° °

આજનું ઇ-પેપર
Sunday, 11 April, 2021

શું તમે લોકોની લાઇક્સ મેળવવા ઉત્સુક રહો છો?

01 March, 2021 11:20 AM IST | Mumbai | Falguni Jadia Bhatt

શું તમે લોકોની લાઇક્સ મેળવવા ઉત્સુક રહો છો?

 શું તમે લોકોની લાઇક્સ મેળવવા ઉત્સુક રહો છો?

શું તમે લોકોની લાઇક્સ મેળવવા ઉત્સુક રહો છો?

જો આ સવાલનો જવાબ હા હોય તો એમાં કશું ખોટું નથી. લોકોની પ્રશંસાથી ખુશ થવું એ મનુષ્યસહજ સ્વભાવ છે, પરંતુ તેમની થયેલી પ્રશંસા કે સ્વીકારને આપણા જીવનનો આધાર કે આપણી લાયકાતનો માપદંડ બનાવી શકાય નહીં. જરૂર પડે ત્યારે દરેક વ્યક્તિને સાવ એકલા રહેતાં પણ આવડવું જ જોઈએ

તાજેતરમાં એક કિસ્સો સાંભળવા મળ્યો. બે વર્ષ પહેલાં બૅન્ગલોરથી મુંબઈ શિફ્ટ થયેલા એક પરિવારનો દીકરો એકાએક તેનાં મમ્મી-પપ્પાને તેની સ્કૂલ બદલવા બાબતે દબાણ કરવા લાગ્યો. પહેલું વર્ષ જે સ્કૂલ તેને જન્નત જેવી લાગી હતી એ જ સ્કૂલ બીજું વર્ષ પૂરું થતાં સુધીમાં આટલી અણગમતી કેવી રીતે બની ગઈ એ મા-બાપને કેમેય કરીને સમજાયું નહીં. અઠવાડિયાંઓના પ્રયત્નો બાદ આખરે દીકરાએ માતા-પિતા સમક્ષ પોતાનું હૃદય ખોલ્યું અને કહ્યું કે પહેલા વર્ષમાં તે જે મિત્રવર્તુળનો ભાગ હતો એ જ મિત્રોએ આ વર્ષે પરીક્ષામાં ઓછા માર્ક્સ આવતાં તેનો બહિષ્કાર કર્યો છે. પરિણામે આ વર્ષે તે ક્લાસમાં સાવ એકલો થઈ ગયો છે. કોઈ મિત્ર તેની સાથે વાત કરવા તૈયાર નથી. ત્યાં સુધી કે કોઈ તેનો ફોન ઊંચકવા પણ તૈયાર નથી. મિત્રો તરફથી કરવામાં આવેલો આ બૉયકૉટ તેનાથી જિરવાતો ન હોવાથી હવે તેને સ્કૂલ જ બદલી નાખવી છે.
આપણા બધાના જીવનમાં મિત્રોનું એક અલાયદું મહત્ત્વ હોય છે. એમાંય કિશોરાવસ્થામાં તો મિત્રો જ આપણું સર્વસ્વ હોય છે.
સ્કૂલ-કૉલેજની કૅન્ટીનમાં બેસીને તેમની સાથે ગપ્પાં મારવાં, તેમની સાથે ફિલ્મો જોવા જવું, હોટેલમાં ખાવા જવું, પિકનિક પર જવું એ જ બાળકોના જીવનનું સૌથી મોટું આકર્ષણ હોય છે. પરંતુ એ જ મિત્રવર્તુળ જો તમારો બહિષ્કાર કરે તો સ્વાભાવિક રીતે કોઈનું પણ મન દુભાઈ જાય, પણ શું એ માટે થઈને સ્કૂલ જેવી સ્કૂલ જ છોડી દેવી યોગ્ય કહેવાય?
ચોક્કસ નહીં જ. 12-15 વર્ષના બાળકને આ સત્ય સમજાય નહીં એ સમજી શકાય એવું છે, પરંતુ શું આપણામાંથી પણ ઘણાબધા આવું કરતા નથી? આપણામાંથી કેટલા બધા એવા છે જેઓ દિવસ-રાત પોતે ખરીદેલાં નવાં કપડાંથી માંડી પોતાનો નવો હેર-કટ, પોતાની નવી લિપસ્ટિક વગેરેની સેલ્ફી લઈ સતત ફેસબુક-ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સઍપ પર પોસ્ટ કર્યા કરે છે. કેટલા બધા એવા છે જેઓ પોતે બનાવેલી નવી વાનગીથી માંડી પોતાની નવી કવિતા, પોતાનું નવું પેઇન્ટિંગ અન્યોને ચખાડવા, વંચાવવા કે દેખાડવા પારાવાર ઉત્સુક હોય છે. તો વળી કેટલાક એવા પણ હોય છે જેમને પોતાની પાતળી કમર કે ભરાવદાર બાવડાંઓની નુમાઈશ કરવી ગમતી હોય છે. મહદ્ અંશે લોકોની આવી હરકતો સામે આપણે આંખ આડા કાન કરતા હોઈએ છીએ, પરંતુ અંદરખાને વાસ્તવમાં આ લોકો પણ અન્યોની સ્વીકૃતિ ઝંખતા હોય છે. પોતાની શક્તિઓ પર બીજાનું અપ્રૂવલ મેળવવા તડપતા હોય છે.
અલબત્ત, એમાં કંઈ ખોટું પણ નથી. આખરે આપણે બધા સામાજિક પ્રાણી છીએ, તેથી આપણા જીવનની સાર્થકતા અન્યો સાથે
જોડાયેલી છે. અન્યોના સંદર્ભમાં જ આપણને પ્રેમનો, પોતાપણાનો તથા સન્માનનો અહેસાસ થાય છે. તેથી કોઈ આપણાં વખાણ કરે કે કોઈ આપણા કામને બિરદાવે એનાથી ખુશ થવામાં કંઈ ખરાબી નથી.
તકલીફ ત્યારે ઊભી થાય છે જ્યારે લોકો આપણા માટે શું વિચારે છે એના આધારે આપણે પોતાનું મૂલ્ય આંકવા માંડીએ છીએ. જોખમ ત્યારે ઊભું થાય છે જ્યારે આપણે અન્યોની પ્રશંસાથી માત્ર ખુશ થવાને સ્થાને એને આપણી લાયકાતનો માપદંડ માનવા માંડીએ છીએ. દુર્ઘટનાઓ ત્યારે ઘટે છે જ્યારે અન્યોની સ્વીકૃતિની ગેરહાજરીમાં આપણને પોતાનું જીવન નિરર્થક લાગવા માંડે છે. અન્યોના સ્વીકારભાવની અપેક્ષા હોવી ઠીક છે, પરંતુ એને આપણી જરૂરિયાત ન બનાવી શકાય. આવું થાય ત્યારે એનો અર્થ એ થયો કે હવે તમારી અસુરક્ષિતતાની ભાવના તમારા પર હાવી થઈ રહી છે.
થોડા સમય પહેલાં જ્યારે ભારતમાં ટિકટૉક નામક સોશ્યલ નેટવર્ક પ્લૅટફૉર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારે કેટલાક યુવાનિયાઓએ આત્મહત્યા કરી લીધી હોવાના સમાચાર આવ્યા હતા. સાંભળવામાં આશ્ચર્ય થાય એવી આ ઘટનાઓ પાછળ ઉપરોક્ત માનસિકતા જ ભાગ ભજવતી હોય છે. સતત યુ-ટ્યુબ પર પોતાના વિડિયોઝ પોસ્ટ કર્યા કરનારને જ્યારે લાઇક્સ નથી મળતી ત્યારે તેમની મનોદશા પણ કંઈક આવી જ હોય છે.
આવા પ્રસંગો, આવી ઘટનાઓ, આવા સમાચારોને હળવાશથી ન લેતાં વાસ્તવમાં એની પાછળ રહેલી કમજોર માનસિકતાની ગંભીરતા સમજવી જોઈએ. આપણું મૂલ્ય આંકવાની સ્વતંત્રતા કોઈ બીજાના હાથમાં કેવી રીતે સોંપી શકાય? કોણ આપણી સાથે છે અને કોણ આપણી સાથે નથી એનાથી કદાચ હરખ અને શોક થઈ શકે, પરંતુ એ માટે થઈને પોતાના મૂળભૂત કર્મ કે કર્તવ્યથી ચ્યુત ન થઈ શકાય. પેલા વિદ્યાર્થીનું મૂળ કર્તવ્ય શાળામાં અભ્યાસ કરવાનું છે. એ અભ્યાસના માર્ગમાં મિત્રો બનતા હોય, તેઓ આપણો સ્વીકાર કરતા હોય તો સારી વાત છે; પરંતુ એવું ન થતું હોય એ માટે થઈને કંઈ સ્કૂલ છોડી ન દેવાય.
પરંતુ આ વિચારધારા કેળવવા માટે કોણ આપણા છે અને કોણ પરાયા એની પૂરતી સમજ હોવી જરૂરી છે. કોણ આપણા મિત્ર, સ્નેહી, સ્વજન અને હિતેચ્છુ છે એની યોગ્ય પરખ હોવી જરૂરી છે. જે સુખમાં કે દુઃખમાં, જીવનના ઉતારમાં કે ચડાવમાં આપણી સાથે, આપણી પડખે રહે છે તે આપણા મિત્રો હોય છે. જેઓ આપણને આપણી સબળાઈ અને નબળાઈ બન્ને સાથે સ્વીકારે છે તે આપણા સ્નેહી અને સ્વજન હોય છે. જેઓ સતત આપણો હાથ પકડી રાખી આપણું માર્ગદર્શન કરતા રહે છે તેઓ આપણા હિતેચ્છુ હોય છે. દૂર ઊભા રહી માત્ર તાળી વગાડનાર, પ્રેક્ષકોની જેમ આપણા પર્ફોર્મન્સ પર સીટી વગાડનારા, ફેસબુક, વૉટ્સઍપ વગેરે પર થમ્સ અપ કે સ્માઇલી જેવા ઇમોજીસ મોકલનારા તો ફક્ત પોતાના મનોરંજન ખાતર આપણો ઉપયોગ જ કરતા હોય છે. આવા લોકો આપણા જીવનમાં હોય તોય શું અને ન હોય તોય શું? તેમની હાજરી-ગેરહાજરીથી આપણા મનની પરિસ્થિતિમાં તસુભારનો પણ ફરક પડવો જોઈએ નહીં.
તેથી કોઈ આપણો બહિષ્કાર કરે, કોઈ આપણને જોઈ પોતાનું મોઢું ફેરવી દે કે કોઈ પોતાના દરવાજા બંધ કરી દે એનાથી ભયભીત થવાની જરૂર નથી. વ્યક્તિ ધારે તો ખુદ પોતાની કંપનીમાં અને પોતાના કરતાં પણ પોતાના કામની સંગતમાં ચોક્કસ ખુશ રહી શકે છે. બલકે જે પોતાના કામની સંગતમાં ખુશ રહી શકે છે તે વધુ સારું પર્ફોર્મ કરી શકે છે અને પછી તેનું કામ જ તેનો જિગરજાન મિત્ર બની જાય છે અને એની મુખ્ય ઓળખ પણ.
(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

કોઈ આપણો બહિષ્કાર કરે, કોઈ આપણને જોઈ પોતાનું મોઢું ફેરવી દે કે
કોઈ પોતાના દરવાજા બંધ કરી દે એનાથી ભયભીત થવાની જરૂર નથી. વ્યક્તિ ધારે તો ખુદ પોતાની કંપનીમાં અને પોતાના કરતાં પણ પોતાના કામની સંગતમાં ચોક્કસ ખુશ રહી શકે છે. બલકે જે પોતાના કામની સંગતમાં ખુશ રહી શકે છે તે વધુ સારું પર્ફોર્મ કરી શકે છે અને પછી તેનું કામ જ તેનો જિગરજાન મિત્ર બની જાય છે અને એની મુખ્ય ઓળખ પણ.

01 March, 2021 11:20 AM IST | Mumbai | Falguni Jadia Bhatt

અન્ય લેખો

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

15 March, 2021 01:24 IST | Mumbai | Sanjay Goradia

જોગાનુજોગ

જોગાનુજોગ

15 March, 2021 01:06 IST | Mumbai | Samit purvesh Shroff

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

15 March, 2021 01:04 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK