° °

આજનું ઇ-પેપર
Thursday, 06 October, 2022


લક્ષ્મીકાન્ત–પ્યારેલાલ એ વાત કરતા કે તેમના સંગીત પર શંકર– જયકિશનનો પ્રભાવ છે

17 September, 2022 02:33 PM IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

લક્ષ્મીકાન્ત–પ્યારેલાલ હંમેશાં એ વાતનો એકરાર કરતા કે તેમના સંગીત પર શંકર– જયકિશનનો પ્રભાવ છે

બૉબીના ફર્સ્ટ સૉન્ગના રેકૉર્ડિંગ દરમ્યાન આનંદ બક્ષી, લક્ષ્મીકાન્ત, લતાજી, રાજ કપૂર અને પ્યારેલાલ. વો જબ યાદ આએ

બૉબીના ફર્સ્ટ સૉન્ગના રેકૉર્ડિંગ દરમ્યાન આનંદ બક્ષી, લક્ષ્મીકાન્ત, લતાજી, રાજ કપૂર અને પ્યારેલાલ.

‘બૉબી’ માટે સંગીતકાર તરીકે શંકર-જયકિશનની પસંદગી  ન થઈ એનાં એક કરતાં વધુ કારણો હતાં. ૧૯૬૫થી બન્નેએ અલગ કામ કરવાનું નક્કી કર્યું હતું. બન્નેની કામ કરવાની એક પદ્ધતિ હતી, જેમાં મોટા ભાગે શંકર શૈલેન્દ્ર સાથે અને હસરત જયપુરી જયકિશન સાથે બેસીને ગીતો કમ્પોઝ કરતા. આ વાતની ફિલ્મી વર્તુળો સિવાય બહારની દુનિયાને જાણ નહોતી. એક ઇન્ટરવ્યુમાં પલ્લવી જયકિશનથી આ વાતનો ઉલ્લેખ થઈ ગયો એથી ગરમ મિજાજના શંકરે એલફેલ વાતો કરી. આ તો એક બહાનું હતું. જયકિશન અને શંકર એકમેકથી દૂર થતા જતા હતા, કારણ કે શંકર શારદાને પ્રમોટ કરતા હતા. જયકિશનને આ હરકત ‘મ્યુઝિકલ સુસાઇડ’ જેવી લાગતી. અંતે બન્ને પ્રોફેશનલી  છૂટા પડ્યા. અલગ કામ કરવા છતાં બન્નેએ શંકર-જયકિશન નામે જ સંગીત આપ્યું. ૧૯૭૧માં ‘મેરા નામ જોકર’માં તેમણે સાથે મળી સંગીત આપ્યું એનું કારણ એટલું કે બન્ને આર. કે. ફિલ્મ્સના પગારદાર માણસો હતા અને રાજ કપૂરની ટીમના અગત્યના સભ્યો હતા. 

‘બૉબી’ની શરૂઆત થઈ એ પહેલાં જ જયકિશનનું નિધન થયું. શૈલેન્દ્ર ૧૯૬૬માં જ દુખી હાલતમાં વિદાય થઈ ચૂક્યા હતા. આર. કે. ફિલ્મ્સના અમર સંગીતની જન્મદાતા ટીમની  તાકાત અડધી થઈ ગઈ હતી. રાજ કપૂર અવઢવમાં હતા કે શંકર એકલા હાથે આ જવાબદારી  પૂરી કરવા સક્ષમ છે કે કેમ? એ ઉપરાંત ડિસ્ટ્રિબ્યુટર્સ અને ફાઇનૅન્સર્સનો રાજ કપૂર પર દબાવ હતો કે તેમણે નવા ગીતકાર અને સંગીતકારને અજમાવવા  જોઈએ. બીજી મહત્ત્વની વાત એ હતી કે રૉયલ્ટીની બાબતમાં લતા મંગેશકર સાથે મતભેદ થયા બાદ રાજ કપૂર અને લતા મંગેશકરના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. એના કારણે ‘મેરા નામ જોકર’માં આશા ભોસલેએ પ્લેબૅક આપ્યું, પરંતુ ‘બૉબી’ જેવી ‘આઉટ ઍન્ડ આઉટ’ કમર્શિયલ ફિલ્મ માટે તેમને લતા મંગેશકરની જરૂર હતી. આ તરફ સંગીતકાર શંકર અને લતાજી વચ્ચે મનમેળ નહોતો, કારણ કે શંકર તેમની ફેવરિટ સિંગર શારદાને પ્રમોટ કરતા હતા. એ સંજોગોમાં શંકર અને લતા મંગેશકર પોતાનું ઉત્તમ આપી શકે કે નહીં એ બાબતમાં શંકા હતી. 

છેવટે તેમણે નક્કી કર્યું કે સમય આવી ગયો છે કે નવા સંગીતકારને અજમાવવા જોઈએ. મુકેશે તેમને કલ્યાણજી–આણંદજીની સલાહ આપી. એ સમયે કલ્યાણજી-આણંદજી, મુકેશ અને ઇન્દિવરનાં ગીતોએ ખાસ્સી લોકપ્રિયતા મેળવી હતી એટલું જ નહીં, રાજ કપૂર સાથે આ જોડીએ ‘છલિયા’ અને ‘દુલ્હા દુલ્હન’માં કામ કર્યું હતું એટલે બન્ને એકમેકની કામ કરવાની સ્ટાઇલથી પરિચિત હતા એટલું જ નહીં, ૧૯૬૬માં સિને મ્યુઝિક ડિરેક્ટર અસોસિએશન દ્વારા ‘હિમાલય કી ગોદ મેં’ માટે બેસ્ટ મ્યુઝિક ડિરેરેક્ટરનો અવૉર્ડ પૃથ્વીરાજ કપૂરના હાથે કલ્યાણજી-આણંદજીને અપાયો ત્યારે ઉપસ્થિત રહેલા રાજ કપૂરે બન્ને ભાઈઓના સંગીતની દિલથી તારીફ કરી હતી. 

આણંદજીભાઈ સાથેની મારી મુલાકાતમાં જ્યારે રાજ કપૂર સાથેની વાતો નીકળી ત્યારે આ વાતનો ઉલ્લેખ થયો હતો. બન્ને ભાઈઓએ કદી કોઈની સામે જઈને કામની માગણી કરી નથી એટલું જ નહીં, કોઈ પ્રોડ્યુસર મૌખિક વાત કર્યા બાદ પાછળથી બીજા સંગીતકારને કામ આપે ત્યારે પણ તેમની કોઈ ફરિયાદ ન હોય. ઉપરાંત બીજા પ્રોડ્યુસર પાસે તેઓ લક્ષ્મીકાન્ત અને પ્યારેલાલની ભલામણ કરતા. એટલે સહજ હતું કે તેઓ સામેથી રાજ કપૂરને આ ફિલ્મ પોતાને મળે એ વિશે વાત ન જ કરે.   

એક આડવાત. એ દિવસોમાં ફિલ્મફેર દ્વારા અપાતા અવૉર્ડ વાચકોએ મોકલાવેલી કૂપનો દ્વારા નક્કી થતા. ખાસ કરીને સંગીતના અવૉર્ડમાં ઘાલમેલ કરવામાં આવતી એમ લોકોનું માનવું હતું. એટલે સંગીતકારોએ નક્કી કર્યું કે દર વર્ષે વરિષ્ઠ સંગીતકારોની એક સિલેક્ટ પૅનલ દ્વારા પસંદ કરેલા સંગીતકારને અવૉર્ડ આપવાનું નક્કી થયું. આમ સિને મ્યુઝિક ડિરેક્ટર્સ અસોસિએશન (સીએમડીએ)ની સ્થાપના થઈ. એટલે એ અવૉર્ડનું ખૂબ મહત્ત્વ હતું. ૧૯૬૬માં સંગીતકાર રવિને ‘ખાનદાન’ માટે ફિલ્મફેર અવૉર્ડ મળ્યો હતો. એ વર્ષે રવિ ઉપરાંત કલ્યાણજી–આણંદજી (હિમાલય કી ગોદ મેં) અને શંકર-જયકિશન (આરઝૂ) માટે નૉમિનેટ થયા હતા. અફસોસ એ વાતનો છે કે ત્યાર બાદ એ સંસ્થાનું વિસર્જન થયું. 

લતા મંગેશકરે યુવાન જોડી લક્ષ્મીકાન્ત-પ્યારેલાલના નામની ભલામણ કરી. શંકર-જયકિશનની સંગીતશૈલીથી કામ કરતા આ યુવાન સંગીતકારો અંગત જીવનમાં પણ તેમના કામ અને સ્વભાવથી પ્રભાવિત થયા હતા. જયકિશનની જેમ લક્ષ્મીકાન્ત શાંત અને ઠરેલ, જ્યારે પ્યારેલાલ શંકરની જેમ ઉગ્ર સ્વભાવના (પ્યારેલાલજીએ ‘ઑફ ધ રેકૉર્ડ’ હસતાં-હસતાં પોતાના ગરમ મિજાજના અનેક કિસ્સાઓ મારી સાથે શૅર કર્યા છે). કલ્યાણજી–આણંદજી સાથે લાંબા સમય સુધી અસિસ્ટન્ટ તરીકે કામ કર્યા બાદ ૧૯૬૪માં આ જોડીએ સ્વતંત્ર સંગીતકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને ખૂબ સફળતા મેળવી. લતા મંગેશકર તેમના કામથી ખૂબ પ્રભાવિત હતાં એટલે સ્વાભાવિક છે તેમણે રાજ કપૂરને ભલામણ કરી હોય. 

રાજ કપૂરને આ જોડીની કાબેલિયતનો પરચો હતો, કારણ કે ૧૯૬૫માં ‘દોસ્તી’ માટે આ જોડીએ ફિલ્મફેરનો બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટરનો અવૉર્ડ જીત્યો ત્યારે ‘સંગમ’ માટે શંકર-જયકિશન અને ‘વો કૌન થી’ માટે મદન મોહનનાં નામ પણ નૉમિનેટ થયાં હતાં (સમગ્ર કારકિર્દીમાં શંકર-જયકિશનને ૯ અને લક્ષ્મીકાન્ત-પ્યારેલાલને ૭ અવૉર્ડ મળ્યા છે).    

એમ કહેવાય છે કે આ જોડીએ રાજ કપૂર સુધી એવો સંદેશ મોકલ્યો કે ‘બૉબી’ માટે અમે તમે જે કિંમત આપો એ લેવા તૈયાર છીએ. આર. કે. ફિલ્મ્સમાં એન્ટ્રી મળે એ કોઈ પણ સંગીતકાર માટે નાનીસૂની વાત ન ગણાય. એટલે આમાં કંઈ જ ખોટું  નહોતું. મારી સાથેની મુલાકાતોમાં પ્યારેલાલજીએ આ ઘટના વિશે અનેક રસપ્રદ વાતો શૅર કરી છે જે તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે : 
‘નાનપણથી જ અમે શંકર-જયકિશનના સંગીતથી એટલા પ્રભાવિત હતા કે નક્કી કર્યું કે એક દિવસ તેમના જેવા મોટા સંગીતકાર બનવું છે. લક્ષ્મીકાન્ત જયકિશનથી એટલા પ્રભાવિત હતા કે તેમની હેરસ્ટાઇલ અને કપડાંની કૉપી કરતા. સમય જતાં તેમના રેકૉર્ડિંગમાં મ્યુઝિશ્યન્સ તરીકે કામ કરવાનો મોકો મળ્યો એને અમારું સદ્ભાગ્ય માનતા. જે રીતે તેઓ ૧૦૦થી વધુ મ્યુઝિશ્યન્સ લઈને રેકૉર્ડિંગ કરતા ત્યારે જ અમે  સપનાં જોતા કે એક દિવસ આનાથી વધુ મ્યુઝિશ્યન્સ લઈને ગીતો રેકૉર્ડ કરીશું. તેમના સંગીતનો અમારા પર એટલો પ્રભાવ હતો કે એનાથી પ્રેરણા લઈને એ જ સ્ટાઇલથી, અમારું કશુંક ઉમેરીને, અમે ઘણાં ગીતો સંગીતબદ્ધ  કર્યાં છે. (એ ગીતોની વિગતવાર ચર્ચા તેમણે મારી સાથે કરી છે, પરંતુ એ પેપર હમણાં ફોડવું નથી. એ જોડી વિશે ભવિષ્યમાં વિગતવાર લખીશું ત્યારે એની વાત કરીશું.) 

લતાજીએ અમારી ભલામણ કરી અને કહ્યું કે તમે રાજસા’બને મળી આવો. અમે કહ્યું કે  સામેથી મળવા નહીં જઈએ, તેમનો સંદેશ આવે પછી વાત. થોડા દિવસો બાદ તેમણે અમને આર. કે. સ્ટુડિયોમાં આમંત્રણ આપ્યું. ત્યાંના પ્રિવ્યુ થિયેટરમાં આર. કે. ફિલ્મ્સનાં ગીતોની પ્રિન્ટ દેખાડી. એ ગીતો પાછળની બારીકીઓ અને બીજી ટેક્નિકલ બાબતોની ચર્ચા કરતાં કહ્યું કે મને આ ટાઇપનું સંગીત જોઈએ છે. એ સિવાય તેમની પાસે શંકર-જયકિશને તૈયાર કરેલી અમુક ધૂન હતી. એ ધૂન કેવી રીતે અમે વાપરી શકીએ એ તેઓ જાણવા માગતા હતા. અમે કહ્યું કે શંકર-જયકિશન અમારા આદર્શ છે પરંતુ અમે સંગીત અમારી સ્ટાઇલથી આપીશું. અમારી વચ્ચે ખુલ્લા દિલે વાતચીત થઈ. અમારી સ્પષ્ટ વાતથી તેમને સંતોષ થયો.’ 

આમ નવા હીરો-હિરોઇન રિશી કપૂર અને ડિમ્પલ કાપડિયાની જોડી અને ગીતકાર  સંગીતકાર આનંદ બક્ષી અને લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ સાથે રાજ કપૂરે ‘બૉબી’નું શૂટિંગ શરૂ કર્યું. એ વખતે તેમને ખબર નહોતી કે ફિલ્મ પૂરી થશે ત્યાં સુધીમાં તેમની કુંડળીમાં અત્યાર સુધી છુપાઈને બેઠેલા રાહુ અને કેતુ નામના બે ગ્રહો ત્રાહિમામ પોકારાવી દેશે. એ વાત આવતા શનિવારે.

17 September, 2022 02:33 PM IST | Mumbai | Rajani Mehta

અન્ય લેખો

દેશ નહીં, માનવહિત મોટું ગણ્યું એટલે મહાત્મા વગોવાયા?

બાપુને સાચી રીતે જોવાની દૃષ્ટિ છે આપણી પાસે?, આજે ગાંધી જયંતીએ સહેજેય પ્રશ્ન થાય કે શું આપણી બાપુને જોવાની દૃષ્ટિમાં કચાશ રહી ગઈ? આ સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ કર્યો ‘મિડ-ડે’નાં રુચિતા શાહે.

02 October, 2022 08:01 IST | Mumbai | Ruchita Shah

મુંબઈગરાને જાતજાતનાં ફ્રૂટ અને ડ્રાયફ્રૂટ ખાતાં કોણે શીખવ્યું?

દેશના ભાગલાએ મુંબઈને આપી પંજાબી, સિંધી અને બંગાળી હોટેલોઃ જુદી-જુદી વાનગીઓમાં ઘીનો અને સૂકા મેવાનો ભરપેટ ઉપયોગ કરવાનું પણ આપણે પંજાબીઓ અને સિંધીઓ પાસેથી શીખ્યા

01 October, 2022 04:06 IST | Mumbai | Deepak Mehta

રાજેશ ખન્ના-ડિમ્પલ કાપડિયાનાં લગ્નમાં રાજ કપૂરે કન્યા પક્ષ તરફથી ભાગ લીધો હતો

તમે જેટલા વધારે મશહૂર બનો એટલી સંખ્યામાં તમને પાર્ટીઓમાં આમંત્રણ મળતાં જાય. ચુનીભાઈ એક નૅશનલ હીરો બની ગયા હતા. તેમની સાથે બેસીને ‘ડ્રિન્ક’ લેવું એ એક સ્ટેટ્સ સિમ્બૉલ બની ગયું.

24 September, 2022 06:23 IST | Mumbai | Rajani Mehta

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK