Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ધી પૅન્ડેમિક પિરિયડઃ જરૂરી ન હોય તો જવાબદારીઓ ખરીદવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ

ધી પૅન્ડેમિક પિરિયડઃ જરૂરી ન હોય તો જવાબદારીઓ ખરીદવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ

14 January, 2022 09:52 AM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

આ વાત અત્યારના તબક્કે તો સૌથી પહેલાં લાગુ પડે છે. આ પૅન્ડેમિક પિરિયડ છે. પૃથ્વીનો સંક્રાન્તિકાળ અને જ્યારે ટ્રાન્ઝિક્ટ પિરિયડ ચાલતો હોય ત્યારે એક વાત સૌથી પહેલી એ સમજવાની હોય કે જરૂર ન હોય, અનિવાર્ય ન હોય તો ક્યારેય જવાબદારીઓ લઈને આવવું નહીં.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આ વાત અત્યારના તબક્કે તો સૌથી પહેલાં લાગુ પડે છે. આ પૅન્ડેમિક પિરિયડ છે. પૃથ્વીનો સંક્રાન્તિકાળ અને જ્યારે ટ્રાન્ઝિક્ટ પિરિયડ ચાલતો હોય ત્યારે એક વાત સૌથી પહેલી એ સમજવાની હોય કે જરૂર ન હોય, અનિવાર્ય ન હોય તો ક્યારેય જવાબદારીઓ લઈને આવવું નહીં. આ એ સમય જ નથી કે જવાબદારીઓનો બોજ ઉપાડવામાં આવે અને આ જવાબદારીઓમાં શું આવે એ પણ સમજી લેવું જોઈએ.
સામાજિક જવાબદારીઓ કે ફૅમિલીની જવાબદારીઓ તો સૌકોઈએ લેવાની જ લેવાની છે, પણ નાહકની ઈએમઆઇની જવાબદારીઓ મસ્તક પર ગોઠવવાની કોઈ જરૂર નથી. તમે જુઓ તો ખરા કે મોટા ભાગનાં શૉપિંગ પોર્ટલ અને શૉપિંગ ઍપ્સ પર ૨૦૦૦ રૂપિયાનાં જૂતાં પણ ઈએમઆઇ પર મળવા માંડ્યાં છે અને બૉડી ટ્રીટમેન્ટ પણ હવે હપ્તેથી આપવાની શરૂ થઈ ગઈ છે. વાહન પણ ઈએમઆઇ પર મળે છે અને ઘર પણ ઈએમઆઇ પર મળે છે. વચ્ચે તો ક્યાંક એવું પણ જોયું હતું કે મૅરેજ અને બર્થ-ડે પાર્ટીનાં ફંક્શન પણ ઈએમઆઇ પર કરી આપવામાં આવતાં હતાં. ક્રેડિટ કાર્ડનો પણ ગંજાવર ખડકલો થતો જાય છે અને એના પર શૉપિંગ કરો એટલે એ પણ તમને શૉપિંગની રકમ ઈએમઆઇ કરી આપે. હદ છે. 
યાદ રાખજો કે આ ઈએમઆઇ લાઇફના પણ હપ્તા કરી નાખે છે.
એક સમય હતો કે માણસ ઈએમઆઇ તરફ તો જ જોતો જો જીવન અટકી જતું હોય. હપ્તેથી કરવામાં આવેલી ખરીદીને આજે જે ગર્વ સાથે જોવામાં આવે છે એ ગર્વ પહેલાં શરમ હતી. હપ્તેથી કોઈ ચીજવસ્તુ ખરીદવી પડે તો માણસ શરમાતો અને સઘળા હપ્તા ભરાઈ જાય એને માટે ભગવાન સામે માનતા રાખતો, પણ આજે, કોઈને ડર નથી અને પૈસો જ્યારે ડર કાઢી નાખે ત્યારે માનવું કે ખોટી દિશામાં પ્રયાણ શરૂ થઈ ગયું છે.
કોવિડના આ પિરિયડમાં સૌથી પહેલું સમજવાનું છે કે જેના વિના ચાલે એને જીવનમાં સામેલ કરવું જ નહીં. ગાડી નહીં હોય તો ચાલશે, કૅશ આપીને પણ ખરીદી કરવા વિશે વિચારતા હો તો એ પણ માંડી વાળજો અને ધારો કે ઈએમઆઇ પર લેવાનું વિચારતા હો તો અત્યારે જ, આ લેખ આટલો જ અધૂરો મૂકીને ઠંડા પાણીએ શાવર લેવા માટે જઈ આવજો. પૅન્ડેમિકની પહેલી શરત છે, જરૂર ન હોય એવી જવાબદારી ઘરે લઈ આવવી નહીં. 
ઈએમઆઇથી કરવામાં આવેલી ખરીદીમાં પાડોશીનાં છોકરાંઓને મોટાં કરવાની નીતિ છે અને એ નીતિ ગુજરાતી ક્યારેય ન સ્વીકારે એ પણ એટલું જ સહજ છે. સમય આવી ગયો છે ગુજરાતી બનીને વિચારવાનો, ગુજરાતી બનીને અનુસરવાનો. બની જાઓ ફરી વાર ગુજરાતી અને ગુજરાતી બનીને વૉલેટ સામે જુઓ. ગુજરાતી બનીને કાર્ડનો ઉપયોગ કરો અને ગુજરાતી બનીને શૉપિંગ-લિસ્ટ પર નજર ફેરવો. જે કૅન્સલ થઈ શકે એને કૅન્સલ કરો અને જાતને સમજાવો, નાહકની જવાબદારી ઘરે લાવવાની નથી અને કોઈ લાવતું હોય તો તેને પણ રોકવાનો છે. પૅન્ડેમિકના આ સમયમાં ક્યારે, કોને, કેવી જરૂરિયાત ઊભી થઈ જાય એની ખબર નથી તો પછી શું કામ ઉછીનું ટેન્શન અત્યારથી જ ઘરમાં બાંધી દેવું?


Whatsapp-channel Whatsapp-channel

14 January, 2022 09:52 AM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK