આજે એક્સપર્ટ પાસેથી જાણીએ કે તુલસીને ઉગાડવામાં કઈ વિશેષ કાળજી રાખવી જોઈએ જેથી એ વધુ સમય સુધી ટકી રહે...
પ્રતીકાત્મક તસવીર
તુલસીનો છોડ બધાના ઘરમાં હોય પણ બધાના ઘરે એ ટકતો નથી, કેમ કે એ ખૂબ જ સેન્સિટિવ પ્લાન્ટ છે એટલે એના ઉછેરમાં વિશેષ ધ્યાન રાખવું પડે છે. નહીંતર એ ચાર-છ મહિનામાં જ કાં તો સુકાઈ જાય છે, કાં તો એની ડાળીઓ પર પાંદડાં પાંખાં થઈ જાય છે. આજે એક્સપર્ટ પાસેથી જાણીએ કે તુલસીને ઉગાડવામાં કઈ વિશેષ કાળજી રાખવી જોઈએ જેથી એ વધુ સમય સુધી ટકી રહે...
તુલસીના છોડનું ધાર્મિક, આયુર્વેદિક અને વાસ્તુથી લઈને પર્યાવરણની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વ છે. મોટા ભાગે આપણા ઘરે બાલ્કનીમાં બીજા કોઈ છોડ ભલે ન હોય પણ તુલસી અવશ્ય હોય. ઘણા લોકોની એવી ફરિયાદ રહેતી હોય છે કે અમારા ઘરે તુલસીના છોડ વધુ ટકતા નથી અને તરત સુકાઈ જાય છે. ઘણાનું વળી એમ કહેવું હોય છે કે અમે તુલસીના છોડને હવા-ઉજાસમાં રાખીએ છીએ અને પાણી પણ નિયમિત આપીએ છીએ તો પણ તુલસી સુકાઈ જાય છે. એટલે આપણે એક્સપર્ટ પાસેથી તુલસીના છોડ શા માટે સુકાઈ જાય છે અને એની કઈ રીતે દેખભાળ રાખવી એ વિશે જાણીએ.
ADVERTISEMENT
પાણી ઓછું અને પ્રકાશ વધુ
તુલસીના છોડનો વિકાસ સારી રીતે થાય એ માટે એને પૂરતું પાણી અને પ્રકાશ મળી રહે એનું ધ્યાન કઈ રીતે રાખવું એ વિશે જણાવતાં કિચન ગાર્ડન એક્સપર્ટ પૂર્વી શાહ કહે છે, ‘તુલસી સન-લવિંગ પ્લાન્ટ છે. તમારે એને બાલ્કનીમાં એવી જગ્યાએ રાખવો જોઈએ જ્યાં પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે. ઘણા લોકોની બાલ્કનીમાં તુલસીનો છોડ એવી જગ્યાએ રાખેલો હશે જ્યાં સુધી સૂર્યપ્રકાશ પહોંચતો ન હોય. બીજું એ કે તુલસીના છોડને વધુ પાણીની જરૂર હોતી નથી. ઘણા લોકોના ઘરે તમે જોશો તો પરિવારમાં હોય એટલા બધા લોકો લોટો ભરી-ભરીને તુલસીને જળ ચડાવતા હોય છે. આવું કરવાનું ટાળવું જોઈએ. તુલસીના છોડની માટીમાં થોડી ભીનાશ હોવી જોઈએ, પણ સાવ કાદવ જેવી ન હોવી જોઈએ. ઘણી વાર વધુ પડતા પાણીને કારણે પણ તુલસીનાં મૂળ સડી જતાં હોય છે ’
માટી અને કૂંડાનું રાખો ધ્યાન
તુલસીના છોડ માટે તમે કેવા પ્રકારનું કૂંડું વાપરો છો અને માટીનું મૉઇશ્ચર કઈ રીતે મેઇન્ટેઇન કરો છો એ પણ જરૂરી છે. પૂર્વી શાહ કહે છે, ‘તમારા કૂંડાની માટી હંમેશાં એવી હોવી જોઈએ જેનાથી તુલસીને શ્વાસ લેવા માટે હવા મળી રહે. તમારી માટી એટલી કડક પણ ન હોવી જોઈએ કે તમારે એને બળપૂર્વક રીતસર ખોદવી પડે. આંગળી ફેરવો ત્યાં માટી હલવી જોઈએ. એટલે થોડા-થોડા સમયે માટીને અડધોએક ઇંચ સુધી ઉપર-નીચે કરતા રહેવું જોઈએ. તુલસીનાં મૂળ ફેલાય પણ છે અને ઊંડાં પણ જાય છે એટલે તુલસીના છોડને હંમેશાં ૧૨ ઇંચથી મોટા કૂંડામાં જ વાવવા જોઈએ. એ સિવાય હંમેશાં ધ્યાન રાખવું કે તમારા કૂંડામાં નીચે ડ્રેનેજ હોલ (કાણાં) હોય જેથી વધારાનું પાણી નીચેથી નીકળી શકે.’
ખાતર-પેસ્ટિસાઇડ્સનો જાળવીને ઉપયોગ કરો
તુલસીને પૂરતું ખાતર ન મળતું હોય કે એના પર તમે કેમિકલવાળા કીટકનાશકનો છંટકાવ કરો તો પણ એ સુકાઈ જાય છે. એ માટે કઈ કાળજી રાખજી જોઈએ એ જણાવતાં પૂર્વી શાહ કહે છે ‘તુલસી પ્રમાણમાં થોડો હેવી ફીડર પ્લાન્ટ છે એટલે એને સારા પ્રમાણમાં ન્યુટ્રિશન જોઈએ. એટલે તમારે નિયમિત એને ખાતર આપતા રહેવું જોઈએ. અહીં ધ્યાન રાખવાનું છે કે તમારે ઢગલો ભરીને ખાતર નથી આપવાનું, પણ બે-ત્રણ મહિને આવશ્યકતા મુજબ ખાતર આપતા રહેવાનું છે. ખાતરમાં પણ તમારે બને ત્યાં સુધી છાણિયું, સૂંકાં પાંદડાંવાળું કેમિકલ-ફ્રી નૅચરલ કમ્પોસ્ટ જ આપવાનું. માર્કેટમાં એ પણ ઈઝીલી અવેલેબલ છે. જો તમને એમ લાગતું હોય કે તુલસીનો ગ્રોથ અટકી રહ્યો છે તો થોડી માટી ખોદીને મેઇન રૂટ્સની બાજુમાં સફેદ નાના-નાના રૂટ્સ છે જેને ફીડર રૂટ્સ કહેવામાં આવે છે એના પર દર ૧૫ દિવસે એક વાર બાયો-એન્ઝાઇમનો છંટકાવ કરો. આને ડીપ રૂટ ફીડિંગ કહેવાય છે. એમાં તમે ફીડર રૂટ્સ જે વૉટર અને મિનરલને ઍબ્સૉર્બ કરવાનું કામ કરે છે એને પોષણ પૂરું પાડો છો. છોડ પર તમે જ્યારે બાયો-એન્ઝાઇમનો ઉપયોગ કરો ત્યારે હંમેશાં એને એકદમ ડાઇલ્યુટ ફૉર્મમાં જ વાપરવાનું. તુલસીને એના પાન પર તમે કોઈ પેસ્ટિસાઇડ્સનો છંટકાવ કરો એ ન ગમે. એટલે જ્યારે પણ તુલસીના છોડમાં મીનીબગ્સ થઈ જાય ત્યારે તમે બાયો-એન્ઝાઇમનો છંટકાવ કરી શકો અથવા સાદા પાણીથી સરખી રીતે એને ધોઈ નાખો.’
માંજર અને પાન તોડવામાં રાખો ધ્યાન
તુલસીનાં પાનને તોડવામાં તમે ધ્યાન ન રાખો કે સમય-સમય પર એના પર આવતી માંજરને ન હટાવો તો પણ તુલસીનો છોડ સુકાવા લાગે છે એટલે એને તોડવામાં કઈ રીતે વિશેષ ધ્યાન રાખવું જોઈએ એ સમજાવતાં પૂર્વી શાહ કહે છે, ‘તમારી તુલસીમાં જેવી માંજરો આવે એવી એને તોડી નાખો, નહીંતર તુલસીનાં પાન સુકાઈને ખરવા લાગશે. જો તમે માંજરને નહીં તોડો તો મધરપ્લાન્ટ છે એ મરી જશે, કારણ કે એમની જે નેક્સ્ટ જનરેશન છે એ ગ્રો થવા માટે રેડી છે. તમારે જો સીડ્સ જોઈતા હોય તો તમે એક-બે માંજર રાખી શકો. તુલસીને તોડતી વખતે પણ કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમ કે તુલસીનાં પાન હંમેશાં ટોચ પરથી જ તોડવાનાં. બધી જગ્યાએથી અલગ-અલગ પાન ખેંચવા કરતાં ચાર-પાંચ પાનનું ઝૂમખું હોય એ જ તોડવાનું. તમે આનું ધ્યાન રાખશો તો તમારી તુલસી લાંબા સમય સુધી હરીભરી રહેશે.’
ઘરની નેગેટિવ એનર્જી નડે
તુલસી જેવા સેન્સિટિવ પ્લાન્ટ પર આસપાસની નકારાત્મક ઊર્જાની પણ અસર પડતી હોય છે. આવું કેમ થાય છે એ વિશે સમજાવતાં પૂર્વી શાહ કહે છે, ‘તુલસી એક હાઈ-કૉસ્મિક એનર્જી પ્લાન્ટ છે જે નેગેટિવ એનર્જીને ખેંચી લે છે. એટલે બહુ જ નેગેટિવ એનર્જી હોય તો તુલસી પર એની અસર પડે છે. તમે પોતે પણ અનુભવ્યું હશે કે તુલસી પાસે બેઠા પછી મન શાંત થઈ જાય છે. આપણા પૂર્વજો કહેતા કે પિરિયડ્સમાં સ્ત્રીઓએ તુલસીને પાણી ન આપવું જોઈએ. જનરલી એ દરમ્યાન આપણાં હૉર્મોન્સમાં ચેન્જિસ થતા હોય છે એટલે આપણો મૂડ ચીડચીડિયો થઈ જતો હોય છે. એની અસર પણ તુલસી પર પડી શકે છે, કારણ કે એનું સેન્સિટિવિટી લેવલ હાઈ હોય છે. એટલે તુલસીના છોડને હંમેશાં આનંદિત થઈને અને સારા મૂડમાં પાણી આપવું જોઈએ.’
તુલસી ઘણા પ્રકારની હોય
જનરલી મોટા ભાગે લોકોના ઘરે તમને રામ અને શ્યામ તુલસી જ જોવા મળશે; પણ એ સિવાય કપૂર, વૈજયંતી, વન, ડમરો જેવા અલગ-અલગ પ્રકારની તુલસી પણ આવે છે. આ તમામ તુલસીના પાનનો આકાર, રંગ, સુગંધ અલગ હોય છે. ઘણા લોકોને ખબર નથી હોતી કે તુલસીના બીજા પ્રકાર પણ હોય છે. તમે ઇચ્છો તો ફક્ત તુલસીના જ અલગ-અલગ પ્લાન્ટ ઘરે રાખી શકો. આજકાલ તમને એ કોઈ પણ નર્સરીમાં કે ઑનલાઇન મળી જશે.

