Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ચાલ મારીએ શરત

ચાલ મારીએ શરત

02 January, 2022 07:14 PM IST | Mumbai
Hiten Anandpara

મુંબઈ જેવા મહાનગરમાં કન્યાની પહેલી શરત એ હોય કે છોકરો ફ્લૅટમાં રહેતો હોવો જોઈએ

ચાલ મારીએ શરત

ચાલ મારીએ શરત


જિંદગીના અનેક તબક્કામાં ‘શરતો લાગુ’નો નિયમ લાગુ પડતો હોય છે. મુંબઈ જેવા મહાનગરમાં કન્યાની પહેલી શરત એ હોય કે છોકરો ફ્લૅટમાં રહેતો હોવો જોઈએ. ત્રણ-ચાર વર્ષનાં ટાબરિયાં એવી બેફામ શરતો મૂકે કે મમ્મી ‘મૈં ઇધર જાઉં યા ઉધર જાઉં’ જેવી સ્થિતિમાં મુકાઈ જાય. ચાની ટપરી પર વિરાટ કોહલી કેટલા રન મારશે એનાથી લઈને ચૂંટણીમાં કયા પક્ષને કેટલી સીટ આવશે એ વિશે તોતિંગ શરતો લાગતી હોય છે. શરત મૂકવી અને શરત મારવી એ બન્નેમાં ફરક છે. એકમાં બંધન વર્તાય તો બીજામાં શેખી અનુભવાય. સલીમ દેખૈયા શરત જીત્યા પછીનો આનંદ વ્યક્ત કરે છે... 
આવી મજા હર તર્કમાં તમને મળ્યા પછી
જીત્યો ગગનને શર્તમાં તમને મળ્યા પછી
ચાહત હતી કે જિંદગી જીવન બની મળે
જીવન મળ્યું એ અર્થમાં તમને મળ્યા પછી
નાના હતા ત્યારે ઢપ્પર જીતવાની કે બરફના નળાકાર ચોસલાવાળી પેપ્સી ખવડાવવાની કે ગોલ્ડ સ્પૉટ પિવડાવવાની શરતો મારતા. પાંઉવડાની શરત સર્વસુલભ અને પાકીટને પરવડે એવી રહેતી. શરત મારવા કરતાં કઈ વસ્તુ જીતીએ છીએ એનો આનંદ વિશેષ રહેતો. ઉંમર વધે એટલે આનું રિવર્સ થાય. આનંદનું સ્થાન અહંકાર લઈ લે. નિર્દોષતાથી દેખાદેખી સુધીની સફરમાં કઈ વાત મહત્ત્વની છે એ મુકુલ ચોકસી સમજાવે છે...
છાતી આ અકબંધ રહેશે તો કશું પણ ના થશે
જેના ટુકડા થાય છે તેની જ તો ગઠરી બને
રામ બનવાનું બહુ અઘરું નથી હોતું મગર
શર્ત એ છે કે નિખાલસ એક જણ શબરી બને
શબરી બનવું સહેલું નથી. અહીં તો ટ્રેન દસ મિનિટ મોડી હોય તો લોહીઉકાળા થઈ જાય. ઇન્ટરનેટમાં વ્યત્યય સર્જાય અને ચકરડું ગોળ-ગોળ ફરતું હોય ત્યારે એવી જબરી અકળામણ થાય કે શબરી વિશે વિચારવાની વાત કોઈ કરે તો મનની નગરીમાં ત્રાહિમામ્ ફેલાઈ જાય. નાના હોય કે મોટા, અવરોધોનું કામ આપણને કૉલરેથી ઝાલવાનું છે. જેના કૉલર વધારે ટાઇટ હોય એને વધારે મુશ્કેલી પડે. કિરીટ ગોસ્વામી આશ્વસ્ત કરે છે...
હર વખત હા-નાથી આગળ મન વધી શકતું નથી
હર વખતના યુદ્ધમાંથી પાર તો પડવું જ છે
જોઈએ સંબંધનું આકાશ ખુલ્લું બસ, કિરીટ
સૌ શરતના યુદ્ધમાંથી પાર તો પડવું જ છે 
સંબંધના આકાશને ખોલવા માટે શરતો આડે આવે. એકબીજા પ્રત્યેના સ્નેહમાં શરત હોય તો બરકત ન મળે. કોઈના માર્ગમાં કાંટા પાથરીને ફૂલોની અપેક્ષા ન રખાય. પ્રારંભમાં તમે 
તમારી ચાલ પર મુસ્તાક હો, પણ લાંબા ગાળે જ્યારે મૂલ્યાંકન કરીએ ત્યારે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કવિ દત્તાત્રેય ભટ્ટનો આવો ઑડિટ રિપોર્ટ 
મળી શકે... 
અમારી ભૂલ એ એક જ કે એને ધારવા બેઠા
નિરાકારી નિરંજન રૂપને આવકારવા બેઠા
રમત પ્રારંભ થાવાની શરતને પાળવા માટે
અમે જિતાય એવી બાજીઓ પણ હારવા બેઠા
જીતની વ્યાખ્યા અલગ-અલગ હોઈ શકે. જેને તમે જીત માનતા હો એને કોઈ વિદ્વાન ચિંતક ઠુકરાવીને હિમાલયમાં બેઠો હોય. મસમોટી ડિગ્રીઓ હોવા છતાં જિંદગીને સમજવાનો ઝોક વ્યક્તિને જુદા માર્ગે લઈ જાય. દુનિયાના ગૉગલ્સ એને ગણતરીની દૃષ્ટિએ જોવાના. બકુલેશ દેસાઈ હૈયાથી હાથ સુધી પહોંચે છે... 
હાથનો ગુણધર્મ શું? બસ, શોધવું
જીવ પર આવી જઈ ફંફોસવું 
આકરી શર્તો છે, મારા હાથ હે!
સ્પર્શ સાથે કેમનું તડજોડવું?
હાથનો ગુણધર્મ, જીભનો ગુણધર્મ, આંખનો ગુણધર્મ ડૉક્ટર તપાસે ત્યારે જુદો હોય અને અરીસો તપાસે ત્યારે જુદો હોય. એકમાં તપાસ છે અને બીજામાં તલાશ છે. એ બન્નેને અંતે અર્પણ ક્રિસ્ટી કહે છે એવું તારણ નીકળે તો હૈયે ઘા વાગે...
મેં સહજ મૂક્યો ભરોસો પણ પછી
પીઠ પાછળ જઈ ઊભો એ જણ પછી
છે શરત, પ્હેલાં સ્વીકારો પીંજરું
આપવા તૈયાર છે એ ચણ પછી
ક્યા બાત હૈ

ચાલ મારીએ શરત
વ્યવહાર સ્વયંનો હોય એ જ સઘળેથી ફરે પરત



ફૂલ સરીખી પ્રસન્નતાને સઘળે હોય વિખેરી
એને વિહવળ કરી શકે ના કોઈ વાયરો ઝેરી
સ્મિતસભર ચહેરાની કરતું હોય પ્રતીક્ષા જગત


વર્ષો વીતતા જાય છતાં ના જીવન વત્તા થાતું
ડગલે-પગલે જીવતર એનું ચાલે ખોડંગાતું
નાજુક નમણા અવસર પણ સહુ લાગે એને સખત

ચપટીક હેત વાવો ને ત્યાં તો દોથા મોઢે ઊગશે
માનવતાનો ઉત્સવ માણસ હોંશેથી ઊજવશે
ધરો શુભેચ્છા, અનેકગણી થઈ પાછી ફરશે તરત


જિજ્ઞા ત્રિવેદી
ગીતસંગ્રહ : જળના હસ્તાક્ષર   

Whatsapp-channel Whatsapp-channel

02 January, 2022 07:14 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK