Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કોરોના કેર : ઑસ્ટ્રેલિયા જો આ બાબતમાં સજાગ હોય તો પછી તમે કેવી રીતે બેદરકારી દાખવી શકો?

કોરોના કેર : ઑસ્ટ્રેલિયા જો આ બાબતમાં સજાગ હોય તો પછી તમે કેવી રીતે બેદરકારી દાખવી શકો?

17 August, 2022 04:43 PM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

ઑસ્ટ્રેલિયન સરકારે બનાવેલા નવા નિયમો મુજબ, જો બાળક માસ્ક ન પહેરે તો તેને ૫૦,૦૦૦ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


આમ તો હવે આજનું આ હેડિંગ વાંચીને ઘણાએ મનોમન આજનો આ પીસ વાંચવાનું ટાળી દીધું હશે, પણ જો એવું તમે કર્યું હોય તો એ તમારી બહુ મોટી ભૂલ ગણાશે. ઑસ્ટ્રેલિયા અને અમેરિકા અત્યારે કોરોનાની બાબતમાં જેટલી જાગૃતિ દાખવી રહ્યા છે એટલી કદાચ બીજો કોઈ દેશ નહીં જાળવતો હોય. ઑસ્ટ્રેલિયાની વાત પહેલાં કરીએ. ઑસ્ટ્રેલિયાએ હમણાં જ નિયમ બનાવ્યો છે જેમાં બાળકોને પણ દંડમાં સામેલ કરી દીધાં છે! હા, બાળકોને. ૮થી ૧૬ વર્ષનાં બાળકો માટે બનાવવામાં આવેલા નિયમો એટલા કડક છે કે તમે કલ્પના પણ ન કરી શકો. જો આપણા દેશમાં આવા નિયમો જાહેર કરવામાં આવે તો ખરેખર સરકાર ઉથલાવવા સુધી આપણી પ્રજા પહોંચી જાય.

ઑસ્ટ્રેલિયન સરકારે બનાવેલા નવા નિયમો મુજબ, જો બાળક માસ્ક ન પહેરે તો તેને ૫૦,૦૦૦ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે! હા, આ ઉપરાંત પણ ઘણા નિયમો એવા છે જે આ બાળકોને જ લાગુ પડશે. બનાવવામાં આવેલા ૬માંથી એક પણ નિયમનું પાલન નહીં કરનાર બાળકના પેરન્ટ્સને ત્રણ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે અને છએછ નિયમ કોરોના સંબંધિત છે. આ ઉપરાંતના પણ કેટલાક નિયમો એવા છે જે મોટાઓને લાગુ પડે છે. વૅક્સિનના ડોઝની ઇન્ક્વાયરી માટે તમને ક્યાંય પણ રોકી શકાશે અને એ દરમ્યાન જો તમારી પાસે વૅક્સિન-સર્ટિફિકેટ નહીં હોય તો તમને ભારતીય ચલણ મુજબ એક લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. આપણને આજે પણ બૂસ્ટર ડોઝ માટે લોકોને સમજાવવા, મનાવવા પડે છે, પણ અહીં એવું નથી. વૅક્સિન તમારા ભલા માટે છે અને તમારી ભલાઈ જોવાનું કામ સરકારનું છે. સિમ્પલ વાત છે. એને નવી કોઈ રીતે વળ ચડાવવાને બદલે આટલી જ સરળ રીતે લેવાનું અને સમજવાનું રાખો અન્યથા દંડ ભરવાની તૈયારી કરી લો.



કોરોનાની વૅક્સિન હજી આવી છે, પણ એની દવા હજી સુધી શોધાઈ નથી અને એ જ વાત સૌથી મોટી ખેદજનક છે. જ્યાં સુધી દવા મળે નહીં ત્યાં સુધી તમારી ઇમ્યુનિટી અને સાવચેતી જ તમારી દવા છે એ ભૂલવું ન જોઈએ. આપણે ભારોભાર બેદરકારી સાથે વર્તી રહ્યા છીએ. મન પડે એવી રીતે ફરવું અને એક પણ નિયમનું પાલન ન કરવું એ જાણે આપણો જન્મસિદ્ધ અધિકાર થઈ ગયો છે. આ અધિકાર તમને કોઈએ આપ્યો નથી. અગાઉ અનેક વખત આ જગ્યાએથી કહ્યું છે કે તમારે જરા પણ ભૂલવું ન જોઈએ કે તમારા ઘરમાં વડીલો છે, બાળકો છે અને એ બન્નેની ઇમ્યુનિટી તમારા જેવી પાવરફુલ નથી જ હોવાની, તો બહેતર છે કે તમે સાવધાની રાખો અને સાવધાની સાથે વર્તો.


ઑસ્ટ્રેલિયાએ બનાવેલા નિયમો સામે પણ વિરોધ થયો જ છે અને ચાઇલ્ડ-રાઇટ્સ માટે કામ કરતી સંસ્થાઓ સામે આવી છે, પણ અગેઇન, કહેવાનું તો એટલું જ છે કે બનતા નિયમો તમારા ભલા માટે હોય છે. જો તમે નિયમોનું પાલન કરશો તો કોઈ તમારા ખિસ્સામાંથી આવીને પૈસા નથી કઢાવી જવાનું. બહેતર છે કે નિયમોનું પાલન કરો અને તમારી મહેનતની કમાણી અકબંધ રાખો.


Whatsapp-channel Whatsapp-channel

17 August, 2022 04:43 PM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK