Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઘડીક પાછું વળીને જોઈએ

ઘડીક પાછું વળીને જોઈએ

08 November, 2020 05:48 PM IST | Mumbai
Dr. Dinkar Joshi

ઘડીક પાછું વળીને જોઈએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સાઠ સિત્તેર કે એંસી વરસની જીવનયાત્રામાં તમે કોઈ દિવસ શાંતિથી ઊભા રહીને પાછું વળીને જોયું છે? આગળ નીકળી ગયા પછી માણસ પાછું વાળીને ભાગ્યે જ જુએ છે. જો ઘડીભર જુએ તો એવાં કેટલાંક ઠેકાણાં ઊડીને આંખે વળગે છે કે જો એ વખતે આમ કરવાને બદલે આમ કર્યું હોત તો આમ ન બન્યું હોત અને આમ બન્યું હોત. આ આમ એટલે શું એ માત્ર તમે જ કહી શકો. સહેજ આગળ વધો ત્યાં બીજું ઠેકાણું દેખાય છે અને કાનમાં અવાજ આવે છે – ‘હવે આજે સમજાય છેને, તે દિવસે આમ કરવાને બદલે તેમ કર્યું હોત, પેલી તરફ જવાને બદલે આ તરફ ગયા હોત તો આજે તમે ક્યાં હોત?’ અને આમ પાછું વાળીને જોતાંવેંત ઘણું દેખાય. ઘણા જણ ઘણું-ઘણું કહે, આમ તેમ, તેમ આમ.

હમણાં અનાયાસે જ એક પુસ્તકાલયમાં પગલાં પાડવાનું પુણ્ય મળ્યું હતું. પુસ્તકાલય ખાસ્સું મોટું હતું અને એ જ રીતે ખાસ્સું જૂનું પણ હતું. જૂના પુસ્તકાલયનો એક લાભ મળે છે. પુસ્તકાલય જેટલું જૂનું હોય એટલા જૂના સમયનાં પુસ્તકો એમાં જોવા મળે. છેલ્લાં દસ, વીસ કે પચીસ, પચાસ વરસમાં જે પુસ્તકાલય શરૂ થયાં હોય એમાં પુસ્તકો પણ એ જ કાળનાં જોવા મળવાનાં. દસ, વીસ વરસ પહેલાં જે પુસ્તકાલય શરૂ થયું હોય એમાં સો વરસ પહેલાં છપાયેલાં પુસ્તકો ભાગ્યે જ જોવા મળે. એ દિવસે જે પુસ્તકાલયમાં હાથ ફેરવવાની તક મળી હતી એમાં ઇતિહાસ અને રાજકારણનાં જૂનાં પુસ્તકોનો ઢગલો થયેલો હતો.



આ ઇતિહાસ અને રાજકારણથી છલોછલ ઊભરાતાં પુસ્તકો સાથે દીવાલ ઉપર હિન્દુસ્તાનનો એક નકશો ટીંગાડેલો હતો. આ નકશો ૧૯૪૭ના વિભાજન પહેલાંનો હતો. એમાં પાકિસ્તાન, બાંગલા દેશ ઉપરાંત બર્મા અને સિલોન પણ  હતા. આ  દિશામાં ભાગ્યે જ કોઈની અવરજવર રહેતી. નકશો જોવો ગમે, નકશા ઉપર ધૂળ ચડી ગઈ હતી અને એમાં પેશાવર, કરાચી, ઢાકા, રંગૂન અને કોલંબો આ બધું જ ઊડીને આંખે વળગે એમ દેખાતું હતું. પુસ્તકાલયના આ ખૂણાના ભાગમાં હું ઠીક-ઠીક આગળ વધી ગયો હતો. પુસ્તકાલય ઠીક-ઠીક પાછળ રહી ગયું હતું. મેં પાછું વાળીને જોયું. હિન્દુસ્તાનના છેલ્લાં લગભગ એકાદ હજાર વરસના પ્રસંગો ઊડીને આંખે વળગ્યા.


***

બારમી સદીના અજમેરના પૃથ્વીરાજ ચૌહાણ અને કનોજના જયચંદ રાઠોડ વચ્ચે વેર બંધાયું. વેર બંધાવાનું કારણ સંયુક્તા હતું. જયચંદ આ લગ્ન રોકવા મા‍ગતો હતો એટલું જ નહીં, પણ દિલ્હીનો રાજા સોમેશ્વર અપુત્ર હતો અને આ અપુત્રવસ્થાને કારણે પોતાના ઉત્તરાધિકારી તરીકે તેણે પૃથ્વીરાજ ચૌહાણની નિયુક્તિ કરી. પૃથ્વીરાજ અને જયચંદ બન્ને સોમેશ્વરનાં એકસરખાં જ સગાં થતાં હતાં. આમ છતાં તેણે નિયુક્તિ પૃથ્વીરાજની કરી. જયચંદ આનાથી પણ નારાજ થયો હતો. તેણે પૃથ્વીરાજ પર વેર વાળવા કાબુલના શાહબુદ્દીન ઘોરીને નોતર્યો. તેને લાલચ આપી કે એક તરફથી શાહબુદ્દીન દિલ્હી ઉપર હુમલો કરે અને બીજી તરફથી જયચંદ પણ એવો હુમલો કરીને પૃથ્વીરાજને ગૂંગળાવી નાખશે. આમ હિન્દુ રાજ્યોને વળોટીને વિધર્મી પરદેશીઓને નોતરવાનું અપકૃત્ય પહેલી જ વાર એક હિન્દુ રાજાએ કર્યું. શાહબુદ્દીન પૃથ્વીરાજને જીતી શક્યો નહીં. પૃથ્વીરાજે શાહબુદ્દીનને પણ મારીને હાંકીને કાઢ્યો. પરાજિત શાહબુદ્દીન પૂંછડી બે પગ વચ્ચે ઘાલીને જીવ બચાવવા નાસી ગયો. પૃથ્વીરાજે તેને જીવતો પકડ્યો નહીં પણ ઉદારતાથી જવા દીધો.    


આ રીતે હારેલા શાહબુદ્દીને વધુ જોર જમાવીને બીજી વાર આક્રમણ કર્યું. આ આક્રમણમાં પૃથ્વીરાજ પરાજિત થયો પણ શાહબુદ્દીને તેને જીવતો ન છોડ્યો. જે રીતે વિજેતા પૃથ્વીરાજે પહેલા યુદ્ધમાં શાહબુદ્દીન પર ઉદારતાથી રહેમ કરી હતી એવું રહેમનું કુકર્મ શાહબુદ્દીને ન કર્યું. તેણે પૃથ્વીરાજને મારી નાખ્યો અને દિલ્હીની ગાદી ઉપર પહેલી જ વાર મુસલમાન શાસન તખ્તનશીન થયું. અત્યાર સુધી મુસલમાન આક્રમકો લૂંટફાટ કરતા હતા. ક્યાંય ગાદી ખાલસા કરીને મુસલમાન સૂબાઓને બેસાડતા નહોતા. આ પહેલી જ વાર બન્યું. હિન્દુસ્તાનમાં મુસલમાન રાજ્યનો આરંભ થયો, પૃથ્વીરાજ ચૌહાણને કારણે અને પૃથ્વીરાજના માસિયાઈ ભાઈ જયચંદને કારણે. 

પાછું વાળીને જોતાં જે પહેલું દૃશ્ય નજરે પડ્યું એને દીવાલ ઉપર લટકતા નકશા ઉપર મીટ માંડીને હું જોઈ રહ્યો. દેશમાં હિન્દુ રાજ્યનો અંત કોણ લાવ્યું? મુસલમાન આક્રમકો કે પછી રાજ્ય કે યુદ્ધ કરવાની આવડત વિનાના હિન્દુ રાજાઓ.

***

બીજું એક દૃશ્ય દેખાયું. સત્તરમી સદીની આસપાસ મોગલ શહેનશાહ શાહજહાં મરણ પથારીએ પડ્યા ત્યારે તેણે પોતાના વારસદાર તરીકે શાહજાદા દારા શિકોહને નિયુક્ત કર્યો. દારા શિકોહ અત્યંત ઉદાર, વિદ્વાન અને માનવીય સદ્ગુણો ધરાવતો હતો. હિન્દુ ધર્મ શાસ્ત્રો પ્રત્યે તેને ભારે ઊંડી લાગણી હતી. તેણે હિન્દુ ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને એના અનુવાદો ફારસી તથા અરબીમાં થયા અને આ ફારસી અને અરબી અનુવાદોને કારણે આ ગ્રંથો વિશ્વના વ્યાપક ફલક ઉપર ગયા અને એના અંગ્રેજી અનુવાદો પણ થયા. પણ આ વિદ્યાવ્યાસંગી શાહજાદાને સમય ઓળખતાં આવડ્યું નહીં. વિદ્વત્તાભર્યા ગ્રંથોને ઘડીક એક તરફ મૂકીને મરણ પથારીએ પડેલા પિતા પાસે પહોંચી જવાની ઉતાવળ કરવાને બદલે તેણે ગ્રંથોનું અધ્યયન ચાલુ રાખ્યું. સામે પાટવી શાહજાદો ઔરંગઝેબ ચબરાક હતો. તે દુષ્ટ, કટ્ટરવાદી અને હુમલોખોર હતો. તેણે સમય સમજીને પોતાનું સૈન્ય સાબદું કર્યું અને દારા શિકોહને તેના સ્થાન ઉપર જ તે હલચલ કરે એ પહેલાં જ મારી નાખ્યો. આ પછી પિતાને કેદ કરીને ઔરંગઝેબ સુલતાન બન્યો અને પૂરાં સાઠ વરસ હિન્દુસ્તાન ઉપર કટ્ટર મુસ્લિમ શાસન જડબેસલાક કર્યું.

દારા શિકોહે જો થોડીક રાજકીય ચપળતા રાખી હોત અને સરરસ્વતી અને સત્તા વચ્ચે સંતુલન જાળવ્યું હોત તો હિન્દુસ્તાનનો ઇતિહાસ જુદો જ હોત.

દીવાલ ઉપરના હિન્દુસ્તાનના નકશા સામે મંડાયેલી મારી નજર ચકળવકળ થઈ ગઈ. હવે કોને કહેવું?

***

વીસમી સદીનો બીજો દાયકો. મોહનદાસ કરમચંદ ગાંધી, મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા બનવાની તૈયારીમાં જ હતા. બાપુ બની ચૂક્યા હતા. યુરોપમાં પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું હતું. વિશ્વના વ્યાપારી અંગ્રેજોએ વૈશ્વિક મુસલમાનોને આપેલું વચન ફેરવી તોળ્યું હતું. તુર્કસ્તાનના ખલીફાને કુહાડે મારીને ફેંકી દીધો હતો. તુર્કસ્તાનને આ ફેંકવાની પ્રક્રિયા ગમી ગઈ હતી. તુર્કસ્તાનના આતા તુર્ક એટલે કે મુસ્તફા કમાલ પાશાએ ખલીફાને ભોંયભેગો કરવાની અંગ્રેજોની આ પ્રક્રિયામાં ભારે સહાય કરી. દુનિયાભરના મુસલમાનોએ ખલીફાનું આ અપમૃત્યુ રાજીખુશીથી સ્વીકારી લીધું. એકમાત્ર હિન્દુસ્તાનના મુસલમાનો એ સ્વીકારી શક્યા નહીં. હિન્દુસ્તાનના મુસલમાનોએ મૃતઃપ્રાય થઈ ગયેલી ખિલાફતની પુનર્સ્થાપના માટે ખિલાફત ચળવળ શરૂ કરી. ગાંધીજીએ આ ચળવળનું નેતૃત્વ સ્વીકાર્યું. જે મુસલમાનો ઝનૂની, ધર્માંધ અને કટ્ટરવાદી હતા તેઓ આ તકનો લાભ લઈને ગાંધીજીના ખભે ચડી બેઠા. ગાંધીજી જેવો ચતુર મુત્સદ્દી ભૂલ ખાઈ બેઠો. જે મુસલમાનો દેશ માટે નહીં પણ વિદેશને વહાલા હતા તેમણે આ ખિલાફત આંદોલનનો લાભ લીધો. આનું પરિણામ એ આવ્યું કે ખલીફા તો પુનર્જીવિત ન થયો પણ ગાંધીજીના ખભે બેઠેલા પેલા મુસલમાનોએ દેશના સૌ સમજદાર મુસલમાનોને પણ પાકિસ્તાનના રવાડે ચડાવી દીધા. પાકિસ્તાન બન્યું. લાખો માણસો કપાયા, ઘરબાર વિનાના થયા અને ગાંધીજી પોતે પણ આવા કોમવાદનો ભોગ બનીને આપણને છોડીને જતા રહ્યા. ગાંધીજીએ ખિલાફત ચળવળનું નેતૃત્વ ન લીધું હોત તો પાકિસ્તાન ન બન્યું હોત એવું કહેવાનો આશય નથી. પાકિસ્તાન તો ૧૯૪૭ને બદલે ૧૯૫૭, ૧૯૭૭ કે ૧૯૯૭માં બન્યું જ હોત, એને કોઈ રોકી શક્યું ન હોત; ગાંધીજી પણ નહીં કેમ કે ખિલાફતે દેશને વિભાજન તરફ દોરી દીધો હતો.

દીવાલ ઉપરના નકશા સામે ક્યાં સુધી જોયા કરીશું? ભૂતકાળ સરકી ગયો છે. જ્યારે જે કરવા જેવું હતું એ નથી કરી શકાયું. એના ઉપરથી જે શીખવા જેવું છે એ શીખી લઈએ.

Whatsapp-channel Whatsapp-channel

08 November, 2020 05:48 PM IST | Mumbai | Dr. Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK