Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કળાકારી શીખો, મગજ આપમેળે કસાશે

કળાકારી શીખો, મગજ આપમેળે કસાશે

01 December, 2021 04:42 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

વૃદ્ધાવસ્થામાં મગજની કસરત માટે જુદી-જુદી ઑડિયો-વિઝ્યુઅલ મેથડ કેટલી ઉપયોગી છે એ નિષ્ણાત પાસેથી સમજીએ

આર્ટ્સ બેઝ્ડ થેરપીનાં નિષ્ણાત સાઇકોલૉજિસ્ટ નેહા પટેલ માને છે કે સિનિયર સિટિઝન્સને આફ્રિકન ડ્રમ જિમ્બે શીખવવાથી વધુ ફાયદો થાય છે.

આર્ટ્સ બેઝ્ડ થેરપીનાં નિષ્ણાત સાઇકોલૉજિસ્ટ નેહા પટેલ માને છે કે સિનિયર સિટિઝન્સને આફ્રિકન ડ્રમ જિમ્બે શીખવવાથી વધુ ફાયદો થાય છે.


પાર્કિન્સન્સ અને ઑલ્ઝાઇમર્સ સહિત આઠ પ્રકારના રોગોમાં વડીલો આર્ટ થેરપીનો સહારો લે તો તેમની યાદશક્તિમાં સુધારો થાય છે એવું વૈજ્ઞાનિક સંશોધનમાં શોધી કાઢવામાં આવ્યું છે. વૃદ્ધાવસ્થામાં મગજની કસરત માટે જુદી-જુદી ઑડિયો-વિઝ્યુઅલ મેથડ કેટલી ઉપયોગી છે એ નિષ્ણાત પાસેથી સમજીએ

વર્ષા ચિતલિયા


varsha.chitaliya@mid-day.com

વધતી વયમાં યાદશક્તિ દિનપ્રતિદિન ઘટતી જાય છે. રોજબરોજનાં કામકાજ ભૂલી જવાને કારણે વડીલોને અનેક મુસીબતોનો સામનો કરવો પડે છે. ઘરના સભ્યોને વારંવાર પૂછપરછ કરવાથી 
તેઓ અળખામણા બને છે. વડીલોની આ સમસ્યાનો ઉકેલ આર્ટ થેરપિસ્ટ પાસે છે. અમેરિકાની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એજિંગ વેબસાઇટનો રિપોર્ટ કહે છે કે પાર્કિન્સન્સ અને ઑલ્ઝાઇમર્સ સહિત વડીલોમાં જોવા મળતા આઠ પ્રકારના રોગોમાં આર્ટ થેરપીનો સહારો લેવામાં આવે તો તેમની યાદશક્તિમાં સુધારો થાય છે. બે અઠવાડિયાં પહેલાં આ વેબસાઇટ સાથે જોડાયેલી સંસ્થા દ્વારા સિનિયર સિટિઝન્સ માટે આર્ટ બ્રાઇટ પ્રોગ્રામનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. પબ્લિક રિસર્ચ સાથે સંકળાયેલા સંશોધકોનું કહેવું છે કે આર્ટ્સમાં રસ ધરાવતા વડીલો તેમનાં કામ સરળતાથી કરી શકે છે. સિનિયર સિટિઝન્સ માટે વિઝ્યુઅલ મેથડ કેટલી ઉપયોગી છે એ સંદર્ભે આજે વાત કરીએ. 

ઇફેક્ટ ઑફ આર્ટ્સ
જનરલ કેસમાં હતાશા અને એકલતાના લીધે વડીલોની યાદશક્તિ ઘટતી જાય છે પરિણામે તેઓ સામાજિક પ્રવાહમાંથી ફેંકાઈ જાય છે. આર્ટ્સ તેમને દુનિયા સાથે જોડી રાખવાનું કામ કરે છે. પિક્ચર્સના માધ્યમથી તેઓ પોતાના ઇમોશન્સને એક્સપ્રેસ કરી શકે છે. એનાથી મૂડ ચેન્જ થાય છે અને મેમરી ઇમ્પ્રૂવ થાય છે એવું વિજ્ઞાને પણ સ્વીકાર્યું છે. ઉપરોક્ત રિસર્ચ સાથે સહમત થતાં સાઇકોલૉજિસ્ટ ઍન્ડ આર્ટ્સ બેઝ્ડ થેરપી પ્રૅક્ટિશનર નેહા પટેલ કહે છે, ‘ક્રૉ​નિક ડિસીઝ, સ્ટ્રીટ ચિલ્ડ્રન, રીહૅબ સેન્ટરમાં આવનારા દરદીઓ, ડિપ્રેશનના પેશન્ટ, ઍન્ગ્ઝાયટી, મેમરી લૉસ એમ અલગ-અલગ પૉપ્યુલેશનની મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ ઇશ્યુઝની સારવારમાં આર્ટ થેરપીનો રોલ મહત્ત્વનો હોય છે. ખાસ કરીને જેરીઆટ્રિક પૉપ્યુલેશન એટલે કે સિનિયર સિટિઝન્સમાં આ થેરપી ઘણી અસરકારક સાબિત થઈ છે. ક્યારેક આપણે દુખી હોઈએ તો સૅડ સૉન્ગ્સ સાંભળીએ છીએ તો કોઈક વાર મ્યુઝિક સાંભળીને ગાવાનું કે નૃત્ય કરવાનું મન થાય છે. કોઈને વળી ચિત્રો દ્વારા પોતાની લાગણી વ્યક્ત કરવી ગમે છે. હાથના સ્પર્શથી પણ હીલિંગ થાય છે. સ્પીચની તુલનામાં ઑડિયો-વિઝ્યુઅલ અને કમ્યુનિકેશન મેથડ વધુ કારગત છે. જે એક્સપ્રેસ કરવું હોય એ કરી શકો ત્યારે એની તમારી હેલ્થ પર પૉઝિટિવ ઇફેક્ટ જોવા મળે. પેઇન્ટિંગ, ડ્રામા, ડાન્સ, સ્ટોરીટેલિંગ, ક્લે મૉલ્ડિંગ, મ્યુઝિક આ બધાં જુદા-જુદા આર્ટ ફૉર્મ છે જે ઇન્ટિગ્રેટેડ થેરપી તરીકે સ્વીકાર્ય છે.’
ન્યુરલ પાથવે બને
વડીલોની યાદશક્તિ અને આર્ટ થેરપી વચ્ચેના કનેક્શન વિશે વિસ્તારથી સમજાવતાં નેહા કહે છે, ‘હું તમને એમ કહું કે નાનપણમાં અમે ઝાડ પરથી મોટી-મોટી લચીલી કેરી તોડીને ખાતાં હતાં. આ વાત લાંબો સમય યાદ ન રહે પણ જો તમે મગજમાં એનું કાલ્પનિક ચિત્ર દોરો તો યાદ રહી જાય. ઘણા લોકો બોલતી વખતે અચકાતા હોય, પરંતુ ગીત ગાવામાં જરાય તકલીફ ન થાય, કારણ કે આ ઍક્ટિવિટી બ્રેઇનના અલગ પાર્ટ્સ સાથે કનેક્ટેડ છે. આર્ટ થેરપી બ્રેઇનના ડીપર સેલ્સ સુધી પહોંચે છે. કાચા અને ઊબડખાબડ રસ્તા પર રોજ ગાડી હંકારો તો એ જગ્યા સમથળ બને એવી રીતે રિપીટેશનથી ન્યુરલ પાથવે બને છે. વડીલોની મેમરી શાર્પ થાય એ માટે કમ્યુનિકેશન વર્લ્ડ ઓપન કરવું ખૂબ જરૂરી છે. અમારી પાસે આવતા સિનિયિર સિટિઝન્સને તેમની જરૂરિયાત અને ઇન્ટરેસ્ટ અનુસાર થેરપી આપીએ છીએ. આફ્રિકન ડ્રમ્સ વગાડવાથી ઘણો લાભ થાય છે. અમે તેમને સાઉન્ડ સાથે ગીતો ગાવાનું પણ કહીએ. રેપટિશનથી તેમને શબ્દો યાદ રહી જાય છે. યાદશક્તિ સુધરે એટલે રોજબરોજનાં કામકાજ સરળ બને. ઑલ્ઝાઇમર્સના રોગના શરૂઆતનાં લક્ષણોમાં આર્ટ થેરપી લેવામાં આવે તો યાદશક્તિ ઘટવાની સ્પીડ ઓછી થઈ જાય છે. આર્ટ થેરપીને અલગ-અલગ રીતે ઉપયોગમાં લઈ શકાય. પિક્ચર્સ ઉપરાંત મ્યુઝિક અને સ્ટોરીટેલિંગ સૌથી વધુ ફાયદેમંદ છે. આ બધા જીવનના રસ છે. એકલતા દૂર કરવા, લાંબી આવરદા, સારા સ્વાસ્થ્ય અને ખુશહાલ જીવન માટે સિનિયર સિટિઝને આર્ટ થેરપીનો સહારો લેવો જોઈએ.’

 પેઇન્ટિંગ, ડ્રામા, ડાન્સ, સ્ટોરીટેલિંગ, ક્લે મૉલ્ડિંગ, મ્યુઝિક આ બધાં જુદા-જુદા આર્ટ ફૉર્મ છે જેનાથી વડીલોની યાદશક્તિ સુધરે છે. સ્પીચની તુલનામાં ઑડિયો-વિઝ્યુઅલ અને કમ્યુનિકેશન મેથડથી એક્સપ્રેસ કરવાથી પૉઝિટિવ ઇફેક્ટ જોવા મળે - નેહા પટેલ

આર્ટ ટીચર શું કહે છે?

કોવિડ દરમિયાન અનેક લોકો પેઇન્ટિંગ્સ અને ભરતગૂંથણ તરફ વળ્યા છે. પોતાના શોખને ફરીથી જીવંત કરવાથી જીવનમાં પરિવર્તન આવ્યું હોય અને આરોગ્યમાં સુધારો થયો હોય એવા અઢળક દાખલા છે. એક કેસ-સ્ટડી શૅર કરતાં કાંદિવલીનાં આર્ટ ટીચર પૂજા શાહ કહે છે, ‘થોડા સમય પહેલાં મારી પાસે પચાસ વર્ષની મહિલા પે​ઇન્ટિંગ શીખવા આવી હતી. હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ અને મેનોપૉઝની એજના કારણે તેઓ ડિપ્રેશનમાં જતાં રહ્યાં. તેમને ક્રીએટિવિટીમાં ઇન્ટરેસ્ટ છે એવું કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળતાં ડૉક્ટરે આર્ટ થેરપી લેવાની ભલામણ કરી હતી. ​આ મહિલા દરદીનું ડ્રૉઇંગ બહુ સારું નહોતું. મેં જોયું કે તેમને ચિત્રો દોરવા કરતાં એમાં રંગ પૂરવામાં વધુ આનંદ આવે છે. ચાર મહિના સુધી દિવસના દોઢ કલાક કલર્સ સાથે રમવાથી માઇન્ડ પૉઝિિટવ વિચારવા લાગ્યું. કલર્સ વાઇબ્સ અને પેઇન્ટિંગ શીખવાથી બૉડીમાં હૅપી હૉર્મોન્સ રિલીઝ થતાં તેમની તબિયતમાં ખાસ્સો સુધારો જોવા મળ્યો હતો. હૉબી તરફ ડાઇવર્ટ થયા બાદ અત્યારે તેઓ એકદમ સ્વસ્થ જીવન વિતાવી રહ્યાં છે. વિઝ્યુઅલ આર્ટ્સમાં ઘણુંબધું હોય છે. કોઈકને ચિત્રો દોરવા ગમતાં હોય તો કોઈકને કલરિંગ પાર્ટનું અટ્રૅક્શન હોય છે. તેમના રસ અનુસાર પ્રોત્સાહિત કરીએ.’
સાયન્ટિફિક રિસર્ચ સંદર્ભે વાત કરતાં પૂજા કહે છે, ‘આર્ટ થેરપીમાં ઘણું વેરિએશન છે. દરેક એજ ગ્રુપના સ્ટુડન્ટ્સને પેઇન્ટિંગ ગમે છે. વડીલોમાં આ થેરપી રિલૅક્સેશનનું કામ કરે છે. વડીલોને ઘણી વાર લખવાથી યાદ નથી રહેતું, વાંચવામાં આંખોને સ્ટ્રેસ પડે છે; જ્યારે ચિત્ર યાદ રહી જાય છે. દાખલા તરીકે નાનાં-નાનાં કામો યાદ ન રહેતાં હોય તો બુકમાં લખવા કરતાં કૅલેન્ડરનો ઉપયોગ કરો. દવાખાને જવાની તારીખ પાસે મેડિસિનનું ચિત્ર દોરી રાખો, બૅન્કનાં કામકાજ કરવાનાં હોય કે મોબાઇલનું રીચાર્જ કરવાનું હોય તો એ પ્રમાણે ચિત્રો દોરો. બર્થ-ડે યાદ રાખવા કેકનું ડ્રૉઇંગ બનાવો. જોકે આ આર્ટ ફૉર્મથી બધાને ફાયદો થાય એવું નથી. ચિત્રો દોરતાં આવડતાં ન હોય એ ચાલે પણ રસ હોવો જોઈએ. જેમને ડ્રૉઇંગમાં બિલકુલ રસ જ ન હોય તેમના માટે અન્ય વિકલ્પો છે. બીજું એ કે મૉડર્ન લાઇફસ્ટાઇલમાં રોગને ઉંમર સાથે બહુ લાગતુંવળગતું નથી. નાનાં બાળકો પણ સ્ટડી પ્રેશરથી ડિપ્રેશનમાં આવી જાય છે. રિફ્રેશમેન્ટ અને મૂડ ચેન્જિસ માટે માઇન્ડને તમારા ઇન્ટરેસ્ટ અનુસાર ક્રીએટિવ વર્કમાં ઇન્વૉલ્વ કરવાથી એ આર્ટ ફૉર્મ તમારા જીવનમાં થેરપીનું કામ કરે છે.’

Whatsapp-channel Whatsapp-channel

01 December, 2021 04:42 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK