° °

આજનું ઇ-પેપર
Tuesday, 11 May, 2021


સૂરજને ઘરમાં લાવતાં વર્ષો વહી ગયાં

08 November, 2020 05:18 PM IST | Mumbai | Hiten Anandapara

સૂરજને ઘરમાં લાવતાં વર્ષો વહી ગયાં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

નવું વર્ષ દ્વાર પર દસ્તક દેવા આવી રહ્યું છે. એને પોંખીએ કે જોખીએ એની દ્વિધામાં મન અટવાયેલું છે. જોખવાનું કામ તો છેલ્લા ૬ મહિનાથી ચાલુ છે એટલે પોંખવાની વાત પર જ મતું મારીએ. એ પહેલાં એક નજર માત્ર વીતેલા વર્ષ પર જ નહીં, વીતેલાં વર્ષો પર નાખીએ જેથી સમજણને વિહંગાવલોકનની તક મળે. વંચિત કુકમાવાલાની પંક્તિઓની જેમ કેટલાંક વર્ષો કૉપી-પેસ્ટ થતાં હોય એમ જ લાગ્યા કરે...

પત્ર વર્ષોથી અધૂરો રહી ગયો

એક પણ અક્ષર ઉમેરી ના શક્યા

આંખને ટૂંકું પડ્યું લ્યો વસ્ત્ર આ

પારદર્શકતા પહેરી ના શક્યા

પારદર્શકતાની વાત જવા દો, પણ માસ્ક પહેરી-પહેરીને કંટાળી ગયા છીએ છતાં આ માસ્કસજ્જા ચાલુ જ રાખવી પડશે. લોકલ ટ્રેન પ્રવાસીઓથી ધીરે-ધીરે વોકલ બનશે ત્યારે આ માસ્ક જ માતાની ગરજ સારશે. બહુ-બહુ તો એટલું કરી શકાય કે પારંપરિક લીલા, કાળા કે સફેદ માસ્કને બદલે ડિઝાઇનર માસ્ક પહેરીને આપણે થોડા રંગબેરંગી લાગી શકીએ. ડૉ. દિલીપ મોદી અતીતના આકાશમાં સફર કરાવે છે...

સાવ કોરી સ્મૃતિઓની ડાળ પર ઝાકળ ફૂટે

લૂછવા અશ્રુ, સમયનો રેશમી પાલવ મળે

જોઈ લે તું, આજ વર્ષો બાદ મારા ચિત્તનો

ખોલું આલબમ, રંગબેરંગી છબિઓ તવ મળે

સ્મૃતિઓ સર્જવા માટે વર્ષો વીતવાં જોઈએ. કેટલીક વાર આપણા પર એવી વીતે કે વીતેલાં વર્ષોનો ઘસરકો સ્મરણમાં રહી જાય. કર્મન કી ગતિ ન્યારી. આપણા નિષ્ઠાસભર પ્રયાસો પછી પણ સફળતા કે પરિણામ અસ્પૃશ્ય રહી જાય એવું બને. કદાચ આગલી જિંદગીમાં જેની મંછા કરી હોય એ પાછલી જિંદગીમાં નસીબ થાય. અસંતોષ સણકા તરફ લઈ જાય અને સ્વીકાર સંયમ તરફ. હેલ્પર ક્રિસ્ટી આપણને હેલ્પ કરે છે...

એ બંધ બારી ખોલતાં વર્ષો વહી ગયાં

સૂરજને ઘરમાં લાવતાં વર્ષો વહી ગયાં

રોકી શકે તો રોક ને તોડી શકે તો તોડ

પત્તાનું ઘર બનાવતાં વર્ષો વહી ગયાં

મુંબઈ જેવા શહેરમાં તો કાયમી ઝૂંપડું મળે એ પણ મોટી ઘટના કહેવાય. આવનારું વર્ષ નવી કસોટી લઈને આવશે. કોરોના-ટીચરે આપણને જે શીખવાડ્યું છે એ બધું કામે લગાડવું પડશે. આડેધડ ફગાવી દેવાની અય્યાશીને બદલે સાચવેતીપૂર્વકનો નિકાલ આપણને અનેક બબાલમાંથી રોકી શકે. મિજાગરાં ભિડાઈ ગયાં હોય ત્યારે ઑઇલિંગ કરવું પડે. આપણી માનસિકતા પણ સમયાંતરે ઑઇલિંગ માગી લે છે. સ્કૂલના છોકરાઓએ આપણને જવાબદારી શબ્દનો અર્થ સમજાવવો પડે એવું ન થાય એ દરેક પેઢી માટે હિતાવહ છે.  જિજ્ઞેશ વાળા લખે છે...

પવન ફેરવે એમ સઘળા ફરે છે

જુઓ જળ ઉપર પાન કેવાં તરે છે

ઉપર ધગધગે છે ઘણાં વર્ષથી પણ

અરે! ખૂબ ઊંડે તો માટી ઠરે છે

માટીને હવે મરવા ન દેવાય. આપણી બુદ્ધિ એની શુદ્ધિ માટે આવશ્યક છે. કેમિકલના લિબાસ ઉતારીને ઑર્ગેનિક તરફ વળવાનું માત્ર ધરતીના સંદર્ભમાં જ નથી, આપણા અભિગમના સંદર્ભમાં પણ પ્રસ્તુત છે. નવો દાયકો પર્યાવરણનો હશે. એમાં પથરાબાજી કરીને એને પ્રદૂષિત કરવાનું પાપ વેબ-સિરીઝમાં છંટાતી બિનજરૂરી બેફામ ગાળોની જેમ અટકે તો સારું. ચલતી ગાડી કે બાહર ઝૂકના ખતરનાક હૈ એવી સલાહ કોઈ સાંભળવાનું નથી એની ખબર છે છતાં આપીએ. શિલ્પી બુરેઠાં કહે છે એમ, ચાલવું અને આગળ વધવું જરૂરી છે, પણ સાધનો સાધ્યને લૂણો લગાડે ત્યારે રંજ તો થાય...

ઇચ્છાઓનાં ધણ ચાલ્યાં છે

સપનાં પણ બે-ત્રણ ચાલ્યાં છે

વર્ષોજૂની એક તરસ લઈ

જળને મળવા રણ ચાલ્યાં છે

અર્થનો ઓચ્છવ થતો હોય ત્યારે શબ્દોમાં પ્રાણ પુરાય. આશા રાખીએ કે ભરત વિંઝુડા કહે છે એવો વસવસો કરવાનો વારો ન આવે અને ટો થઈ ગયેલી આપણી કાર મુક્ત થઈને રસ્તા પર દોડવા માંડે.

વર્ષો વીતે છે એમ વિખેરાતો જાઉં છું

એવાં ને એવાં દૃશ્ય મનોહર રહી ગયાં

વર્ષો પુરાણા પત્રના અર્થો મટી ગયા

કાગળ રહી ગયા અને અક્ષર રહી ગયા

 ક્યા બાત હૈ

એ વર્ષોમાં જો ટાંકું ઉદાહરણ તારાં

ચહલપહલ શી મચી ઊઠતી’તી પરીઓમાં

એ વર્ષો જેમાં મેં તુજથી વિખૂટા થઈ જઈને

તને ફરીથી રચી આમ્રમંજરીઓમાં

 

એ વર્ષોએ તને કોલાહલે જગાડી મૂકી

ને રાજા-રાણીની સઘળી રમત બગાડી મૂકી

ને શિર ઉઠાવતી મારી શહેનશાહીને

સફેદ રાતોમાં બાંધીને ક્યાંક ઉડાડી મૂકી

 

એ વર્ષો તૂટેતાં તંદ્રિલ ટેરવાંનાં હતાં

એ વર્ષો આપણી અફવાઓ ઊડવાનાં હતાં

એ વર્ષોને એ ખબર નહોતી કે એ વર્ષો પણ

વીતેલા  વર્ષની જેમ જ વીતી જવાનાં હતાં

 

એ વર્ષો જ્યારે ટચૂકડી તળાવડીઓમાં

તરાપો નાખી પડી રહેવાનો વિચાર હતો

તું વાંસ વાંસ વિરહમાં ડૂબી રહી’તી અને

હું પોશ પોશ પ્રતીક્ષાની પેલે પાર હતો

 

એ વર્ષોમાં રચાઈ નહોતી ભાષા છતાં

હું બૂમ પાડી બધું બોલતો, ખબર છે તને?

સમયની શોધ થઈ એની આગલી સાંજે

મેં ઇન્તજારને શોધ્યો હતો, ખબર છે તને?

 (દીર્ઘ કાવ્યનો અંશ)

- મુકુલ ચોકસી

08 November, 2020 05:18 PM IST | Mumbai | Hiten Anandapara

અન્ય લેખો

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

15 March, 2021 01:24 IST | Mumbai | Sanjay Goradia

જોગાનુજોગ

જોગાનુજોગ

15 March, 2021 01:06 IST | Mumbai | Samit purvesh Shroff

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

15 March, 2021 01:04 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK