Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ક્યારેક બાળકોને બોર થવા દો

ક્યારેક બાળકોને બોર થવા દો

18 November, 2022 12:05 PM IST | Mumbai
Bhavini Lodaya

સતત ઍક્ટિવિટીમાં રાખીને બહુ બધું શીખવી દેવાની લાયને બદલે બાળકને ક્યારેક કંઈ જ ન કરવાનો ટાઇમ પણ આપવો જોઈએ, કેમ કે બોરડમ બેસ્ટ ટીચર છે અને કોઈ કમ્પલ્સિવ પ્રવૃત્તિ ન કરવાની હોય ત્યારે પણ શાંત અને ખુશ કેમ રહેવું એ શીખવા મળે છે

પ્રતીકાત્મક તસવીર

પેરન્ટિંગ ટિપ્સ

પ્રતીકાત્મક તસવીર


જ્યારે બાળક સાવ ખાલી બેઠું હોય અને તે કંઈ જ ઍક્ટિવિટી નથી કરતુ એ સમયે બાળક સાથે વાતો કરો. તેમને ઇન્ટરેસ્ટ હોય એવી વાર્તાઓ સંભળાવો કે તેને વાતો કરાવો. 

‘મારા દીકરાને તો જરાય ફુરસદ મળતી જ નથી.’ આવું જો તમે ગૌરવભેર બોલતાં હો તો જરાક થોભીને વિચારવાનો સમય છે. બાળકે આખા દિવસમાં શું કરવાનું છે એનું ફિક્સ અને હેક્ટિક શેડ્યુલ આજકાલની મમ્મીઓ ગોઠવવા લાગી છે. જમ્યા પહેલાંની અને બાદની ઍક્ટિવિટી રાખીએ, સાંજના કંઈ ઍક્ટિવિટી કરશે એ બધું પ્લાન કરી રાખતાં હોઈએ છીએ. એક ઍક્ટિવિટીથી બીજી ઍક્ટિવિટીમાં બિઝી રાખતાં હોઈએ છીએ, પણ આપણે તેમને આ બધી ઍક્ટિવિટી પૂર્ણ થયા બાદ ખાલી સમયમાં કઈ રીતે રહેવું એ શીખવતાં જ નથી. જ્યારે આપણે લાંબી જર્ની પર જઈ રહ્યા છીએ તો બાળકો ઓછામાં ઓછું ચારથી પાંચ વાર આપણને પૂછે કે આપણે ક્યાં પહોંચ્યા..? આવી ગયું? હજી કેટલી વાર લાગશે..? રિસર્ચ એમ કહે છે, બાળક બોરડમ ફીલ કરવાને કારણે આવું કરે છે. બાળકને બધું જ કરાવવાની સાથે-સાથે કંઈ જ ન કરવાના ટાઇમ સાથે ડીલ કરતાં પણ શીખવવું ખૂબ જરૂરી છે. બોરડમ એક બેસ્ટ ટીચર છે એ જાણવું જરૂરી છે આજે આપણે બોરડમથી થતા ફાયદા અને ખાલી સમયમાં પણ ખુશ કઈ રીતે રહેવું એના વિશે નિષ્ણાતો પાસેથી જાણીશું.



મારું બાળક સૌથી આગળ વધે અને તેને બધું જ આવડવું જોઈએ એમ વિચારવાવાળા પેરન્ટ્સ પોતાના બાળકને દરેક ઍક્ટિવિટીમાં ભાગ લેવા માટે ફોર્સ કરતા હોય છે, જે સદંતર ખોટું છે એમ કહેનારા ઇન્ટરનૅશનલ સ્કૂલનાં કાઉન્સિલર ક્રિના હરિયા કહે છે, ‘અણગમતી અને વધુપડતી ઍક્ટિવિટીને કારણે બાળક ખૂબ જ થાકીને ચીડચીડું થઈ જતું હોય છે. ઇન્ટરેસ્ટ ન હોવા છતાં પણ પેરન્ટ્સે કહ્યું છે એટલે બાળકો ઍક્ટિવિટીઝમાં ભાગ લઈ લેતાં હોય છે. પેરન્ટ્સે જ સમજવું પડશે કે બધી જ ઍક્ટિવિટી એકસાથે કરવી જરૂરી નથી, ૧૦થી ૧૨ વર્ષનાં બાળકોને એકથી બે ઍક્ટિવિટીમાં જ વ્યસ્ત કરો, એનાથી વધારે નહીં. દર વર્ષે ઍક્ટિવિટીઝ ચેન્જ કરી શકો, જેથી તમને ખબર પડે કે, તમારા બાળકને કઈ ઍક્ટિવિટીમાં ઇન્ટરેસ્ટ છે. બાર વરસ સુધીનાં બાળકોને પોતાની જાતે એક્સપ્લોર કરવા દો. જો ક્યારેક બાળકને મન ન હોય તો ઇટ્સ ઓકે ટુ રિલૅક્સ... પ્રૉબ્લેમ્સ ક્યારે આવે છે જ્યારે લોકો તેને બ્લેમ, કરવાનું શરૂ કરે છે કે, તું તો બસ આમ જ બેઠો છે, કંઈ જ કરતો નથી. આવી રીતે તું મોટો નહીં થાય. આવી રીતે છોકરાઓને ઘડી-ઘડી ટોક્યા કરીને આપણે બાળકોને ગિલ્ટ ફીલ કરાવીએ છીએ. આજકાલ બાળકોને ડર હોય છે કે લોકો મને કઈ રીતે જજ કરશે? અને ઇચ્છા ન હોવા છતાં પણ ઍક્ટિવિટીમાં ભાગ લે છે. તું કંઈ જ કરતો નથી એવો બ્લેમ પોતાના પર થોપવા નથી માગતો.’ 


ક્રિના હરિયા અને ચાર્મી દંડ


અમસ્તા બેસવું પણ જોઈએ

ક્યારેક બ્રેક લેવો, કંઈ જ ન કરવું, અમસ્તા જ બેસી રહેવું એ ઇટ્સ ઓકે. એ બેઝિકલી સેલ્ફ કૅર છે. બોરડમ એ એક બેસ્ટ ટીચર છે અને ભાવનાત્મક વિકાસ માટે જરૂરી છે, એમ કહેનાર ક્રિના કહે છે કે, ‘ઘણી વાર એવું બને છે કે તમે કોઈ સ્થળ પર જઈ રહ્યા છો જે ખૂબ દૂર છે અને તમારું બાળક કારની પાછળની સીટ પર બેઠું છે અને તે અચાનક રડવાનું ચાલુ કરી દે, ચીડચીડું થઈ જાય. તેને તમારું ધ્યાન પોતાના તરફ ખેંચવું હોય માટે આ બધું કરે. તેઓ બોર઼મ જેવી સિચુએશનને હૅન્ડલ નથી કરી શકતાં, તેમને એ આવડતું જ નથી. ખાલી સમય તેમને અધીરાં બનાવી દે છે. આવું ના થાય એ માટે બાળકોને બોરડમમાંથી બહાર નીકળવાના માર્ગ બતાવવા. બાળક સાથે વાતો કરો, શૅર કરો. બાળકોને ઘર, સગાંવહાલાં, ગામમાં થતા કાર્યક્રમો, ગેટ-ટુગેધરમાં લઈ જાવ. બધા સાથે હળીભળીને તે લાગણીઓને સમજતાં અને નિયંત્રણમાં રાખતાં શીખશે.’

જીવન એ પર્ફેક્ટ પિક્ચર નથી. જીવનમાં ઘણા એવા ખરાબ દિવસો આવતા હોય છે જ્યારે વસ્તુઓ આપણા માર્ગે ન જઈ રહી હોય ત્યારે જીવન માટે આપણને આપણી હતાશાઓને અને લાગણીઓને નિયંત્રિત કરવાની જરૂર છે, અને કંટાળો આવવો એ પણ શીખવવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે, એવું માનતાં સાઇકોલૉજિસ્ટ અને કાઉન્સિલર ચાર્મી દંડ કહે છે, ‘ઍન્ગ્ઝાઇટી, ડિપ્રેશન અને પેનિક ડિસઑર્ડર જેવી તકલીફોનો સામનો ન કરવો પડે એને માટે બાળકોને લાગણીઓના દરેક સ્તર સમજવાં ખૂબ જ જરૂરી છે. એક પછી એક સતત ઍક્ટિવિટીઝ બાળકો માટે હાનિકારક છે, જેનો યોગ્ય લાભ બાળકોને મળતો પણ નથી અને તે ચીડચીડું થાય છે.’

પેરન્ટ્સે આખા દિવસ દરમ્યાન પોતાના બાળક માટે સમય કાઢવો, જ્યારે બાળક સાવ ખાલી બેઠું છે, તે કંઈ જ ઍક્ટિવિટી નથી કરતું એ સમયે તમારા બાળક સાથે વાતો કરો. તેમને ઇન્ટરેસ્ટ હોય એવી વાર્તાઓ કરો. જો ચીડચીડાપણું ખૂબ વધારે હોય અથવા ચૂપચાપ જ બેસે છે, સોશ્યલ નથી થતું તો તમારા બાળકને ડૉક્ટર પાસે લઈ જવું જોઈએ.’

કંટાળા સાથે ડીલ કઈ રીતે?

બાળકો બોરડમ સાથે ડીલ કરી શકે એ માટેની વિવિધ થેરપી વિશે ચાર્મી કહે છે, ‘ફિઝિકલ ઍક્ટિવિટી ખૂબ સારી, પણ પછી મગજને શાંત કરવા માટે થોડી વાર એકદમ શાંત બેસવું પણ ખૂબ જરૂરી છે, જેને લીધે શરીર અને મગજ બન્નેને ખૂબ જ ફાયદો થાય. વિઝ્યુઅલાઇઝ થેરપી કરાવવી, એમાં બાળકને જ્યાં પણ પહેલાં ફરવા ગયા હોય અથવા જે ગમતું પ્લેસ હોય એને જોવાનું કહેવું અને ફીલ કરવાનું કહો, ત્યાંની સુગંધ કેવી છે... જેવા સવાલોથી તેને કલ્પના કરવા ગાઇડ કરો. બાળક ચીડચીડું થઈ ગયું હોય ત્યારે તેને શાંત કરવા માટે ડીપ બ્રીધિંગ કરાવી શકાય.’

ડીપ બ્રીધિંગ કરવું 

માઇન્ડ ફુલનેસ : આ થેરપીમાં બાળકને શાંત બેસતાં શીખવવું.  કરવા માટે કંઈ જ નથી તો આજુબાજુની ચીજો ઑબ્ઝર્વ કરતાં શીખવો. હંમેશાં તેને કોઈ ઍક્ટિવિટી હાથમાં પકડાવી દેવાને બદલે તેને શું કરવું છે એ કરવાની છૂટ આપો. કંઈ ઍક્ટિવિટી ન હોય ત્યારે તેને ટીવી સામે બેસાડી દેવું કે હાથમાં મોબાઇલ થમાવી દઈને શૉર્ટ કટ ન અપનાવવો. તેને કહો કે અત્યારે કશું જ નથી કરવાનું તો તને કયું કામ કરવું ગમશે? તેને ફ્રીલી જે રમત રમવાનું મન થાય એ રમવા દો.

બાળકોને પૂર્ણ સમય વ્યસ્ત રાખો એ યોગ્ય નથી. આ બધી ઍક્ટિવિટીઝને લીધે બાળકો પોતાને મનગમતી ઍક્ટિવિટીઝ કે પોતાને શું ગમે છે એ શોધી શકતાં નથી, એમ કહેનાર ચાર્મી કહે છે, ‘બાળકોને થોડો સમય બોર થવા દો. જ્યારે તેઓ બોર થશે ત્યારે થોડો સમય તમને સવાલ કરશે, પછી પોતે જ બોરડમમાંથી બહાર નીકળવા માટેનો રસ્તો શોધી લેશે, ને આવા વખતે જ તેમની ક્રીએટિવિટી ખૂબ સરસ રીતે બહાર આવે છે. આ જ એમનો લાઇફ-ચેન્જિંગ સમય હોય છે. જીવનમાં દરેક વસ્તુનું બૅલૅન્સ હોવું ખૂબ જ જરૂરી છે.’ 

બોરડમથી થતા ફાયદા : સમસ્યાનિવારણ કુશળતા વિકસાવવામાં મદદ કરે છે. 

પેરન્ટ્સની મદદ વગર પણ પોતાની જાતે એ સિચુએશનમાં માર્ગ ગોતતાં શીખે છે.

જીવન જીવવાની કલા શીખવે છે.

સમય મૅનેજ કરતાં અને પોતાને મોટિવેટ કરવાની સ્કિલ શીખવાડે છે. જ્યારે કરવા માટે ખાસ કંઈ ન હોય ત્યારે ઘણુંબધું કરી શકાય છે એવું તેમને શીખવો. બોરડમ એક ગિફ્ટ છે, એને એન્જૉય કરતાં શીખવો.

Whatsapp-channel Whatsapp-channel

18 November, 2022 12:05 PM IST | Mumbai | Bhavini Lodaya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK