° °

આજનું ઇ-પેપર
Tuesday, 03 August, 2021


પેલા સાધુ પાછળ ડુંગર ચડતાં-ચડતાં અચાનક હું પછડાયો

23 July, 2020 03:54 PM IST | Mumbai | Latesh Shah

પેલા સાધુ પાછળ ડુંગર ચડતાં-ચડતાં અચાનક હું પછડાયો

ગીરનાર

ગીરનાર

હું શોધવા નીકળ્યો હતો મારા સવાલોના જવાબો. એવા સવાલો જે મારા માટે રહસ્ય હતા. દરેક વખતે હું વિચારું કંઈક અને થાય કંઈક બીજું જ. આ મારા જીવનમાં ઊલટસૂલટ કોણ કરી રહ્યું છે? એ અદૃશ્ય શક્તિ કઈ છે જેના તાબામાં મારી જિંદગી છે? મને દર વખતે કોણ બચાવી લે છે? માણસો જ મુશ્કેલીમાં નાખે છે અને માણસો જ બચાવે છે કે કોઈ સુપર પાવરની રમતની હું અટકચાળી કાંકરી છું? આવા પુષ્કળ સવાલોએ મારા મનમાં તબાહી મચાવી હતી એટલે તો હું મારી તાલાવેલીને ન રોકી શક્યો. નહીં તો છેક મુંબઈથી ગિરનાર સુધી આવવાનો અર્થ જ નહોતો. મારાં માબાપ અને મિત્રોથી છુપાવવાનો મતલબ જ નહોતો. હું વાણિયાનો દીકરો પણ નાટકનો જીવ શિવને શોધવા છેક ગિરનાર આવ્યો. શું કામ? એ મને સમજાતું નહોતું. નાટ્યદેવતા એટલે નટરાજ એટલે શિવ. તેમના ગણો અને સાધુઓ જ મારા મનમાં સતત ઘૂમરાતા સવાલોના જવાબ આપશે એવી મારી માન્યતા હતી. એટલે જુઠ્ઠું બોલીને ગિરનાર નામના પવિત્ર પર્વત પર મારા માટે નવા પ્રદેશમાં ખેડાણ કરવા આવ્યો. 
એક સાધુ મળ્યો અને હું તેની પાછળ ચાલતો થયો. ચાલતો જ ગયો, ચાલતો જ ગયો. જંગલમાંથી તે મને નાનકડા ડુંગર ભણી લઈ જતો હતો. મને બધી ખબર પડતી હતી, પણ હું મારી જાતને વાળી નહોતો શકતો. હું હાંફી રહ્યો હતો, પણ મારા પગ થંભી નહોતા રહ્યા. એ સાધુએ મારા પર શું વશીકરણ કર્યું હતું એ મને સમજાતું નહોતું. મારા મનમાં અચાનક ૐ ૐ ૐની ધૂન શરૂ થઈ ગઈ. મનમાં શિવની  છબી અંકાવા લાગી. મનમાં આત્મવિશ્વાસનો ભાસ થયો, પણ પગના ડગ સાધુની તરફ જ મંડાતા હતા. આજે આટલાં વર્ષો બાદ પણ એ દૃશ્ય એમનું એમ જડાયેલું છે. તે ચાલે અને હું દોડું. પરસેવાથી પલળી ગયેલા મને નિચોવવાનો જ બાકી હતો. પપ્પાની ન ગમતી સલાહ યાદ આવતી હતી. કોઈના પર વિશ્વાસ રાખવા પહેલાં સો વાર વિચાર કરવાનો. પોતાને અને સામેવાળાને મનથી પૂરેપૂરો ચકાસી લેવાનો. પછી તનમનધનથી ભરોસો કરવો, પણ ભરોસો કરવામાં ઉતાવળ ન કરવી. મારા પપ્પા મારી કોમમાં સમૃદ્ધ વેપારી તરીકે વિખ્યાત હતા. તેમના ગામના તે નગરશેઠ એટલે અમારા ઘરે ત્યાં બહુ સાધુસંતો આવતા અને પપ્પા સાથે સત્સંગ કરતા ત્યારે મને એમ લાગતું કે મારા પપ્પા ગામમાં કંઈ ન હોવાથી ટાઇમપાસ કરી રહ્યા છે. આજે મને સમજાય છે કે અડધા સાધુ જેવા સંસારી મારા પપ્પા આધ્યાત્મિક અભ્યાસ કરીને કર્મ નિર્ઝરા કરતા હતા. ભૌતિક રીતે સફળતમ, આધ્યાત્મિક રીતે પણ સફળતાનાં શિખરો સર કરી રહ્યા હતા. આજે તેમની ઊંચાઈને નમન કરવાનું મન થાય છે. એ સમયમાં તો એમ જ થતું કે પપ્પા મને પ્રેમ નથી કરતા. તેમને ગામ અને સમાજની પડી છે, મારી નથી પડી. સમય આવ્યે હું તેમને બતાવી દઈશ. બંડખોર, બળવાખોર, રિબેલ એવો હું વાત-વાતમાં તેમની વિરુદ્ધ જ પગલાં ભરતો હતો.
અત્યારે રસ્તામાં ચાલતાં-ચાલતાં ૐની શિવની ધૂન ચાલતી હતી અને પપ્પાની યાદ આવતી હતી. પેલા સાધુ પાછળ ડુંગર ચડતાં-ચડતાં અચાનક હું પછડાયો. ઊંધે માથે ધડામ દેતોકને પડ્યો હેઠે. એ છેલ્લો અવાજ મને મારા પડવાનો સંભળાયો. મને હું નીચે ગબડતો જણાયો. બેહોશ થતાં પહેલાં મન-મગજમાં ઘણા વિચારો અથડાતા-કુટાતા-ભટકાતા છેવટે પરમ શાંતિને પામ્યા.
હું કેટલો સમય બેભાન અવસ્થામાં રહ્યો એની ખબર નથી, પણ જ્યારે આંખ ઊઘડી ત્યારે મારી આસપાસ ભગવા વસ્ત્રોમાં ચાર-પાંચ સાધુ દેખાયા. મારા માથે પાટો બાંધેલો હતો. એક હાથ પર પણ પાટાપિંડી કરેલી જણાતી હતી. હળવે-હળવે હું હોશમાં આવી રહ્યો હતો. આસપાસ ફરતા સાધુઓ મને વશીકરણ કરીને લઈ જનાર સાધુ જેવા જ જણાતા હતા. ભગવો લાંબો કુરતો ગાઉન જેવો પહેર્યો હતો. ગળામાં ત્રણચાર રુદ્રાક્ષની માળાઓ લટકાવી હતી. પગમાં એક પાદુકા જેવી ચંપલ. હાથનાં આંગળાઓમાં બેત્રણ સ્ટોનવાળી રંગબેરંગી વીંટીંઓ, માથામાં મોટો વર્ષોથી ન ધોવાયેલા વાળનો અંબોડો, લાંબી દાઢી અને આંખોમાં કાજલ અથવા સૂરમો આંજેલી લાલઘૂમ આંખો. અમુકના હાથમાં ચિલમ એટલે કે દેશી ભૂંગળી હતી. મારી પાંપણો ખૂલી અને ઉપરનું દૃશ્ય જોઈને બિડાઈ ગઈ.
મોંમાંથી સિસકારો નીકળી ગયો. હે ભગવાન, આ હું ક્યાં ઝડપાયો? ફરી આંખો ખોલી. જોયું તો એકબાજુ અગ્નિ પ્રજ્વળતો હતો. ત્યાં અમુક બાવાઓ બેસીને ચાની ચુસકી મારતા ભૂંગળીમાંથી ધુમાડો ખેંચતા હતા. એની વિચિત્ર વાસ આવતી હતી. મને લાગ્યું કે જેવો હું બેભાન થયો એટલે પેલો બાવો મને ઘસડીને અહીં આશ્રમ જેવી જગ્યામાં લઈ આવ્યો લાગે છે. હું જીવતો હતો એ બદલ ઈશ્વરનો પાડ માનતો હતો. અમુક મારી ઉંમરના અને મારાથી નાની વયના છોકરાઓ આ બાવાઓની ચાકરી કરતા હોય એમ તેમના પગ દબાવતા હતા. અમુક છોકરાઓ ચા મોટા વાસણ માંથી માટીની કુલડીમાં ઠાલવીને તેમને આપતા હતા. અમુક ભૂંગળીમાં તમાકુ ભરતા હતા.
મને લાગ્યું કે મને પણ આ લોકો આવા જ કોઈ કામમાં જોડી દેશે અને આશ્રમમાંથી બહાર નહીં જવા દે. મારું શું થશે? હવે મને ફરીથી મુંબઈ મારે ઘેર જવા મળશે કે નહીં? મારી મા તો ચિંતામાં અડધી થઈ ગઈ હશે. મને તેના હાથની ઘીમાં તરબોળ ખીચડી યાદ આવી ગઈ. મારા ભાઈઓ અને બહેનોના ચહેરા દેખાવા લાગ્યા. એ બધા કેવાં ચિંતાતુર થઈ ગયાં હશે? તેમની હું મોટાભાઈ તરીકે કેટલી સંભાળ લેતો હતો! તેમને કેટલો હેરાન કરતો હતો! તેમને ઍક્ટિંગ અને મિમિક્રી કરીને કેટલાં હસાવતો હતો! મારી બહેન સાવિત્રી અને ઊર્મિલાને લેસન કરાવતો હતો. પપ્પાના લાડકા મારા નાના ભાઈ હસમુખને ટપલીઓ મારતો! તેનાથી નાના રમતારામને રમાડતો! નાનકી ભારતીને રડાવતો. કોણ જાણે કેમ બધાં અચાનક જ યાદ આવી ગયાં અને આંખના ખૂણામાંથી દડ-દડ આંસુ ઝરવા લાગ્યાં. જો હવે પાછું જવા ન મળ્યું તો આ મારાં માવતર અને મારા અડધા અંગ જેવાં મારા ભાંડુઓને કેવી રીતે મળીશ? આ વિચારોથી મારા અંગમાં ધ્રુજારી આવી ગઈ. જ્યારે સાથે હોઈએ ત્યારે આત્મજનોની વૅલ્યુ ન હોય અને જ્યારે તેમનાથી દૂર થઈ જઈએ ત્યારે તેમની ખરી કિંમત સમજાય.
હું સૂતાં-સૂતાં આવું જ કંઈક વિચારતો હતો ત્યાં એક પડછંદ સાધુ મારા માથા પાસે આવીને ઊભો રહ્યો. લાંબો તાડ જેવો અને એકાદ ફુટની દાઢીવાળો, રાતાચોળ ડોળાવાળા જટાધારી બાવાને જોતાં જ મેં આંખો મીંચી દીધી. મને ખબર નહોતી કે મારું શું થશે. મેં લાગતાવળગતા બધા પરિવારજનોની અને મિત્રોની માફી માગી લીધી અને મનોમન તેમને ભેટી લીધું. હવે હું ફરીથી મારા લોકોને મળી શકીશ કે નહીં એની કોઈ ખાતરી નહોતી. મારી જિજ્ઞાસા મને આવી પરીક્ષામાંથી પસાર કરશે એનો અણસાર સુધ્ધાં નહોતો. બાવો મને ટગર-ટગર ટીકી રહ્યો હતો. જોઈએ શું થાય છે આવતા ગુરુવારે. 

માણો અને મોજ કરો
જાણો અને જલસા કરો
બને ત્યાં સુધી બહાર ન નીકળો. બીજા લોકોને ન મળો. હાથ ન મિલાવો. ગળે ન મળો. બુકાની બાંધી રાખો. બહાર હોશિયારી દેખાડવા ખોટાં સાહસ ન કરો. પણ અંદર તો જઈ જ શકાય. ધ્યાન કરી જ શકાય. ઊંડા શ્વાસ લેવાનું સાહસ તો કરી જ શકાય. અંદર અવયવો, અંગઉપાંગોને તો મળી જ શકાય. શ્રાવણનો મહિનો છે. ધર્મ-ધ્યાનનો મહિનો છે. અંદર ઊતરવાનો મહિનો છે. શિવ સાથે જીવ જોડવાનો મહિનો છે. વ્રત, ઉપવાસ અને વેદ, ઉપનિષદ, પુરાણો, ધર્મગ્રંથો વાંચવાનો મહિનો છે. વાંચવાનો શોખ વધારો, ધ્યાન કરો અને જલસા કરો.

 

23 July, 2020 03:54 PM IST | Mumbai | Latesh Shah

અન્ય લેખો

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

15 March, 2021 01:59 IST | Mumbai | Sanjay Goradia

જોગાનુજોગ

જોગાનુજોગ

15 March, 2021 01:45 IST | Mumbai | Samit purvesh Shroff

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

15 March, 2021 01:41 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK