° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


અમે રમકડાં, અમે રમકડાં, પડઘમચી ને વાનરભાઈ

20 November, 2021 07:09 PM IST | Mumbai | Deepak Mehta

બાળકોના નાટકની આ દુનિયા સાથે તેના રમકડાંની દુનિયામાં પણ એક લટાર મારીએ 

ઘર-ઘર રમવાનાં આવાં વાસણો હતાં જે હાલમાં રમકડાં વેચતી ઇન્ટરનૅશનલ બ્રૅન્ડ હેમ્લીઝ દેશી કિચન સેટના નામે વેચે છે.

ઘર-ઘર રમવાનાં આવાં વાસણો હતાં જે હાલમાં રમકડાં વેચતી ઇન્ટરનૅશનલ બ્રૅન્ડ હેમ્લીઝ દેશી કિચન સેટના નામે વેચે છે.

બાળકોના વહાલા ચાંદામામા તરીકે ઓળખાતા નાટ્યમહર્ષિ ચંદ્રવદન મહેતાના નાટક ‘રમકડાંની દુકાન’નો પહેલો પ્રયોગ થયેલો ૧૯૩૪માં. ૭૧ બાળકોએ રૉયલ ઑપેરા હાઉસમાં આ નાટક ભજવેલું. બાળકોના નાટકની આ દુનિયા સાથે તેના રમકડાંની દુનિયામાં પણ એક લટાર મારીએ 

