Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એમબીએ કર્યા પછી આ ભાઈ છત્રીઓ કેમ વેચે છે?

એમબીએ કર્યા પછી આ ભાઈ છત્રીઓ કેમ વેચે છે?

04 July, 2022 06:20 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

કાળી કે રંગબેરંગી ટિપિકલ ફૂલોવાળી બોરિંગ છત્રીઓને જો કૂલ લુક આપવામાં આવે તો વરસાદની મજા પણ કંઈક અલગ અનુભવાય એવું માનતા ૩૦ વર્ષના પ્રતીક દોશીએ આજથી છ-સાત વર્ષ પહેલાં કલાત્મક ટચવાળી અમ્બ્રેલા બનાવવાનું શરૂ કરેલું

પ્રતીક દોશી

સ્ટાર્ટ-અપ સ્ટોરી

પ્રતીક દોશી


કાળી કે રંગબેરંગી ટિપિકલ ફૂલોવાળી બોરિંગ છત્રીઓને જો કૂલ લુક આપવામાં આવે તો વરસાદની મજા પણ કંઈક અલગ અનુભવાય એવું માનતા ૩૦ વર્ષના પ્રતીક દોશીએ આજથી છ-સાત વર્ષ પહેલાં કલાત્મક ટચવાળી અમ્બ્રેલા બનાવવાનું શરૂ કરેલું. આ છત્રીઓ હવે બમન ઈરાની સહિત અનેક બૉલીવુડ સેલિબ્રિટીઝની ફેવરિટ થઈ ગઈ છે

સાત-આઠ વર્ષ પહેલાં જ્યારે સ્ટાર્ટ-અપ અને ઑન્ટ્રપ્રનરશિપ શબ્દ ઘણા નવા હતા ત્યારે કંઈક ઇનોવેટિવ આઇડિયા માર્કેટમાં મૂકીને પોતાનો ખુદનો બિઝનેસ કરવાની ચળ પ્રતીક દોશીમાં હતી. અને એટલે જ બાવીસ વર્ષની ઉંમરે એમબીએ કર્યા પછી નોકરી કરવાને બદલે તેણે કંઈક નવું કરવાનું સાહસ વિચાર્યું. જોકે પ્રતીક કહે છે, ‘એક ઑન્ટ્રપ્રનર જ્યારે પોતાનો આઇડિયા માર્કેટ સામે મૂકે છે ત્યારે એની એક જ ઇચ્છા હોય છે કે જે આઇડિયા એને ક્લિક થશે એવું લાગે છે એ લોકોમાં પણ એટલો જ સહજતાથી સ્વીકારાય. મને મારા આઇડિયા પર ખુદથી પણ વધુ વિશ્વાસ હતો અને મને લાગતું હતું કે મારી છત્રીઓ મને જેટલી ગમે છે એટલી જ લોકોને ગમશે અને અંતે મારા વિશ્વાસ અને મારી મહેનત રંગ લાવ્યાં.’
યસ, બોરિંગ કાળી અને રંગબેરંગી ફૂલોવાળી છત્રીઓને ગ્રાફિક્સ વડે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લુક આપીને વેચવાનો પ્રતીક દોશીને આઇડિયા કઈ રીતે આવ્યો અને એ સફળ કઈ રીતે થયો એની સફર જાણવા જેવી છે. MBA પાસ કરીને નીકળ્યા પછી પ્રતીકને કોઈ નોકરીમાં ખાસ રસ નહોતો. તેના બિઝનેસમૅન પિતાની સાથે એ ૬ મહિના કામ કરી રહ્યો હતો ત્યારે તેની અંદર એ જ ચાલી રહ્યું હતું કે કઈ રીતે એ પોતાનું કામ શરૂ કરે અને એ સમય દરમિયાન જ તેના મનમાં બોરિંગ છત્રીઓને એક જરૂરિયાતમાંથી સ્ટાઇલ સ્ટેટમેન્ટ બનાવવાનો વિચાર આવ્યો અને એ વિચારમાંથી જન્મ થયો ચિકી ચંક અમ્બ્રેલાનો. 
જરૂરિયાતમાંથી આઇડિયા 
છત્રી જેવી આઇટમ પર બિઝનેસ કરી શકાય એવો વિચાર કેવી રીતે આવ્યો? એ વિશે વાત કરતાં પ્રતીક કહે છે, ‘હું પાક્કો મુંબઈકર છું. મને મુંબઈના વરસાદથી એક જુદી જ પ્રીત છે. વરસાદ આવે ત્યારે નરીમાન પૉઇન્ટ જવાનું, ગરમ વડા પાંઉ કે મકાઈ ખાવાના એ રિવાજ હું નાનપણથી નિભાવતો આવ્યો છું. નાનપણથી અમારા ઘરમાં ચોમાસામાં પપ્પા ઘરમાં દરેક માટે એક નવી છત્રી લાવે અને એ છત્રીનું અમને લોકોને ખૂબ આકર્ષણ. મુંબઈકરો માટે છત્રી અત્યંત જરૂરી વસ્તુ છે. પરંતુ એ ફક્ત જરૂરિયાત રહે એના કરતાં એને મેમરી કે ઇમોશન્સ સાથે કેમ ન જોડી શકાય? મારી છત્રીઓ પર આ પ્રકારના ગ્રાફિક્સ અને ડૂડલિંગ કરવાનું મેં વિચાર્યું. એનાથી છત્રીઓ એટલી સરસ લાગી કે મને થયું કે મને એ આટલી ગમી ગઈ છે તો લોકોને પણ ગમવી જ જોઈએ. એ સમયે ગ્રાફિક ટી-શર્ટ પર કે કપ્સ પર તો થતું હતું પરંતુ છત્રી પર ગ્રાફિક કે ડૂડલિંગ ત્યારે કોઈ જ કરતું નહીં. એ સદંતર નવો આઇડિયા હતો. આજે ધીમે-ધીમે લોકો મારું જોઈને એ કરતા થઈ ગયા છે.’ 
પ્રતીકે પોતાના આઇડિયા મુજબ ગ્રાફિક ડિઝાઇનર્સ શોધ્યા. તેમની પાસે ડિઝાઇન્સ તૈયાર કરાવી. કપડું ક્યાંથી લેવું, પ્રિન્ટિંગ ક્યાં કરાવીએ તો સારું થાય એ બધાની શોધખોળ આદરી; કારણ કે આ ફીલ્ડમાં એક પણ જાતનો અનુભવ પ્રતીકને નહોતો. એ વિશે વાત કરતાં તે કહે છે, ‘પહેલાં મેં મને જેવા ગમતા હતા એવા ૧૦૦૦ પીસ છત્રીના બનાવ્યા. ટેસ્ટ કરવા માટે હું અમુક ડિઝાઇન લઈને મુંબઈના જુદા-જુદા સ્ટોર્સ પર જતો. એ જોવું મારા માટે ખૂબ મહત્ત્વનું હતું કે જે ડિઝાઇન્સ મને આટલી ગમે છે એ જોઈને લોકોનો પ્રતિભાવ, ખાસ કરીને વેપારીઓનો પ્રતિભાવ શું છે. રિસ્પૉન્સ સારો હતો અને ધીમે-ધીમે મારું કામ શરૂ થયું.’
આઇફોન કે બિઝનેસ?
એ સમયે પ્રતીક ફક્ત બાવીસ વર્ષનો હતો અને તેની પાસે બૅન્કમાં પોતાના જમા કરેલા ૧ લાખ ૩૫ હજાર રૂપિયા હતા. એ યાદ કરતાં પ્રતીક કહે છે, ‘એ સમયે બાવીસ વર્ષના પ્રતીક પાસે બે ઑપ્શન હતા. એક, જીવનનો પહેલો આઇફોન ખરીદવો કે પછી એ જમા કરેલી મૂડીને પોતાના બિઝનેસના આઇડિયા પાછળ સમર્પિત કરવી. રિસ્ક તો હતું કે આઇડિયા નહીં ચાલે તો નાનપણથી જમા કરેલા પૈસા ડૂબી જશે; પણ જો આઇડિયા કામ કરી ગયો તો ચોક્કસ એક નહીં, ઘણા આઇ-ફોન લઇ શકાશે. એટલે મેં પૈસા બિઝનેસમાં નાખવાનું જ વિચાર્યું. એ પછી ઈશ્વરની કૃપાથી બિઝનેસ ચાલ્યો અને મેં આઇફોન પણ ખરીદ્યા એ પણ એક નહીં, બે. મેં એમને ગિફ્ટ કર્યા.’ 
ટ્રાયલ ઍન્ડ એરર 
પ્રતીકે કામ શરૂ કર્યું ત્યારે તેણે પહેલાં તેની વેબસાઇટ શરૂ કરી. એ સમયે ઍમેઝૉન અને ફ્લિપકાર્ટ જેવા ઈ-કૉમર્સ બિઝનેસ પૉપ્યુલર થવાના શરૂ જ થયા હતા. પ્રતીકે એના પર પણ છત્રીઓ વેચવાનું શરૂ કર્યું. જે છત્રીઓ જુદા-જુદા સ્ટોર્સ રીટેલમાં મહિનાઓમાં ૨૦૦-૩૦૦ માંડ જતી હતી એટલી તો ઑનલાઇન એક દિવસમાં વેચાવા લાગી. ઈ-કૉમર્સ પર પ્લૅટફૉર્મ મોટું થયું અને એને લીધે સફળતા વધી. સફળતા પછી પણ સતત શીખતા રહેવાની બાબતે પ્રતીક કહે છે, ‘શરૂઆતનાં બે વર્ષ ટ્રાયલ અને એરરવાળાં જ હતાં. મને હતું કે લોકોને મોટી છત્રીઓ વધુ ગમશે, કારણ કે એના પર પ્રિન્ટ ઊઠીને આવશે. વેબસાઇટ પરથી જે લોકો મને ઑર્ડર આપતા એમને ડિલિવર કરવા પણ એ સમયે હું જ જતો. એમનો ફીડબૅક લેતો. એ સમયે દિવસના ૧૬-૧૮ કલાક મેં કામ કર્યું હશે, કારણ કે દરેક કામ હું જ કરતો અને કરાવડાવતો. એ જ રીતે હું કામ શીખી શક્યો. અમુક છોકરીઓના ફીડબૅક મુજબ એમને નાનકડી થ્રી ફોલ્ડવાળી છત્રી જોઈતી હતી, કારણ કે એમના પર્સમાં એ સમાઈ જવી જોઈએ. એટલે પછી અમે એવી પણ બનાવવા લાગ્યા. આમ હું સતત શીખતો ગયો. મારી સમજ પ્રમાણે કામ કરતો ગયો અને એ જ રીતે આગળ વધતો ગયો.’ 
દરેકના હાથમાં મારી છત્રી...
કોરોનાકાળમાં બે વર્ષ તકલીફ આવી, પરંતુ આ વર્ષે ફરીથી બિઝનેસ પાટા પર ચડવા લાગ્યો છે. એ વિશે વાત કરતાં પ્રતીક કહે છે, ‘મેં ધાર્યું નહોતું કે આ વખતે આટલી બધી ડિમાન્ડ આવશે. આ વખતે તો એવી હાલત છે કે માલ કરતાં ડિમાન્ડ વધુ છે, જે એક નિશાની છે કે કોરોના પછી ધીમે-ધીમે બધું ફરીથી પહેલાં જેવું નૉર્મલ થઈ જશે. સાચું કહું તો મારું ફોકસ એ નથી કે હું કેટલા પૈસા કમાઈ લઉં. મારું સપનું એ છે કે મારી છત્રી દરેક મુંબઈગરાના હાથમાં હોય. પૈસા એની બાય પ્રોડક્ટ બનીને આવી જશે. એ લક્ષ્ય ન હોઈ શકે.’ 



ગિફ્ટિંગથી થયું માર્કેટિંગ
ઈ-કૉમર્સમાં ઍડ્સ અને માર્કેટિંગની ખૂબ જરૂર પડે છે. પણ એવું ન કરવું પડે એનો જુગાડ કઈ રીતે કાઢ્યો એની વાત કરતાં પ્રતીક કહે છે, ‘અલગથી માર્કેટિંગનો ખર્ચો મને પોસાય એમ નહોતો એટલે મેં જાણીતા લોકોને છત્રી ગિફ્ટ કરવાનું ચાલુ કર્યું. એ પછી મારે કોઈને એમ પણ નથી કહેવું પડ્યું કે તમે એને પ્રમોટ કરશો? બમન ઈરાની, મહેશ ભટ્ટ, ક્રિસ્ટલ ડિસોઝા, કરણ સિંહ ગ્રોવર, નિધિ સિંહ, માનવી ગાગરુ, મલ્લિકા દુઆ જેવી સેલિબ્રિટીઝ પ્રતીકની છત્રીઓ વાપરે છે. એ લોકોને આ છત્રીઓ એટલી ગમી કે તેઓ ખુદ જ સોશ્યલ મીડિયા પર છત્રીનું પ્રમોશન કરવા લાગ્યા. આ વાત તમને બિઝનેસમૅન તરીકે બળ આપે છે કે તમારી પ્રોડક્ટ બાબતે તમારે ચિંતા કરવા જેવું નથી, લોકોને એ ગમશે જ.’


Whatsapp-channel Whatsapp-channel

04 July, 2022 06:20 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK