખા વિષયનું હાર્દ. નાટકની વાર્તા મને ગમી હતી અને નાટક ખૂબ જ સરસ હતું એમાં કોઈ બેમત નથી. હું કહીશ કે મેં બનાવેલાં નાટકોમાંથી મારાં મનગમતાં નાટકોમાં આ ‘ચીની મિની’નો સમાવેશ થાય.



‘ચીની મિની’ માટે અમે કામ પર લાગ્યા. સેટ ડિઝાઇનર તો અમારા ફિક્સ જ હોય. ધી ગ્રેટ છેલ-પરેશ. પ્રકાશ આયોજનમાં પણ અમારે ત્યાં વર્ષોથી એક જ વ્યક્તિ હોય, રોહિત ચિપલૂણકર એટલે એ જવાબદારી અમે તેને સોંપી દીધી. વાત આવી સંગીતની એટલે અમે એ જવાબદારી એક નવી વ્યક્તિને સોંપી. એ નવી વ્યક્તિ એટલે લાલુ સાંગો. આ લાલુ સાંગો કોણ છે એ નાટક લાઇનમાં તો બધાને ખબર છે, પણ કૉમન રીડર્સ પાસે હું તેની ઓળખ પહેલી વાર બહાર લાવીશ. 


મારા દીકરા અમાત્યે જ્યારે અમારી જ લાઇનમાં પદાર્પણ કર્યું ત્યારે મેં તેને કહ્યું હતું કે તું તારું નામ અમાત્ય ગોરડિયાને બદલે લાલુ સાંગો રાખ. લાલુ તેનું હુલામણું નામ છે, અમે બધા ઘરમાં તેને લાલુ જ કહીએ છીએ અને નામ લાલુ સાંગોમાં પાછળ આવતું આ ‘સંગો’ એ મારા નામ સંજય ગોરડિયાનું શૉર્ટ ફૉર્મ, જે સમય જતાં સંગોમાંથી અપભ્રંશ થઈને સાંગો થયું. મેં મારા દીકરાને ત્યાં સુધી કહ્યું કે તું તારા નામનું ઍફિડેવિટ કરાવી લે પણ તે માન્યો નહીં પણ આ નામ મારા મગજમાં બરાબરનું ચીપકી ગયું. 

આ થઈ નામની વાત, હવે આવીએ મ્યુઝિક પર. બન્યું એવું કે અમે અનેક નાટકોનું મ્યુઝિક રેકૉર્ડિંગ કરાવ્યું હતું, જે એક વાર વપરાઈ જાય એટલે પછી એમનું એમ જ પડ્યું રહે એટલે અમે એવું નક્કી કર્યું કે નાટકની પોતાની સ્પેશ્યલ ડિમાન્ડ હોય તો જ મ્યુઝિક રેકૉર્ડ કરાવવું, અન્યથા અમારી પાસે પડેલા સ્ટૉકમાંથી જ મ્યુઝિક વાપરવું. નવું મ્યુઝિક નહીં કરાવવાનું મુખ્ય કારણ એ કે એ ખર્ચો દિવસે-દિવસે બહુ વધતો જતો હતો. બીજું કે મ્યુઝિક રેકૉર્ડ કરાવવામાં અમારો પણ બહુ સમય જતો હતો અને સામા પક્ષે મારી પાસે મ્યુઝિકનો સ્ટૉક સાવ એમ ને એમ જ પડ્યો રહેતો હતો.


મિત્રો, હું મારી દરેકેદરેક પ્રોડક્ટ માટે ખૂબ જ માલિકીભાવ ધરાવું છું અને એટલે જ હું એ બધાનું ખૂબ ચીવટ રાખીને જતન કરું છું. પહેલાંના સમયમાં તો પ્રિન્ટવાળા ફોટા હતા. એ બધા ફોટા મેં ડિજિટાઇઝ કરાવી લીધા તો તમને યાદ હોય તો પહેલાંના સમયમાં મ્યુઝિક પણ સ્પૂલમાં રેકૉર્ડ થતું. ક્વૉર્ટર ઇંચનું સ્પૂલ હોય. મારી પાસે પાંત્રીસથી ચાલીસ જેટલાં સ્પૂલ હતાં, એ બધાંનું પણ મેં ડિજિટાઇઝેશન કરાવી લીધું. કદાચ ગુજરાતી રંગભૂમિ પર હું એકમાત્ર એવો પ્રોડ્યુસર હોઈશ કે જેણે આ બધી વસ્તુઓ બહુ જ જતનથી જાળવી રાખી છે. ફોટોની વાત કરું તો, પ્રિન્ટવાળા ફોટોની નેગેટિવ અમારી પાસે રહેતી. મારી પાસે કુલ ૧૧૬ નેગેટિવના રોલ હતા, એ પણ મેં ડિજિટાઇઝ કરાવી બધા ફોટો મેં અલગ-અલગ હાર્ડડિસ્કમાં લઈ લીધા. તમે દરેક આર્ટિકલ સાથે જે ફોટાઓ જુઓ છો એ મારી ચીવટનું પરિણામ છે એવું કહું તો જરા પણ ઓછું નહીં કહેવાય.

ઍની વેઝ, મૂળ વાત પર આવીએ. આપણી વાત ચાલતી હતી મ્યુઝિકની. અગાઉ કેટલાય વખતથી અમે અમારા સ્ટૉકમાંથી મ્યુઝિક લેવાનું શરૂ કર્યું હતું. હું અને વિપુલ મ્યુઝિક કરવા સાથે બેસી જઈએ. હું સ્ટૉકમાંથી અલગ-અલગ મ્યુઝિક-પીસ વિપુલને સંભળાવું, વિપુલ એમાંથી સિલેક્ટ કરે અને એ રીતે આખું મ્યુઝિક તૈયાર થાય. પહેલાં અમે મ્યુઝિકમાં કોઈનું નામ નહોતા આપતા પણ પછી મને થયું કે નાટકમાં સંગીતકારનું નામ વાંચવા ન મળે તો લોકોને પ્રશ્ન થશે કે નાટકમાં સંગીત નથી કે શું? 

આવું કોઈ કન્ફ્યુઝન થાય નહીં એટલે મેં સંગીતમાં નામ આપવાનું નક્કી કર્યું અને એ નામ આપ્યું લાલુ સાંગો. આમ, અમારાં દરેક નાટકોમાં તમને એક જ ટીમ જોવા મળે. દિગ્દર્શક વિપુલ મહેતા, સેટ છેલ-પરેશ, પ્રકાશ રોહિત ચિપલૂણકર, મ્યુઝિક લાલુ સાંગો અને પ્રચાર દીપક સોમૈયા. નાટક કોઈ પણ હોય, કલાકારો કોઈ પણ હોય, પણ અમારી આ ટેક્નિકલ ટીમ લગભગ ફાઇનલ જ હોય. 

ટેક્નિકલ ટીમ પછી વાત આવી કાસ્ટિંગની. 

વિપુલ મારી પાસે એક છોકરીનું નામ લઈ આવ્યો, નમ્રતા પાઠક. આ નમ્રતાએ હમણાં રિલીઝ થયેલી ‘જયેશભાઈ જોરદાર’ ફિલ્મમાં નાનકડું કૅરૅક્ટર કર્યું હતું તો એ સિવાય પણ એણે ખૂબ બધી ગુજરાતી સિરિયલો કરી છે. ખૂબ જ સારી ઍક્ટ્રેસ અને લુક પણ સરસ. અમે નમ્રતાને લીડ કૅરૅક્ટરમાં લીધી તો હીરોના રોલમાં પુલકિત સોલંકીને લીધો. પુલકિત સોલંકીની તમને વિસ્તૃત ઓળખાણ આપું.

મનોજ શાહનાં એક્સપેરિમેન્ટલ નાટકોમાં પુલકિત ઍક્ટિંગ કરતો. હવે તેને મેઇન સ્ટ્રીમમાં આવવું હતું. પુલકિત પણ સારો ઍક્ટર, મનોજ શાહનાં નાટકો જેણે જોયાં હશે તેને પુલકિતનું નામ અને તેનું કામ ખબર જ હોય. અત્યારે વાત નીકળી છે તો મને કહેવા દો કે મનોજ શાહ ગુજરાતી રંગભૂમિના પૅરૅરલ એટલે કે સમાંતર થિયેટરની આગેવાની હાથમાં રાખીને બેઠો છે. વહેણની સામે ચાલવાવાળાં નાટકોની પ્રવૃત્તિનો બાદશાહ કહો તો પણ ચાલે. મનોજ શાહ અને હું છેલ્લાં બેતાલીસ વર્ષથી મિત્રો, બન્ને સાથે સ્ટ્રગલ કરતા. હું કમર્શિયલ રંગભૂમિ તરફ આગળ વધ્યો અને મનોજે પોતાની રીતે રંગભૂમિમાં આગવું સ્થાન બનાવ્યું. પૃથ્વી થિયેટરમાં તેણે ખૂબ બધાં નાટકો કર્યાં, એનું બહુ વખણાયેલું નાટક એટલે ‘માસ્ટર ફૂલમણિ’. આ સિવાય પણ એણે ‘મરીઝ’, ‘શ્રીમદ રાજચંદ્ર’, ‘મોહનનો મસાલો’ જેવાં અનેક નાટકો કર્યાં અને એ નાટકો વખણાયાં પણ ખરાં. 

‘માસ્ટર ફૂલમણિ’ની વાત કરું તો એ નાટકમાં જે રોલ ચિરાગ વોરાએ કર્યો હતો એ રોલ મનોજ શાહ કરવા માગતો હતો, ચાલીસેક વર્ષ પહેલાંની વાત છે. એ નાટક ચંદ્રકાંત શાહે લખ્યું હતું, ચંદ્રકાન્ત શાહને અમે ચંદુના હુલામણા નામે બોલાવીએ. આ જ ચંદુએ ‘ખેલૈયા’ નાટક પણ લખ્યું હતું. ચંદુ જેટલો સારો નાટ્યલેખક એટલો જ સારો કવિ પણ. ચંદુ અત્યારે બોસ્ટનમાં છે. ચંદુએ લખેલું ‘માસ્ટર ફૂલમણિ’ મૂળ મરાઠી નાટક ‘બેગમ બર્વે’, જેના પરથી ચંદુએ રૂપાંતર કરવાનું આવ્યું, પણ ચંદુએ તો આખું નવું જ નાટક ગુજરાતી પરિવેશમાં લખ્યું. 

એ નાટક પહેલાં લતેશ શાહ ડિરેક્ટ કરવાના હતા, જેમાં ચિરાગ વોરાવાળો રોલ મનોજ કરવાનો હતો, પણ પૉલિટિક્સ અને અમુક બેદરકારીને લીધે નાટક થયું નહીં અને પછી છેક પચ્ચીસેક વર્ષ પછી નાટક થયું. આ વખતે એ નાટક મનોજે ડિરેક્ટ કર્યુ. અફકોર્સ, સમય વીતી ગયો હતો અને હવે મનોજની ઉંમર એ મુખ્ય ભૂમિકા કરવાની હતી નહીં એટલે પોતાને જે રોલ કરવો હતો એ રોલ તેણે ચિરાગને આપ્યો અને પોતે નાટકમાં બીજો રોલ કરી લીધો. 

‘માસ્ટર ફૂલમણિ’ સમાંતર ગુજરાતી રંગભૂમિનું સીમાચિહ્‍ન નાટક છે. ‘ચીની મિની’ નાટક અને ગુજરાતી રંગભૂમિની બીજી વાતો હવે આવતા સોમવારે.

જોક સમ્રાટ
ઇન્સ્પેક્ટર: અલ્યા, ક્યાં છે?
કૉન્સ્ટેબલ: બોરીવલી-ઈસ્ટમાં, શ્રી કોલોની... એક પત્નીએ તેના પતિને ગોળી મારી દીધી, તેના ઘરની બહાર ઊભા છીએ....
ઇન્સ્પેક્ટર: કેમ... શું કામ?
કૉન્સ્ટેબલ: એ મૅડમના ઘરે કામવાળી નહોતી આવી એટલે જાતે પોતાં માર્યાં. હજી પોતું સુકાયું નહોતું ત્યાં તેના ઘરવાળાએ પહેરેલા બૂટે ઘરમાં પગ મૂક્યો એટલે બહેને ગોળી મારી દીધી....
ઇન્સ્પેક્ટર: તો બહાર શાના ઊભા છો, પકડીને તેને જેલભેગી કરો...
કૉન્સ્ટેબલ: પણ સાહેબ, હજી પોતું 
સુકાયું નથી...

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

01 August, 2022 12:07 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK