પ્રિયજનો પાછા નથી આવતા, પણ આપણા માટેનો તેમનો પ્રેમ જરૂર પાછો આવે છે
પ્રતીકાત્મક તસવીર
વિશ્વસાહિત્યના ફલક પર પોતાની નોંધપાત્ર છાપ અને અસર છોડી જનારા એક સદાબહાર લેખક એટલે ફ્રાન્ઝ કાફકા. ચેક રિપબ્લિકના પ્રાગમાં જન્મેલા ફ્રાન્ઝ કાફકા નવલકથાકાર અને ટૂંકી વાર્તાઓના લેખક હતા. આ કિસ્સો એ સમયનો છે જ્યારે કાફકાની ઉંમર લગભગ ૩૯ વર્ષ હતી.
જે પાર્કમાં રોજ સવારે કાફકા નિયમિત ચાલવા જતા એ પાર્કમાં એક દિવસ તેમણે એક બાળકીને જોઈ. એક બાંકડા પર બેસીને તે બાળકી ધ્રુસકે-ધ્રુસકે રડી રહી હતી. તેની પાસે જઈને કાફકાએ તેને પૂછ્યું, ‘તું કેમ રડે છે?’
ADVERTISEMENT
તે બાળકીએ જવાબ આપ્યો, ‘મારી ઢીંગલી ખોવાઈ ગઈ છે. એ મારી સૌથી પ્રિય ઢીંગલી હતી.’
કાફકાએ તેને છાની રાખીને તેની ઢીંગલી શોધી આપવાનું વચન આપ્યું અને બીજા દિવસે એ જ સ્થળ પર મળવાનું નક્કી કર્યું. ઘણું શોધ્યા પછી પણ એ ગુમ થયેલી ઢીંગલી ક્યાંય ન જડતાં પેલી બાળકીને રાજી કરવા માટે કાફકાએ એક યુક્તિ વિચારી. ગુમ થયેલી ઢીંગલી વતી કાફકાએ પેલી બાળકીને એક પત્ર લખ્યો અને બીજા દિવસે એ પત્ર તેને પાર્કમાં વાંચી સંભળાવ્યો. ‘મારી ગેરહાજરીમાં દુ:ખી ન થતી. હું વિશ્વપ્રવાસે નીકળી છું. હું પણ તને મિસ કરું છું. પ્રવાસ દરમ્યાનના મારા અનુભવો હું તને કાગળ લખીને જણાવતી રહીશ. તારું ધ્યાન રાખજે.’
પોતાની પ્રિય ઢીંગલી તરફથી મળેલો આ પત્ર સાંભળીને બાળકી ખુશ થઈ ગઈ.
આ પછી પેલી ગુમ થયેલી ઢીંગલીના નામથી કાફકાએ પેલી બાળકીને અનેક પત્રો લખ્યા. કાફકા જ્યારે પણ પાર્કમાં પેલી બાળકીને મળતા ત્યારે ઢીંગલીએ લખેલો એક પત્ર વાંચી સંભળાવતા. ઢીંગલીના સમાચાર જાણીને બાળકી રાજી થઈ જતી અને હસતા મોઢે ઘરે ચાલી જતી. પોતાની નાદુરસ્ત તબિયતને કારણે કાફકાને જ્યારે એવું લાગ્યું કે આ મુલાકાતનો હવે અંત આવશે ત્યારે પેલી બાળકી માટે તેમણે બજારમાંથી એક નવી ઢીંગલી ખરીદી.
વિશ્વપ્રવાસે ગયેલી ઢીંગલી પાછી આવી ગઈ છે એવું જણાવીને કાફકાએ આ નવી ઢીંગલી બાળકીને
આપી દીધી. સ્વાભાવિક રીતે આ ઢીંગલી થોડી અલગ દેખાતી હતી.
બે ડગલાં આનો ઉપાય પણ કાફકાએ વિચારી રાખેલો. એ નવી ઢીંગલીના હાથમાં એક ચિઠ્ઠી હતી, જેમાં લખેલું હતું કે ‘દુનિયાભરની રખડપટ્ટીને કારણે મારો દેખાવ બદલાઈ ગયો છે. પ્લીઝ, મારા પ્રેમનો સ્વીકાર કરી લેજે.’ ઢીંગલી ડુપ્લિકેટ હોવાની શંકા સાથે કચવાતા મને પેલી બાળકીએ ઢીંગલી સ્વીકારી લીધી અને એને ઘરે લઈ ગઈ. થોડા દિવસ એની સાથે રહ્યા પછી તે બાળકીના મનમાંથી ઢીંગલી વિશેની શંકા દૂર થતી ગઈ અને પ્રેમ વધવા લાગ્યો. તે હવે આ નવી ઢીંગલીના ગળાડૂબ પ્રેમમાં પડી ગઈ.
આ બનાવના એક વર્ષ પછી ફ્રાન્ઝ કાફકાનું ટ્યુબરક્યુલોસિસથી મૃત્યુ થયું. તેમના મૃત્યુનાં અનેક વર્ષો પછી પેલી બાળકી જ્યારે યુવાન બની ગયેલી ત્યારે એક દિવસ અચાનક તેને પેલી ઢીંગલીમાં સંતાડી રાખેલી એક ચબરખી મળી. એ ચબરખીમાં લખ્યું હતું, ‘તું જેને-જેને પ્રેમ કરે છે તે દરેકને તારે ક્યારેક તો ગુમાવવા જ પડશે, પણ ગુમાવી દીધેલો પ્રેમ કોઈ અન્ય સ્વરૂપમાં તારી પાસે જરૂર પાછો ફરશે એ યાદ રાખજે.’
આ સત્ય ઘટના છે કે કાફકાના નામે કોઈએ લખેલી કાલ્પનિક વાર્તા એ હું નથી જાણતો, પણ મને એટલી ખબર છે કે આ ‘હીલિંગ સ્ટોરી’ છે. એક એવી વાર્તા જે નિરાંત અને રાહત આપે છે,. આપણા અંતઃકરણને પ્રેમથી પંપાળીને એના જખમો પર રૂઝ લાવે છે.
જે લોકોએ અકાળે પોતાના સ્વજનો ગુમાવ્યા છે એ લોકો આ વાંચતી વખતે રડે એવું બની શકે એ હું જાણું છું. સ્વર્ગસ્થ થયેલા પ્રિયજનો જ શું કામ? આ વાર્તા તેમને પણ એટલી જ લાગુ પડે છે જેઓ બ્રેકઅપ, ડિવૉર્સ કે સેપરેશનમાંથી રિકવર થઈ રહ્યા છે. એક ગમતી વ્યક્તિની ઓચિંતી વિદાય એ અંતઃકરણ પર થયેલો આતંકી હુમલો છે.
પ્રિયજનોથી અળગા થયાનું દુઃખ અને આપણા જીવનમાં તેમનો અભાવ કાયમી રહેશે. કેટલીક ખોટ તળિયા વગરના પ્યાલા જેવી હોય છે. એ ક્યારેય ભરી ન શકાય. જોકે કાફકાની આ વાત એક નવો જ દૃષ્ટિકોણ લઈને આવે છે. પ્રિયજનો પાછા નથી આવતા, પણ આપણા માટેનો તેમનો પ્રેમ જરૂર પાછો આવે છે; કોઈ સાવ અલગ સમયે, કોઈ સાવ અલગ સ્વરૂપમાં. તકલીફ એ છે કે પ્રિયજનની ખોટના વિરહ અને શોકમાં ગળાડૂબ થઈ ગયેલા આપણે જીવનમાં આવનારી નવી ઢીંગલીને ઓળખી નથી શકતા. એ સમજતા આપણને સમય લાગે છે કે અલગ-અલગ વ્યક્તિઓનો પહેરવેશ બદલીને એક જ પ્રેમ અલગ-અલગ સ્વરૂપમાં આપણને મળવા આવે છે. આપણે સ્વરૂપમાં અટકેલા રહીએ છીએ એટલે પ્રેમ નામના તત્ત્વને ગુમાવી દઈએ છીએ. એ સ્વજનની હોય કે સંબંધની, મિત્રની હોય કે મૈત્રીની; પણ હકીકત એ છે કે ખોટ અનિવાર્ય છે. આ પૃથ્વી પર કોઈ કાયમી નથી. આપણે જેને-જેને પ્રેમ કરીએ છીએ તે દરેકને આપણે ક્યારેક તો ગુમાવીશું જ, પણ જ્યાં સુધી આપણે જીવિત છીએ ત્યાં સુધી તે વ્યક્તિના રૂપમાં ગુમાવી દીધેલો પ્રેમ રીસાઇકલ થઈને બહુ જલદી આપણા સુધી પાછો આવશે એ વાત તો નક્કી. બસ, ત્યારે શંકા કર્યા વગર એ પ્રેમને ઓળખી લેવો.
(લેખક ભાવનગરસ્થિત જાણીતા યુરોલૉજિસ્ટ છે અને સાથે વાર્તાકાર અને કૉલમનિસ્ટ છે.)

