° °

આજનું ઇ-પેપર
Saturday, 28 January, 2023


ઇટાલિયન માર્બલ કરતાં પણ અનેક ગણો ચડિયાતો મકરાણા માર્બલ

04 December, 2022 10:40 PM IST | Mumbai
Chandrakant Sompura | feedbackgmd@mid-day.com

રાજસ્થાનના નાગૌરી જિલ્લાના મકરાણા ગામના અને એની આસપાસથી મળતા માર્બલની ક્વૉલિટી વિશ્વની શ્રેષ્ઠ ક્વૉલિટી છે

કલકત્તાનું વિક્ટોરિયા મેમોરિયલ પહેલાં ઇટાલિયન માર્બલમાંથી બનવાનું હતું, પણ બહુબધી પરીક્ષાઓ પછી બ્રિટનની જ માર્ટિન ઍન્ડ કંપનીએ એ બનાવવા માટે મકરાણા માર્બલ પસંદ કરાવ્યો હતો. અરાઉન્ડ ધ આર્ક

કલકત્તાનું વિક્ટોરિયા મેમોરિયલ પહેલાં ઇટાલિયન માર્બલમાંથી બનવાનું હતું, પણ બહુબધી પરીક્ષાઓ પછી બ્રિટનની જ માર્ટિન ઍન્ડ કંપનીએ એ બનાવવા માટે મકરાણા માર્બલ પસંદ કરાવ્યો હતો.

બ્રિટિશ સરકારની ઇચ્છા હતી કે વિક્ટોરિયા મેમોરિયલ ઇટાલિયન માર્બલમાં બને. જોકે માર્ટિન ઍન્ડ કંપનીની આર્ગ્યુમેન્ટ હતી કે ઇટાલિયન માર્બલને બદલે આપણે મકરાણા માર્બલ વાપરીએ. ઇટાલિયન માર્બલ સામે હિન્દુસ્તાની માર્બલ ચડિયાતો હોય એ વાત કેવી રીતે બ્રિટિશરો સ્વીકારે?

પથ્થરની ટેસ્ટ વિશે ઘણાએ અમારી કંપનીની પર્સનલ ઈ-મેઇલ પર પ્રશ્નો પૂછ્યા છે કે પથ્થર પર ટેસ્ટ કેવી હોતી હોય છે? અગાઉ તમને કહ્યું એમ પથ્થરો પર અલગ-અલગ અનેક પ્રકારની ટેસ્ટ હોય છે. એમાં ઍસિડ ટેસ્ટ, એરિશન ટેસ્ટ, ક્રશિંગ ટેસ્ટ, ક્રિસ્ટલાઇન ટેસ્ટ, ફ્રીઝિંગ ટેસ્ટ, હાર્ડનેસ ટેસ્ટ, ઇમ્પૅક્ટ ટેસ્ટ, વૉટર ઍબ્સૉર્પ્શન ટેસ્ટ, માઇક્રોસ્કોપિક ટેસ્ટ મહત્ત્વની ટેસ્ટ છે તો પથ્થરનો ઉપયોગ ક્યાં થવાનો છે એના આધારે પણ આ અને આ સિવાયની ટેસ્ટ ઉમેરાતી જાય છે. વારંવાર કહ્યું છે એમ આપણે ત્યાં અમુક જે પથ્થરો મળે છે એવા પથ્થરો વિશ્વમાં ક્યાંય જોવા કે સાંભળવા સુધ્ધાં નથી મળતા અને એ જ કારણે ત્યાં પથ્થરોની ઇમારતોનું ચલણ ડેવલપ નહોતું થયું.
પહાડપુરથી મળતા પથ્થરો જેટલા ઉમદા પથ્થરો છે એટલા જ ઉમદા પથ્થરોની જો વાત કરીએ તો એ છે મકરાણાનો માર્બલ. હા, મકરાણામાંથી નીકળતા આરસની તોલે દુનિયાનો કોઈ આરસ ન આવી શકે. આજે જ્યારે લોકો ઇટાલિયન માર્બલની વાદે ચડ્યા છે ત્યારે કહેવું રહ્યું કે મકરાણાના માર્બલથી ઉત્તમ માર્બલ જગતમાં બીજો કોઈ નથી. મકરાણા માર્બલ વિશે જો તમને વધારે ખબર ન હોય તો કહી દઉં. 
રાજસ્થાનના નાગૌર જિલ્લામાં ૧‍૩પથી વધારે ગામો છે. એ ગામો પૈકીનું એક ગામ એટલે આ મકરાણા. મકરાણામાં અને એની આસપાસ નીકળતો આ માર્બલ એટલો પૉપ્યુલર થયો છે કે એને મકરાણા માર્બલ તરીકે જ ઓળખવામાં આવે છે. આજે આખું મકરાણા ગામ જ નહીં, નાગૌર જિલ્લો પણ મકરાણા ગામમાંથી મળતા માર્બલ પર આધારિત છે. મકરાણાને અમુક મીડિયાએ તો સંગમરમર નગરીનું નામ પણ આપ્યું છે, જેને લીધે ફૉરેનનાં અનેક મૅગેઝિનોમાં તો આ ગામનું નામ પણ આ જ એટલે કે સંગમરમર નગરી તરીકે જ પબ્લિશ થાય છે. નાગૌરની ઇકૉનૉમી પણ આ મકરાણા માર્બલ આધારિત છે એવું કહીએ તો ખોટું નહીં કહેવાય.
મકરાણા માર્બલમાં શ્વેત આરસ મુખ્ય છે. એ સિવાયના પણ અનેક જુદા-જુદા માર્બલ ત્યાંથી મળે છે. જો હું ભૂલતો ન હોઉં તો મકરાણા માર્બલમાં મુખ્યત્વે પાંચ માર્બલ છે. મકરાણા વાઇટ માર્બલનો ઉપયોગ પહેલાંના સમયમાં રાજા-મહારાજાઓ ફ્લોરિંગમાં કરતા. જો તમને ખબર ન હોય તો કહું કે આગરાનો તાજમહલ આખો આ મકરાણા માર્બલમાંથી બનેલો છે તો કલકત્તાનું વિક્ટોરિયા મેમોરિયલ પણ મકરાણા માર્બલમાંથી બનાવવામાં આવ્યું છે.
વિક્ટોરિયા મેમોરિયલની તમને વાત કહું.
વિક્ટોરિયા મેમોરિયલ બ્રિટિશ સ્મારક ક્વીન વિક્ટોરિયાની યાદમાં બનાવવામાં આવ્યું હતું. ૧૯૦૧માં ક્વીનના મોત પછી લૉર્ડ કર્ઝને ક્વીનની યાદમાં સ્મારક બનાવવાનું નક્કી કર્યું અને વેલ્સના પ્રિન્સ જ્યૉર્જ (પાંચ)ના હાથે ૧૯૦૬માં એની સ્ટોન સેરેમની થઈ. જોકે એ તૈયાર થાય એ પહેલાં જ બ્રિટિશ સરકારે હિન્દુસ્તાનની રાજધાની કલકત્તાથી ફેરવીને દિલ્હી કરી એટલે પહેલી વાર એવું બન્યું કે ક્વીનની યાદમાં બનેલું સ્મારક દેશના પાટનગરમાં નહીં પણ અન્ય શહેરમાં બન્યું.
આ સ્મારક બનાવવાનું કામ કલકત્તાની માર્ટિન ઍન્ડ કંપનીને સોંપવામાં આવ્યું હતું. અહીંથી આપણે જે વાત કરવી છે એ શરૂ થાય છે.
બ્રિટિશ સરકારની ઇચ્છા હતી કે આ જે સ્મારક છે એ ઇટાલિયન માર્બલમાં બને અને એ માટેની બધી તૈયારીઓ પણ થઈ ગઈ હતી. જોકે માર્ટિન ઍન્ડ કંપનીની આર્ગ્યુમેન્ટ હતી કે ઇટાલિયન માર્બલને બદલે આપણે મકરાણા માર્બલ વાપરીએ. ઇટાલિયન માર્બલ સામે હિન્દુસ્તાની માર્બલ ચડિયાતો હોય એ વાત કેવી રીતે બ્રિટિશરો સ્વીકારે? તેમણે ના પાડી દીધી અને માર્ટિન ઍન્ડ કંપની તથા બ્રિટિશ સરકારના સિનિયર ઑફિસરો વચ્ચે વિવાદ વધ્યો એટલે વાત પહોંચી છેક વેલ્સના રાજકુમાર જ્યૉર્જ (પાંચ) પાસે. જ્યૉર્જે બન્ને પક્ષની વાત સાંભળીને માર્ટિન ઍન્ડ કંપનીના અધિકારીઓને કહ્યું કે જો તેઓ સાબિત કરે કે હિન્દુસ્તાની મકરાણા માર્બલ ઇટાલિયન માર્બલ કરતાં બધી રીતે ચડિયાતો છે તો કંપનીને મકરાણા માર્બલ વાપરવાની પરમિશન આપે.
માર્ટિન ઍન્ડ કંપનીએ આ કામ કેવી રીતે કર્યું અને કેવી રીતે પરમિશન મેળવી તથા પરમિશન મળ્યા પછી બ્રિટિશ ગવર્નમેન્ટે આ માર્બલ મગાવવા માટે કેવી અરેન્જમેન્ટ કરી એની વાત અને સાથોસાથ પથ્થરની ટેસ્ટ, દાદરના સ્વામીનારાયણ મંદિરના નિર્માણ અને ઘરમંદિરમાં કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ વિશે વાત કરીશું આવતા દિવસોમાં.

04 December, 2022 10:40 PM IST | Mumbai | Chandrakant Sompura

અન્ય લેખો

મુંબઈ શહેરનાં સૌથી વધુ પ્રખ્યાત પગથિયાં કયાં?

૧૮૦૪ના નવેમ્બરની ૨૬મી તારીખ એ એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈનો જન્મદિવસ.

28 January, 2023 11:58 IST | Mumbai | Deepak Mehta

રક્તપિત્ત નિવારણ માટે શું મુંબઈ બનશે ભારત માટે આદર્શ મૉડલ?

ગામડાંઓ કરતાં શહેરોમાં રક્તપિત્તના રોગીઓ અને તેમનું મૅનેજમેન્ટ ઘણું અલગ હોય છે. રક્તપિત્ત જેવા ચેપી રોગના નિવારણ માટે મુંબઈમાં વિસ્થાપિત લોકોમાં થતું રોગનું સમયસર નિદાન અને તેમનો સંપૂર્ણ ઇલાજ પૂરો કરે ત્યાં સુધી તેમની દેખરેખનું જે માળખું બનાવવામાંઆવે

28 January, 2023 11:28 IST | Mumbai | Jigisha Jain

શ્રીમદ ભગવદ્ગીતામાં કહેવાયેલી આ સહજ અને સરળ વાતને કેમ આપણે સ્વીકારતા નથી?

ભાષા અને સંદર્ભ જુદાં હતાં, પણ વાત તો આ જ હતી. જી હા, એક્સપેક્ટ પ્રૉબ્લેમ. મતલબ કે સમય તમારી ધારણા અનુસાર નહીં ચાલે.

28 January, 2023 07:59 IST | Mumbai | Manoj Joshi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK