‘Should’ અને ‘Want’ના યુદ્ધમાં ફસાયેલું મન ફાઇનલી જ્યારે પોતાની મરજી મુજબ વર્તવા માગે છે ત્યારે આપણે એને આળસનું નામ આપીએ છીએ. જેઓ ‘આળસ’ કરવાનું અફૉર્ડ કરી શકે છે તેઓ બહુ ભાગ્યશાળી હોય છે. આળસ એક એવી લક્ઝરી છે જે તનતોડ મહેનત કરીને કમાવી પડે છે
પ્રતીકાત્મક તસવીર
થોડા સમય પહેલાંની વાત છે. મારા પ્રિય મિત્ર સંજય વૈદ્યનો એક મેસેજ આવ્યો. એક સુવિચાર કે રમૂજના રૂપમાં મોકલેલા એ મેસેજમાં લખેલું હતું કે ‘આળસ એક બહુ કદરૂપો શબ્દ છે. હું એને ‘સિલેક્ટિવ પાર્ટિસિપેશન’ કહેવાનું પસંદ કરીશ.’ એ મેસેજના જવાબમાં મેં તેમને લખ્યું કે ‘આળસવૃત્તિ પર એક આખું પુસ્તક લખાયેલું છે. એ અદ્ભુત પુસ્તકનું નામ છે Laziness does not exist’.
આ વાંચીને તેમના મોઢેથી વાહ નીકળી ગઈ. વર્ષોથી આપણે આળસને બદનામ કરતા આવ્યા છીએ. બદનામ કરીએ ત્યાં સુધી તો વાંધો નહીં, પણ ધીમે-ધીમે આપણે આળસને અપરાધ ગણવાનું શરૂ કરી દીધું છે. આળસ આવવી એ ઘોર નિષ્ફળતા, નિરર્થકતા અને નીરસતાની નિશાની છે એવી માન્યતાથી પીડાતા આપણે હકીકતમાં આળસના ઊંડાણમાં જવાની અને આળસને સમજવાની જરૂર છે.
ADVERTISEMENT
થાક લાગવો, આળસ આવવી કે પ્રેરણાવિહીન (Unmotivated) ફીલ કરવું એ આપણા અસ્તિત્વ કે આત્મસન્માન પર ત્રાટકેલું કોઈ સંકટ નથી. હકીકતમાં આપણે જેને ‘આળસ’ કહીને વગોવીએ છીએ એ વૃત્તિ જ મનુષ્યોના અસ્તિત્વ અને દીર્ઘાયુષ્ય માટે જરૂરી છે! જે લોકો કાયમને માટે વધુ પડતી આળસ, થાક કે કામ કરવાનો કંટાળો અનુભવે છે જરૂરી નથી કે તેઓ કોઈ આંતરિક સમસ્યા, નીરસતા કે બીમારીથી પીડાતા હોય. તેઓ એક એવા ‘વર્કોહોલિક’ અને વ્યસ્ત જગતમાં ટકી રહેવા માટે સંઘર્ષ કરતા હોય છે જ્યાં ભૂખ, ઊંઘ અને આશ્રયની મૂળભૂત જરૂરિયાતો સંતોષાયા પછી આરામ કરવો એ એક અપરાધ છે. ‘આળસુ’ લોકો એક એવા સમાજનો ભોગ બને છે જ્યાં સતત અકારણ દોડતા રહેવું એક ટ્રેન્ડ કે પરંપરા છે. એક એવી દુનિયા જે તમને સતત કામ કરતા રહેવા માટે ઉશ્કેરે છે અને થોડી વાર બેસી જાઓ તો ધમકાવે છે, ‘આળસુ’નું લેબલ લગાડી તમને નિરર્થક અને નકામા પુરવાર કરે છે. એવા સમયે આપણા શરીરમાંથી આવતા સંકેતો કે વૉર્નિંગ બેલ્સને અવગણીને જાત પર અત્યાચાર કરતા રહેવાનો કોઈ અર્થ નથી. મન કે શરીર જ્યારે આરામની માગણી કરે ત્યારે એનો અસ્વીકાર કરવાને બદલે કોઈ પણ જાતના અપરાધભાવ વગર શરીરની એ ડિમાન્ડ પૂરી કરવી એ આપણો મનુષ્યધર્મ છે.
લેખક ડેવોન પ્રાઇસે પુસ્તકમાં આપેલો એક સુંદર શબ્દ છે, ‘Laziness Lie’ એટલે કે આળસ નામનું જુઠ્ઠાણું, જે વર્ષોથી આપણને એવું કન્વિન્સ કરતું આવ્યું છે કે આપણી આરામ અને નિરાંત માટેની ઝંખના આપણને નકામા, નિમ્ન કે ગૌણ બનાવી દે છે. કશુંય કરવાની ઇચ્છા ન થવી કે જીવનમાં કોઈ પ્રેરણાનો અભાવ હોવો એ અવસ્થા એક દંડનીય અપરાધ છે અને કોઈ પણ કાળે એ અવસ્થા તો ટાળવી જ જોઈએ. આવી ગેરમાન્યતાથી પીડાતું આપણું મન આળસ નામની જરૂરિયાતને સમજી અને સ્વીકારી નથી શકતું. ઉદાસી કે દુ:ખને કારણે નહીં પણ સ્વેચ્છાએ અને ખુશીથી ‘કશું જ કરવાની ઇચ્છા ન થવી’ એ કોઈ શરમજનક કે નિંદનીય ઘટના નથી, એક સજીવ તરીકેનો આપણો અબાધિત અધિકાર અને જરૂરિયાત છે. હકીકતમાં કશુંય કરવાની આળસ કે કંટાળો આવવો એ ક્યારેક આપણા શરીરે મોકલેલો encrypted મેસેજ હોય છે કે મને તાત્કાલિક આરામની જરૂર છે.
આળસ એક એવી લાગણી છે જે આપણને ચિંતન અને ચૈતન્ય સાથે જોડાવા માટે મજબૂર કરે છે. આળસને તાબે થયા પછી જ આપણે ‘રિફ્લેક્ટ, રીચાર્જ અને રીકનેક્ટ’ થઈ શકીએ છીએ. સમય વેડફવો એ મનુષ્યની મૂળભૂત જરૂરિયાત છે. આળસમાંથી પસાર થયા પછી જ આપણને સ્પષ્ટતા આવે છે કે આપણા માટે શું મહત્ત્વનું છે અને શું નથી! આપણું મૂલ્ય, લાયકાત કે સાર્થકતા આપણી વ્યસ્તતાથી માપવાનું બંધ કરીએ એ પછી જ આપણે ગમતી પ્રવૃત્તિઓને ન્યાય આપી શકીએ છીએ. આળસ આવવાનું એક કારણ એવું પણ હોઈ શકે કે કાં તો એ પ્રવૃત્તિ આપણને પ્રિય નથી અથવા તો આપણી પ્રકૃતિની વિરુદ્ધ છે.
સમાજ દ્વારા સ્થાપિત કરેલાં ધોરણોને બાજુ પર મૂકીને કોઈ પ્રવૃત્તિ ‘કરવી જોઈએ’ કે ‘કરવી પડે’ એટલે નહીં પણ અંતરના અવાજને અનુસરીને કોઈ પ્રવૃત્તિ ‘કરવી છે’ કે ‘કરવી ગમશે’ ત્યારે ખ્યાલ આવશે કે આળસ જેવું કશું અસ્તિત્વમાં જ નથી. જ્યારે આપણે પોતે નક્કી કરેલી અનુકૂળ ગતિથી મોજમાં આગળ વધીએ છીએ ત્યારે થોડો સમય અટકી જવાની ઘટનાને આરામ કહીએ છીએ, આળસ નહીં. આપણી શારીરિક અને માનસિક માગણીઓ સમજીને બિનજરૂરી કાર્યોને ના પાડવા માટે ખૂબબધા આત્મજ્ઞાન અને આત્મવિશ્વાસની જરૂર પડે છે.
આપણે એક એવા યુગમાં છીએ જ્યાં દોડવા માટે નહીં, થોડી વાર અટકી જવા માટે હિંમત અને પ્રોત્સાહનની જરૂર પડે છે. ખરી પ્રેરણા તો ભીડથી અલગ થવા માટે જોઈએ, ભીડમાં ભળી જવું એ તો પ્રણાલી છે. આ ડિમાન્ડિંગ યુગમાં આળસુ થવું પોસાય એમ નથી અને એટલે જ આળસ વૃત્તિ એક જોખમી અને હિંસક બળવો છે, પણ જાતની પ્રસન્નતા અને નિરાંતથી ઉપર કશું જ નથી. સ્વ કે સમાજની અપેક્ષા તો નહીં જ. હકીકતમાં જાત કે જગતની અપેક્ષા પર નિષ્ફળ જવાની ઘટનાને જ આપણે ક્યારેક આળસ કહેતા હોઈએ છીએ. ‘Should’ અને ‘Want’ના યુદ્ધમાં ફસાયેલું મન ફાઇનલી જ્યારે પોતાની મરજી મુજબ વર્તવા માગે છે ત્યારે આપણે એને આળસનું નામ આપીએ છીએ. જેઓ ‘આળસ’ કરવાનું અફૉર્ડ કરી શકે છે તેઓ બહુ ભાગ્યશાળી હોય છે. આળસ એક એવી લક્ઝરી છે જે તનતોડ મહેનત કરીને કમાવી પડે છે, પણ એક વાત તો નિર્વિવાદ છે કે જેટલી પોસાય એટલી પણ આપણે દરેક જણ આળસના અધિકારી છીએ.
ઓછું કામ કરવાની, કામ ન કરવાની, આરામ કરવાની કે પછી ‘આળસ’ કરવાની આપણી પાસે અમર્યાદિત સત્તા છે. એનો ક્યારે, કેવી રીતે અને કેટલી વાર ઉપયોગ કરવો એનો વિવેક અને સમજણ આપણા હાથમાં છે. સમાજ દ્વારા કન્ડિશન કરવામાં આવેલા મનને એ હકીકત સમજતાં વાર લાગશે કે આપણી વ્યસ્તતા, ઉપલબ્ધિઓ કે પ્રોડક્ટિવિટી એક માણસ તરીકેનું આપણું મૂલ્ય ન આંકી શકે. આળસ એ માત્ર આપણી એક લાગણી કે ભાવ છે, એ આપણું વ્યક્તિત્વ ન હોઈ શકે. એક સજીવ તરીકેના આપણા અસ્તિત્વની સાર્થકતા નક્કી કરવાની લાયકાત ન તો આપણી ઉપલબ્ધિઓમાં છે, ન તો આપણી આળસમાં.