અમે રમકડાં, અમે રમકડાં,
પડઘમચી ને વાનરભાઈ,
ગામની ગાયો, ડાહીનો ઘોડો,
બંદૂકવાળો બનું સિપાઈ
ગુરુવાર, ૧૯૩૪ના ડિસેમ્બર મહિનાની ૨૦મી તારીખ. મુંબઈના રૉયલ ઑપેરા હાઉસ થિયેટરમાં આ ગીત ગુંજી ના, ગાજી રહ્યું હતું. ગુજરાતના એકમાત્ર નાટ્યમહર્ષિ ચંદ્રવદન મહેતા – બાળકોના વહાલા ચાંદામામા – ના નાટક ‘રમકડાંની દુકાન’નો પહેલવહેલો પ્રયોગ પૂરો થઈ રહ્યો હતો. એનું આ છેલ્લું ગીત. એ જોયા પછી માત્ર બાળકો જ નહીં, મોટેરાંઓ પણ મનમાં ગણગણી રહ્યાં હતાં : અમે રમકડાં, અમે રમકડાં.
નાટક ભજવ્યું હતું ન્યુ એરા સ્કૂલનાં બાળકોએ. નાટક દરમ્યાન એક યા બીજા પાત્રમાં કુલ ૭૧ બાળકો સ્ટેજ પર આવ્યાં હતાં, બોલતાં, ગાતાં, નાચતાં. હસતાં-હસાવતાં, રડતાં-રડાવતાં. હા, સાથે કેટલાંક શિક્ષક-શિક્ષિકા પણ સ્ટેજ પર હતાં. અને દુકાનદાર હુસેનચાચાનું પાત્ર ભજવ્યું હતું ખુદ ચાંદામામાએ પોતે. પછી તો ઠેર-ઠેર ભજવાયું. ત્રણ-ચાર વાર પુસ્તકરૂપે છપાયું. (બાળનાટકનું હતું છતાં, હોં!) ગુજરાતી બાળનાટકોમાં આવું બીજું નાટક મળવું મુશ્કેલ.
પણ આજે આ નાટક યાદ કેમ આવ્યું? એની પાછળ આ લખનારનો ઋણાનુબંધ પણ ખરો, પણ એની વાત કદાચ ક્યારેક કરીશું. આજે તો ૭૫-૮૦ વરસ પહેલાંનાં બાળકો જે રમકડે રમતાં એની વાત કરવી છે. ના, ૭૫-૮૦ વરસ પહેલાંના મુંબઈનાં સૌથી વધુ ધનવાન કુટુંબોનાં બાળકો પાસે પણ આજના મધ્યમ વર્ગનાં બાળકો પાસે હોય છે એવાં રમકડાં નહોતાં, કારણ કે કાં એ શોધાયાં જ નહોતાં, કાં આપણા દેશ સુધી પહોંચ્યાં નહોતાં. અલબત્ત, એનો અર્થ એવો નહોતો કે મુંબઈમાં ઇમ્પોર્ટેડ રમકડાં મળતાં નહીં. અબ્દુલ રહેમાન સ્ટ્રીટની દુકાનોમાં મળતાં, પણ મોટે ભાગે જૅપનીઝ. અને એ વખતે જૅપનીઝ શબ્દનો અર્થ થતો તકલાદી. આજે ‘ચાઇનીઝ’નો થાય છે એમ. એ રમકડાં ઘણુંખરું પતરાનાં, કારણ કે પ્લાસ્ટિક તો હતું નહીં. અને આજના જેવી જાતભાતના કદની બૅટરી એ વખતે નહોતી એટલે બૅટરીવાળાં પણ નહીં. 
રમકડું શબ્દ ક્યાંથી?
ગુજરાતી અને અંગ્રેજી ભાષા વચ્ચે બીજી કોઈ સમાનતા હોય કે ન હોય, પણ એક સમાનતા છે. ‘રમકડું’ અને Toy શબ્દો ક્યાંથી આવ્યા, મૂળ કઈ ભાષાના એ આજ સુધી નક્કી થયું નથી. રમકડું શબ્દ ગુજરાતીમાં નાન્યતર જાતિમાં વપરાય છે, પણ કચ્છીમાં નર જાતિમાં વપરાય છે – રમકડો. કારણ કે સિંધી-હિન્દી-પંજાબીની જેમ કચ્છીમાં પણ નાન્યતર જાતિ નથી. મરાઠીમાં ખેળણી શબ્દ નારી જાતિમાં વપરાય છે. મરાઠીમાં પણ નાન્યતર જાતિ નથી. હિન્દીમાં શબ્દ છે ખિલૌના. એ પણ નર જાતિનો. પણ આ બધી ભાષામાં શબ્દને સીધો સંબંધ છે રમવાની કે ખેલવાની ક્રિયા સાથે. 
એ જમાનાના બાળકનું પહેલું રમકડું કયું? બાળકને લાકડાના ઘોડિયામાં કે પારણામાં સુવડાવવાનો ચાલ. પહોંચતું-પામતું કુટુંબ હોય તો સંખેડાનું રંગબેરંગી ચિતરામણવાળું ઘોડિયું. માથે લાકડાની ચરકલડી લગાડી હોય એ ઝૂલતી રહે. મા કે મોટી બહેન હાલરડાં ગાતાં-ગાતાં ઘોડિયાને ઝુલાવતી રહે. એની સાથે પેલી ચરકલડી ઝૂલતી રહે. ઊંઘ આવે એ પહેલાં બાળક તેને તાકી રહે. સારી ગાયિકા જ હાલરડાં ગાઈ શકે એવું જરાય નહીં. હાલરડું ગાતી વખતે દરેક સ્ત્રીનો અવાજ મધુર બની જ જાય : ‘તમે મારા દેવના દીધેલ છો...’ અલબત્ત, છોકરી માટે કોઈ આ હાલરડું ગાય નહીં – ત્યારે કે આજેય પણ. 
ઘોડિયું, પારણું અને ઘૂઘરો
બાળક હાથ વીંઝતું થાય એટલે તેના હાથમાં અપાય ઘૂઘરો. હવે એને ‘રૅટલ’નો મોભો મળ્યો છે. આમ તો જન્મ વખતે જ ભેટમાં બે-પાંચ કે વધારે આવ્યા હોય. એ હવે હાથમાં મુકાય. બને ત્યાં સુધી પહેલો ઘૂઘરો ચાંદીનો હોય (ચાંદીનો ભાવ એ વખતે ચાર આને તોલો. તોલો એટલે આજના લગભગ ૧૨ ગ્રામ). નહીંતર પછી લાકડાનો કે પતરાનો પણ ચાલે. પગમાં બંધાતા ઘૂઘરાની જેમ આ ઘૂઘરો પણ ઘમઘમતો રહે, બાળક હાથ હલાવે ત્યારે. બાળક એ હલાવતું, જોતું, સાંભળતું રહે. અજાણપણે તેનાં હાથ, કાન, આંખનું કો-ઑર્ડિનેશન સધાતું આવે. 
આ ઘોડિયું, પારણું, ઘૂઘરો શબ્દો આવ્યા ક્યાંથી? ત્રણ શબ્દકોશ જોયા. ત્રણે મૂંગા. અને ત્રણે ઘોડિયું અને પારણું બન્ને શબ્દોને સમાનાર્થી ગણે છે! જ્યારે વ્યવહારમાં બન્ને વચ્ચે સ્પષ્ટ ભેદ છે જ. આપણી ભાષાના ઘણાખરા શબ્દકોશ પુરુષોએ જ બનાવ્યા છે એટલે આમ બન્યું હશે. એક તુક્કો સૂઝે છે. ઘોડાના ખુલ્લા મોઢાના નીચલા ભાગના આકાર જેવો આકાર ધરાવતા વહાણને ‘ઘોડ’ કહે છે. ઝોળી બાંધેલા ઘોડિયાનો આકાર પણ ઉપરથી જોતાં ઘોડાના ઉઘાડા મોઢાના નીચલા ભાગ જેવો દેખાય છે એટલે તો એને ‘ઘોડિયું’ કહેતા નહીં હોયને? મરાઠીમાં ઘોડિયા માટે ‘ઝોપાળા’ શબ્દ વપરાય છે જેને સીધો સંબંધ છે ‘ઝોપ’ (ઊંઘ) સાથે. પણ ઘોડિયા શબ્દનો સંબંધ ઊંઘ સાથે જોડવાનું અઘરું છે.     
પણ પછી ઘરના અનુભવી બુઢિયાઓની જગ્યાએ આવ્યા ચાઇલ્ડ સુપર સ્પેશ્યલિસ્ટ. કહે, ઘોડિયાં નહીં, પારણાં નહીં, ઘૂઘરા નહીં. બાળકને હીંચકાવાય જ નહીં. આ દરેકથી બાળકને કેવા-કેવા ગંભીર અકસ્માત, રોગ, ઇજા થઈ શકે છે એની વાતો વહેતી થઈ. છેલ્લાં ૭૫-૮૦ વરસ દરમ્યાન એક વખત એવો પણ આવેલો કે જ્યારે માતાના દૂધનો વિરોધ અને ડબ્બાના દૂધનો જોરશોરથી પ્રચાર થયેલો. કેમિસ્ટની દુકાનમાં દવાઓ કરતાં વધુ જગ્યા દૂધના ડબ્બા રોકતા હોય એ આ લખનારે નજરે જોયું છે. વિદેશી કંપનીઓ લાખો-કરોડો રૂપિયા કમાઈ ગઈ.  પણ પછી ડહાપણ પાછું આવ્યું.
રંગબેરંગી ફુગ્ગા
એ વખતના બાળક પાસે હોય જ હોય એવાં કેટલાંક રમકડાં આજે તો રમકડાં જ ગણાતાં નથી!  એમાં સૌથી પહેલાં ફુગ્ગો. ફુગ્ગો? એ તે કાંઈ રમકડું કહેવાય? બર્થ-ડે પાર્ટી, ક્રિસમસ કે બીજા કોઈ પ્રસંગે એ તો શણગાર તરીકે વપરાય. પણ એ વખતે બપોર પછી રસ્તે-રસ્તે ફુગ્ગા વેચવાવાળા નીકળી પડે, રંગબેરંગી રબરના ફુગ્ગા લઈને. ફુગ્ગાની પાછી ત્રણ મુખ્ય જાત. મોઢાથી કે સાઇકલના પમ્પથી હવા ભરેલા સાદા ફુગ્ગા. બીજા ગૅસવાળા ફુગ્ગા. એ વખતે ગૅસની ટાંકી રસ્તા પર લાવવા માટે પ્રતિબંધ નહોતો. એટલે ગૅસની ટાંકી સાથે જ હોય. બાળક જે ફુગ્ગો પસંદ કરે એમાં ગૅસ ભરીને, મજબૂત ગાંઠ મારીને દોરી બાંધીને તેના હાથમાં ફુગ્ગો મુકાય. ફુગ્ગામાં ગેસ ભરાતો જોવો એનો અલગ આનંદ હતો. સાવિત્રીની આંગળી અડવાથી મરેલી માછલી સજીવન થઈ ધીમે-ધીમે તડફડવા લાગે એમ ગૅસ ભરાતો જાય તેમ ઢીલાઢફ ફુગ્ગામાં જીવ આવતો જાય. અને પછી સાવિત્રીના હાથમાંથી પાણીમાં સરી પડતી માછલીની જેમ ગૅસ ભરેલો ફુગ્ગો આવી પડે બાળકના હાથમાં. ત્રીજો તે પીપૂડિયો ફુગ્ગો. વાંસની પોલી ભૂંગળીને એક છેડે ઢીલોઢફ પડ્યો હોય. બાળક બીજે છેડેથી ફૂંકી-ફૂંકીને હવા ભરે. ફુગ્ગો ફૂલ્યા પછી ભૂંગળીથી મોઢું દૂર. ધીમે-ધીમે હવા બહાર નીકળતી જાય, પેં પેં પેં એવો અવાજ કરતી જાય. સાદા ફુગ્ગાનો એક પૈસો, ગૅસનો ફુગ્ગો બે પૈસા અને પીપૂડી ફુગ્ગાનો એક આનો. બાળક બહુ હઠ કરે તો જ પીપૂડી ફુગ્ગો અપાવવા મોટેરાં માંડ રાજી થાય. એક તો મોંઘોદાટ અને પછી કલાકો કે દિવસો સુધી ઘરમાં અવારનવાર ભેંકડો તાણતો રહે.
ફરફરિયું
એની સરખામણીમાં ફરફરિયું સાવ અહિંસક. પાતળા નેતરને વાળીને ગોળાકાર બનાવાય. પછી રંગબેરંગી પાતળા કાગળની પાંખો બનાવીને એના પર ચોડાય. હવાના વહેણની સામી દિશામાં ધરો એટલે ચકરડું ઘૂમવા લાગે. હવે તો ફરફરિયાંય હાઇ-ટેક થઈ ગયાં છે. પ્લાસ્ટિકનાં, ફરવાની સાથે અવાજ અને તણખા પણ થાય. આપણો એક શબ્દકોશ તો ફરફરિયું અને ફીરકીને એક જ માને છે! એ શબ્દકોશ બનાવનારા હુરટી ટો નિ જ હોય.
તડતડ ગાડી
બીજાં બે રમકડાં આજે તો મુંબઈમાં ભાગ્યે જ જોવા મળે. મોટે ભાગે એક ચોક્કસ જાતિની ફેરિયા સ્ત્રીઓ એ વેચતી. બન્ને હાલતાં-ચાલતાં રમકડાં. પહેલી તડતડ ગાડી. માટીના મોટા કોડિયાના મોઢા પર જાડો મીણિયો કાગળ ચોડ્યો હોય. ઉપર હાથે કરેલું ચિતરામણ. એના પર વાંસની બે સળી એવી રીતે ગોઠવી હોય કે ગાડીનાં પૈડાં ફરે ત્યારે સળી કાગળ પર અથડાઈ ‘તડ તડ’ અવાજ કરે. બાંધેલી દોરીથી બાળક ગાડીને ખેંચે. તડ તડ તડ તડ સાંભળીને હરખાય. મોટેરાં કાન ઢાંકે. એની સરખામણીમાં કાગનો વાઘ – સૉરી, કાગળનો મગર નિરુપદ્રવી. રંગીન કાગળના લાંબા પટ્ટાને ગડીઓ વાળીને મગર બનાવ્યો હોય. આગળ પૂંઠાનું ચીતરેલું મોઢું. એની નીચે રબરની દોરીથી લાકડાનું ખાલી રીલ એવી રીતે બાંધ્યું હોય કે દોરી ખેંચો એટલે મગર ચાલવા/દોડવા લાગે. 
છોકરીઓનાં રમકડાં
આ બધાં રમકડાંથી મોટે ભાગે તો ઘરના છોકરા રમે, છોકરી નહીં. ભાઈ રમતો ન હોય ત્યારે આજુબાજુ જોઈને કોઈ જોતું તો નથીને એની ખાતરી કરીને બહેન બે-પાંચ મિનિટ રમી લે. એટલે છોકરીઓ માટે રમકડાં હતાં જ નહીં? હતાંને! એમાં સૌથી પહેલી ઢીંગલી. આજના જેવી ઇમ્પોર્ટેડ, સૉફિસ્ટિકેટેડ નહીં. રંગીન કપડાના કટકામાં કાપૂસ કે ભૂસું ભરીને હાથે બનાવેલી. હાથ-પગ, મોઢું થોડાંઘણાં હાલેચાલે. કોઈકનું પેટ દબાવો તો ચું-ચું અવાજ કરે. અને બીજો ‘ભાતુકળી’ કહેતાં રસોડાનાં વાસણનો સેટ, હલકા પિત્તળનો કે લાકડાનો બનાવેલો. ચૂલો, તપેલીઓ, લોયું (કડાઈ), ચમચા-ચમાચી વગેરે વાસણો, સાચાં જેવાં પણ સાવ નાનાં. છોકરી રસોઈ કરે, ઢીંગલીને જમાડે, વાસણો માંજીને સાફ કરે એવું-એવું રમે. આજે પણ પ્લાસ્ટિકના કિચન સેટ મળે છે. એમાં માઇક્રોવેવ, ફ્રિજ, વૉશિંગ મશીન, ગૅસના ચૂલા-સિલિન્ડર, મિક્સર, ટોસ્ટર વગેરે હોય છે. એ જમાનામાં કોઈએ સપનામાં પણ આ બધું જોયું નહોતું તો એવાં રમકડાં તો ક્યાંથી હોય?
રમકડાંથી રમનારાઓ વિશે વાત હવે પછી. 

20 November, 2021 07:09 PM IST | Mumbai | Deepak Mehta

અન્ય લેખો

એક ગુનેગાર હોય છે

ઘણી વખત સુખ આપણી સામે જ હોય છતાં એને ઓળખવામાં આપણે થાપ ખાઈ જઈએ. અનેક ઉતાર-ચડાવ અને અવરોધો વચ્ચે એક એવો સંબંધ હોવો જોઈએ જે આપણને જીવવા પ્રેરે

28 November, 2021 02:06 IST | Mumbai | Hiten Anandpara

હું ઈશ્વરનો મહેમાન અને ઈશ્વર મારા યજમાન

ઈશ્વરના આ આવાસમાં આપણે ટૂંકી મુદત માટે કોઈક કામે આવ્યા છીએ. આ કામ શું છે એ માણસ પોતે જ જો સમજી લે તો તે ભારે સુખી થાય છે. દુર્ભાગ્યે માણસ છેલ્લા શ્વાસ સુધી પોતાનું કામ સમજી શકતો નથી અને પરિણામે કેટલાંક કામોમાં હવાતિયાં મારે છે

28 November, 2021 02:05 IST | Mumbai | Dr. Dinkar Joshi

સબ અપની અપની મહેફિલોં મેં ગુમ થે, ઔર મૈં અપને ચાહનેવાલોં મેં બિખર ગયા

સૌના હૃદયમાં સ્થાન પામવું એ કાંઈ નાનીસૂની વાત નથી. બહુ ઓછા લોકો આ સિદ્ધિ મેળવી શકે. એ બદલ મારા ચાહકોનો હું જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે. આજીવન હું તેમનો ઋણી રહીશ.

28 November, 2021 02:01 IST | Mumbai | Rajani Mehta

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK