હા, આ સંદર્ભનો નિર્ણય રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ બે દિવસ પહેલાં લીધો, પણ અફસોસ કે એના વિશે ન્યુઝપેપરમાં જરૂરી જગ્યા મળી નહીં,
મેરે દિલ મૈં આજ ક્યા હૈ
ગુજરાતી મિડ-ડે લૉગૉ
હા, આ સંદર્ભનો નિર્ણય રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ બે દિવસ પહેલાં લીધો, પણ અફસોસ કે એના વિશે ન્યુઝપેપરમાં જરૂરી જગ્યા મળી નહીં, જેને લીધે હજી પણ બૅન્કનો લોન ડિપાર્ટમેન્ટ ધારશે એ લેવલ પર વર્તન દેખાડ્યા કરશે, પણ એવું થવું ન જોઈએ એટલે જ અહીં, આ સ્થાને આ વિષય પર વાત કરવાનું નક્કી કર્યું.
રિઝર્વ બૅન્કે ઘડેલા નિયમ મુજબ હવે ગ્રાહક લોન ભરપાઈ કરી દે એ પછી જો તેને પોતાની પ્રૉપર્ટીના ડૉક્યુમેન્ટ્સ સમયસર આપવામાં ન આવ્યા તો હવે બૅન્કે પેનલ્ટી ચૂકવવી પડશે, જે દરરોજની ૫૦૦૦ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ બાબતમાં બૅન્ક બહુ આળસુ હતી એવું હજારો-લાખો લોનધારક કહી ચૂક્યા હતા. અરે, અમુક-અમુક લોનધારકને તો લોન લીધા પછી, લોનની ભરપાઈ કર્યા પછી એકેક વર્ષ સુધી ડૉક્યુમેન્ટ્સ ન મળ્યા હોય એવા પણ દાખલા આપણે ત્યાં બન્યા છે, તો અમુક લોકોએ બિચારાએ પોતાની લોનનાં પેપર્સ લેવા માટે પોતાના ઘરથી છેક અઢીસો અને ત્રણસો કિલોમીટર દૂર આવેલા જિલ્લા મથક સુધી ધક્કા પણ ખાવા પડ્યા છે. લોન લેવી આવશ્યક હતી એ જેટલું સાચું એટલું જ સાચું એ પણ ખરું કે બૅન્કને પણ લોન આપીને વ્યાજની આવક થઈ જ છે અને એને પણ એ જ આવકમાં રસ હતો.
જરા વિચારો કે બૅન્ક પાસેથી લોન લેવામાં ન આવી હોત તો શું બૅન્કને ઇન્કમ થઈ હોત ખરી? શું બૅન્ક પોતાના રોજબરોજના ખર્ચા અને પોતાના કર્મચારીઓની સૅલેરી એમ જ ઉપાડી શકી હોત? સીધો જવાબ છે, ના. એવું શક્ય ન બન્યું હોત, પણ કસ્ટમરે લોન લીધી એટલે બૅન્કને આવક થઈ અને બૅન્કને આવક થઈ એટલે એનું કાર્ય આગળ વધ્યું. બહુ સીધી કહેવાય એવી આ વાતનો આગળનો જવાબ એ જ હોવો જોઈએ કે જો એક કસ્ટમર તરીકે તમે તમારી ફરજ પૂરી કરી તો નૅચરલી બૅન્કની પણ જવાબદારી બને છે કે એ પણ એટલો જ સરળ અને સહેલો વર્તાવ રાખે અને બૅન્ક પાસે મૂકવામાં આવેલા ડૉક્યુમેન્ટ્સ એ પાછા કરે. કબૂલ કે એ સેફ વૉલ્ટમાં પડ્યા હોય, માન્યું કે એ સેફ વૉલ્ટ કોઈ અલગ જગ્યાએ હોય એટલે બે-ચાર દિવસનો સમય લાગી શકે, પણ કેટલો, બેચાર દિવસનો. એનાથી વધારે સમય લાગવો જ ન જોઈએ. તમે એ વધારે સમય લઈને પુરવાર કરો છો કે તમે તમારી પ્રાયોરિટી નક્કી કરો છો અને બિઝનેસનો એક સીધો સિદ્ધાંત છે કે તમારી નહીં, પણ કસ્ટમરની પ્રાયોરિટી હોવી જોઈએ અને આ જ અપેક્ષા બૅન્કના ઑફિસર પણ રાખે છે, ત્યારે જ્યારે એ કસ્ટમર બનીને કોઈ પણ જગ્યાએ જતા હોય. જો એ સમયે તેમને આમ જ ટટળાવવામાં આવે તો તેમને કેવો ગુસ્સો આવે? એટલો જ ગુસ્સો લોનધારકને આવી શકે છે, પણ હવે એવું નહીં થઈ શકે.
રિઝર્વ બૅન્કે કસ્ટમરના દૃષ્ટિકોણથી જ આ દિશામાં પગલાં લીધાં છે અને સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે હવે પછી જો ડૉક્યુમેન્ટ્સ આપવામાં મોડું થશે તો બૅન્કે કસ્ટમરને પ્રતિદિન ૫૦૦૦ રૂપિયાની પેનલ્ટી ચૂકવવી પડશે. અફકોર્સ, આ નિયમ ડિસેમ્બર મહિનાની ૧ તારીખથી લાગુ પડશે, પણ તમે જોજો, એ પહેલાં જ બૅન્ક અને એના કર્મચારી સીધાદોર થઈ જશે.
ગૅરન્ટી.